૨૮. તેરી સાંવરી સૂરત પર હો વારિયાં...

0:000:00

એક વાર શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા. મહારાજ કેટલાક દિવસ અહીં રોકાયા. એ દરમ્યાન એક દિવસ બધી સાંખ્યયોગી બાઈઓએ મળીને મહારાજને રસોઈ દીધી.

શ્રીજીમહારાજને થાળ જમાડ્યા બાદ સાંખ્યયોગી બાઈઓને જમવા બેસવાનું હતું. રસોઈ થોડી થઈ હતી તેથી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું: "મહારાજ! રસોઈ બધાને પૂગશે નહિ. જો કહો તો વધારે રાંધીએ." મહારાજ આ સાંભળીને હસ્યા અને પછી કહે: "એ તો ઘણી થઈ પડશે. લાવો, અમે જ પીરસીએ." એમ કહી મહારાજે શણગાર સોતાં બાઈઓની પંક્તિમાં પીરસવા માંડ્યું.

શોભાયમાન સલૂણાં શ્યામની મનમોહક મૂર્તિનાં દર્શન કરી સૌના ચિત્તની વૃત્તિ મહારાજમાં જ ચોંટી ગઈ ને બધાય એમાં તદ્રુપ થઈ ગયાં. મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઈથી જમી શકાયું નહિ. પ્રેમાનંદ સ્વામી તો અખંડ મહારાજની હજૂરમાં રહેતા એટલે એ વખતે પણ સ્વામી એક બાજુ ઊભા ઊભા મહારાજની આ લીલા નીરખીને ગાવા લાગ્યા:

'તેરી સાંવરી સૂરત પર હો વારિયાં,

મેરો મન બસ કીન્હો, મેરો ચિત્ત હર લીનો.'

કાવ્યકૃતિ :

તેરી સાંવરી સૂરત પર હો વારિયાં,

મેરો મન બસ કીન્હો, મેરો ચિત્ત હર લીનો. તેરી. ટેક

ઘનશ્યામ સુંદર તેરી રૂપ છટા પર,

કોટિ મદન છબી વારી ડારિયાં. તેરી. ૧

સુખ કો સદન તેરો બદન સાંવરો,

અખિયાં કમલદલ અનુસારિયાં. તેરી. ૨

મુસકની મંદ ચપલ ચિતવનીમેં,

બસ કીને સબ નરનારિયાં. તેરી. ૩

પ્રેમાનંદ લખી લટક લાલ તેરી,

ફિરત મગન નિત ઉર ધારિયાં. તેરી.૪


આસ્વાદ :

ભક્તિ શૃંગાર રસથી ભરેલું આ પદ પ્રેમસખી પ્રેમાનંદની પરમ રસિક રચના છે. કવિનાં આવાં અનેક પદોમાં વ્રજભાષાના અષ્ટછાપ કવિઓની સીધી અસર ઝિલાઈ છે.

નિત્યનવીન સૌંદર્યના સુખદ અને મંદમંદ પરિવર્તનોમાં ચિત્તને જોડી રાખવું, એની સ્મૃતિ અને સુખાનુભવોમાં મનને લીન રાખવું, પ્રિય પાત્રના મિલન-પ્રાપ્તિના સુખનો ધીરે ધીરે આસ્વાદ કરવો અને હૃદયનાં સૂક્ષ્મ પ્રણય સંવેદનો પ્રગટ કરવા એ ભક્તિ-શૃંગારરસ છે. એમાં પરિવર્તનો થતાં રહે છે, પણ એ એટલાં ક્રમિક અને મંદ હોય છે, જેથી ચિત્ત એનામાં અખંડ લીન રહ્યા કરે છે અને ત્યારે ભક્તિશૃંગારના તથા હૃદયપ્રસન્નતાના અપૂર્વ ઉદગારો ખડા થાય છે.

'તેરી સાંવરી સૂરત પર હો વારિયાં'

પ્રેમાનંદ પ્રભુની સાંવરી સૂરત પર વારી ગયા છે, ન્યોચ્છાવર થઈ ગયા છે. પ્રભુનું રૂપસૌંદર્ય અપૂર્વ છે. એની રસિક મૂર્તિની મોહિની માદક છે. સુંદર મુખારવિંદ, મંદ 'મુસકની'-- (કવિએ મંદ સ્મિત માટે સુંદર શબ્દપ્રયોગ અહીં આપ્યો છે.) અલૌકિક લટકા, કમળદળ લોચન એ સર્વે ઘનશ્યામસુંદરની મોહિની મૂર્તિનાં આકર્ષણ છે. તેથી જ પ્રેમાનંદ કહે છે કે પ્રભુ! તારી રૂપછટા પર તો કરોડો કામદેવના રૂપ પણ કુરબાન છે. તારું સ્વરૂપ જ સુખનું ધામ છે. તારું મંદ મંદ હાસ્ય ચંચળ ચિત્તમાં પણ ચોંટી જાય છે અને તારી એ મોહક મુસ્કાને જ આ પ્રેમી હરિભક્તોેને વશ કરી લીધા છે.

પ્રભુની મનમોહક મોહિનીને અંતરમાં ધારીને પ્રેમાનંદ ભક્તિના આનંદરસમાં નિમગ્ન બને છે. આ પદમાં પ્રેમાનંદની શબ્દલયની સુંદર માધુરી પ્રગટ થાય છે. ભૈરવી રાગમાં ગવાયેલું આ પદ પ્રેમાનંદના ભાવ, શબ્દ અને સૂર આ ત્રણેય પરના પ્રભુત્વને નિઃશંક સ્થાપે છે. 'પ્રેમાનંદ લખી લટક લાલ તેરી' જેવી ઉક્તિમાં આંતરપ્રાસનો વિનિયોગ ધ્યાન ખેંચે તેવો છે.