નિવેદન

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશને આદરેલા અભિનવ આધ્યાત્મિક અભિયાનના એક ભાગરૂપ "સર્વજીવહિતાવહ ગ્રંથમાળા"નો આ અગિયારમો મણકો છે. અમારું આ અગિયારમું પ્રકાશન-- 'કીર્તનમાધુરી' સાહિત્યિક તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક ચેતનાની દૃષ્ટિએ એક અનોખું પ્રદાન છે.

આ ગ્રંથમાળાના આ અગિયારમાં પ્રકાશનમાં કાંઈક નાવિન્ય છે. પરાત્પર મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ, તેમનાં ઉપદેશામૃતો, તેમનાં કલ્યાણકારી લીલા ચરિત્રોને આલેખતાં, ભક્ત કવિવરો અ. મુ. સદગુરુ મુક્તાનંદ સ્વામી, અ. મુ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, અ. મુ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી (જેમનું તખલ્લુસ 'પ્રેમસખી' પ્રસિદ્ધ છે.) આદિ કવિઓએ અસંખ્ય કીર્તન રચ્યાં છે. આ ગ્રંથ એ કીર્તનોના આત્મા, તે કીર્તનોના ધબકાર વિષે એક સુંદર ગદ્ય-કાવ્ય છે, તેના અંગે થોડો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય.

ભગવાનની નવધા ભક્તિમાં કીર્તન ભક્તિનું સ્થાન બહુ ઊંચું છે, કારણ કે તેનું લક્ષ્ય પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં જોડાવું એ છે. સ્વયં શ્રીજીમહારાજે વચનામૃતમાં આ અંગે ઘણે ઠેકાણે ઉલ્લેખ કર્યો છે. તેમાંથી નીચે એક અવતરણ લઈએ.

"ત્યાં (ગોલોકમાં) ભગવાનના અનંત પાર્ષદ દીઠા તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે. તે તો સ્થિર સરખા જણાણા અને કેટલાક તો પરમેશ્વરનાં કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીનાં ગાય છે અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય ને ડોલે, પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને ભળ્યા ને કીર્તન ગાવા લાગ્યા...."

(ગઢડા મધ્ય પ્રકરણ 19)

કીર્તન ભક્તિ દ્વારા પરમાત્માના સ્વરૂપની ઉપાસના થાય અને ભાગવતીતનુ પ્રાપ્ત થાય તેનો એવો મોટો મહિમા શ્રીજીમહારાજે કહ્યો છે. આવાં કીર્તનોની ફૂલવાડીમાંથી એક ગુચ્છ ચૂંટી લેવામાં આવ્યો. તે કીર્તન કયા સંજોગોમાં રચાયાં, કેટલી ભવ્ય ભાવનાનું એ પ્રતિબિંબ હતું, ભક્તપતિ ભગવાનનો તેનાથી કેવો રાજીપો થયો, ભક્તકવિનો ઊભરાતો આનંદ શબ્દે શબ્દે કેવો ટપકવા લાગ્યો, કવિની કવિત્વ પ્રતિભા કેવી ગગનચુંબી હતી, એ બધી વાતો આ ગ્રંથમાં કહેવામાં આવી છે.

સાહિત્યકારો તેમ જ સંગીતકારોએ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત કવિઓની પૂરેપૂરી પ્રશંસા કરી છે. તે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકોમાં જોવા મળે છે. આ ગ્રંથમાં આ પ્રશંસાનાં પ્રમાણો મળે છે. સંગીતશાસ્ત્ર, કવિતા, શબ્દલાલિત્ય, ભક્તિરસ, જ્ઞાનોપદેશ ઇત્યાદિ પાસાંઓ જોતાં એક ઉજ્જવળ પ્રતિમા ઉપસે છે. અને તે પ્રતિમા છે ભક્તિરસની, તે ઉપસાવવા માટે આ ગ્રંથ દ્વારા એક ઉપયોગી દ્વાર ખૂલ્યું છે. તેમાંથી ભક્તોને ભક્તિ, સાહિત્ય રસિકોને કાવ્ય માધુરી, સંગીતના રસિકોને સંગીતશાસ્ત્રનાં ઊંડાણોની ઝણઝણાટી અનુભવાય છેે.

શ્રીજી સમકાલિન નંદસંતકવિઓનાં આ કીર્તનો સત્સંગપ્રેમીઓ તો નિત્યે ઘેર ગાતા-સાંભળતા હશે, છતાં પણ આ કીર્તનોનું જે ગર્ભિત અવ્યક્ત માધુર્ય છે એને ફક્ત કીર્તન ગાવાથી નિઃશેષપણે માણી ન શકાય! કાવ્યનું જે વ્યક્ત માધુર્ય હોય છે એ તો કાવ્યના પઠન-ગાયન સાથે જ તત્કાળ નિષ્પન્ન થતું હોય છે, પરંતુ કાવ્યની શબ્દ-રચનાની ભીતરમાં પેલી પાર જે ગહન અવ્યક્ત માધુર્ય છુપાયેલું હોય છે એના આસ્વાદ માટે વિસ્તૃત વિવેચનની જરૂર રહે છે. અહીં આ 'કીર્તનમાધુરી' દ્વારા એ અવ્યક્ત કાવ્ય-માધુર્યનો વિશદ આસ્વાદ કાવ્ય-પ્રસંગના કથાનક સાથે રજૂ કરી લેખકે 'કીર્તનમાધુરી' નામને સાર્થક કર્યું છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશને આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ. સ. 1988માં પ્રકાશિત કરી સત્સંગનાં સર્વ અંગો: આચાર્ય, સંતો, સત્સંગીજનો તેમ જ સાહિત્ય જગતના અભ્યાસીઓ સમક્ષ એક ભક્તિમાર્ગનો ગ્રંથ રજૂ કર્યો હતો. વાચકોને આ ગ્રંથમાં પ્રભુભક્તિની અનેરી મસ્તીનો ખ્યાલ આવે છે. આ ગ્રંથની ભાષા કાવ્ય વિવેચનને અનુરૂપ સાહિત્યિક હોવાથી સામાન્ય વાચકને કદાચ એ અઘરી લાગે તો સમજવામાં સુગમ પડે એ આશયથી પરિશિષ્ટ-6માં શબ્દાર્થબોધ સૂચિ આપવામાં આવી છે.

આ ગ્રંથનું લેખન-સંપાદન પ. ભ. શ્રી રમેશભાઈ સોનીએ કર્યું છે. શ્રીજીમહારાજ તથા નંદસંતોની સદાય એમના પર પ્રસન્નતા રહે અને શ્રીજીકૃપાથી દિનપ્રતિદિન વધુ ને વધુ સાહિત્ય સેવા આ પ્રકારે તેઓ કરતા રહે એવી શ્રીહરિને અભ્યર્થના.

આ ગ્રંથની લોકચાહનાને માન આપી અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણાથી, તેની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.


સં. 2055, મહા વદ અમાસ

ઇ. સ. 1999, 16 ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન