૩૭. મેલ્યાં એકલડાં અલબેલ...

0:000:00

"ગઢવી ! તમે માનો કે ના માનો પણ આ કળિકાળમાં ય ભગવાન પ્રગટે છે હોં !!"

"અજો પટેલ, એમ વાતોનાં વડાં કરવા રે'વા દો બાપલા ! અમે રહ્યા ચારણ ભાટ.... એમ લોલમ્ લોલ ન માનીએ હોં !"

"ભલે...એમ સાંભળીને ન માનો, પણ આંખે જોઈને તો માનશો ને? અટાણે સહજાનંદ સ્વામી સંતો સાથે મેમકા પધાર્યા છે, હાલો મારી ભેળા ને નજરે નિહાળી લો એ પ્રગટ પરમાત્માને !"

સંવત 1860માં શ્રીજીમહારાજ લીમલી ગામના મૂળજી શેઠ તથા મુક્તાનંદ સ્વામી આદિ સંતો સાથે મેમકા પધાર્યા હતા, ત્યારે મેંથાણના અજો પટેલ પોતાના મિત્ર ગજાદાન ગઢવી સાથે મેમકા આવ્યા(સદગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતો વાત નં.૯). ગઢવીએ માથે આંટાવાળી સોનેરી પાઘડી અને અંગે રજવાડી પોષાક પહેર્યો હતો. બંને મિત્રો મેમકા પહોંચ્યા ત્યારે મહારાજ મેમકાની નદીમાં કૂવો છે ત્યાં નહાવા પધાર્યા હતા. ગઢવીને મહારાજને મળવાની આતુરતા ઘણી હતી. તેથી તેઓ નદીએ ગયા. મહારાજ એ વખતે દિશાએ જઈને આવતા હતા ત્યાં રસ્તામાં અજોભાઈ ને ગજા ગઢવીને મહારાજનાં દર્શન થયાં. મહારાજની મોહક ચાલ જોઈને ગજા ગઢવીનું હૈયું હરખી ઊઠ્યું. ચિત્ત ચોરની ચટકતી ચાલે એ ચારણના ચિત્તને ચોરી લીધું. એમના અંતરમાં પ્રકાશ થયો: આવી ચાલ કોઈ મનુષ્યની ક્યારેય ન હોઈ શકે, નક્કી આ ભગવાન છે. એમનું કવિ હૃદય ગાઈ ઊઠ્યું: "ચીતડું રે ચોર્યું છે ચટકતી ચાલમાં રે..." મહારાજ કૂવા પાસે આવ્યા અને ત્યાં હાથ ધોઈ સ્નાન કરવા બેઠા. ત્યાં તો મૂળજી શેઠે ગજા ગઢવીની ઓળખાણ આપતા મહારાજને કહ્યું: "મહારાજ ! અજો પટેલ સાથે આ ગઢવી આપના દર્શને આવ્યા છે." મહારાજે ગઢવી તરફ એક દૃષ્ટિ ફેંકી પૂછ્યું: "ક્યાં રહેવું?"

"વીરમગામ પાસેના હેબતપુર ગામે..." ગઢવીએ હાથ જોડી જવાબ આપ્યો.

"તમારું નામ?" મહારાજે ફરી પૂછ્યું.

"ગજાદાન દાદાભાઈ ગઢવી..." આટલું કહી ગઢવીએ ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરતા કહ્યું: "મહારાજ ! આ દાસના હૈયે હડેડાટ કરતો આપના ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો છે.... પ્રભુ! કૃપા કરીને મને આપના આશ્રિત તરીકે સ્વીકારો... નાથ!" ગઢવીનાં બંને નેત્રો નિતરી રહ્યાં હતાં. મહારાજે સ્નાન કરતા કરતા જ ગઢવીને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા.

ગજા ગઢવી 'ટાપરિયા' શાખના ચારણ હતા. તેઓ ધ્રાંગધ્રા રાજ્યના દશોંદી હતા. બાલ્યકાળથી જ ગજાદાનમાં જન્મજાત કવિત્વ શક્તિ તથા સંગીત પ્રત્યેની અદમ્ય અભિરૂચિ હતા. ધ્રાંગધ્રાના રાજા રણમલસિંહજીએ ગજાદાનને એમની કિશોર અવસ્થામાં ઠેઠ ભૂજ પિંગળનો અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. પરિણામે યૌવનની ઓસરીમાં પેસતા જ ગજા ગઢવી એક સિદ્ધહસ્ત શીઘ્ર કવિ બની ચૂક્યા હતા. તેઓ માત્ર કવિ જ નહિ, ઉત્તમ ગાયક પણ હતા.

મેમકાની ધરતી પર નવયુવાન ગજાને મહારાજની માધુરી મૂરતનો છંદ લાગ્યો. એમનું કવિ હૃદય અહોનિશ ગાયા કરતું:

"બતીયાં સુનત સમ ઘનશ્યામ તુમ્હારી,

હાંરે પિયા મોહ લગત મેરી મતિયાંમે રે...."

અને એક દિવસ એ શૂરવીર ભાટે ભરયુવાનીમાં ઘરબાર, સુખસંપત્તિ, ગામગરાસ, માનમોભો સંધુય ચટક રંગીલી ચાલવાળા છોગાળા છેલ ઉપર ન્યોછાવર કરી ભગવી કંથા ધારણ કરી. એ ટાણે એમના અંતરમાં થતાં પૂર્ણ આનંદના આવિષ્કારને જોઈને શ્રીહરિએ એમનું ત્યાગાશ્રમનું નામ 'પૂર્ણાનંદ સ્વામી' રાખ્યું.

સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પૂર્ણાનંદ નામે ચાર સંતોનો ઉલ્લેખ છે. સંત કવિ મંજુકેશાનંદ 'નંદમાલા'માં નોંધે છે:

"પૂર્ણાનંદ મહંત પુનિત, જેને શ્રીહરિમાં બહુ પ્રીત,

પૂર્ણાનંદ બીજા બેઉ, એક ત્યાગી ધ્યાનિ બીજા તેઉ."

ઉપરોક્ત ત્રણ સિવાય એક પૂર્ણાનંદ નામે સન્યાસી સંત પણ થઈ ગયા. કવિ અને ગવૈયા પૂર્ણાનંદ સ્વામીની ઓળખ અહીં મંજુકેશાનંદ સ્વામીએ જેને શ્રીહરિમાં બહુ પ્રીત છે એવા પુનિત મહંત તરીકે આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ ધર્મગ્રંથ 'સત્સંગિજીવન'માં સદગુરુ શતાનંદ સ્વામી પ્રથમ પંક્તિના નંદ સંતો શ્રીહરિની વિવિધ પ્રકારે કેવી સેવા કરતા તેનું વિવરણ કરે છે તેમાં પૂર્ણાનંદ સ્વામીનો ઉલ્લેખ આ પ્રમાણે થાય છે: "પૂર્ણાનંદ નામના કવિ પ્રાકૃત પ્રબંધો રચતા હતા."(૧. સત્સંગિજીવન (તૃતીય પ્રકરણ/દ્રિતીય અધ્યાય)) સંપ્રદાયના અદ્વિતીય ભક્તિગ્રંથ 'સત્સંગિભૂષણ'માં સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી લખે છે: "એક વાર શ્રીહરિએ મુક્તાનંદાદિ સંતોના પૂર્વજન્મનાં નામો કહેલાં તેમાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામીનું નામ પ્રિયવ્રત આપ્યું હતું."(૨. સત્સંગિભૂષણ (તૃતીય અંશ/અધ્યાય ૪૧)) સત્સંગિભૂષણમાં એક ઉલ્લેખ એવો પણ છે કે મહારાજને હંમેશાં ચંદન ચર્ચવાની સેવા પૂર્ણાનંદ મુનિ કરતા હતા.

એક વાર ગઢપુરમાં શ્રીજીમહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બાર ઓરડામાં બેઠા હતા. મહારાજે ઓરડાને દરવાજે આડો પડદો બંધાવ્યો હતો અને પાર્ષદોને આજ્ઞા કરી હતી કે મારી રજા સિવાય કોઈને અંદર આવવા ન દેવા. એવામાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામી ઝાલાવાડ દેશથી ફરતા ફરતા મહારાજનાં દર્શને ગઢપુર આવ્યા. ઘણા સમયથી શ્રીહરિનાં દર્શન થયાં નહોતાં તેથી પ્રેમી કવિ હૈયામાં દર્શનની ઉત્કટ પ્યાસ જાગી હતી. વિરહની અકથ્ય વેદનાને વેંઢારતા સ્વામી શ્રીજીનાં દર્શને ગયા ત્યારે પાર્ષદોએ મહારાજની આજ્ઞા પ્રમાણે અંદર જવાની ના પાડી. સ્વામીના ઉદ્વેગનો પાર ન રહ્યો. તેઓ સિતાર લઈ દરવાજા બહાર ત્યાં જ બેસી ગયા અને તેમના અંતરમાં ઘરભાયેલી વિરહ વિભાવના પરજ રાગમાં સંગીતના સૂરો સાથે રેલાવા લાગી:

"તારા વિરહને બાણે વિંધાણી, જાણી રે મુને માર્યા હરિજી

આવી અચાનક ઊરમાં જો મુજને તાકીને ચોડેલ તાણી

છાતલડીમાં છેદ કર્યા તમે, મુજ પર મેર્ય ન આણી...."

સ્વામીનો આર્તનાદ સાંભળી શ્રીહરિ સ્વયં ઓરડાની બહાર દોડી આવ્યા અને પ્રેમીભક્ત પૂર્ણાનંદ સ્વામીને પ્રેમપૂર્વક ભેટી પડ્યા(શ્રી સ્વામિનારાયણ સંહિતા ચિંતામણિ : ૯૦).

સ્વામીશ્રીનો કંઠ ઘણો જ સુંદર હતો. સં. 1874માં શ્રીહરિ ધરમપુર પધાર્યા ત્યારે પૂર્ણાનંદ સ્વામી પણ એમના સંતમંડળમાં સાથે હતા. રાજમાતા કુશળકુંવરબાના દરબારમાં શ્રીહરિની આજ્ઞાથી મુક્ત મુનિ, પ્રેમસખી, દેવાનંદ સ્વામી ઇત્યાદિ સંગીતજ્ઞ સંતો સાથે પૂર્ણાનંદ સ્વામીએ પણ પોતાનાં કીર્તનો રજૂ કર્તાં હતાં.

એક વાર શ્રીજીમહારાજ લીંમડી પધાર્યા હતા. મહારાજ સાથેના સંતમંડળમાં પૂર્ણાનંદ સ્વામી પણ હતા. સ્વામીને એ વખતે ગળામાં અસહ્ય દુઃખાવો થતો હતો. મહારાજે લીંમડીના વૈદ્યને બોલાવી ઉપાય પૂછ્યો. વૈદ્યરાજે કહ્યું: "ગાયના ઘીના કોગળા કરાવો તો સ્વામીને સારું થાય." મહારાજે આજ્ઞા કરી કે સ્વામીને કોગળા કરવા માટે દરરોજ સાત શેર ગાયનું ઘી આપવું. એક મહિનો ઘીના કોગળા કરવાથી સ્વામીને ગળામાં સારું થઈ ગયું.

સં. 1882ની સાલમાં એક વાર શ્રીજીમહારાજ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવના મંદિરની આગળ પાટ ઉપર ગાદી-તકિયા બિછાવીને બિરાજમાન થયા હતા. મહારાજે એ વખતે મસ્તકે છોગાવાળી કસુંબી રંગની નવલ પેચાળી પાઘ બાંધી હતી. પાઘમાં ગુલાબના સુગંધિત તોરા ઝૂકી રહ્યા હતા. શ્રીહરિના ગળામાં ગુલાબના સુકુસુમિત હાર તથા કાન ઉપર ગુલાબના સુવાસિત ગુચ્છ શોભી રહ્યા હતા. મહારાજના મુખારવિંદ આગળ સંતો તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સંતોના એ મંડળમાં મોખરે સદગુરુ પૂર્ણાનંદ સ્વામી બેઠા હતા. એ વખતે એમણે મહારાજની પાઘના છોગામાંથી પ્રકાશની સેરો ઊંચે આકાશ તરફ ઊડતી નિહાળી. મહારાજે સભામાં આજ્ઞા કરી કે, સંતો ! કીર્તન ગાઓ. તરત જ પૂર્ણાનંદ સ્વામીએ પરજ રાગમાં પોતાના એ અલૌકિક અનુભવને વ્યક્ત કરતા ગાયું:

"છોગલિયું તારું છેલ રે, છોગલિયું તારું છેલ રે,

રૂડું રસિલું શોભતું પિયા પ્રેમી રે જનને પ્યારું,

પૂર્ણાનંદ કહે છોગલે મોહ્યું છે મનડું મારું રે...."

આ કીર્તન સાંભળી શ્રીજીમહારાજ પૂર્ણાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા ને વર આપતા કહ્યું: "પૂર્ણાનંદ ! તમોને અંતકાળે આ છોગાવાળો જ તેડવા આવશે."

સદગુરુ પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળના સાધુ હતા. મહાકવિ ન્હાનાલાલ એમના પુસ્તક 'કવિશ્વર દલપતરામ' (ભાગ : 1)માં લખે છે: "મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં બે પ્રધાન ને પ્રતાપી શિષ્યો હતા. એક જાજ્વલ્યમાન્ પૂર્ણાનંદ સ્વામી અને બીજા નિર્માની દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ કહે છે કે પૂર્ણાનંદ સ્વામી પ્રતાપી પુરુષ હતા."

સં.1884ની સાલમાં મહારાજે કરમડમાં અન્નકુટ મહોત્સવ ઉજવ્યો હતો. કરમડથી નીકળી શ્રીહરિ શિયાણી થઈને દેવળિયા આવ્યા. દેવળિયા અને તાવી ગામ વચ્ચેના રસ્તે એક ડોળી નામની તલાવડી આવી. મહારાજે ત્યાં વતું કરાવી તલાવડીમાં સ્નાન કર્યું અને પછી તળાવને તીરે સંતોની સભા ભરીને બેઠા. એવામાં ત્યાં પૂર્ણાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી આવ્યા. પોતે સદગુરુ હોવાથી પોતાને યોગ્ય આગળ સ્થાન ખાલી ન દેખાતા તે બંને મુનિઓ મૂક વદને પાછળ ઊભા રહ્યા. મહારાજે એ બંનેને પાછળ ઊભેલા જોઈ સભામાં કહ્યું: "સંતો, તમે માનની સાક્ષાત્ મૂર્તિઓ જોઈ છે? ના જોઈ હોય તો જુઓ આ પાછળ ઊભા એ બે મુનિઓ માનની સાક્ષાત્ મૂર્તિઓ છે." એમ કહી મહારાજે માનનું ખંડન કરતા આગળ કહ્યું: "ઘણા દુઃખની વાત છે કે જેમણે માન મૂકવું જોઈએ એ સંતો આજે માન માગી રહ્યા છે. કામ, ક્રોધ ઇત્યાદિ દોષો તો કોઈ વખત પણ જિતાય પણ માન તો ક્યારેય જિતાય એમ નથી. માની હોય તે સત્સંગમાં નભી શકે નહિ, એ જ્યારે ત્યારે પણ વિમુખ થાય જ !( હરિ લીલામૃતમ્ કળશ ૮/વિશ્રામ ૫૫)''

સં. 1886ના જેઠ સુદ 10ને દિવસે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા. મહારાજના પાર્થિવ દેહનો લક્ષ્મીવાડીએ અગ્નિસંસ્કાર કરીને મોટા ભાગના સંત હરિભક્તો નાહીધોઈને મંદિરે ગયા. પરંતુ પૂર્ણાનંદ સ્વામી એમના મંડળ સાથે રાત્રે વાડીમાં જ રહ્યા. એ શોકના સંતાપથી ભરેલી કાજળ કાળી રાત્રિએ મહારાજની ચિતા પાસે બેસીને સ્વામીએ વિરહાકુળ સજળ નેત્રે અને હૃદય વિદારક રૂદન સાથે ગાવા માંડ્યું:

"મેલ્યા એકલડા અલબેલ, કેમ રેવાશે રે,

છોગા વાલા મનોહર છેલ, શી ગત્ય થાશે રે.

.....ભાસે અમને આ સર્વે મસાણ

કેમ રેવાશે રે,

જુઓ તમ વિના જીવન પ્રાણ, શી ગત્ય થાશે રે."

અધરાતે ચિતામાંથી પ્રગટી મહારાજે દર્શન દીધાં અને કહ્યું: "પૂર્ણાનંદ ! તમે પણ મને મૂવો સમજો છો? હું તો સદા પ્રગટ અખંડ અવિનાશી પરમાત્મા છું. તમારો અતિ વિરહ જોઈને મેં તમને દર્શન દીધાં છે. જેમ આ ચિતાનો અગ્નિ મને તેમ જ મારાં વસ્ત્રોને સ્પર્શ કરવા શક્તિમાન નથી તેમ તમને પણ આ જગતની માયા બાધ નહિ કરે એવા મારા આશિષ છે." આટલું કહી મહારાજ અંર્તધ્યાન થઈ ગયા.

કાવ્યકૃતિ :

મેલ્યા એકલડા અલબેલ, કેમ રેવાશે રે;

છોગા વાલા મનોહર છેલ, શી ગત્ય થાશે રે. ૧

અમને સુનો લાગે સંસાર, કેમ રેવાશે રે;

પિયા તમ વિના પ્રાણ આધાર, શી ગત્ય થાશે રે. ૨

ભાસે અમને આ સર્વે મસાણ, કેમ રેવાશે રે;

જુઓ તમ વિના જીવનપ્રાણ, શી ગત્ય થાશે રે. ૩

માવા મંદિર ખાવા ધાય, કેમ રેવાશે રે;

પૂર્ણાનંદ કહે પ્રાણ ન જાય, શી ગત્ય થાશે રે. ૪


આસ્વાદ :

શ્રીજીમહારાજ સ્વધામ પધારતા એમના વિયોગે વિરહાગ્નિથી વ્યથિત પ્રેમી ભક્ત હૃદયની અંતરવ્યથાને અહીં વાચા આપવામાં આવી છે.

વિરહની ઉત્કટ અવસ્થામાં કવિ અંતરની અટારીએ અસહ્ય એકાંત અનુભવે છે. 'કેમ રેવાશે રે' અને 'શી ગત્ય થાશે રે' એ બે શબ્દપ્રયોગો દ્વારા કવિ પોતાની હૃદય વિદારક અંતરવ્યથાને બહુ ચોટદાર રીતે વ્યક્ત કરે છે. વિરહની આ ભાવાત્મક અવસ્થામાં પૂર્ણાનંદ સ્વામી પ્રભુના છોગાવાળા છેલ છબીલા મનોહર સ્વરૂપમાં તન્મય બને છે. પરમાત્માના પ્રત્યક્ષ સંબંધ વિનાનો સમગ્ર સંસાર કવિને સૂનો અને સ્મશાનવત્ લાગે છે. પ્રભુ તો જીવનનો આધાર છે, જીવનનો પ્રાણ છે! કવિની વિરહ વ્યથા હવે એની ચરમ સીમાએ પહોંચે છે. મંદિર એટલે પરમાત્માનું નિવાસસ્થાન, પરંતુ એમાં ઠાકોરજી જ ન હોય તો? શ્રીજીના સાંનિધ્ય વિના કવિને મંદિરનો માહોલ પણ ભેંકાર લાગે છે. એ છોગાવાળા છેલનાં દર્શનની ઉત્કટ આશામાં કવિના પ્રાણ અટક્યા છે.

પ્રેમલક્ષણા ભક્તિનો પ્રાણ શૃંગાર રસ છે! સંયોગ અને વિયોગ એ શૃંગારની બે પ્રેરક અવસ્થાઓ છે. પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ તેના વિયોગે વૃદ્ધિ પામે છે. પ્રભુના વિયોગે એમની ઉત્કટ યાદમાં વિશેષ પ્રકારનું આંતરિક એકાંત ભોગવવું એને જ વિરહ કહે છે. વિરહમાં મનની એક ભાવાત્મક સ્થિતિ બને છે. એ સ્થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્થ સ્વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્થાને અંતરમાં પરમાત્મા પ્રત્યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્મક અનુભવ થાય છે. આ આનંદની તન્મય અવસ્થામાં ભક્ત અને ભગવાન વચ્ચે દિવ્ય અનુસંધાન થાય છે જેને વિપ્રયોગ કહેવામાં આવે છે. ભક્તિની પરાકાષ્ઠા તેમ જ ધ્યાનની નિગૂઢ અવસ્થાને અંતે આવતી આ અવસ્થામાં વધુ ને વધુ મગ્ન બનતા ભક્ત પરમાત્માનો દિવ્ય કૃપાપ્રસાદ પામી એમના પરમ સાર્ધમ્યપણાને પામે છે!

ગુજરાતી સાહિત્યમાં એમ કહેવાય છે કે ગરબી તો દયારામની જ અને છંદો તો બ્રહ્માનંદ સ્વામીના જ! એ જ રીતે પરજ રાગ માટે એમ કહી શકાય કે પરજ રાગ તો પૂર્ણાનંદ સ્વામીનો જ! સ્વામીએ પરજ રાગમાં અસંખ્ય કાવ્યો રચ્યાં છે. આ રાગ બહુ જ લંબાવીને ગાવાનો હોય છે અને ભાટ ચારણો તેમની શૈલીમાં એ બહુ સારી રીતે ગાઈ શકે છે. પૂર્ણાનંદ સ્વામીના કંઠે પરજ રાગમાં કીર્તન સાંભળવા એ એક લ્હાવો ગણાતો.