૧૪. આમ વર્તે તે સાધુ પુરુષ - વિભાગ ૧
ઘાટ ઊપજે તેને સમાવે તે સંત ને ન ઉપજે તે ભગવંત
1. ધર્મામૃતમાં બારસ અને પૂનમ એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે તેનું સાધુઓએ કેમ કરવું?
બાપાશ્રી બોલ્યા જે, સંતને શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેનો શ્રીજીમહારાજને થાળ કરી જમાડવા. પછી પાણી મેળવીને (એરંડિયા જેવું કરીને) મહારાજને સંભારીને એક વાર જમવું. બીજી વાર જમવું નહિ. ડબા ભરી રાખવા નહિ. ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું. પોતાના હાથે થાળ કરીને શ્રીજીમહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય. પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહિ. કદાપિ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે તો શ્રીજીમહારાજનો આશ્રિત હોય ને શુદ્ધ આચારવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ તેવા સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહિ. 1/10/28
2. જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું?
બાપાશ્રી બોલ્યા જે, એવા હોય તો નોખી પંક્તિ કરવી પણ તેના હાથનું ખાવું નહિ. 1/10/28
3. મૂળીમાં સાધુ બાલકૃષ્ણદાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણે અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે. અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન-ભજન કરે છે. આ સભામાં મધ્યસ્થ શ્રીજીમહારાજ વિરાજે છે અને ચારેકોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે. તેને વિષે મનુષ્યભાવ આવે ને તેને મૂકીને (ત્યજીને) બહાર જાય તો તે મહાદુઃખ, ભૂખ અને મારનો ભોકતા થાય ને જીવનો નાશ થઈ જાય. માટે ભલા થઈને તમે સૌ પણ સત્સંગ દિવ્ય જાણજો. કદાપિ આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું. એટલા માટે શ્રીજીમહારાજે બે દેશ કર્યાં છે, તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા. બેમાંથી એકેય દેશમાં મૂળ મંદિરમાં ન બને તો એક ગામના હરિમંદિરમાં પડ્યા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો. આ વખતે કળીનું બળ વિશેષ છે. તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જડ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો. 1/40/81
4. ત્યાગીને ધર્મામૃત સામું જોવું. લેશમાત્ર શ્રીજીની વચનમાં ફેર પાડવો નહિ. આગળ તો મોટા મોટા સંત હતા તેમને જડ ચૈતન્ય માયામાં તો ફેર જ નહોતો. સ્વાભાવિક ભૂલ કોઈકમાં હોય તે એક બીજાને વાતો કરીને તે ભૂલ ટાળતા. હવે તો સુગરી વાંદરાને શિખામણ દેવા ગઈ તો વાંદરે સુગરું તોડી નાખ્યું. તેમ કોઈ શિખામણ દેવા જાય તો પાધરવા મારવા જ માંડે છે. કેટલાક સાધુઓ છે તે કોઈ ધર્મવાળાની મોટાઈ દેખી શકે એવા નથી. એવું બગડી ગયું છે. તે તમ જેવા મોટા મોટા ધર્મવાળા સંતો છો ત્યાં સુધીમાં સુધારો કરો તો સારું. કેટલાક ખેતીવાડી કરવા પણ મંડી પડ્યા છે. તો અમદાવાદ, મૂળી, ગઢડા, વરતાલ, જૂનાગઢ આદિના મોટા મોટા મળીને ધર્મામૃત પ્રમાણે સૌ વર્તે એવો બંદોબસ્ત કરો તો સારું. લોકો પોતાની નાતોમાં કેટલાક સુધારા કરે છે તેમ તમે સંતો મળીને સત્સંગમાં કરો તો સારું. નહિ તો વધારે બગડશે. 1/41/83
5. બીજું બધું થાય પણ સાધુ થાવું એ ઘણું કઠણ છે. એ તો ધર્મામૃત પ્રમાણે વર્તીને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિક દોષ ટાળીને આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે સાધુ કહેવાય, પણ ભગવે લૂગડે સાધુ ન કહેવાય. 1/47/89
6. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક સમયને વિષે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા લક્ષ્મીરામભાઈને પૂછ્યું જે, તમે બે ય મુક્ત છો; તે અમોએ એક માસથી સાધુ કર્યા છે. તેમના ભેળા જેમ અમારાથી ચલાય તેમ તમારા ભેળા ચલાય કે નહિ?
ત્યારે અમોએ કહ્યું જે, આ લોકમાં સત્સંગનું ધોરણ છે, પણ શ્રીજીમહારાજ આગળ ગુનેગાર નહિ. મુક્ત તો એકલા હોતા જ નથી. અકેકા મુક્તમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે. તે ભક્તચિંતામણિના 52મા પ્રકરણમાં પરમહંસનાં નામ કહ્યાં છે, તેમાં "એક એક નામમાં માનો મુનિનાં વૃંદ છે"; એમ કહ્યું છે. તે શ્રી મુક્તાનંદ સ્વામીને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા શ્રી નિત્યાનંદ સ્વામી આદિક અનંત મુક્ત રહ્યા છે. તેમ જ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિષે પણ અનંત મુક્ત રહ્યા છે તેમ જ એક એક મુક્તને વિષે અનંત અનંત મુક્ત રહ્યા છે. માટે એકેકા નામમાં મુનિનાં વૃંદ રહ્યાં છે એમ કહ્યું છે. માટે તમો તો એકલા હો જ નહિ. તમારી મૂર્તિમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે તેથી તમે એકલા નથી. સર્વે ભેળા છે તો પણ શ્રીજીમહારાજની આજ્ઞા છે જે બે સંતે ભેળા ચાલવું, માટે સંત ભેળા જ ચલાય અને પાર્ષદ ભેળું પણ ચલાય. કોઈકને ઘેર જવું હોય તો પાંચ સંત વિના ન જવાય ને મુક્તદશાને પામ્યા હોય ને શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા હોય પણ સાધુને વેષે ન હોય તો ભેળું ન જવાય ને એકલા પણ ન ચલાય. 1/84/152
7. આ સત્સંગમાં શ્રીજમહારાજના સંત છે તે ફૂલવાડી છે. તેમાંથી સુંગધરૂપી ગુણ લેવા ને પોતાની ખોટ જોવી. સાધુ તથા સત્સંગી કહે તે મનાય તો બહુ સુખિયું થવાય. સાધુ થયા હોય ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, તેનું અનુસંધાન રાખે નહિ, તો તે સાધુ ન કહેવાય. જો મહારાજનું અને મોટાનું અંતર્યામીપણું જાણીને તેમની આજ્ઞામાં યથાર્થ વર્તે તો સાધુ કહેવાય. મહારાજે કહ્યું છે જે, "જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ", મહારાજને અને મુક્તને જુદાપણું નથી એમ. 1/87/160
8. સાધુએ ઝોળીનું અન્ન જમવું તે ઉપવાસી કહેવાય અને પત્તરમાં બધું ભેળું કરીને તેમાં પાણી નાખીને જમે તે ગોળા જમ્યા કહેવાય. અને જુદું જુદું જમે તે સ્વાદિયો કહેવાય. નાના પ્રકારના રસ પ્રાપ્ત થાય તો પણ યોગ્ય હોય તેટલું જ જમવું અને થાળ કરવો તે શ્રીજીમહારાજને રાજી કરવા સારુ કરવો, પણ પોતાની આસક્તિથી કરવો નહિ. જો રસમાં આસક્તિ હોય તો કોઈક સારાં ભોજન જમાડે તેનો ગુણ આવે ને કોરા રોટલા આપે તેનો અવગુણ આવે, માટે આસક્તિ ન રાખવી. આ વાત જીવમાં પેઠી હોય તો જેવું તેવું મળે તેમાં આનંદ થાય ને સારા વિષય મળે તેમાં ઉદાસ થવાય. ઘાટ ઊપજે તેને સમાવે તે સંત કહેવાય ને ન ઊપજે તે ભગવંત એટલે ભગવાન જેવા કહેવાય. જ્યારે-ત્યારે ચોખ્ખું થયા વિના છૂટકો નથી. 1/98/174
9. આ સત્સંગમાં આવીને સ્ત્રી-દ્રવ્યમાં આસક્ત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંએ બગાડે અને બીજાનુંએ બગાડે. આ લોકમાં હરાયાં ઢોરાંને ટોકરો બાંધો છે તે ખણખણાટ થાય છે, માટે હરાયા ઢોર જેવું થાવું નહિ. કેટલાક દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે કે મને લો, ને ઓ કહે છે કે મને લો, તો પણ દ્રવ્યરૂપી પાપ રાખે છે, તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. દ્રવ્ય તો કાળા નાગ જેવું છે. તે સોડ્યમાં લઈને સૂએ તો કરડ્યા વિના રહે જ નહિ; માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેળું કરે તે પાપમાં કાંઈ નહિ વળે. એ પાપ તો ફગાવી દેવું અને ધોતિયાં કોઠારમાં દેવસેવામાં આપી દેવાં ને મૂર્તિ રાખવી. એ પાપને સંભારે તો પણ મુખ ગંધાય એવું છે. કોઈક સાધુ યાત્રાએ જાય તેને ખાતરી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો ટિકિટ પણ કરાવી આપવી નહિ. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. 1/102/185
10. જીવ જ્યારે સંસારમાંથી ઉદાસ થાય છે અને સાધુ થવાનો વિચાર કરે છે ત્યારે એવો ઠરાવ કરે છે જે ઝોળી માગી ખાશું, સાધુની સેવા કરીશું, ધ્યાન-ભજન કરીશું અને સાધુનો સમાગમ કરીશું. જો એવો ને એવો ઠરાવ દેહપર્યંત રહે તો કાંઈ વાંધો જ ન રહે. એવો ઠરાવ રાખવો પણ પૂજા, પ્રતિષ્ઠા, પદાર્થ એ આદિકનો ઠરાવ ન કરવો. કથા કરવા ગયા ને સો-બસો ધોતિયાં લાવ્યા અથવા ધર્માદો ઘણો લાવ્યા કે કોઈક હરિજન પાસે સેવા કરાવી. તે સર્વેએ એમ જાણવું જે આ બધું શ્રીજીમહારાજને આપે છે, પણ આપણને કોઈ ન આપે; કેમ જે મહાપ્રભુજીને આગળ રાખીએ તો આપણને આપે પણ મહાપ્રભુજીને મૂકી દઈએ તો આપણને કોઈ ઊભા રહેવા દે નહિ. પૂજા, પ્રતિષ્ઠા સર્વે મહાપ્રભુજીની થાય છે પણ આપણને કોઈ પૂજતું નથી એવો ઠરાવ રાખવો. "માન મૂકે માન મળે, માન રાખે માન જાય." 1/106/192
11. કચરો ને કંચન સમ જાણે ત્યારે સાધુ કહેવાય. સાકર ને મીઠું સમ થઈ ગયાં હોય તેણે પણ નિષ્કામશુદ્ધિને ધર્મામૃતમાં ફેર પાડવો નહિ તો જ મૂર્તિનું સુખ આવે ને તે જ પૂરો સાધુ કહેવાય. આજ્ઞામાં વર્તે ને વર્તાવે ને ઠરાવ સર્વે મેલાવે એવાનો સંગ સદા રાખવો. પણ જીવને એ ઘણું કઠણ પડે છે. મોટાનો સમાગમ કરે પણ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ. તે મોટાને ખોટ દે છે. જૂનાગઢમાં નેવું લોટિયા (લોટ પીને રહેનારા) હતા. તેમણે આજ્ઞા લોપીને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખોટ દીધી. આજ પણ કેટલાક સત્સંગ બહાર પડીને સત્સંગના નોર બહાર વર્તીને સ્વામીશ્રીને વગોવે છે. તમો સમાગમ કરવા આવો છો તે કોઈ મહાપ્રભુજીની આજ્ઞા લોપી ને અમને ખોટ આપશો નહિ. આપણા મોટેરા ગોળા જમતા ને ક્યારેક અન્ન મળતું નહિ ત્યારે ઉપવાસ કરતા અને અતિ ક્ષુધા લાગી હોય ત્યારે તળાવમાંથી મૃતિકાની કપોટીઓ ખાતા. તમારે પણ તેમના ભેળા બેસવું છે, માટે કોઈ ચાળે ચઢી જાવું નહિ. ત્યાગી થવા નીકળ્યા તો દેહના સુખને ઇચ્છવું નહિ અને સ્વભાવમાં ને સિદ્ધિઓમાં બંધાવું નહિ. સ્વભાવ, સિદ્ધિઓ, જડ, માયા, ચૈતન્ય માયા, માન, ક્રોધ એ આદિકમાં બંધાઈ રહે તો મૂર્તિ સુધી પહોંચી શકાય નહિ. જેમ ઘોડાને પછાડી બાંધી હોય તે તૂટે નહિ ત્યાં સુધી એ ક્યાંય જઈ શકે નહિ. તેમ એ પછાડીઓ નહિ તોડો તો મૂર્તિ સુધી પહોંચાશે નહિ. 1/135/234
12. એકલા છીએ એમ ન જાણવું. શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત મારા આત્માને વિષે વિરાજમાન છે એમ જાણીને સદા આનંદમાં રહેવું. પ્રથમ એક એક સંત વિચરવાની આજ્ઞા હતી. તે સંતના ભેળા શ્રીજીમહારાજ ને અનંત મુક્ત હતા તેથી આજ્ઞા લોપાતી નહિ. પછી જોડ વિના ન ચાલવું એવી આજ્ઞા શ્રીજીમહારાજે કરી, તો પણ જેના ભેળા શ્રીજીમહારાજ ને મુક્ત ન હોય તેવા બે ભેળા હોય તો પણ શ્રીજીમહારાજની આજ્ઞા લોપી નાખે; માટે એકમાં અનેક રહે એવા થાવું અને અનેક મુક્ત સાથે રાખવા. ગૃહસ્થ હોય તેમણે પણ અનંત મુક્ત તથા મહારાજને સાથે રાખવા પણ આ લોકના વૈભવની ઇચ્છા ન રાખવી. 1/151/265
13. સાધુનો તો અહિંસા ને બ્રહ્મચર્ય એ જ ધર્મ છે માટે કોઈ જીવ દુઃખાય એવું વચન પણ બોલવું નહિ. તમારા સંકલ્પથી જેમ જીવનાં કલ્યાણ થાય છે, તેમ જ ભૂંડું થવાનો સંકલ્પ કરો તો ભૂંડું પણ થાય. માટે ક્ષમા રાખવી. કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહિ. 1/160/286
14. મધ્ય પ્રકરણના 52મા વચનામૃતમાં ત્યાગીએ દાઢી મૂછ ન રાખવાં ને ભગવાં વસ્ત્ર રાખવાં એ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે વસ્ત્ર રાખવાનું કહ્યું તે જાડું-મોટું જે સહેજે મળે તે રાખવું, પણ જગન્નાથી કે મલમલ ન રાખવું. ધન-સ્ત્રીનો ત્યાગ રાખવો ને એક વાર પ્રસાદી જમવી. તે સાધુનો ધર્મ છે. ઢગલામાંથી ઉથલાવીને મનગમતાં લેવાય તો રાગ ભળ્યો એમ જાણવું. ઝીણું લૂગડું ન પહેરવું, અંગ ન દેખાય તેવું પહેરવું. નાનું-મોટું જોઈતું હોય તો તે લેવું તે તો ઠીક પણ ઝીણું ન લેવું. જેમ નાનું છોકરું ચોરી કરવા શીખે તે રાજાનો ખજીનો પણ ફાડે એમ જીવને છૂટો મૂકીએ તો ચટણો થઈ જાય, માટે ચટણો થવા દેવો નહિ એ સાધુનો ધર્મ છે. 1/162/292
15. શ્રીજીમહારાજે ખાવા-પીવાનું, ઓઢવા-પહેરવાનું-રહેવાનું ઘણું આપ્યું છે પણ એક જડ ને ચૈતન્ય માયાનો જ ત્યાગ રાખવાનું કહ્યું છે; માટે તેનો તો પ્રસંગ જ થવા દેવો નહિ. બોકડવટ કર્યું તો વેષ ભજવવો ને જો વેષ ન ભજવાય તો બોકડવટ કરવું નહોતું એટલે સંસાર મૂકીને સાધુ થાવું નહોતું. સાંખ્યયોગી રહીને ઘરનું ખાઈને મોટાનો જોગ કરવો તે ઠીક, પણ ત્યાગી થઈને ધનનો પ્રસંગ રાખવો તે તો બહુ જ ભૂંડું કહેવાય. તેમાં તો સ્ત્રી પણ ભેળી આવી ગઈ, માટે ધનનો પ્રસંગ રાખે તેના ધણી મહારાજ ન થાય. 1/166/306
16. શ્રી ગોપાળાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ માર્યા ત્યારે તેમને પૂછ્યું જે, સ્વામી! તમને બહુ માર્યા, ત્યારે સ્વામી બોલ્યા જે, લાકડાને લાકડે માર્યા એમાં તે શું? એવા સાધુ થાવું. 1/169/313
17. સિદ્ધિઓ જે ઘી, સાકર, ફળ, ફૂલ, મેવા આવે તે સાધુને દઈ દેવાં; જેમ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી દઈ દેતા હતા તેમ ગરીબ સાધુને દઈ દેવું. 1/169/313
18. કોઠારમાં ધોતિયાં નાખીને કાંઈ લેવાની ઇચ્છા ના હોય પણ તેનું નામ યાદી રાખવા લખે જે ફલાણા સાધુના આટલાં ધોતિયાં આવ્યાં, તેમાં ધોતિયાં નોંધનાર સાધુને બાધ હશે કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ લેવાની ઇચ્છા ન હોય ને યાદી રાખવા સારુ કોઠારી લખે તેનો બાધ નથી. સાધુ, પાળા, બ્રહ્મચારીને પોતાનું દ્રવ્ય રાખવા-રખાવવામાં સરખું પાપ છે અને પાર્ષદે શ્રી ઠાકોરજીના ધર્માદાનો પૈસો ઝાલવો તેમાં બાધ નથી. 1/170/315
19. દ્રવ્યને તો વિષ્ટા તુલ્ય જાણવું, એટલે તેનો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. જો વિષ્ટાનો સંકલ્પ થાય તો દ્રવ્યનો સંકલ્પ થાય. જેટલું વિષ્ટામાં હેત હોય તેટલું દ્રવ્યમાં હેત રાખવું એટલે જેમ વિષ્ટાનો સંગ્રહ થતો નથી તેમ દ્રવ્યનો સંગ્રહ કરવો નહિ. અરે! તેથી પણ ભૂંડું જાણીને તેનો ત્યાગ કરવો. એ વિના શું ચાલતું નથી? 1/172/322
20. ત્યાગી તો ગૃહસ્થ અન્ન-વસ્ત્ર આપે છે તેના પણ દેણદાર થયા, માટે એ દેણું વાળવાને માટે માળાઓ ફેરવવી અને પોતાનું પણ કરવું માટે ખૂબ ખબરદાર રહેવું; નહિ તો ફરી જન્મવું પડશે. ને નવ મહિનાની કેદ આવી પડશે. જે દ્રવ્યનો ને સ્ત્રીનો બે યનો ત્યાગ રાખશે તેનું મહારાજ ને મોટા પૂરું કરશે. માટે એ બે યની તો અંતરમાંથી ઊલટી કરી નાખવી. 1/172/322
21. ગોબરા ગુરુનો ત્યાગ કરવો, પણ ગુરુ-શિષ્યે એક બીજાની મહોબત ન રાખવી. જે ગુરુ સેવા કરાવે ને મોક્ષ પણ કરે એવા ભેળા રહેવું. એક સડેલ સરખી ચીજ ન મુકાય તો મોટાને ને મહારાજને શું રાજી કર્યા? તેને તો સાધુનો માર્ગ જ હાથ નથી આવ્યો. માટે સડેલા ગુરુનો ને સડેલ શિષ્યનો ત્યાગ કરવો. સાધુને તો વહેલા ઊઠી, નાહી-ધોઈને પૂજા કરીને હરિભક્તને કથા-વાર્તા કરવી તે સેવા કહી છે. 1/174/326
22. ગુરુ હોય તેણે શિષ્યને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સિદ્ધ કરાવવાં. અમે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીને શ્રીકૃષ્ણદાસજી, યોગેશ્વરદાસજી, મુક્તજીવનદાસજી તથા રામકૃષ્ણદાસજી એ ચાર સાધુ આપ્યા હતા. તેમને સ્વામીએ કેવી સાધુતા દૃઢ કરાવી હતી? તેમ પોતાના શિષ્યને ધર્મ દૃઢ પળાવવો ને જ્ઞાન શીખવવું. ઠોઠ જેવા હોય છે તે પણ નિશાળે જાય છે તો તે ભણીને પંડિત થાય છે. એમ આપણી પાસે આવીને સાધુ થાય તેને ધર્મ, જ્ઞાન આદિક શુભ ગુણ ભણાવવા. 1/202/392
23. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા. જીવડાં કરડે તેને ઉડાડતા નહિ ને બે દિવસે, ત્રણ દિવસે કે ચાર દિવસે ગોળો મળે તો પણ અનંદમાં રહેતા ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાશ કે ગળ્યું કે રહેવાનું કે લૂગડાં તે દેખતા નહિ. તો પણ આનંદમાં રહેતા અને આવા મોટાં મંદિરો કર્યાં પણ કોઈએ એક ખીંટી સરખીય પોતાની રાખી નથી. આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું અને એ જેવા હતા તેવો હું થાઉં, એવા ઠરાવ રાખવા પણ ઊતરતા જેવાના ઠરાવ ન કરવા. 1/210/420
24. જેમ તમારા ત્યાગીના ધર્મ જે બાઈ મનુષ્યને ન અડવું, પણ તે બૂડતું હોય તો ઝાલીને બહાર કાઢવાની આજ્ઞા છે; તેમ કોઈની આસુરી બુદ્ધિ થાય ને તે આપણો અવગુણ લે તો પણ આપણે તેનો હાથ ઝાલીને તે સત્સંગમાં આવે એવી રીતે ગમે તેમ કરીને પણ તેનું સારું થાય તેમ કરવું; પણ પડ્યો મૂકવો નહિ. એ આપણો ધર્મ છે. માટે તેનું સારું ઇચ્છવું. 1/226/456
25. મોટા શાહુકાર આગળ ઉકરડામાંથી દાણા વીણી ખાતા હોય તે જેવા કંગાળ છે તેવા જ મોટા સંત આગળ જેને કચરો ને કંચન સરખાં ન હોય તેવા સાધુને કંગાળ કહ્યા છે. આ દેહને ચામડાને ભોગવવું, તેને ખવરાવો તો ય શું અને ન ખવરાવો તો ય શું? દેહ મૂકી દીધો, ડાચું આમ ફાટી ગયું એને વસ્ત્ર પહેરાવો તો શું શોભાવે? તે શું શબ શોભે? જે સાધુ જડ-ચૈતન્ય રાખે ને દેહને સુખી રાખે તે શબ શણગારવા બરોબર છે. ત્યાગીને કૌપીન તો જરૂર જોઈએ. કૌપીન વિના ત્યાગી ફરે તે નગ્ન જાણવો. 1/233/468
26. પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત વંચાવ્યું, તેની ટીકામાં વાત આવી જે પૈસાવાળા ત્યાગીના મુખથી કથા સાંભળે તેણે ચાંદ્રાયણ વ્રત કરવું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પૈસા રાખે તેવા સાધુ થકી કથા ન સાંભળવી. તેમ જ કાંઈ દેવું પણ નહિ. સાધુના પૈસા રાખે તેના પર પણ શ્રીજીનો કુરાજીપો થઈ જાય અને મોટું પાપ લાગે. બે વાતના તો હરામના સમ ખઈને બેઠા માટે તેનો તો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. એ પાપનો ત્યાગ કર્યા વિના સાધન કરે તો પણ એને કાંઈ પહોંચે નહિ. આ વાત સર્વે ધ્યાનમાં રાખજો. 1/239/481
27. એક સાધુ બારની સાલમાં આવ્યા હતા, તેમને એક હરિજને રૂપિયા પાંચ દીધા, તેમને અચ્યુતદાસજી સ્વામીએ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. વિદ્વાન હોય, પંડિત હોય, પણ જડમાં લોભાય તો તેથી ભગવાન કુરાજી થાય અને જો પ્રાયશ્ચિત્ત ન કરે તો જન્મ ધરાવીને પણ પ્રાયશ્ચિત્ત કરાવે પછી મોક્ષ કરે. 1/240/483
28. સન્માન, સેવા, ફળ, ફૂલ, ખાન, પાન, માન, મહોબત મળે તે સર્વે સિદ્ધિઓ છે. મહારાજ કર્તુ, અકર્તુ અને અન્યથા કર્તુ છે, એટલે સેવા અંગીકાર કરે ખરા; પણ સંતો રાગે રહિત કરે તો. પણ જો ઠીક મળ્યું છે એમ જાણીને ગ્રહણ કરે તો સિદ્ધિઓ અંત લે. ઇન્દ્રિયો, અંતઃકરણ વકરીને પાડા જેવાં થઈ જાય ને પોતે ગ્રહણ ન કરે ને મહારાજને અર્પી દે તો બાધ ન કરે. 1/242/490