૧૭. સર્વે સખી જીવન જોવાને ચાલો રે...

0:000:00

જોગાનુજોગ ભક્ત કવિ રૂપજીભાઈ કડિયાને વઢવાણ પાસેના ખારવા ગામે ધનારાબા નામના એક સત્સંગી હરિભક્ત ભેટી ગયા. ધનારાબાએ રૂપજીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનન્ય મહિમા સમજાવ્યો. રૂપજીભાઈ તો પૂર્વના મુક્ત હતા, એમને સત્ય સમજાતાં વાર ન લાગી. ધનારાબાની વાતો સાંભળીને એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શનની અદમ્ય ઇચ્છા જાગી.

એ વખતે શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજમાન હતા. રૂપજીભાઈ ધનારાબા સાથે ગઢડા જવા ઊપડ્યા. બે દિવસે તેઓ ગઢડા પહોંચ્યા. એ વેળા મહારાજ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોઝે ઘોડે બેસીને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઈને શેરીમાં જ મહારાજનાં દૂરથી દર્શન થયાં. એમનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ તેમણે 'સર્વે સખી જીવન જોવાને ચાલો રે...' એ કીર્તન બનાવી ગાયું.

ભરચક જનસમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દૃષ્ટિ ફેરવી જોયું તો ધનારાબાની સાથે રૂપજીભાઈને દીઠા. ભારે ભીડ વચ્ચેથી જ મહારાજે રૂપજીભાઈને હાકલ કરી પાસે બોલાવ્યા. રૂપજીભાઈએ મહારાજ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને નયનમાંથી ઝરતા પ્રેમાશ્રુથી શ્રીહરિનાં ચરણોને પખાળ્યાં. મહારાજે રૂપજીભાઈને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પછી પ્રેમથી પ્રગાઢ આલિંગન આપ્યું.

મહારાજ લક્ષ્મીવાડી પહોંચ્યા, ત્યાં આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીભાઈને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે સર્વ સભાને સંબોધતાં કહ્યું: "આ રૂપજીભાઈ પરમ ભક્તરાજ છે ને નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા છે."

પછી રૂપજીભાઈ તરફ જોઈને બોલ્યા: "કેમ રૂપજી! હવે ક્યાં સુધી સંસારાબ્ધિના ખૂણામાં છુપાઈ રહેવું છે?"

રૂપજીભાઈએ તત્કાળ ઉત્તર આપ્યો: "મહારાજ, આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઇચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો જ ઇરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું."

મહારાજ રૂપજીભાઈનો ઉત્તર સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને ત્યાં એ વખતે જ રૂપજીભાઈને દીક્ષા આપી પરમહંસ બનાવ્યા ને ભૂધરાનંદ નામ આપ્યું, જે કાળાન્તરે ભૂમાનંદ થયું.

કાવ્યકૃતિ :

સર્વે સખી જીવન જોવાને ચાલો રે,

શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. ૧

એની શોભા મુખે વર્ણવી ન જાય રે,

જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે. ૨

રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,

છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. ૩

મળ્યાં આવે મહામુનિનાં વૃંદ રે,

તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે. ૪

ભક્તો ને મુક્તો ઉત્તમ યશ ગાવે રે,

નૃત્ય કરી સંતો વાજિંત્રો વજાવે રે. ૫

નિજ સખા ચમર કરે લઈ હાથ રે,

આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે. ૬


આસ્વાદ :

ભૂમાનંદ (સં. 1852-1924)ના પ્રસ્તુત પદમાં લાલિત્ય, રસસિંચન અને પ્રભુના સ્વરૂપમાધુર્યનું ઉત્કટ આકર્ષણ જણાય છે.

શ્રીજી માટે કવિ જે શબ્દ 'જીવન' પ્રયોજે છે એ એમની પ્રભુ પ્રત્યેની પ્રગાઢ પ્રીતિ દર્શાવે છે.

કવિને પ્રભુના દર્શન માટેની જે ઊંડી આતુરતા છે તે પ્રથમ પંક્તિમાં જ વ્યક્ત થઈ જાય છે.

"સર્વે સખી જીવન જોવાને ચાલો રે."

કવિ પોતે તો શ્રીહરિને નીરખવા જાય છે, પણ સાથે સાથે બીજા સંતોને પણ આગ્રહપૂર્વક આમંત્રણ આપતા જાય છે, જીવનપ્રાણ પ્રભુને જોવા આવવા માટેનું! અહીં કવિનો હિતકારી સંત સ્વભાવ છતો થાય છે. સંત કદીયે સ્વાર્થી કે સ્વકેન્દ્રી ન સંભવે. એનું હૈયું હંમેશાં ઉપકારક સંવેદનાઓથી જ ભરેલું હોય છે.

પ્રભુની શોભા વાણીથી વર્ણવી શકાય એવી નથી. શબ્દની શક્તિની છેક મર્યાદા બહારની એ વાત છે. તેથી જ તો વેદો પ્રભુને માટે नेति नेति સિવાય કાંઈ જ કહી શકતા નથી. રોઝા ઘોડા ઉપર રાજાઓના પણ રાજા એવા રાજેશ્વર પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી બિરાજ્યા છે. એમની રૂપમાધુરી જોઈ કવિને થાય છે કે આ રૂપ આગળ તો કરોડો કામદેવ પણ લજવાઈ મરે એવી આ મૂર્તિની રૂપરસિકતા છે! મહારાજની સાથે સંતોનાં મંડળ પણ ચાલ્યાં આવે છે, કવિએ ચંદ્રની સુંદર ઉપમાથી અહીં પ્રભુને નવાજ્યા છે.

પ્રસંગ સંદર્ભ : (૧) શ્રી ભૂમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર

લે: પૂ. નંદકિશોરદાસજી (શ્રીહરિલીલામૃત સાગર)

(૨) સ. ગુ. નિર્ગુણદાસ સ્વામીની વાતો. (વાત-૪૫૩)


"તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે."

સંતોને તારાગણ સાથે અને શ્રીજીને ચંદ્ર સાથે સરખાવી સ્વામીએ બહુ સુંદર રૂપક અલંકાર પ્રયોજ્યો છે. અંતે કવિ ગૌરવવંતા મહિમા સાથે શ્રીહરિનો પરિચય આપતા કહે છે કે જેની ઉત્તમ યશગાથા અસંખ્ય ભક્તો ને મુક્તો પણ ગાયા કરે છે, જેની આગળ મહાસમર્થ સંતો જુદા-જુદા વાજિંત્રો વગાડીને નૃત્ય કર્યા કરે છે અને નિજ સખા હાથમાં ચમર લઈને ઢોળે છે, એ પ્રભુ! એ મારો નાથ! જુઓ આ આવી રહ્યો છે. અહીં કવિએ શુક સનકાદિક, શુકમુનિ તથા શતાનંદ મુનિને કહ્યા છે. શતાનંદ સ્વામીએ 'સત્સંગી જીવન' ગ્રંથમાં શ્રીજીનો અપાર યશ ગાયો છે. અહીં નિજ સખા મૂળજી બ્રહ્મચારીને કહ્યા છે.

રાગ ધોળમાં ગવાયેલું આ સુગેય પદ શ્રીજીમહારાજને ખૂબ પસંદ હતું અને પ્રભુ ઘણીવાર ભૂમાનંદ સ્વામી પાસે આ ગવડાવતા હતા. કવિનો હૃદયોલ્લાસ કાવ્યની પંક્તિએ પંક્તિમાં ખૂબ પ્રગલ્ભપણે વ્યક્ત થયો છે.