• દ્રોહનો નિષેધ - દ્રોહ કરવાનું પરિણામ - વિભાગ ૨
1. શ્રી નારાયણપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું 1લું વચનામૃત વંચાતું હતું. તેમાં તીર્થક્ષેત્રની વાત આવી ત્યારે બાપાશ્રી "અન્ય ક્ષેત્રે કૃતં પાપમ્" એ શ્લોક બોલ્યા અને કહ્યું જે, આ તીર્થક્ષેત્ર. અહીં આવીને જે મહારાજનો અને અનાદિમુક્તની સભાનો અવગુણ લે તે તીર્થક્ષેત્રનું પાપ છે. તે વજ્રલેપ થાય, પછી તેનો ક્યાંય પત્તો લાગે નહિ. જેને આ વાતની ખબર ન હોય તે અવગુણ લે. 2/8/27
2. કોઈ સંત-હરિજનની સ્વાભાવિક ક્રિયા જોઈને તેનો અવગુણ લેવો નહિ. તેનો જીવ કેવો હોય તેની આપણને ખબર કેમ પડે! માટે જેટલો લેવો હોય તેટલો પોતાનો અવગુણ લેવો. જેમ ભમરી મધ કરે છે તે અશુદ્ધ વસ્તુમાંથી પણ રસ ગ્રહણ કરે છે એવો તેની દાઢમાં ગુણ છે તેમ આપણે પણ એવી જ લટક રાખી, મહારાજની મૂર્તિનું તાન રહે તેવા ગુણ દરેકમાંથી લેવા. કોઈ હરિભક્તમાં અવગુણ જેવું જણાય તો સમાગમ કરવો નહિ. સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. 2/35/102,103
3. અભક્ત હોય તે મોટા અનાદિને ઓળખે નહિ અને આસુરી જીવ હોય તે તો ઊલટો દ્રોહ કરે. અ. મુ. સ. ગુ. ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને ખુણિયા જ્ઞાનવાળા કહેતા, એ સત્સંગમાં કુસંગ કહેવાય. જેણે જેણે ભગવાનના મુક્ત સાથે કપટ કર્યું હશે તે સુખિયા થયા નથી અને થશે પણ નહિ. સામા વધુ દુઃખિયા થશે; તે ઊંડા ઊતરીને જુએ તો ખબર પડે. 2/37/107
4. જીવ મોટા મુક્તમાં ખોટ કાઢે છે એ દિવ્યભાવ અને મનુષ્યભાવમાં શું જાણે! દિવ્ય મુક્તની કિંમત કેમ કરી શકાય. એ વાત ન સમજાય ત્યારે આ તો આમ ખાય છે, આમ બોલે છે, આમ ભોગવે છે, આમ જુએ છે એવા ભાવ પરઠે. એવા અવગુણ પ્રકૃતિના કાર્યને લઈને દેખાય છે. દિવ્યભાવ આવે તો અવગુણ ન આવે. 2/39/117
5. સત્સંગમાં દેશ-વિદેશમાં ગામોગામ ફરીને મોટા એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ હોય તેને ઓળખવા ને તેમનો જોગ કરવો અને પોતાની ખોટ્યું હોય તે કાઢવી. જેમ દત્તાત્રેયે સર્પ, સમળીમાંથી ગુણ લીધો તેમ આપણે પણ સંત -હરિભક્તમાંથી ગુણ લેવો અને વૈરાગ્યનો તથા સુખ-દુઃખ સહન કરવાનો લક્ષ લેવો. 2/41/130
6. મોટા મુક્તને વિષે જ્યારે કોઈ દોષ દેખાય ત્યારે એમ જાણવું જે મારે વિષે એ દોષ રહ્યા છે, તેથી મોટાને વિષે ભાસે છે, પણ મોટા મુક્તને વિષે તો કોઈ જાતનો કાંઈ પણ દોષ છે જ નહિ. તે કેવી રીતે જાણવું તો જેમ આપણે દર્પણ લઈને જોઈએ તો જેવો પોતાનો ચહેરો હશે તેવો જ સામો દેખાશે પણ તે ચહેરો બીજાનો નથી; તે તો પોતાનો જ ચહેરો દેખાય છે. તેમ તે દોષ પોતાના છે અને મુક્તમાં જણાય છે. 2/74/230
7. બાપાશ્રી બોલ્યા જે, સત્સંગમાં નાના હોય તેનો મહિમા આપણે સમજીએ તેમાં ખોટ નથી પણ મોટાને નાના સમજાય તો ખોટ રહી જાય, માટે મહિમા બરાબર સમજવો અને કોઈ મહારાજની આજ્ઞામાં રહીને કદાચ થોડી ભક્તિ કરતા હોય તો પણ તેનો અવગુણ લેવો નહિ પણ આજ્ઞામાં ફેર પાડતા હોય ત્યાં તો પોતાને અટકવું. ત્યાં મહિમાએ કરીને ચાલ્યા જવું નહિ. 2/74/232
8. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે સત્સંગમાં દિવ્યભાવ રાખવો. કોઈ અવળું વર્તતું હોય તો તેને સમજાવવું. તે જો માને તો ભલે, નહિ તો તેને હાથ જોડીને છેટે રહેવું, પણ વચ્ચે શેરડા પાડવા નહિ. એક સરખું રહેવું. 2/78/241
9. જો મોટા મુક્તમાં મનુષ્યભાવ પરઠીને લગારેક અવગુણ લે તો એ જીવનું તૈયાર થઈ ગયેલું કામ બગડી જાય છે. જેમ કોઈએ પ્રથમ વાઢ કરેલો હોય તે શેરડી પાક્યા પછી તેને પીલીને રસ ઉકાળીને ભીલિયું તૈયાર થઈ હોય પણ તે રાત્રે તેના ઉપર મેહ બહુ વરસે તો ગોળનું પાણી થઈ જાય. પછી તે ગોળને ફરી વાર ઉકાળી ભીલિયું કરવા માંડે તો ભીલિયું થાય નહિ અને કાળો રગડા જેવો નઠારો ગોળ થઈ જાય. તેમ આપણે ગોળની ભીલિયું તૈયાર થઈ ગયેલી છે, તેથી જાળવવા જેવું ખરું. તે શું? તો કોઈ મોટાનો અવગુણ ન આવે એમ વર્તવું. 2/80/248
10. જેને સ્વામિનારાયણને ઘેર જાવું હોય તેને શીલ, સંતોષ, ધીરજ આદિ ગુણ રાખવા. ગરીબને કલ્પાવવા નહિ. ગરીબને કલ્પાવવાથી વંશે સહિત નાશ પામે છે. જો ગરીબ સ્વભાવ હોય તો. ભગવાન પણ ગરીબનિવાજ કહેવાય છે, જે સ્વામિનારાયણનું નામ લેતા હોય એવાનો પણ જાણે-અજાણે દ્રોહ થઈ જાય તો જીવનો નાશ કરી નાખે એવું કામ છે. 2/82/255,256
11. બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્તનો ને મહારાજનો દ્રોહ કરે તો તે દિવ્યગુણ પામેલો હોય તો પણ નાશ પામી જાય. 2/100/317
12. કોઈનો મન, કર્મ, વચને કરીને દ્રોહ ન થાય તેવો ખટકો રાખવો. કેમ જે આ બધો સત્સંગ આપણું ગોત્ર છે. તેથી કોઈનો ભુંડો સંકલ્પ પણ ન કરવો. જે સ્વામિનારાયણ નામ લેતા હોય તેવાના દોષનો સંકલ્પ થાય તો આપણું ઠીકરું ફૂટી જાય ને વજ્રલેપ થાય, કારણ કે જેના જીવમાં સ્વામિનારાયણ હોય તેના મુખથી જ તે શબ્દ નીકળે, માટે તેવાના દ્રોહથી પણ આપણે બીતા રહેવું. 2/102/327
13. મોટા મુક્તની પ્રસન્નતા થાય એ માર્ગે ચાલવું. જો પ્રસન્નતા ન લઈ શકાય તો પણ અપરાધને માર્ગે ચાલી મોટા કચવાય એવું તો કરવું જ નહિ. 2/119/373
14. બાપાશ્રીએ વાત કરી જે, જય-વિજય ભગવાનને ધામને દરવાજે હતા પણ પોતાને માને કરીને ખબર ન રહી, તેથી સનકાદિકનું અપમાન કર્યું. પછી શ્રાપ થયો એટલે ત્રણ જન્મ અસુરભાવે ભજન કર્યું. ત્યાં સુધી દ્રોહનું ફળ ભોગવવું પડ્યું. માટે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તેની આસુરી મતિ થઈ જાય છે, તેથી એ માર્ગે ચાલવું જ નહિ. 2/123/381
15. મોટાનો અપરાધ થયો હોય અને મોટાની પ્રાર્થના કરીએ તો મોટા છોડી મૂકે અને સભામાં મોટાની પ્રાર્થના કરે તો પ્રાયશ્ચિત્ત થોડું કરવું પડે અને બીજાને પણ સમાસ થાય. સાધન બહુ કરતો હોય અને જો મોટાનો અવગુણ લેતો હોય તો તેના કરતા કોઈનો અવગુણ ન લેતો હોય અને તે સાધન ઓછાં કરતો હોય તો પણ તે શ્રેષ્ઠ છે.