પરિશિષ્ટ-૧ : સ. ગુ. દેવાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન પરમહંસોમાં દેવાનંદ નામે ચાર સંતો થઈ ગયા.

(૧) સંન્યાસી દેવાનંદ સ્વામીઃ આ સંન્યાસી દેવાનંદ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. સં. ૧૮૫૬ના શ્રાવણ માસમાં જ્યારે શ્રીજીમહારાજ નીલકંઠવર્ણીરૂપે લોજ ગામે પ્રથમ સ. ગુ. મુક્તાનંદ સ્વામીને મળ્યા ત્યારે આ દેવાનંદ સંન્યાસી ત્યાં મુક્તાનંદ સ્વામી સાથે રહેતા હતા. મહારાજ સત્સંગમાં આવ્યા પછી આ દેવાનંદ સંન્યાસી મહારાજના અનન્ય આશ્રિત થઈને સદાય તેમની સાથે રહેતા હતા. અમદાવાદના સૂબાએ મહારાજને પોતાને ત્યાં બોલાવી તેલના ટાંકા ઉપર ગાદી નાંખી બેસાડવાનું કપટ કર્યું હતું ત્યારે આ દેવાનંદ શ્રીહરિ સાથે જ હતા, મહારાજની ટકોરને લીધે જ સૂબાએ ભસ્મસાત્ કરી નાખે તેવો તેમનો પુણ્યપ્રકોપ શાંત રહ્યો હતો.

(૨) ગવૈયા દેવાનંદ સ્વામી- ચારણ જ્ઞાતિના આ સંતને મહારાજે જૂનાગઢમાં દીક્ષા આપી હતી. તેઓ કુશળ ગવૈયા હતા. ધર્મપુરમાં મહારાણી કુશળકુંવરબાના દરબારમાં તેમણે જ શાસ્ત્રીય સંગીત સહિત કીર્તનો ગાયાં હતાં. સૂરતમાં અરદેશર કોટવાલના બંગલે પણ આ જ દેવાનંદે ગાન કરીને સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના તેઓ પ્રથમ કક્ષાના શાસ્ત્રીય ગાયક હતા. જો કે તેઓ કવિ નહોતા, પણ સૂરદાસ, મીરા, તુલસીદાસ, નરસિંહ મહેતા તથા સંપ્રદાયના અન્ય પ્રમાણિત કવિઓનાં કાવ્યો ગાતાં હતાં.

(૩) કવિ દેવાનંદ સ્વામી- સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય અને પાછળથી મૂળી મંદિરના મહંત બનેલા આ સ્વામી દેવાનંદ પણ ગઢવી હતા. તેઓ કવિ હતા, સાથે સાથે ગાયક પણ હતા.

સ. ગુ. મંજુકેશાનંદ સ્વામીએ ‘નંદમાળા’માં લખ્યું છે કેઃ

‘દેવાનંદ ગવૈયા ઉદાર,

દેવાનંદ કવિ બીજા સાર.

દેવાનંદ રૂડા સરસ્વતિ રે,

જેની હરિ માંહે નિત્ય મતિ રે.’

આથી તો સાબિત થઈ જ જાય છે કે ગવૈયા દેવાનંદ સ્વામી અને કવિ દેવાનંદ સ્વામી એક નહિ પણ અલગ અલગ સંતો હતા.

(૪) બ્રહ્મચારી દેવાનંદ સ્વામી– આ ઉપરાંત સંપ્રદાયમાં દેવાનંદ બ્રહ્મચારી નામે પણ નિર્માની સંત થઈ ગયા.