૩૧. લગાડી તેં પ્રીતિ લાલ રે....

0:000:00

સં. 1882ના કારતક સુદિ એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર અયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઇચ્છારામભાઈના પુત્ર રઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ અને વડતાલ એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા. ત્યાર બાદ સં. 1883ના માગસર સુદિ પૂનમના દિવસે મહારાજે શુકમુનિ પાસે દેશ વિભાગનો પાકો લેખ તૈયાર કરાવી ગઢડામાં વાસુદેવનારાયણના ઓરડામાં રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ તથા સર્વ ધર્મકુળના કુટુંબીજનો તેમજ સંત હરિભક્તો સમક્ષ વંચાવ્યો.

ઇચ્છારામભાઈને એ વખતે અસાધ્ય મંદવાડ લાગુ પડ્યો હતો. દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદો વાસુદેવનારાયણનો ઓરડો છે, ત્યાં ઇચ્છારામભાઈનો ઉતારો હતો. મહારાજ 'ઉગામેડી' ગયા હતા, ત્યાંથી આવ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે ભાઈની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. મહારાજ તત્કાળ ઇચ્છારામભાઈ પાસે આવ્યા. ભાઈનું શરીર બહુ કૃશ થઈ ગયું હતું. મહારાજનાં દર્શનની જ એકમાત્ર તેમને ઝંખના હતી. મહારાજ પધાર્યા એટલે તેમના દર્શનથી ભાઈને અતિ આનંદ થયો; એમની આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ.

તે જોઈ મહારાજે તેમને કહ્યું: "ભાઈ! આયુષ્ય તો આજે પૂરું થાય છે, પણ જો આ લોકમાં વધુ રહેવાની ઇચ્છા હોય તો વધુ આયુષ્ય આપીએ."

આ સાંભળી ઇચ્છારામભાઈએ બે હાથ જોડ્યા અને ગદગદ કંઠે બોલ્યા: "ભૈયા! આપ તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો. તેથી આપના સાંનિધ્યમાં મારો દેહ પડે તેથી મોટું બીજું મારું શું ભાગ્ય હોઈ શકે! આ દેહ હવે ર્જીણ થઈ ગયો છે, આ લોકની હવે અંતરમાં કોઈ વાસના નથી. આપના સ્વરૂપમાં જ મારી વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. તેથી આ દેહ છોડાવી બ્રહ્મમય તનુ ધરાવી અક્ષરધામમાં આપની સેવામાં મૂકી દો અને એ શાશ્વત સુખનો અનુભવ કરવા દો. હવે મારે બીજી કોઈ ઇચ્છા રહી નથી." મહારાજ તેમની સમજણ જોઈ બહુ રાજી થયા. થોડી વારમાં ઇચ્છારામભાઈએ દેહત્યાગ કર્યો(સં. ૧૮૮૩ના પોષ સુદ ૮ના શુક્રવારે).

ઇચ્છારામભાઈ ધામમાં ગયા તે સમાચાર દરબારમાં પ્રસરી ગયા. મહારાજે તરત જ જરી અને કિનખાબ ભરેલ સુશોભિત વિમાન તૈયાર કરાવ્યું. ઇચ્છારામભાઈના ભૌતિક દેહને ષોડશોપચારે સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી વિમાનમાં પધરાવ્યો. રઘુવીરજી મહારાજે તેમના પિતાશ્રીના દેહનું પૂજન કર્યું, આરતી ઉતારી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને નજીક બોલાવી કહ્યું: "સ્વામી! કીર્તન બોલો."

બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા મળતાં તરત કીર્તન ઉપાડ્યું:

'લગાડી તેં પ્રીતિ લાલ રે...

પ્રીતલડી તો લગાડી, લગાડી તેં પ્રીતિ લાલ રે....'

પછી રઘુવીરજી મહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ, ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ એ ચારેએ વિમાન ઉપાડ્યું અને ઝાંઝ, પખવાજ વગાડતાં તથા નારાયણ ધૂન્ય કરતાં હરિભક્તો સ્મશાનયાત્રામાં ચાલ્યા. મહારાજ તથા દાદા ખાચર પણ સાથે ચાલ્યા. ઘેલા કાંઠે અગ્નિસંસ્કાર કરી, મહારાજે સભા ભરી. એ વખતે પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું: "સ્વામી! 'લગાડી તેં પ્રીતિ લાલ રે' કીર્તન ગાઓ.''*

* શ્રી કૃષ્ણાનંદ સ્વામી રચિત શ્રી હરીચરિત્રામૃતમાં એવો ઉલ્લેખ છે કે ઈચ્છારામજી ધામમાં પધાર્યા બાદ દાદાના દરબારમાં ભરાયેલી સભામાં મહારાજે કૃષ્ણાનંદ સ્વામીએ તે સભામાં ગાયું હતું.


બ્રહ્મમુનિએ ખૂબ ભાવથી ફરી એ કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા: "આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું ઇચ્છારામજીને અમારી સાથે હેત હતું." બ્રહ્મમુનિ ઉપર ખૂબ પ્રસન્નતા બતાવીને મહારાજે પોતે ઓઢેલો ચોફાળ સ્વામીને આપ્યો.

ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે: "મહારાજ! આ તો નવો જ ચોફાળ છે, તે તમારે ઓઢવાના કામમાં આવશે. મને તમારો ઓઢેલો જૂનો પ્રસાદીનો ચોફાળ આપો."

પછી મહારાજે પોતે નિત્ય ઓઢતા હતા તે જૂનો ચોફાળ સજ્જામાંથી મંગાવીને આપ્યો. ત્યાર બાદ મહારાજે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું: "આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યાં પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકર નિત્ય આપવા." એમ મહારાજે બન્ને આચાર્યોને સ્વામીની સંભાળ રાખવાની ભલામણ કરી.

કાવ્યકૃતિ : (રાગ: પરજ)

લગાડી તેં પ્રીતિ લાલ રે, (2) પ્રીતલડી તો લગાડી. ટેક.

પ્રીતમ માર્યા પ્રેમનાં, તમે તીખાં રે તીખાં બાણ;

જોતાં તમને નાથજી રે, થયા પરવશ મારા પ્રાણ રે. પ્રીત.

વાલી ભૃકુટિ વાંકડી, વાલા લાગે છે સુંદર વેણ;

હરિવર તમને નીરખવા, મારાં નાખે છે ઝડપું નેણ રે. પ્રીત.

હાર હજારી પહેરિયો, નેણુંનો નજારો જોર;

બ્રહ્માનંદ કે' હૈડે વસ્યા, કોડીલો ધર્મકિશોર રે. પ્રીત.


આસ્વાદ :

આ પદમાં કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી પ્રેમીભક્તરૂપે પ્રભુ પ્રત્યેના પોતાના અનન્ય પ્રેમનો એકરાર કરે છે.

પ્રીતિનું કારણ પ્રભુ પોતે જ છે. પ્રભુની રૂપરસિકતાએ જ પરાણે પ્રેમાકર્ષણ ઊભું કર્યું છે એવો કવિનો દાવો છે. અને એ દાવો ખોટો પણ નથી, કારણ કે શ્રીજી સ્વયં રસનિધિ છે, રસરૂપ છે, रसो वै स: છે. સર્વે રસ પરમાત્માની મૂર્તિમાં સમાયેલા છે. પ્રેમ અને સૌંદર્યનો પરસ્પરાવલંબિત સંબંધ લાંબો અને ગાઢ છે. પ્રેમનું મૂળ કારણ પણ સૌંદર્ય છે. વળી પ્રેમમૂર્તિ પ્રભુ પોતાના પ્રાણપ્યારા ભક્ત પ્રત્યે પ્રેમરસ વરસાવી પ્રેમનું સિંચન કરે છે. તેથી કવિ મધુર ઉપાલંભ સાથે પ્રિયતમ પ્રભુને કહે છે:

'પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં રે તીખાં બાણ;

જોતાં તમને નાથજી રે, થયા પરવશ મારા પ્રાણ.'

પ્રભુએ પ્રેમનાં તીખાં બાણ વરસાવીને ભક્તના અંતરમાં પ્રેમનો વેધ કર્યો છે. પ્રભુ તો પ્રેમનો સાગર છે. એ સાગરનું એક બુંદ પણ જો મળી જાય તો ભક્ત એમાં ભાવવિભોર બની ડૂબી જાય છે. એ પ્રેમરસમાં લીન થતાં પ્રેમી ભક્તનાં પ્રાણ પરવશ થઈ ઈશ્વરને આધિન થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુએ પાંચમા પુરુષાર્થના રૂપમાં 'પ્રેમ'ની પ્રતિષ્ઠા કરી છે, એટલું જ નહિ, પણ 'પ્રેમ'ને જ સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ ગણ્યો છે.

કવિને શ્રીજીના સુંદર રાજીવ લોચન તથા વાંકડી ભૃકુટિ અત્યંત વ્હાલી લાગે છે. બ્રહ્માનંદને એ રસિકરૂપનું આકર્ષણ એવું થયું છે કે કવિથી કહેવાઈ જાય છે--

'હરિવર તમને નીરખવા, મારાં નાખે છે ઝડપું નેણ.'

હજારી હાર પહેરેલા સુંદર દર્શનીય નયનવાળા કોડીલા કિશોરમૂર્તિ શ્રીજીપ્રભુ કવિના હૃદયાસન ઉપર અખંડ બરાજમાન થયાં છે.

બ્રહ્મમુનિ મર્મી કવિ છે. એમણે પ્રેમનાં સૂક્ષ્માતિત સૂક્ષ્મ તત્ત્વને અત્યંત આસાનીથી ઈશ્વરાનુરાગી ભક્તના ભાવ-સંવેદનો દ્વારા સચોટ અભિવ્યક્ત કર્યું છે, તેથી જ શ્રીજીમહારાજને આ કાવ્ય અત્યંત પ્રિય હતું અને એમણે વારંવાર આ કીર્તન ગવડાવ્યું હતું.

કાવ્યમાં મધુરતા-પ્રાસાદિકતાના ગુણ ધ્યાન ખેંચે છે.