ઉપોદઘાત
ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુધર્મમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિને પરાપૂર્વથી બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. છેક ઋગ્વેદની ઋચાઓમાં આ પરાત્પર ભક્તિનાં મૂળ જોવા મળે છે. જ્ઞાન, કર્મ અને ઉપાસના એ વૈદિક ભક્તિનાં ત્રણ અંગો છે.
વૈદિક ભક્તિધારા કાળાનુક્રમે ઉપનિષદમાં વધુ પ્રોજ્જવલપણે પ્રકાશે છે: रसं हि अयं लब्ध्वा आनंदी भवति । (ત0 7-2) 'રસરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને સાધક આનંદમય બની જાય છે.' આ પછી લખાયેલ 'નારદ ભક્તિ સૂત્ર'માં ભક્તિનું સાંગોપાંગ વર્ણન કરવામાં આવેલું છે. એમાં નારદે ભક્તિના સૂત્રને સ્પષ્ટ સમજાવી એને 'પરમ પ્રેમરૂપા' કહી તેનું પ્રધાન લક્ષણ 'ઈશ્વરમાં પરાનુરુક્તિ' ગણ્યું છે. નારદે ઈશ્વરને સગુણ સાકાર મૂર્તિમાન માની જ્ઞાન અને કર્મની સરખામણીએ પ્રેમ અને શ્રદ્ધા પર વિશેષ ભાર મૂક્યો છે. કાળાનુક્રમે હિન્દુધર્મમાં અનેક મતમતાંતરો અસ્તિત્વમાં આવતા વિવિધ સંપ્રદાયો દ્વારા તેમ જ અનેક આચાર્યો ને વિદ્વાનો દ્વારા ભક્તિની વિવિધ વ્યાખ્યાઓ અસ્તિત્વમાં આવી.
શાંડિલ્ય ભક્તિસૂત્ર અનુસાર પ્રભુમાં પ્રેમ એ જ પરાભક્તિ છે. એ પ્રીતિ પણ પ્રભુના પરમ અનુરાગમાંથી જન્મી હોય છે. જ્યારે નારદ ભક્તિસૂત્ર મુજબ પરમ પ્રેમરૂપી ભક્તિ એ જ અમૃત સ્વરૂપા છે. આ પ્રેમ પાંગરે છે આસક્તિથી, તેથી આસક્તિનો ઉદભવ એ પ્રેમનું મૂળ છે. પરાશર 'પૂજાદિમાં અનુરાગ'ને ભક્તિ ગણે છે, જ્યારે ગર્ગમુનિ 'હરિકથામાં અનુરાગ'ને ભક્તિ માને છે. લિંગ પુરાણમાં 'મન, વચન અને કર્મે કરીને ઈશ્વરની સેવા કરવી' એને ભક્તિ કહી છે. જ્યારે સનતકુમાર સંહિતામાં 'સર્વ પ્રકારનાં દુ:ખો સહન કરવા' એ તિતિક્ષાને જ ભક્તિ ગણી છે. આ સિવાય વિવિધ સંપ્રદાયના આચાર્યોએ પણ પોતાની આગવી શૈલીમાં ભક્તિની વ્યાખ્યા આપી છે.
શ્રી રામાનુજાચાર્યે અને શ્રી માધવાચાર્યે ભક્તિમાં ધ્યાન અને ઉપાસનાને અનોખું મહત્ત્વ આપ્યું છે. શ્રી નિમ્બર્કાચાર્ય અને શ્રી વલ્લભાચાર્ય ભક્તિમાં પ્રેમલક્ષણાને પ્રાધાન્ય આપે છે. તો વળી ચૈતન્ય ભક્તિમાં માધુર્યનું તત્ત્વ ઉમેરી એને વધુ ભાવપૂર્ણ બનાવે છે. પરંતુ ભક્તિની આ પરંપરાને જો કોઈએ સર્વાંગ સંપૂર્ણ સ્વરૂપ આપ્યું હોય તો એ ભગવાન શ્રી સ્વામિનારાયણે!
ભગવાન સ્વામિનારાયણે નવધા ભક્તિને પ્રમાણ ગણી તો છે પણ એમાં અતિ સ્નેહયુક્ત માહાત્મ્યજ્ઞાને સહિત પતિવ્રતાની ટેકવાળી નિષ્કામ ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. શ્રીજી સ્વયં શિક્ષાપત્રીમાં લખે છે: "माहात्म्यज्ञान युग्मभूरिस्नेहो भक्तिश्च माधवे।" (શ્લોક: 103).... "ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી..."
પરમાત્મા પ્રત્યેના અનન્ય પ્રેમ પાછળ એક મૂળગામી તત્ત્વ છુપાયેલું છે, ને તે છે પરમાત્મા પ્રત્યેની અનન્ય નિષ્ઠા! અનન્ય નિષ્ઠા વિના અનન્ય પ્રેમ ક્યારેય ન સંભવે. પરંતુ પરમાત્મા પ્રત્યે અનન્ય નિષ્ઠા ઉત્પન્ન કરવા માટે પરમાત્મા વિષે માહાત્મ્યજ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. પરમાત્માનો પરમ મહિમા જાણ્યા વિના પ્રેમ અપૂર્ણ રહે છે. સારંગપુરના પાંચમા વચનામૃતમાં તેથી જ શ્રીહરિએ શ્રીમુખે કહ્યું છે કે સ્નેહ તો હોય પણ જો માહાત્મ્યજ્ઞાન રહિત હોય, તો તે ભક્તિ અંતે નાશ થઈ જાય છે. વચનામૃતમાં ઠેર ઠેર શ્રીજીમહારાજે ભક્તિના સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપની વિશદ છણાવટ કરી છે. એમાં પરા અને અપરા બન્ને ભક્તિને મહારાજે માન્ય રાખી છે. સકામ અને નિષ્કામ ભક્તિમાં નિષ્કામ ભક્તિને પ્રાધાન્ય આપતાં મહારાજ ભક્તિના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકાર બતાવે છે. શ્રીહરિને મતે પ્રત્યક્ષ પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠતમ છે. પ્રત્યક્ષની ભક્તિ એટલે સર્વ અવતારોના કારણ અવતારી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની માહાત્મ્યજ્ઞાને યુક્ત નિષ્કામ ભક્તિ!
પ્રગટ પરમાત્માની પ્રત્યક્ષ ભક્તિમાંથી જ સ્વામિનારાયણીય સંત કવિઓની સંતવાણી પ્રગટી છે! તેથી જ ખ્યાતનામ લેખક શ્રી કિશોરલાલ મશરૂવાળા એ સંત કવિઓ વિષે લખતાં એમ જણાવે છે કે, 'તેઓ ભક્તિ કરતાં કરતાં કવિતામાં સરી પડ્યા હતા.' શ્રી કિશોરલાલનું વિધાન વાજબી છે, કારણ કે એ સંતોને મન પ્રગટની પ્રત્યક્ષ ભક્તિ એ જ સર્વ કાંઈ હતું; કવિતા તો એ ભક્તિની આડ પેદાશ હતી.
કેટલીક વાર એ સંત કવિઓએ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની પ્રેરણા અનુસાર પ્રગટની લીલા પરોક્ષ અવતારોનાં કીર્તનો રચીને ગાઈ છે, એમાં પણ એ કવિઓનો ઉદ્દેશ તો ફક્ત શ્રીજીમહારાજની આજ્ઞાનું પાલન કરી એમની અવિચ્છિન્ન પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો જ હતો. સ્વામિનારાયણીય અષ્ટછાપના કવિઓ પૈકીના સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્ઞાની કવિ છે, બ્રહ્મમુનિ સખા છે, તો પ્રેમસખી પ્રેમાનંદે સખીભાવે શૃંગારભક્તિની રસિક કવિતાઓ રચી છે. નિષ્કુળાનંદ વૈરાગી કવિ છે, દલપતગુરુ દેવાનંદ અને મંજુકેશાનંદે પણ નિષ્કુળાનંદ સ્વામીની જેમ વૈરાગ્યપ્રેરક ઉપદેશાત્મક કાવ્યો ગાયાં છે. ભૂમાનંદ અને દયાનંદ શૃંગારરસના રસિક કવિ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ અષ્ટાનંદી કવિઓનો બહુ મોટો ફાળો છે. તેથી જ આ કવિવરોને બિરદાવતાં મહાકવિ ન્હાનાલાલ લખે છે:
"ફૂલ જેમ સુગંધથી પરખાય, સંપ્રદાય એમ એની કવિતાથી પરખાય. આ યુગના કોઈ પણ નવા સંપ્રદાયમાં હજી નથી જન્મી એવી અને એટલી સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા છે. દયારામનાં તનમનાટ, તાલાવેલી, ઉછળાટ ને આવેગ એમાં તાદૃશ્ય ખડાં છે. નરસિંહના ભરવેગ ભાવપૂર, મીરાંનું લાડસોહામણું લાવણ્ય, ભોજાના ચાબખા, અખાના હથોડા, ધીરાની કાફીઓ, રત્નાના મહિના, રાજેનો તલસાટ: કવિતાના એ સૌ રસ પ્રકારો સ્વામિનારાયણીય કવિતા ભંડારે ભરેલા છે." (કવિ શ્રી ન્હાનાલાલ રચિત સમશ્લોકી શિક્ષાપત્રીની પ્રસ્તાવના: પૃ. 24)
એ સંત કવિઓની કવિતાની મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા એ છે કે એ સંતકવિઓનો સ્વાનુભવજન્ય આધ્યાત્મિક આનંદ જ એમની કવિતાનો ઉદગમ હતો. એ સંતોએ પોતાના પ્રિયતમ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામી સાથે ફાગવસંતના ઉલ્લાસભર્યા ઉત્સવો ઉજવ્યા હતા, ઘેલા ને ગોમતીમાં જળ ક્રીડાઓ કરી હતી, સમૈયાઓ માણ્યા હતા ને ચાંદની રાતે રાસ ખેલ્યા હતા! પ્રેમાસ્પદ પ્રભુના દિવ્ય સાંનિધ્યમાં ગાળેલી એ રમણીય ક્ષણોનાં સ્પંદનોએ એમના અંતરમાં જે સ્વાનુભવજન્ય અલૌકિક આનંદના તરંગો પ્રગટાવ્યા, એ તરંગોમાંથી ઉદભવી આવતું સંગીત કમનીય કવિતાનું રૂપ ધરી લેતું!
કાવ્ય તો સૌ રચે છે, પણ એ કાવ્ય સાર્થક તો ત્યારે જ થાય જ્યારે એ જેના અર્થે રચવામાં આવ્યું હોય; જેના અંગે રચવામાં આવ્યું હોય એ એને સ્વીકારે તથા રચનારનું પ્રસન્નતાપૂર્વક અભિવાદન કરી એને મોજ આપે. પ્રસંગે પ્રસંગે પરમાત્માની પ્રત્યક્ષ પ્રેરણા પામીને રચેલાં કાવ્યો જ્યારે એ સંતો સમયાનુસાર શાસ્ત્રીય રાગ-રાગિણીમાં ગાતા ત્યારે સન્મુખ બેઠેલા શ્રીજી પ્રસન્ન થઈ ખસતા ખસતા એ ગાનાર સંત પાસે આવી પ્રેમપૂર્વક એ સંતકવિને શિરપાવ આપતા. આને કારણે જ સ્વામિનારાયણ સંત-કવિતા સાર્થક કવિતા બની છે.
આવી 'સાર્થક સંત-કવિતા' પૈકીની કેટલીક કવિતાઓને, એની રચના જે ઐતિહાસિક પ્રસંગે થયેલી એ કાવ્ય-પ્રસંગના સંદર્ભ સાથે મૂકી એ કાવ્યનું આસ્વાદમૂલક વિવરણ આપીને -એ ત્રણેનો સુભગ સમન્વય સાધી આ 'કીર્તનમાધુરી'નો મધુપર્ક તૈયાર કરી સમસ્ત સત્સંગ સમાજ તથા કાવ્યપ્રેમી સાહિત્ય રસિકો સમક્ષ મૂકતાં અત્યંત આનંદ અનુભવું છું. કાવ્ય-પ્રસંગને એના ઐતિહાસિક તત્ત્વમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિના નાટ્યાત્મક શૈલીમાં વર્ણવી, એની સાથે પ્રાસંગિક કવિતા મૂકી, એનું આસ્વાદમૂલક વિવરણ આપીને અહીં સાહિત્યિક દૃષ્ટિએ એક નૂતન અભિગમ અપનાવવાનો યથેચ્છ પ્રયત્ન કર્યો છે.
મારા મુરબ્બી મિત્ર અને ખ્યાતનામ સાહિત્યકાર ડૉ. લવકુમાર દેસાઈ આ અભિગમને 'અનોખું બિલ્વપત્ર' કહી બિરદાવે છે. ડૉ. દેસાઈએ 'કીર્તનમાધુરી'ની પ્રસ્તાવના લખી મને ઉપકૃત કર્યો છે એ બદલ હું એમનો અત્યંત ઋણી છું. આ ગ્રંથના લેખનમાં જરૂરી સૂચનો દ્વારા સહાય કરવા બદલ પરમ ભગવદીય વિદ્વાન પ્રોફેસરો ડૉ. હરિલાલ ગોહિલ, ડૉ. ચંદ્રકાંત ત્રિવેદી અને ડૉ. હરિપ્રસાદ ઠક્કર તથા મિશનની પ્રકાશન સમિતિનો હું અત્યંત આભારી છું. વિશેષે કરીને જેમના કુશળ માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની પ્રકાશન સમિતિ સુંદર અભિનવ પ્રકાશનો પ્રસિદ્ધ કરી રહી છે તેમ જ આ ગ્રંથની રચનામાં શરૂથી જ જેમની સતત પ્રેરણા, પ્રેમભરી ઉષ્મા ને સચોટ માર્ગદર્શન મળતાં રહ્યાં છે એ સાચા આધ્યાત્મિક માર્ગદર્શક, વિનમ્રતાની મૂર્તિસમા, અ. મુ. શ્રી નારાયણભાઈ ઠક્કર પરત્વે આભારદર્શન ને ઉપકારની ઊંડી લાગણી વ્યક્ત કરતાં ધન્યતા અનુભવું છું.
હવે આ ગ્રંથ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી લઉં. મોટાભાગનાં પ્રકરણોમાં કાવ્ય-પ્રસંગનો સંદર્ભ જે તે પ્રસંગની નીચે પરિચ્છેદમાં આપેલો છે. પરંતુ આ સિવાયના કેટલાક પ્રસંગો સંપ્રદાયના વિદ્વાન સંતો પાસેથી સાંભળેલી પરંપરાગત વાતોને આધારે રચ્યા છે, એમાં સંદર્ભ આપેલ નથી. ક્યારેક એવું બને છે કે એક જ પ્રસંગે બે કીર્તનો રચાયાં હોય છે. આવા એક પ્રસંગે 'કીર્તનમાધુરી'માં એક જ પ્રકારના ઐતિહાસિક સંદર્ભ સાથે બે અલગ અલગ કીર્તનોને દર્શાવ્યાં છે. દા.ત. ક્ર. 19 દરદ લગાડી.... અને ક્ર. 27 નેણાંમાં રાખું રે... આ બન્ને કીર્તનોની પશ્ચાદ્ભૂ એક જ પ્રકારની હોવાની માન્યતાને આધારે બન્ને શક્યતાઓને અલગ અલગ પ્રકરણમાં દર્શાવી છે. સુજ્ઞવાચક એક જ પ્રસંગના નિરૂપણ સાથે બે અલગ અલગ કીર્તનો વાંચીને દ્વિધા ન અનુભવે એ કારણે આ સ્પષ્ટતા કરવી યોગ્ય માની છે.
આ પ્રસંગે એટલું જરૂર કહીશ કે આ તો દિવ્ય માધુકરી છે, મધુ સંચય છે. આમાં જે કાંઈ શ્રેષ્ઠ રીતે અભિવ્યક્તિ પામ્યું છે એ બધું શ્રીજી પ્રેરિત છે, ને એમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય એ મારી અણ-આવડતને કારણે છે.
આ ગ્રંથના લેખન પાછળ જેમની અંતઃપ્રેરણા, અમોઘ આશીર્વાદ ને દિવ્ય સંકલ્પ કારણભૂત છે એના આધારે જેમના અદભુત જીવન ને કવનની ઝાંખી આલેખવા હું કિંચિત્ નિમિત્તમાત્ર બન્યો છું, એ મહાસમર્થ, દિવ્યમૂર્તિ નંદ-સંતોને કોટાનુકોટી દંડવત્ પ્રણામ સહ આ પુણ્યકાર્યનો અર્ધ્ય અર્પતાં વિરમું છું.
રમેશ બી. સોની
12/એ, સુદામાપુરી સોસાયટી
માંજલપુર, વડોદરા-390 011
1988, પંદર ઑગસ્ટ