૩૫. પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા...

0:000:00

'અરે! આજે આવી નિરવ શાંતિ કેમ છે દરબારમાં? બધા કેમ ઉદાસ દેખાય છે? મહારાજ ક્યાં છે?' ગઢડા આવેલા એક હરિભક્તે દાદાના દરબારનું ગમગીન વાતાવરણ જોઈ પાસે ઊભેલા એક હરિભક્તને આશ્ચર્યવત્ પૂછ્યું. પેલા ભક્તે ઊંડો નિશ્વાસ નાખી ધીરે સાદે કહ્યું: 'ખબર નહિ કેમ, શ્રીજીમહારાજ આજે બહુ ઉદાસ થઈ ગયા છે! કાંઈ જમતા નથી, પીતા નથી ને કોઈ સાથે બોલતા પણ નથી. સર્વેનાં અંતર પડીકે બંધાણાં છે!'

સં. 1886ના પોષ સુદ બીજથી મહારાજે ગઢડામાં મંદવાડ ગ્રહણ કર્યો ને દરેક વસ્તુમાંથી વૃત્તિ પાછી ખેંચી લીધી. મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું. શરીર સુકાતું ચાલ્યું. સર્વે સંત હરિભક્તોના મનમાં ચિંતા પેઠી. મહારાજ ગઢડાથી બહાર ક્યાંય જતા નહિ. રાત દિવસ અક્ષર ઓરડીમાં ઢોલિયા પર માથે ચાદર ઓઢીને મહારાજ સૂઈ રહેતા. સ. ગુ. નિત્યાનંદ સ્વામીની દેખરેખ નીચે ત્રીસ સાધુ દિવસના અને ત્રીસ સાધુ રાતના ખડે પગે મહારાજની સેવામાં રહેતા.

એ વખતે સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ હતા, મહારાજે એમને ત્યાંથી ગઢડા બોલાવ્યા. જૂનાગઢથી ગઢડા આવી બ્રહ્મમુનિ સીધા અક્ષર ઓરડીમાં મહારાજ પાસે આવ્યા. મહારાજને ચરણ સ્પર્શ કરી સ્વામી ભેટ્યા. મહારાજનું શરીર અત્યંત કૃશ થઈ ગયેલું, એ જોઈ સ્વામી પોક મૂકીને રડી પડ્યા અને નીચે બેસી ગયા. બ્રહ્મમુનિના માથે હાથ ફેરવતાં મહારાજે કહ્યું: "સ્વામી! આ શોક શા માટે? અમને તમે કેવા જાણો છો? અમારે ક્યાં આવવું ને જવું છે? અમે તો સત્સંગમાં સદાય પ્રગટ જ છીએ અને રહીશું!" મહારાજે સ્વામીને ઉઠાડ્યા ને ફરી ખૂબ પ્રેમથી ભેટ્યા. શ્રીહરિના દિવ્ય સ્પર્શથી સ્વામીનો સઘળો શોક દૂર થઈ ગયો અને એ સ્વસ્થ થઈ ગયા. એ દિવસથી બ્રહ્મમુનિ શ્રીજીમહારાજની અંગત તહેનાતમાં રહેવા લાગ્યા.

મહારાજે ધીરે ધીરે પોતાની માંદગીને ગંભીર સ્વરૂપ દેવા માંડ્યું. શરીરમાં ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. તેથી દેહક્રિયા પણ સેવા કરનારા સંતોની મદદથી કરી શકતા. અન્ન ઉપર એમને અતિશય અરુચિ થઈ ગઈ હતી. દૂધ અને રાબ પણ સંતોના અતિ આગ્રહ બાદ સહેજ હોઠે અડાડી આપી દેતા. મહારાજની આ લીલા જોઈ સમસ્ત સત્સંગ સમાજમાં એક પ્રકારની ગ્લાનિ વ્યાપી ગઈ હતી. પ્રત્યેક સંત હરિભક્તોનાં અંતર અહોનિશ રડ્યાં કરતાં ને મહારાજ સ્વસ્થ થઈ જાય તે માટે અંત:કરણપૂર્વક પ્રાર્થના કર્યા કરતાં. વૈશાખનો ધોમ ધખતો હતો. અક્ષર ઓરડીની ચારે તરફ ખસની ટટ્ટીઓ બાંધી સંતો એના ઉપર પાણીનો છંટકાવ કર્યા જ કરતા. છતાંય મહારાજ કહેતા 'અમને ખૂબ જ બળતરા થાય છે' સેવામાં રહેલા સંતો મહારાજના આ શબ્દો સાંભળી રડી પડતા. બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તો અખંડ મહારાજની સમીપે જ બેસી રહેતા. મહારાજની આ માનુષી લીલા જોઈ એમનાં નેત્રો વારંવાર સજળ થતાં. શ્રીહરિના વિયોગના વિચારમાત્રથી બ્રહ્માનંદ સ્વામીનું અંતર દ્રવી ઊઠતું. ચોધાર આંસુએ એ મહારાજનાં ચરણ પકડી ગાતા-- 'હાં રે નહિ મેલું મારા નેણાંની આગેથી નહિ મેલું.' કવિની આવી અપ્રતિમ પ્રીતિ જોઈને મહારાજ ઢોલિયામાં બેઠા થઈ સ્વામીને પોતાની પાસે બેસાડી આશ્વાસન આપતા કે "સ્વામી! ધીરજ ધરો, અમે હમણાં ધામમાં નહિ જઈએ."

મહારાજને થયું કે જો બ્રહ્માનંદ સ્વામી અહીં હાજર હશે તો અમને ધામમાં નહિ જવા દે. તેથી એમની પ્રેરણાથી થોડા દિવસ થયા હશે ત્યાં તો જૂનાગઢથી સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીનો પત્ર આવ્યો કે 'સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીને અહીં તરત જ મોકલશો. એમના વિના અહીં મંદિરનું બાંધકામ પૂરું થાય એમ નથી.' એ પત્ર વંચાવી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું: "સ્વામી! તમે આ પ્રસંગે જૂનાગઢ જરૂર જાઓ. નહિ તો મંદિર અધૂરું રહેશે."

મહારાજની આ આજ્ઞા સાંભળી બ્રહ્માનંદ સ્વામીને જાણે વીજળી પડી હોય તેવો આંચકો લાગ્યો. એ વિચારમાં પડી ગયા, મહારાજને આ સ્થિતિમાં મૂકીને કેમ જવાય? પણ ન જાઉં તો એમની આજ્ઞા લોપાય! મહારાજે લગભગ બે માસ સુધી એમને પોતાની અંગત સેવામાં રાખ્યા હતા. અત્યંત પ્રસન્નતા બતાવી વારંવાર મહારાજ પોતાનો પ્રસાદીનો થાળ એમને આપતા, હેતપૂર્વક આલિંગન આપતા અને એકાંતે અનેક મર્મની વાતો પણ કરતા. આટલું બધું સુખ બે મહિના સુધી મહારાજે આપ્યું અને હવે એમની આજ્ઞા ન પળાય તો મહારાજની પ્રસન્નતા ન રહે! આમ વિચાર કરતા સ્વામી એમના ઉતારે આવ્યા, ખૂબ મનોમંથનને અંતે એમને એક ઔષધ યાદ આવ્યું.

પોતે જ્યારે જૂનાગઢ મંદિર બંધાવતા હતા ત્યારે એક દિવસ પોતાના શિષ્ય સંતો સાથે દામોદરકુંડ તરફ નહાવા ગયેલા. ત્યાંથી ગીરનાર તરફ વિચરણ કરતા કરતા તેઓ ગીરની એક ઊંડી ખીણમાં પહોંચી ગયા, જ્યાં અનેક પ્રકારની ઔષધ વનસ્પતિઓ એમને જોવા મળી. બ્રહ્માનંદ સ્વામી એક કુશળ વૈદ્ય હતા ને વનસ્પતિના ઉચ્ચકક્ષાના જાણકાર હતા. સંશોધન કરતાં ત્યાંથી એમને સંજીવની ઔષધિ મળી આવેલી, જે એમણે પોતાની પાસે સાચવી રાખેલી. આજે એ સંજીવની યાદ આવતા એમના અંતરમાં આશાનું કિરણ પ્રગટ્યું. તત્કાળ એ અમોઘ ઔષધિ કાઢી તેની દૂધમાં કાંજી બનાવી એક નાની કટોરીમાં ભરી તેઓ અક્ષર ઓરડીમાં મહારાજ પાસે લાવ્યા. ત્યાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી બેઠા હતા. તેમને સ્વામીએ વાત કરી કે આ કાંજીમાં એવું અમૂલ્ય ઔષધ છે કે ગમે તેવી બિમારી હોય તો પણ આ કાંજી પીવાથી મટી જાય જ! માટે આ ઔષધ મહારાજને પીવડાવીએ તો જલ્દી સાજા થાય.

મુક્તાનંદ સ્વામીએ કાંજીની કટોરી હાથમાં લઈ મહારાજ પાસે જઈ એમને જગાડી પ્રાર્થના કરી કે 'મહારાજ! કૃપા કરીને આમાંથી થોડી કાંજી ગ્રહણ કરો.' મહારાજ તો અંતર્યામી! એ જાણી ગયેલા કે બ્રહ્મમુનિ સંજીવની ઔષધિ નાખીને આ કાંજી બનાવી લાવ્યા છે. મુક્તાનંદ સ્વામીનું વચન રાખવા માટે મહારાજે કટોરી હાથમાં લઈ સહેજ હોઠે અડાડીને ઢોલિયા નીચે પોતાને હાથે મૂકી દીધી અને હોઠને તરત જ રૂમાલથી લૂછી નાખ્યા(શ્રી બ્રહ્મસંહિતા પ્ર. પ, અ. પ). આ જોઈને બ્રહ્માનંદ સ્વામી તો સમજી ગયા કે હવે મહારાજ ઝાઝો વખત નહિ રહે. એમને દિલગીર હૈયે ઊભેલા જોઈને મહારાજે ફરી યાદ કરાવ્યું: "સ્વામી! તમો આજે જ જૂનાગઢ જાઓ." એ દિવસે મહારાજે પોતાનો પ્રસાદીનો થાળ બ્રહ્મમુનિને આપીને જૂનાગઢ જવા માટે વિદાય આપી. મહારાજને દંડવત્ પ્રણામ કરીને સ્વામી ચાલ્યા.

સ્વામી ગઢડાને સીમાડે ગયા ત્યાં હરણ ડાબા ઊતર્યાં, એ જોઈને સ્વામી એમના શિષ્યમંડળને કહે 'પાછા વળો આજે શુકન સારા નથી થાતાં.' સ્વામી પાછા ગઢપુર આવી અક્ષરઓરડીમાં જઈ મહારાજને દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. બ્રહ્મમુનિને પાછા આવેલા જોઈને અશક્ત હોવા છતાં મહારાજ એકદમ ઊભા થઈ ગયા ને સ્વામીને બાથમાં લઈ ખૂબ પ્રેમપૂર્વક છાતી સરસા ચાંપી મળ્યા અને પછી એમને છાતીમાં ચરણાર્વિંદ આપી આશ્વાસન આપતા બોલ્યા: 'સ્વામી દિલગીર થાવ મા! અમે તો સદાય તમારા ભેળા જ છીએ. તમો હવે જૂનાગઢ જલ્દી જાઓ.'

બ્રહ્મમુનિની આંખોનાં આંસુ કેમે કરીને નહોતા સુકાતાં! એ ભારે ધર્મસંકટમાં મુકાયા હતા. એક બાજુ શ્રીહરિનો ચિરકાલિન વિયોગ ને બીજી બાજુ શ્રીજીઆજ્ઞા! એમનું અંતર પોકારતું કે પ્રભુ! આ અગ્નિપરીક્ષા રહેવા દો! બ્રહ્માનંદ સ્વામીને સ્વસ્થ કરવા મહારાજે તેમને ગુલાબનો હાર પહેરાવી, પોતાનો પ્રસાદીનો ગૂઢો રેંટો આપી, તેમના માથે પોતાના બન્ને હાથ મૂકીને પછી તેમનો વાંસો થાબડ્યો. આથી સ્વામીને જરા હિંમત આવી. મહારાજને ફરી દંડવત્ પ્રણામ કરી તેમની મૂર્તિને નીરખતા નીરખતા પાછે પગલે ચાલી સ્વામી અક્ષર ઓરડીની બહાર નીકળ્યા ને અક્ષર ઓરડીના આંગણામાં આવી ત્યાંથી ફરી મહારાજને દંડવત્ પ્રણામ કર્યા. એમનું અંતર કેમે કરીને મહારાજને મૂકીને જવા માટે માનતું નહોતું, પણ શ્રીજીઆજ્ઞાએ એમ કર્યા વગર ચાલે એમ નહોતું. અંતે બ્રહ્માનંદ સ્વામી એમના શિષ્યમંડળ સાથે ભારે હૈયે અને વ્યથિત મને ગઢડા છોડી જૂનાગઢ જવા રવાના થયા.*

* સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી ૧૮૮૬ના જેઠ સુદ ચોથને દિવસે જૂનાગઢ પહોંચ્યા હતા એમ સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ નોંધે છે.

સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીના ગયા બાદ લગભગ દશેક દિવસે સં. 1886ના જેઠ મહિનાની શુકલ પક્ષની દશમને મંગળવારે મધ્યાહ્ન સમયે મહારાજે દેહોત્સવ કર્યો.

સૌ સંતો તથા હરિભક્તોને મહારાજ ધામમાં ગયાના સમાચાર મળતાં જાણે વજ્રાઘાત થયો હોય એવા મહારાજના આ પ્રાણઘાતક વિયોગે સૌનાં અંતર ભાંગી નાખ્યાં. અક્ષર ઓરડી અને દાદાનો દરબાર ભક્તજનોના હૃદયવિદારક રૂદન અને આર્તનાદથી ધ્રૂજી ઊઠ્યા. આખુંય ગઢડું આ અસહ્ય દુઃખના કારમા આઘાતથી ગ્રસ્ત થયેલા ભક્તજનોના છાતીફાટ આક્રંદથી શોકમાં ડૂબી ગયું! સ. ગુ. ગોપાળાનંદ સ્વામીએ સૌને સાંત્વના આપી શાંત કર્યા. લક્ષ્મીવાડીમાં મહારાજના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યા બાદ સ. ગુ. ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીને બોલાવવા માટે મોકલ્યા.

જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી મંદિરના ઘુમટ આગળ ધાબામાં કડિયાઓ પાસે કામ કરાવી રહ્યા હતા. એ વખતે એમણે દૂરથી ભગુજીને કાળાં વસ્ત્રોમાં ઊંટ ઉપર આવતા જોયા. એ તરત જ બધું સમજી ગયા ને નીચે ઊતરતાં કડિયાને બૂમ પાડીને કીધુ, 'રત્ના! એ પાણો હવે ચોડજે મા, કપટીએ કપટ કર્યું છે.' આંસુ નીગળતે નયને એમણે ભગુજી પાસેથી સર્વે સમાચાર જાણ્યા ને પછી સ્નાન કરી એ દિવસે ઉપવાસ કર્યો. બીજે દિવસે જૂનાગઢના મંદિરની છેલ્લી વિદાય લઈ એ દેવાનંદ સ્વામીની સાથે ગઢપુર તરફ રવાના થયા.

ગઢપુર આવીને બ્રહ્મમુનિ દાદા ખાચરના દરબારમાં સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. મુક્તાનંદ સ્વામી તથા સ.ગુ. નિત્યાનંદ સ્વામીને મળ્યા. સજળ નયને સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ મુનિને આજીજીપૂર્વક કહ્યું: 'સ્વામી! મારા આવતા પહેલાં મારા પ્રાણાધારનાં અગ્નિસંસ્કાર કરી નાંખ્યા તે ઠીક ન કર્યું. હું એમને અક્ષરધામમાંથી પાછા બોલાવીને બેઠા કરત, પણ શરીર ગયા પછી હવે શો ઉપાય?'

યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ એમને શાંત કરતાં કહ્યું: 'સ્વામી! મહારાજ તો સત્સંગમાં સદાય પ્રગટ જ છે.'

પછી સ્વામી અક્ષર ઓરડીમાં ગયા ત્યારે મહારાજ વિના સૂની સૂની અક્ષર ઓરડી જોઈ વિરહાતુર થઈને છાતીફાટ રડ્યા અને પછી ત્યાંથી ચોધાર આંસુએ રડતા રડતા ગોપીનાથજીના મંદિર ઉપર દર્શન કરવા સારુ પગથિયાં ચડવા લાગ્યા. મહારાજના ચિર વિયોગે વ્યાકુળ બનેલું એ સંવેદનશીલ કવિહૃદય મંદિરની રૂપચોકીમાં ગોપીનાથજીની મૂર્તિ આગળ અશ્રુભરી આંખે પ્રગલ્ભસ્વરે ગાઈ ઊઠ્યું:

'પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા,

હીયરા ધીર ધરત નહિ મેરા'

વિપ્રલંભ વિરહ વિભાવનાના આ પદના કરુણગાન સાથે સૌના આશ્ચર્ય વચ્ચે ગોપીનાથજીની મૂર્તિમાંથી શ્રીજીમહારાજ દિવ્યસ્વરૂપે પ્રગટ થઈને સ્વામીને સામા આવીને ભેટ્યા અને પુષ્પનો સુગંધિત હાર પહેરાવી એમના વિરહતાપને શાંત કર્યો(શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભાગ-૨, વાત-૩૨૮).

કાવ્યકૃતિ : (રાગ: પરજ)

પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા,

હીયરા ધીર ધરત નહિ મેરા. ટેક.

દરસ બિના દિલ દાહ ન બૂઝત,

નહિ સૂજત કછુ કાજ અનેરા. ૧

રસિક પિયા ઘનશ્યામ મનોહર,

રજની દિવસ રહો દગનેરા. ૨

ચાતક નિરંતર ચિત્તમેં,

તલખત નામ રટત હરિ તેરા. ૩

બ્રહ્માનંદ ઉરનેહ વધારન,

ભવજલ તારન હો તુમ બેરા. ૪


આસ્વાદ :

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓમાં બ્રહ્માનંદ સ્વામીનું સ્થાન વિશિષ્ટ છે. શ્રી સહજાનંદ સ્વામીના સંતો સાથેના વાર્તાલાપમાં એકવાર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું: 'પ્રભો! આમ તો નિર્બળ છું, પરંતુ આપના બળે છંદ, છપ્પયમાં મને કોઈ પહોંચી શકે એમ નથી. મારાં પદોમાં જે પ્રાસ સાથે ઝડઝમક છે, લાલિત્ય છે, તે અન્ય કવિ ન લાવી શકે.' બ્રહ્માનંદ સ્વામીનાં બધાં પદો ગેય હોવાથી એનું સ્વરૂપ સંગીતના સૂર તથા લયથી બંધાયેલું છે. પ્રેમાનંદ સ્વામીનાં પદોની જેમ એમાં રાગવૈવિધ્ય પુષ્કળ પ્રમાણમાં છે અને વિવિધ રાગરાગિણીઓમાં ભાવોન્મેષ સાથે સંગીતનો સમન્વય થયેલો છે.

વિયોગમાં પ્રેમને કારણે ચિત્તની સ્થિતિ અનુરાગમયી બની પૂર્વે માણેલ સંયોગશૃંગારની સ્મૃતિમાં લીન રહે એને વિપ્રલંભ શૃંગારની પ્રેમવૈચિત્ર્યની સ્થિતિ કહે છે. એક રીતે આ પૂર્વાનુરાગ દશા જ છે. વિરહાવસ્થા નિરૂપતા બ્રહ્માનંદ સ્વામીના પ્રસ્તુત પદમાં વિરહનું એક મહત્ત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. કવિની સમગ્ર અક્ષરસાધનાનો વિશેષ વૈભવ વિયોગવ્યંજનામાં અહીં અભિવ્યક્ત થયેલો જોવા મળે છે. તેથી જ એમની આ વિયોગાત્મક કવિતા પ્રણયસાધનાની કવિતા બની છે!

પ્રેમને પુષ્ટ કરનાર વિરહાનુભૂતિ પણ ઈશ્વરભક્તિનું મહત્ત્વનું અંગ મનાય છે. પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રેમીભક્ત પ્રભુના વિયોગમાં વિરહિણી બનીને એમની પ્રતીક્ષા કરે છે, વિલાપ કરે છે અને હૃદયની તીવ્ર આરજૂથી ઝંખે છે. વિરહાગ્નિમાં તપ્ત બની માનસિક વ્યથા અનુભવતો ભક્ત પરમ વિરહાસક્તિની માર્મિક અનુભૂતિ વ્યક્ત કરે છે. ખરેખર તો પ્રભુપ્રેમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી પરમ વિરહાસક્તિમાં જ અનુભવાય છે, કારણ કે પરમ વિરહાસક્તિ એ પ્રેમની અંતિમ અને મહત્ત્વની અવસ્થા છે. સાચા પ્રેમની અંતર્ગત વિરહ સદાયે સમાયેલો હોય જ છે!

'પ્રાણ સનેહી ઘરું આવો અબ પિયરા,

હીયરા ધીર ધરત નહિ મેરા;

દરસ બિના દિલ દાહ ન બૂઝત,

નહિ સૂજત કછુ કાજ અનેરા.'

બ્રહ્માનંદ સ્વામીનું અંતર આજે પ્રાણપ્યારા પ્રિયતમ શ્રી સહજાનંદ સ્વામીના વિયોગે વ્યાકુળ બન્યું છે. વિરહાસક્તિના અંતિમે એમનો જીવ અધીરો બને છે. પ્રાણેશ્વરનાં દર્શન વિના હવે દિલની દાહ બુઝાય એમ નથી. વ્યથિત હૃદયે કવિને કાંઈ જ સૂઝતું નથી. એથી જ કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને અંત:કરણપૂર્વક આજીજી કરે છે કે પ્રભુ! આપ અહોનિશ મારી સામે રહો--પ્રત્યક્ષ રહો. મારું આતુર હૈયું ચાતકની જેમ આપનાં દર્શનની આશમાં તલસ્યા કરે છે, તમારા નામની માળા જપ્યા કરે છે. માટે કૃપાળુ! હવે દર્શન દઈ મારા વ્યાકુળ હૃદયને આનંદિત કરો. મહારાજ! આ સંસારસાગર તરવા માટે આપ જ નૈયારૂપ છો. આપના આશ્રય વિના ભવસાગર પાર કરવો દુર્લભ જ નહિ, અશક્ય જ છે!

બ્રહ્મમુનિની પ્રસ્તુત વિરહવિભાવનામાં કરુણાત્મક વિયોગશૃંગારની વ્યાપકતા જોવા મળે છે. પદ ગેયતત્ત્વથી સભર છે.