પરિશિષ્ટ-૪ : પૂનમિયો કૂવો
શ્રીજીમહારાજે ગઢડામાં દાદા ખાચરના આથમણા બારના ઓરડાની પાછળ એક કૂવો ગળાવ્યો હતો. તેમાં પૂનમને દિવસે પાણી આવ્યું તેથી કૂવાનું નામ 'પૂનમિયો કૂવો' પડ્યું. ને તે વખતે મહારાજે બ્રાહ્મણ જમાડ્યા. તેમાં ચાર વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમને મહારાજે કહ્યું કે, ''આ કૂવામાં ગંગાજી આવ્યાં છે'' ત્યારે તે બ્રાહ્મણો કહે, 'મહારાજ, ગંગાજી અહીં આવે નહિ.' મહારાજ કહે, “તમે કૂવામાં જુઓ. ગંગાજી છે કે નથી?” પછી એ ચારેય જણે કૂવામાં જોયું તો ગંગાજી મૂર્તિમાન સ્ત્રીરૂપે દેખાયાં. આશ્ચર્યથી દિગ્મૂઢ થઈને ચાર જણે હાથ જોડીને મહારાજને કહ્યું, 'હા મહારાજ! ગંગાજી છે.'
સ. ગુ. પ્રેમાનંદ સ્વામી ગઢડામાં આ પૂનમિયા કૂવા પાસે આથમણા બારની બે ઓરડીમાં રહેતા હતા.
(સંદર્ભ : શ્રીહરિચરિત્ર ચિંતામણિ- વાત : ૮૫)