૩૦. ક્યારે હવે દેખું રે હરિ હસતાં...

0:000:00

નીજ મંદિરમાં વસતા--

પ્રભુને પ્રસન્ન મુદ્રામાં દેખવાની ઊંડી ઉત્કંઠા અને પ્રબળ આતુરતા પ્રેમઘેલા નયનમાં નીતરે છે ત્યારે કવિ ગાય છે:

'ક્યારે હવે દેખું રે હરિ હસતા....'




શ્રાવણી અમાસની અંધારી રાત હતી. એ તોફાની મેઘલી રાતે તમરાના ઝાંય ઝાંય અને દેડકાના ડ્રાંઉં ડ્રાંઉં સિવાય રાત્રિના શ્યામ સાળુમાં સમષ્ટિનાં સર્વ પ્રાણી પોઢી ગયાં હતાં. હવામાં આહ્લાદક ઠંડક હતી. ગઢપુરની ગરવી ધરતી પર આજે પરબ્રહ્મ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીની નિશ્રામાં સર્વ સંતો તથા સત્સંગીજનો ચાતુર્માસના વિશેષ નિયમો અંગીકાર કરીને પ્રભુ પ્રસન્નતાના સાધન આરાધી રહ્યાં હતાં.

પ્રેમસખી પ્રેમાનંદે એવો નિયમ લીધો હતો કે રોજનાં આઠ પદ રચવાં. પણ આજે દિવસ આખો એમ જ વીતી ગયો. સાંજ પણ જોત જોતામાં શમી ગઈ. છતાં એક પણ પદ સ્ફૂર્યું નહોતું. રાત્રિના એકાંતમાં સ્વામીએ સારંગી શોધી અને નીરવ શાંતિ ને કાજળ કાળા અંધકારને ભેદતા સારંગીના સૂર પવનપાંખે ચડી દૂર સુદૂર સુધી રેલાઈ ગયા.

સારંગીના સૂરોએ સ્વામીના અંતરને મથી નાખ્યું. વલોવાયેલા અંતરમાંથી જે આર્ત નવનીત નીપજ્યાં તેને સ્વામીએ વૈખરીમાં વહેતાં મૂક્યાં. 'ઘનશ્યામ વિયોગ સહ્યો નહિ જાવત' એ ઠુમરીનો આલાપ એમણે અંધકારમાં ઓતપ્રોત કરી દીધો. પછી તો ગીત ઉપર ગીત ને રાગ ઉપર રાગ છેડાતા ગયા. એ મેઘલી રાત, એ હચમચી ગયેલું હૈયું, ને એ સૂર પીને ગાઢો થયેલો અંધકાર ત્રણેય એકરસ થઈને નાદબ્રહ્મ રેલાવી રહ્યાં.

શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા, અચાનક પ્રેમાનંદના આર્તનાદે પ્રભુને અધરાતે નીંદરમાંથી બેઠા કરી દીધા. પ્રભુએ ઢોલિયા ઉપર બેસીને અવાજની દિશામાં કાન સરવા કર્યા. તો પ્રેમસખીનો મધુર સ્વર ગૂંજી રહ્યો હતો:

'ક્યારે હવે દેખું રે હરિ હસતા,

મારાં મંદિરિયામાં વસતા. ક્યારે....'

એ સાંભળી મીંચેલી આંખે પણ મહારાજ હસી રહ્યા.

પણ એમ ક્યાં લગી રહેવાય? એ બેઠા થયા. બારણું ખોલીને બહાર આવ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી ગઢડામાં પૂનમિયા કૂવા(જુઓ પરિશિષ્ટ-૪) પાસે આથમણા બારની ઓરડીમાં રહેતા હતા.

મહારાજે અવાજની દિશામાં ડગ માંડ્યાં ને પ્રેમાનંદ સ્વામીની ઓરડીએ આવી પહોંચ્યા. પ્રેમસખી તો પ્રતિપળ પ્રેમાર્દ્ર સાદે પ્રેમરસને ઘૂંટતા પ્રભુના રસમય રૂપમાં રસબસ થઈને ઝૂમતા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. ઓરડીમાં બળતા દીવાના ઝાંખા પ્રકાશમાં મહારાજે એ જોયું અને ઓસરીમાં જ લપાઈને એક બાજુ એ ઊભા રહ્યા. મહારાજે માત્ર એક ચાદર જ ઓઢી હતી તો પણ અમાસની તોફાની અંધારી રાત્રે એ એકલા ભક્તને દ્વાર અભિસારિકાની જેમ આવી પહોંચ્યા હતા.

'મને વહાલાનો વિરહ સતાવે રે, નથી રહેવાતું...'

આંખની અટારીએ આંસુના તોરણ બાંધીને પ્રેમસખી વિરહાતુર બનીને ગાઈ રહ્યા હતા. અંતરમાંથી ઘૂંટાઈને આવતા કરુણ સ્વરોમાં 'નથી રહેવાતું.... નથી રહેવાતું' એ શબ્દોને પુનઃ પુનઃ ગાઈને સ્વામીએ શ્રીહરિના હૈયાને પણ હચમચાવી મૂક્યું.

ઓરડીના ઝાંખા દીવાના ઉજાસમાં સ્વામી મન મૂકીને ભાવ ઠાલવતા હતા. બહાર ઓસરી ઉપર ઊભા ઊભા શ્રીહરિ એમાં ભીંજાતા હતા, મનોમન ભક્તના પ્રેમાર્દ્ર હૃદયના ભાવ જોઈને રાજી થતા હતા. આમ ને આમ રાત આખી વીતી ગઈ. પો ફાટવાની તૈયારી હતી ને પ્રેમાનંદની નજર અચાનક જ બારણા બહાર પડી, અને એ તો ઓસરીમાં શ્રીહરિને ઊભેલા જોઈને અચંબામાં પડી ગયા. પ્રભુને સત્કારવાની પણ તેમને સૂઝ ન પડી અને એ તો એકદમ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા મંડી પડ્યા. મહારાજે એમને ઊભા કરી પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું.

પછી સ્વામીએ પૂછ્યું 'મહારાજ! ક્યારના પધાર્યા છો?'

મહારાજે પ્રેમસખીને લાડથી ટપારતાં કહ્યું 'મધરાતના અમે તો અહીં જ ઊભા ઊભા તમારા પ્રેમનો આસ્વાદ લઈ રહ્યા છીએ.' પછી રાજી થઈ મહારાજે પોતાનો ખેસ પ્રેમસખીને ભેટ આપ્યો ને કહ્યું: "હવે રાખો, રાત ઝાઝી વીતી ગઈ છે!'

કાવ્યકૃતિ :

ક્યારે હવે દેખું રે હરિ હસતા,

મારાં મંદિરિયામાં વસતા. ક્યારે. ટેક

જરકસિયા જામા પે'રીને,

ગુઢો રેંટો ઓઢી કટિ કસતા. ક્યારે. ૧

ફૂલડામાં ગરકાવ થઈને,

અત્તરમાં મસમસતા. ક્યારે. ૨

મુનિવર સારુ રસોઈ કરાવીને,

પંગતમાં પીરસતા. ક્યારે. ૩

પ્રેમાનંદ આગે ગાવે ત્યારે,

આવે ઓરા ઓરા ખસતા. ક્યારે. ૪


આસ્વાદ :

શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવનો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સજાર્તી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે!

પ્રેમસખી પ્રેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું. એ હૈયામાં પ્રભુ માટે પારાવાર પ્રેમની લહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે.

હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જિજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના--પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે.

હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે:

'જરકસિયા જામા પે'રીને ગુઢો રેંટો ઓઢી કટિ કસતા.

ફૂલડામાં ગરકાવ થઈને, અત્તરમાં મસમસતા.'

પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી, કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગળામાં ફૂલના હાર લદાતા, ગજરાના બાજુબંધ અને માથે ફૂલના તોરા બંધાતા, એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા.

શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે. શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા, અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથી જમાડતા(લોયાનો શાકોત્સવ). અને જમાડીને બરાબર તૃપ્ત કરતા.

બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જ્યારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે.

ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે.