૩. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી...
જે વિરલ ક્ષણે અંતર પ્રભુને ઓળખે છે, એ ક્ષણ પણ ધન્ય થઈ જાય છે! આવી કોઈક વિરલ ઘડીએ સહજાનંદને નીરખતાં અંતરમાં વ્યાપેલા આનંદને રાજકવિ લાડુદાને કાવ્યમાં તો કથિત કરી નાંખ્યો, તેમ છતાંય એ આનંદ તો અવર્ણનીય જ રહ્યો!
"આવો આવો લાડુદાનજી!" ગઢડામાં એભલ ખાચરના દરબારગઢમાં લીંબતરુ નીચે બેઠેલા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે ભાવનગરથી વજેસિંહ બાપુનું રાજસન્માન પામીને આવેલા રાજકવિ લાડુદાનજીને ઉષ્માભર્યો આવકાર આપતાં કહ્યું અને પછી પોતાના ગળામાં પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. ગઢડા આવતા માર્ગમાં કરેલા પોતાના સંકલ્પ સત્ય થતા જોઈને લાડુદાનજીને એમ લાગવા માંડ્યું કે આ તો સાગરનો તાગ લેવા નીકળેલી મીઠાની ભરેલી કોથળી સાગરના પાણીમાં ઓગળતી જાય છે!
લાડુદાનજીની કવિત્ત્વશક્તિથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાજા વજેસિંહજીએ કવિનું રાજસન્માન કર્યું હતું. કવિને માટે સુવર્ણ આભૂષણો બનાવવાનાં હતાં, તેથી રાજુલાવાળા નાગદાન સોનીને મહારાજાએ બોલાવ્યા. સોની સત્સંગી હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઊર્ધ્વપુંડ્ર તિલક કુમકુમના ચાંલ્લા સહિત કર્યું હતું. આ નવીન તિલક જોઈને કવિને આશ્ચર્ય થયું. તેમણે સોનીને પૂછી નાખ્યું: "મહાજન! આ વળી કયા સંપ્રદાયનું ટીલું કર્યું છે?" મહાજને નમ્રતાથી જવાબ વાળ્યો "કવિરાજ! સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મનુષ્યરૂપે પ્રગટ થયા છે. હું એમનો આશ્રિત છું." આ સાંભળી લાડુદાનજી કહે "આવા તો વિશ્વમાં કેટલાંય ધતિંગ ચાલે છે. અમે ચારણ એમ ખાતરી કર્યા વિના લોલેલોલ કરીને કોઈને ભગવાન ન માની લઈએ." તે વખતે વજેસિંહ મહારાજે પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું: "કવિરાજ! અમારા રાજ્યમાં આ તરફ સણોસરથી આથમણી દિશામાં સાત ગાઉ છેટે ગઢડા ગામ છે ત્યાં આ સ્વામીનો મુકામ છે, તમે ત્યાં જઈને ખાતરી કરી આવો કે ખરેખર ભગવાન છે કે ધતિંગ છે?" કવિ તરત જ ઉત્સાહમાં આવી જઈ બોલ્યા: "ભલે બાપુ! હું ગઢડા જઈ પાકી ખાતરી કરી ત્રણ દિ'માં પાછો આવું છું. પણ જો સાચું હશે તો શેષ જીવન ત્યાં જ વિતાવીશ."
મહાકવિરાજ સભામાંથી ઊઠી ગઢડા જવા તૈયાર થયા ત્યારે વૃદ્ધ સોની ભક્ત મર્મમાં બોલ્યા કે "કવિરાજ! એક કહેવત છે કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો તે પાછી આવે ખરી? સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે. માટે સમાગમ કરજો, ઓળખજો અને પછી આ ઘરડા સોનીને યાદ કરજો."
કવિરાજ કહે: "એ તો ખરે ખબર પડશે!"
લાડુદાન ગઢડા જવા ઊપડ્યા ત્યારે તેમના મામા અભયદાનજી* તેમને મળવા રાજસ્થાનથી આવ્યા હતા, તેમને પણ કવિએ પોતાની સાથે લીધા. ગઢડાના પાદરમાં લાડુદાને ચાર સંકલ્પ કર્યા.
*વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવે લાડુદાનને વડોદરા રાજના રાજકવિ તરીકે રાખવા માટે માનપૂર્વક આમંત્રણ આપ્યું હતું, તે સંદેશો લઈને તેમના મામા અભયદાનજી આવ્યા હતા.
(1) જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું એમની પાસે જાઉં ત્યારે મારી આજ સુધીની જીવનકથની કહી સંભળાવે.
(2) એમનાં ચરણોમાં સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેનાં સોળ ચિહ્નો હોવા જોઈએ.
(3) અત્યારે ગુલાબની મોસમ નથી છતાં હું જાઉં ત્યારે એમણે ગુલાબનો હાર પહેર્યો હોય અને તે મને પહેરાવે.
(4) વળી હું જાઉં ત્યારે કાળા કામળા પર શ્રીમદ્ ભાગવતનું પુસ્તક પૂર્વાભિમુખ બેસી વાંચતા હોય. આ સંકલ્પો સાચા પડે તો ભગવાન માનવા.
ગઢડામાં એભલ ખાચરના દરબારમાં પ્રવેશતાં જ કવિરાજના સંકલ્પ એક પછી એક સત્ય થવા લાગ્યા. કવિએ જોયું કે કાળા કામળા પર રાખેલું ભાગવતનું પુસ્તક વંચાતું હતું. લાડુદાનને જોતાં જ તેમનું નામ લઈને મીઠો આવકાર આપીને શ્રી સહજાનંદ સ્વામીએ પોતે પહેરેલો ગુલાબનો હાર કવિને પહેરાવ્યો. પછી કવિને પોતાની પાસે બેસાડીને શ્રીહરિએ એભલબાપુને કહ્યું: "બાપુ! આ લાડુદાનજી બહુ મોટા રાજકવિ છે. કચ્છમાં ચૌદ વર્ષ રહીને પિંગળ શીખી એ ઉત્તમ કવિ બન્યા છે. ત્યારબાદ તેઓ ત્યાંના મહારાવનો સરપાવ પામ્યા. ધ્રાંગધ્રા, જામનગર, જૂનાગઢ અને ભાવનગરના રાજવીઓને પણ તેમની કાવ્યશક્તિથી તેમણે મુગ્ધ કરી દીધા છે. હાલમાં તેઓ ભાવનગરથી આવ્યા છે. વજેસિંહબાપુએ એમને મોકલ્યા છે. માટે રાજવીને છાજે તેવી રીતે તેમની બરદાસ્ત કરજો." લાડુદાનજી તો સ્થિર હૈયે આ બધું સાંભળી રહ્યા. શ્રીહરિની નયનરમ્ય મૂર્તિના અનિમેષ નેત્રે એ દર્શન કરી રહ્યા. થોડીવારે શ્રીજીએ તકિયે અઠિંગણ દઈને બેસતાં પોતાના બન્ને ચરણ પ્રસાર્યા. ત્યારે કવિરાજે પ્રભુનાં બંને ચરણો બહુ બારીકાઈથી નીરખ્યાં. બન્ને ચરણોમાં સોળ ચિહ્નો બહુ સ્પષ્ટ દેખાતાં હતાં. કવિના અંતરમાં પ્રકાશ થઈ ગયો. માતાના ગર્ભમાં હતા ત્યારથી અત્યાર સુધી પોતાના દૃષ્ટિપથમાં જે દિવ્ય પ્રતિમા નિરંતર દેખાયા કરતી તે જ આ પ્રગટ સ્વામિનારાયણ પ્રભુ છે, એવો અંતરમાં નિશ્ચય થતાં કવિના હૈયામાં ધન્યભાવ વ્યાપી ગયો. એમના અંતરની આંખ સહજાનંદને નિહાળીને ઠરી અને એ સાથે જ એમનું કવિ હૃદય ગાઈ ઊઠ્યું:
'આજની ઘડી રે, ધન્ય આજની ઘડી;
મેં નીરખ્યા, સહજાનંદ, ધન્ય આજની ઘડી.'
કવિનું દેહાભિમાન ઓગળી ગયું. સહજાનંદના સ્વરૂપમાં ચિત્ત સમાધિસ્થ થઈ ગયું. રમણીય ઘડીની ધન્યતાનું એ ગાન હતું. એ ગાન ગાતા, 'લાડુ સહજાનંદ નીરખતાં ઠરી આંખડી' એ અંતિમ પંક્તિ તો સહજાનંદ સ્વામી સામે જોઈ ઊંચો સ્વર કરી કરીને વારે વારે પોકારી કવિએ પ્રેમની ઉત્કટ ઊર્મિ ઠાલવી. લાંબા કાળના વિયોગ પછી પ્રિયજનની પ્રાપ્તિ થાય તે સમયના જેવો હર્ષોન્માદ કવિના હૃદયનો જોઈ ત્યાં બેઠેલા સર્વજનો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. પછી તો એમણે ગદગદ કંઠે પ્રભુનું પૂજન કર્યું અને એમનો અનન્ય આશ્રય કરી સાધુ થયા. મહારાજે પહેલાં એમનું નામ શ્રીરંગદાસજી પાડેલું, પણ એકવાર સ્વામીનું બ્રહ્મમસ્ત ભક્તકવિરૂપ જોઈને શ્રીજી બોલી ઊઠ્યા: "વાહ બ્રહ્માનંદ! તમે તો ખૂબ જ બ્રહ્મનો આનંદ માણો છો." ત્યારથી કવિનું નામ 'શ્રીરંગ'માંથી 'બ્રહ્માનંદ' થયું. કવિને પણ એ નામ કાવ્યાન્તે છંદરચનામાં ગોઠવવામાં અનુકૂળ આવવાથી વધુ સ્વીકાર્ય લાગ્યું (સંદર્ભ : શ્રી બ્રહ્મસહિંતા. (પ્ર. ૩, અ-૨)).
કાવ્યકૃતિ :
આજની ઘડી રે, ધન્ય આજની ઘડી;
મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ટેક
કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી;
શ્રીહરિજીની મૂર્તિ, મારા હૃદયમાં ખડી રે... ધન્ય. ૧
જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;
સદગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે... ધન્ય. ૨
ચોરાસી ચહુ ખાણમાં, હું તો થાક્યો આથડી;
અંતર હરિ શું એકતા તારે, દુગ્ધા દૂર પડી રે... ધન્ય. ૩
જ્ઞાન કૂંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઉઘડી;
લાડુ સહજાનંદ નીરખતાં, ઠરી આંખડી રે... ધન્ય. ૪
આસ્વાદ :
ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ દર્શન વેળા, એ જ ક્ષણે "આજની ઘડી રે, ધન્ય આજની ઘડી"ના ઉમંગસભર ઉદગાર અતિ સહજભાવે ગાનાર બ્રહ્માનંદ, મધ્યકાલીન સાહિત્યના ગણમાન્ય શીઘ્રકવિ હતા, જે એમની સર્જનપ્રતિભાની આગવી વિશેષતા છે.
કવિએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીને પ્રથમ વાર જોયા એ સાથે જ એમને તે જ સાક્ષાત્ પ્રભુ હોવાની પ્રતીતિ થતાં એ રમ્ય પળે એમના અંતરમાં જે ધન્યતાનો ભાવ વ્યાપી ગયો, એ ભાવને મુખરિત કરતું આ પદ છે. જે ક્ષણે પ્રભુ ઓળખાયા એ ક્ષણ પણ ધન્ય થઈ ગઈ. હવે કામ, ક્રોધ, લોભ કે વાસના નહિ નડી શકે, કારણ કે હવે શ્રીહરિજી (સહજાનંદ)ની મૂર્તિ હૃદયમાં પ્રત્યક્ષ છે. કવિ કહે છે:
જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;
સદગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે... ધન્ય. ૨
જીવની પરિમિત બુદ્ધિ બ્રહ્મના મૂળ સ્વરૂપને જાણી શકતી નથી, એ મોટી અડી-અડચણ (અવરોધ) છે. પણ સદગુરુની કૃપાદૃષ્ટિ થાય ત્યારે એ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે, મૂળ બ્રહ્મસ્વરૂપ ઓળખાય છે, એથી આ ઘડી ધન્ય છે. જીવ ચોરાશી લાખ યોનિમાં ચાર પ્રકારની ખાણ (સ્વેદજ, જરાયુજ, ઉદ્ભિજ્જ, અંડજ)માં ભ્રમણા કરે છે પરંતુ અંતઃકરણમાં ઈશ્વર સાથેની એકતા સિદ્ધ થાય ત્યારે આ જન્મજન્માંતરની પીડા (દુગ્ધા) ટળે છે. જ્ઞાન કૂંચી મળી અને તે કેમ લાગુ કરવી એ બાબતમાં સદગુરુનું માર્ગદર્શન મળ્યું, એટલે બધાં તાળાં ઊઘડી ગયાં. બધાં રહસ્યો સમજાઈ ગયાં. લાડુને હવે સહજાનંદ સ્વામીનું દર્શન થયું તેથી એની આંખડી ઠરી છે. હવે નજર પ્રભુ પર જ કેન્દ્રિત થઈ છે અને પરમ શાંતિનો અનુભવ થયો છે. આંખડી ફરી ઘણે ઠેકાણે, નજર રખડી ઠેર ઠેર, પણ હવે ઠરી તો સહજાનંદ પર જ. કવિનું માન મીણની જેમ ઓગળી ગયું. સહજાનંદના સલૂણાં સ્વરૂપમાં મન મોહી ગયું, એ રમણીય ઘડીની ધન્યતાનું આ ગાન છે.
કવિની પ્રાસરચના સહજ સિદ્ધ છે ને ગેયતાનો પરિતોષ કરનારી છે. બ્રહ્માનંદનાં પદોમાં ખીલી ઊઠેલા ભાષાસૌંદર્યથી પ્રભાવિત થઈને સ્વ. કનૈયાલાલ મુનશી પોતાના "Gujarat and its literature" નામના ગ્રંથમાં લખે છે: "All these Poets or Sadhus sang about Sahajanand's amours, rhymed moral teachings and bewailed the futility of life in the best style of the age. In beauty of language, Brahmananda, surpasses all his contemporaries except Dayaram.''
(Page : 268)