8. છબિ સલોનિ સુખકંદની, મન મોદ બઢાવે...

0:000:00

કેટલાક કવિની કોઈક કૃતિ એટલી ચોટદાર હોય છે કે એ એક જ કૃતિથી એ કવિ લોકહૈયામાં સદાય માટે વસી જાય છે. પ્રાચીન ભક્ત કવિઓમાંથી પ્રીતમનો આખો કાવ્યસંગ્રહ પ્રાપ્ય છે, પણ તેમાંથી 'હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને' એ એક જ ગીત પ્રીતમને આપણા ઉત્તમ ભક્ત કવિઓની હરોળમાં મૂકવા માટે બસ છે. પ્રેમળદાસનું 'હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે' અને દાસ રણછોડનું 'દિલમાં દીવો કરો' એ બંને પદો પણ એવા જ અમર કાવ્યકૃતિવાળાં ઉજ્જવળ દૃષ્ટાંતો છે. મધ્યકાલીન યુગમાં આવા જ એક સંત કવિ સ્વામિનારાયણ સંપ્રદાયને સાંપડેલા કે જેની એક મધુર મનભાવન કૃતિ સત્સંગમાં સર્વને ભાવી ગઈ અને આજે પણ એમની અસંખ્ય રચનાઓ પ્રસિદ્ધ હોવા છતાં એમની એ એક જ કૃતિથી એ સંત કવિ સંપ્રદાયના સર્વ સત્સંગ પ્રેમીઓના અંતરમાં અનોખું સ્થાન ધરાવે છે. એ સંત કવિ છે 'શ્રીહરિચરિત્ર ચિંતામણિ'ના રચયિતા સ્વામી દયાનંદ!

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે!

ચોખા દાળ જતન કરી જોયાં;

નિર્મળ નીરે ધીરે ધોયાં,

મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે!

....દયાનંદ કહે દિલમાં ધારી;

પ્રસાદી આપો હિતકારી,

શ્રીહરિવર સંગાથે મુજને મોજ મળી રે!

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંજે વાળુના થાળમાં ખીચડી સામાન્ય રીતે હોય છે. વૈરાગ્યવાન નંદ સંતોની તપસ્વી આચારસંહિતાની એ પરંપરા છે. દયાનંદ સ્વામીએ પ્રેમપૂર્વક--દિલથી એનો મહિમા ગાયો છે અને એ પણ માખણ જેવી ખીચડી જેવા જ મુલાયમ શબ્દ અનુપ્રાસોથી! જીભે રમી રહે, હૃદયમાં ગુંજ્યા કરે એવું આ થાળનું કાવ્ય સત્સંગમાં સર્વત્ર ગવાય છે.

સંત કવિ દયાનંદનો જન્મ ગુજરાતના નળકાંઠાના રેથળ ગામમાં સં. 1845માં લુહાણા કોમના સુંદરજીભાઈને ત્યાં થયેલો. પિતા સુંદરજી અને માતા અમૃતબાઈએ બાળક લાલજીને બહુ પ્રેમપૂર્વક ઉછેરેલો, પણ લાલજીના અંતરમાં બાલ્યકાળથી જ અનાયાસે પ્રગટેલો સંસાર પ્રત્યેનો વૈરાગ્ય યુવાન વય થતાં પ્રબળ બનતા માતાપિતાના અવસાન બાદ લાલજીએ ઘર છોડ્યું.

ધોળકાથી પશ્ચિમે પાંચ માઈલ દૂર ગોધનેશ્વર મહાદેવના મંદિરની બહુ પ્રાચીન જગ્યા છે. કહેવાય છે કે પાંડવોએ આ લિંગની સ્થાપના કરેલી. આ મંદિરમાં રહીને લાલજી શંકરની આરાધના કરવા લાગ્યા. એમની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને શિવજીએ એમને દર્શન દઈને કહ્યું: "લાલજી! પ્રગટ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વામિનારાયણ નામે આ બ્રહ્માંડમાં પ્રગટ થઈ ચૂક્યા છે. થોડા જ સમયમાં એમનાં દર્શન તમને તમારા ગામની નજીક આવેલા મછિયાવ ગામે થશે.' શિવજીની આર્ષવાણી સાંભળી લાલજી ઘેર પાછા આવ્યા.

સં. 1865ના ફાગણ માસમાં શ્રીજીમહારાજ ગઢપુરથી જેતલપુર જવા નીકળેલા. વચમાં મછિયાવ આવતાં મહારાજ ત્યાંના દરબાર સુરસિંહજીના આમંત્રણને માન આપીને એમના મહેલમાં રોકાયા. ત્યાં મહારાજે ફૂલડોલનો મોટો ઉત્સવ કર્યો. હજારો સત્સંગીઓ ગામેગામથી આવ્યા. રેથળથી લાલજી પણ આ પ્રસંગે મછિયાવ આવ્યા અને મહારાજ સાથે એમનો અહીં પહેલો મેળાપ થયો. મહારાજે તો પહેલી નજરમાં જ માપી લીધું કે આ તો ઉત્તમ રત્ન છે! મહારાજે ભરી સભામાં એમને પરમ આદરથી બોલાવી કહ્યું: "ભક્તરાજ! તમને મળીને આજે અતિ ઉત્તમ આનંદ થયો માટે લ્યો, આજે જ તમને દીક્ષા દઈ ઉત્તમાનંદ કરીએ!"

લાલજી સાધુ થઈ ઉત્તમાનંદ બન્યા. મહારાજે શરૂઆતમાં ઉત્તમાનંદને પોતાની પાસે જ રાખ્યા અને પછી બે દેશ વિભાગ થતાં અમદાવાદ દેશમાં મહાનુભાવાનંદ સ્વામીના મંડળમાં રાખ્યા. સત્સંગમાં અન્ય મોટેરા નંદ સંતકવિઓ જેવા કે સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી, સ. ગુ. દેવાનંદ સ્વામી વગેરે સંતોની સાથે રહીને ઉત્તમાનંદ પિંગળ શીખ્યા અને પ્રગટ પ્રભુની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને અંતરના ભાવોને અભિવ્યક્ત કરતાં કોમળ કાવ્યો રચવા લાગ્યા.

સં. 1878ના મહાવદી 11ને દિવસે શ્રીજીમહારાજ અમદાવાદ શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા વિધિ કરવાના પ્રયોજનથી પધારેલા. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હજારો હરિભક્તો દૂર દેશાવરથી આવેલા, નાના મોટા સહુ સંતો પણ શ્રીજીના દુર્લભ દર્શનના લોભે જુદા જુદા પ્રાન્તમાંથી આ પ્રસંગે અમદાવાદ આવી પહોંચેલા. કાંકરિયાને કિનારે તંબુઓ તાણીને સૌએ ઉતારા કર્યા હતા. પ્રતિષ્ઠાવિધિ ધામધૂમથી પતાવી મહારાજે ફાગણ સુદ પાંચમને દિવસે કાંકરિયાને કાંઠે બ્રાહ્મણોની ચોરાશી કરી. ભોજન સમારંભ પત્યા બાદ શ્રીજીમહારાજ એ જ દિવસે સાંજે ત્યાં વિરાટ ધર્મ-સભા ભરીને બિરાજમાન થયા હતા. સલૂણી સંધ્યાનું સુમધુર વાતાવરણ જામ્યું હતું, સંતોએ કીર્તન-આરાધના આરંભી હતી. એક પછી એક ગવૈયા સંતો વાજિંત્ર સહિત કીર્તન ગાતા હતા, ત્યારે સભામાં બેઠેલા ઉત્તમાનંદે પણ મહારાજની મનોહર સલોનિ શ્યામ મૂર્તિ નિહાળી, તેને અંતરમાં ઉતારી; અલૌકિક આનંદમાં મગ્ન બની આરતભરી વાણીએ ગાવા માંડ્યું:

"છબિ સલોનિ સુખકંદની, મન મોદ બઢાવે;

ઘીરજ રાખી ધારતા, અંતર સુખ આવે."

સભામાં બેઠેલા સૌ સંતો આ સાંભળી ભક્તિભાવમાં ગરકાવ થઈ શ્રીજીની મૂર્તિને અંતરમાં ધારી રહ્યાં.

'શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ'માં એક પ્રસંગ આવે છે. સં. 1885માં આસો સુદ એકાદશીની રાતે શ્રીજીમહારાજ ગઢડામાં સભા ભરીને બિરાજમાન થયા હતા ત્યારે સભામાં કીર્તન ગવાતાં હતાં, તેમાં ઉત્તમાનંદે પણ પોતાનું કીર્તન ગાયું; ત્યારે કાવ્યરચનામાં 'ઉત્તમાનંદ' નામ બરાબર બંધબેસતું ન હોવાથી મહારાજે કાવ્યની સરળતા સાચવવા નામાન્તર કરીને તેમને 'દયાનંદ' નામ આપ્યું. કવિના જ શબ્દોમાં આ ઘટના સાંભળીએ:

"આસો સુદિ એકાદશી રાત રે,

સુંદર સભા થઈ સોહાત રે.

કાવ્ય બોલાવી નાથ સુજાણ રે,

નવા કવિનું કર્યું પ્રમાણ રે.

દેવાનંદ ભૂમાનંદ સ્વામી રે,

ધ્યાનાનંદ માધવાનંદ દામી રે.

ઉત્તમાનંદનું 'દયાનંદ' નામ રે,

પાડ્યું કાવ્યમાં મળતું ઘનશ્યામ રે." || ૬ ||

કડવાં ॥ 184 ॥ (પાન નં. 128)

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-2માં શ્રી મહેન્દ્ર પંડ્યા કવિ દયાનંદ વિષે નોંધતા લખે છે:

"કવિ દયાનંદ સ્વામીએ એમનાં પદોમાં વિશિષ્ટ પ્રકારની હોળીનું આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું છે. 'ધર્મકી ધૂન મચાવે, મનમોહન પ્યારો, ભક્તિરૂપી રંગ પતંગી, બહુ બિધ કરકે બતાવે મનમોહન.' "

કાવ્યકૃતિ :

છબિ સલોની સુખકંદની, મન મોદ બઢાવે,

ઘીરજ રાખી ધારતા, અંતર સુખ આવે.... છબિ. ૧

માધુરી મુખ બોલની, હંસની ચિત્ત ચોરે,

દિલ ડોલે દેખી પાઘને, નેણ લોભાણાં તોરે.... છબિ. ૨

ભાલની રેખું ભાળીને, ભૂલ્યા જગ રીતિ,

વામ શ્રવણમાં બિંદુને, જોઈ વાધે પ્રીતિ... છબિ. ૩

ઉર ઉપડતું ઓપતું, સદા શ્રીનો નિવાસ,

લટકણી રૂડી લોભણી, પ્રેમી તાણ્યાનો પાસ... છબિ. ૪

મોહ સંસારી મમતા, કુટિલાઈ કાઢી નાખો,

દયાનંદના નાથની, મૂરતિ ઉર રાખો... છબિ. ૫


આસ્વાદ :

મૃદુભાષી સંત કવિ દયાનંદ પ્રસ્તુત પદમાં સ્વેષ્ટ સહજાનંદ સ્વામીના સલૂણાં સ્વરૂપ પ્રત્યેનો પોતાનો અવિચ્છિન્ન પ્રેમ પ્રગટ કરે છે.

કવિએ અહીં બહુ સુંદર માર્મિક શબ્દ પ્રયોગો પ્રયોજ્યા છે. શ્રીજી માટે 'સુખકંદ' શબ્દ પ્રયોજી કવિ કમાલ કરે છે. પ્રભુ તો સુખના નિધિ છે, આનંદના અધિષ્ઠાતા છે! એવા પરમાનંદરૂપ શ્રી ઘનશ્યામની સલોનિ છબિ યાને મૂર્તિ જોતાં જ મનમાં પ્રસન્નતા છવાઈ જાય છે. પણ એ ક્ષણિક પ્રસન્નતામાંથી અખંડ 'અંતર સુખ' તો ત્યારે જ પ્રગટે જ્યારે એ મૂર્તિને- એ સ્વરૂપને અંતરમાં ધીરજ રાખીને ધારવામાં આવે! યોગશાસ્ત્ર પ્રમાણે પણ ધારણા બાદ જ ધ્યાન અને સમાધિ સિદ્ધ થાય છે, એ વાત કવિને અહીં અભિપ્રેત છે.

બીજા અંતરાથી કવિ શ્રીહરિની વિવિધ ભાવ ભંગિમાઓ તથા વસ્ત્રાભૂષણોમાં કેવી રીતે ભક્તને વશ કરે છે તે નિરૂપે છે. શ્રીજીની માધુરી મુખવાણી તેમજ મનમોહક મુસ્કાન કવિનું ચિત્ત હરી લે છે. કહેવાય છે કે શ્રી સહજાનંદ સ્વામી જેવી પાઘ એ અરસામાં તો કોઈ બાંધી શકતું નહોતું, એમની પેચદાર પાઘ એવી વિશિષ્ટ ને આકર્ષક હતી. કવિનું દિલ પણ એ પાઘને દેખીને ડોલે છે. પ્રભુનાં નયનરમ્ય નયનો કવિને લોભામણાં લાગે છે. ભગવાનના ભાલ પ્રદેશની રેખાઓ જોઈને કવિ જગતનું ભાન ભૂલે છે. શ્રીજીમહારાજના ડાબા કાનમાં તલ હતો તે જોઈને કવિને ભાવાનુભૂતિ થાય છે. શ્રીહરિના રસાળ શોભિતા ઉરમાં સદાય 'શ્રી' કહેતાં સુખ-સમૃદ્ધિનો નિવાસ હતો. પ્રભુએ કાનમાં પહેરેલાં લટકણિયાં લોભામણાં છે, એ પ્રેમી ભક્તને આકર્ષે છે. અંતે કવિ કહે છે કે આવા સર્વોપરી પ્રભુ મળ્યા પછી સંસારની મોહમમતા તથા સર્વ કુટિલતા અંતરમાંથી કાઢી નાંખવા જ ઘટે. અને શ્રીહરિની રસરૂપ મૂર્તિને એ નિર્મળ હૃદયમાં નિરંતર ધારી રાખવી જ જોઈએ. પદ સુગેય છે.

દયાનંદ પ્રેમી સંતકવિ છે, એમના વિષે લખતા સંત કવિ શ્રી કૃષ્ણાનંદ સ્વામી 'શ્રીહરિચરિત્રામૃત'માં નોંધે છે:

"દયાનંદ દિલના ઉદાર,

પ્રભુ પ્રગટમાં અતિ પ્યાર."