• ભગવાન ને સંત ઓળખવા એ તો જબરી ઘાંટી! - વિભાગ ૨
1. ભગવાનના મળેલા કોને કહીએ? તો જેને માનસી પૂજા કરતાં, ધ્યાન કરતાં, મૂર્તિમાંથી પાછા ખેંચવા પડે તેવી રીતે મૂર્તિમાં જોડાઈ જાય તે મળેલા કહેવાય અને સેવામાંથી પાછા વાળવા પડે તેમ સેવામાં જોડાય તે મળેલા કહેવાય. 2/44/142
2. જે આજ્ઞા લોપતો હોય તેની વાત વાચ્યાર્થ હોય તે સાંભળનારાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે અને તે હલકારો બહુ કરતો હોય, પણ જે મૂર્તિમાં રસબસ હોય તે તો મૂર્તિમાં રહીને ધીમું ધીમું બોલે પણ ધડાકા ન કરે ને એમની વાતોથી સમાસ બહુ થાય. 2/45/145
3. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે અનાદિમુક્તને ઓળખવા ન પડે. એમની દરેક ક્રિયામાં જણાય. તે ઊઠતાં જણાય, બેસતા જણાય, મૂર્તિના સુખની ચમત્કારિક વાતો કરતા જણાય, ધ્યાનમાં નિમગ્ન રહેતા જણાય. અલૌકિકભાવના સિદ્ધાંત દેખાડતા જણાય. એવી રીતે અનેક પ્રકારે મોટા અનાદિમુક્ત ઓળખાય. એ જ્યાં વિચરતા હોય ત્યાં પુરુષોત્તમ ભગવાન ને અક્ષરધામ જે શ્રીજીમહારાજનું તેજ તથા અનંત મુક્ત એ સર્વે હોય. તે પોતાને સાર્મથ્યે અનેકને દિવ્ય દૃષ્ટિ કરાવી એ સર્વેને દેખાડે. તેથી અનંતના આવરણ ભેદાઈ જાય. મનુષ્યભાવ, પ્રતિમાભાવ, દિવ્યભાવ એ સર્વેનું યથાર્થ વર્ણન કરે એથી સમજાય કે આ અનાદિ મહામુક્ત છે. એની છાયામાં સુખ, સુખ ને સુખ જ હોય. એવા મળે ત્યારે પૂરું થાય. 2/73/228
4. મોટા મુક્તને ઓળખવા નહિ તો ક્યાંય ને ક્યાંય અટકી રહે. દેવલોકમાં, વૈકુંઠમાં કાં તો ગોલોકમાં. જ્યાં ત્યાં અટકી રહે, પછી મૂર્તિ હાથ ન આવે. મુદ્દો હાથ ન આવ્યો હોય તો એવું થાય. 2/97/308
5. બાપાશ્રીએ સભામાં વાત કરી જે, શ્રીજીમહારાજના અનાદિ મહામુક્ત છે તે તો પોતે સુખિયા છે ને અનેક જીવોને મૂર્તિના સુખે સુખિયા કરે છે. તે જો પરમ એકાંતિક થાય તો મહારાજ તથા અનાદિ તેને અનુભવજ્ઞાનથી ખેંચીને મૂર્તિમાં રાખે છે. એવા મુક્તની સ્થિતિ જે જાણે તે જ તેમને ઓળખે, પણ સ્થિતિ જાણ્યા વિના ઓળખાય નહિ. 2/108/340