૧૧. નિષ્કામીપણાની દ્રઢતા - વિભાગ ૧

0:000:00

મહારાજની મૂર્તિ વિના ક્યાંય વાસના રાખવી નહિ

1. કામ (ઇચ્છા-તૃષ્ણા) જીત્યાનો શો ઉપાય છે?

બાપાશ્રી બોલ્યા જે, એક તો આત્મનિષ્ઠા ને બીજો શ્રીજીમહારાજનો મહિમા - એ બે સાધને કરીને કામ જિતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ જે આંખોમાં ઊના ગજ નાખે ને કામનાં ઊનું સીસુ કરીને રેડે તો પણ ધીરજ ડગે નહિ. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તો પણ બીના નહિ ને ગોઠપ ગામના કડવા ભક્તને ઘણું જ શૂળ આવતું પણ લગારેય કાયરપણું આવતું નહિ ને સદાય આનંદમાં રહેતા, પણ સકામપણું લાવતા નહિ એટલે કોઈ પ્રકારે શ્રીજીમહારાજની પ્રાર્થના કરતા નહિ જે મટાડો કે તેડી જાઓ, એવા નિષ્કામી હતા ને એવી આત્મનિષ્ઠા હતી. શ્રી ગોપાળાનંદ સ્વામી સો-દોઢસો સાધુએ સહિત ગામડામાં ફરતા ફરતા સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું જે, આત્મનિષ્ઠાનું શું રૂપ હશે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, બે ઘડી પછી જણાશે. એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેંકવા માંડ્યા, એટલે એ નદીના કાંઠા ઉપર ઘાટી બાવળી હતી તેમાં સર્વે સંતો પેસી ગયા તે કાંટા ઘણા વાગ્યા અને ગામમાંથી મનુષ્યો આવતાં દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું જે આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા તે કોઈને મારતા હશે. એમ જાણીને બોલ્યા જે વૈરાગી જતા રહ્યા છે. માટે બાવળીમાં કોઈ હોય તો બહાર આવો. પછી સંત બહાર નીકળ્યા ને શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા જે કાંટેથી શરીર ભરાઈ રહ્યાં છે તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું-બેસાતું પણ નથી, પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીપિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું ને ધીરે ધીરે ગઢડે લાવ્યા અને સંતો મહારાજનાં દર્શન કરીને પીડા કહેવા લાગ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા? ત્યારે સંતે કહ્યું જે, તેમના કાંટા તો નથી કાઢ્યા. પછી શ્રીજીમહારાજે પોતે ચીપિયેથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા. તે એટલા બધા નીકળ્યા કે સામાન્ય માણસને એટલા કાંટા વાગ્યા હોય તો તે જીવિત રહે નહિ પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ. અને માન, અપમાન, સુખ, દુઃખ, હર્ષ, શોક, શત્રુ, મિત્ર એ સર્વે સરખું થઈ જાય ને કામ, ક્રોધ, લોભ, ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા જોઈએ અને માહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિપુરુષ ને તેનું કાર્ય તે અતિ તુચ્છ થઈ જાય અને મહાપ્રભુજીને બ્રહ્મકોટી તથા મૂળ અક્ષરકોટી તે થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેકપણું સમજે જે શ્રીજીમહારાજ સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તેજ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય. પછી ખાન, પાન, માન, મહોબત, પદાર્થ તેમાં માલ મનાય નહિ. અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહિ જે આમ બોલ્યો કે આમ બોલ્યો; નિંદા-સ્તુતિ સરખા થઈ જાય અને એક મહારાજ સાંભરે એટલે કામ જિતાય જાય.1/2/5,7

2. કામ મૂળમાંથી બળી જાય તેનો શો ઉપાય હશે?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની નાની-મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારે. એમ ધારતાં ધારતાં જ્યારે પોતાના આત્માને વિષે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. અને બીજો ઉપાય એ છે જે, મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે, એટલે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખિયો થઈ જાય છે. 1/2/7

3. જેમ મહારાજ પોતાના સુખમાં લઈ જાય છે તેમ જ મુક્ત પણ મહારાજના સુખમાં જીવને લઈ જાય છે; એવું કામ કરે છે પણ અનંત બ્રહ્માંડ કરવાં કે કોઈને કર્મફળ આપવું એવું કામ નથી કરતા, કેમ જે એ સકામ છે માટે નથી કરતા. મોટા પાસેથી મૂર્તિનું સુખ માગવું તે સકામ ન કહેવાય. કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યું સત્ય થાય તથા અગમ-નિગમનું જાણવું કે બ્રહ્મપુર, ગોલોકાદિક ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઇચ્છે તે સર્વે સકામ કહેવાય, માટે તે ન ઇચ્છવું. દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય અને જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ એ સર્વે પડ્યાં મેલવા ને એક મૂર્તિ સિદ્ધ કરી લેવી. એ જ ખરું નિષ્કામીપણું. 1/6/18

4. અક્ષરધામમાં જાવું છે તે શી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, સકામવાળાને મતે જાવાનું છે ને તેને ઘણું છેટું છે, કેમ જે તેની બહારદૃષ્ટિ છે, નિષ્કામવાળાને મતે તો જાવાનું ને આવવાનું નથી. જાવું-આવવું કહે છે એ તો આ લોકના શબ્દ છે. 1/45/88

5. ધામમાં જતાં માર્ગમાં સિદ્ધિઓ આવે છે તે શી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, જ્યારથી વર્તમાન ધારીને ભજન કરવા માંડ્યું ત્યારથી માર્ગે ચાલ્યો. તેને અહીં માન, મોટપ, યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ એ સિદ્ધિઓ આવે છે. તેની મહત્તા ને તેનો ભાર ન રાખે તો તેને આડી સિદ્ધિઓ આવતી નથી અને સકામ ભક્તને તો સિદ્ધિઓ મૂર્તિમાન આડી આવે છે. 1/45/88

6. પારકી અને પોતાની સ્ત્રી, તે પણ તરવારની પેઠે નાશ કરે એવી છે માટે તેથી બીતા રહેવું. કેટલેક ઠેકાણે બાપ થકી દીકરીને બાળક થાય છે, માટે એકાંતમાં મા, બેન, દીકરી તથા પરસ્ત્રી ભેળું રહેવું નહિ. કળીનું રૂપ એવું છે જે કળીમાં કામનું જોર છે. સત્યુગમાં સંકલ્પનાં ફળ થતાં, ત્રેતામાં દૃષ્ટિનાં ફળ થતાં, દ્વાપરમાં સ્પર્શનાં ફળ થતાં અને કળીમાં વીર્યનાં ફળ થાય છે. માટે મા, બેન ને દીકરીથી પણ છેટે રહેવું. આજ્ઞા ન પાળે તો પૈસા ખૂએ, નાતજાતમાં ફજેતી થાય, લાજ વંજાવે ને મોક્ષથી પડે. સ્ત્રીની દૃષ્ટિમાં ઝેર રહ્યું છે તે ચઢીને જીવ લે એવી છે. માટે ગૃહસ્થના આશ્રમમાં રહીને પણ નિર્વાસનિક રહેવું. 1/153/270

7. ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા. બ્રહ્મચર્યવ્રતમાં કુશળ ન હોય તેની રસોઈ ન લેવી તે શુદ્ધ આહાર કહેવાય અને અજાણમાં લેવાઈ જાય તો તેનો બાધ નહિ પણ મહોબત રાખીને ન લેવી. મહોબત રાખીને લે તો એક ઉપવાસે શુદ્ધિ થાય, અજાણમાં લેવાઈ ગયું હોય તો તેની ખબર કોઈ દિવસ પડે તો સો માળા ફેરવે શુદ્ધિ થાય. 1/153/271

8. દુષ્ટ વાસના કઈ જાણવી?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી.1/75/330

9. કામ-ક્રોધાદિક શત્રુ છે તે જીવને માયારૂપી કચરામાં ફેરવે છે પણ જીવ ઓળખતો નથી ને આપણે સાધુ થયા છીએ તે આપણને કામાદિક શત્રુ શું કરનારા છે? એમ જાણીને ગાફલાઈ રાખે પણ એ તો ક્યાંય ઉપાડીને લઈ જાય એવાં છે. માટે ખાનપાનમાં ક્યાંય આસક્તિ રાખવી નહિ; એક મૂર્તિમાં જ આસક્ત થાવું અને કામ વ્યાપે તે ટાણે યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો ને ક્રોધ આવે તે ટાણે સર્પનો દેહ આવ્યો જાણવો; માટે કામ-ક્રોધાદિક વિકારનો ત્યાગ કરીને સાધુ થાવું, પણ સ્વભાવને વશ થાવું નહિ ને સ્વભાવ હોય તો તે ટાળવા. 1/202/393

10. એવી કઈ પ્રાર્થના છે કે જે પ્રાર્થના ન કરીએ તો ખોટ કહેવાય? અને પ્રાર્થના કરીએ તો અંતર્યામી જાણ્યામાં ફેર કહેવાય?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાન નહિ જાણતા હોય? "તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ઇનકી પાસ કયા છુપાઈએ, જીનકે હાથમેં દોરી."

પ્રાર્થના કરે તો સકામ કહેવાય. આપણે પાત્ર થાશું તો એની મેળે સુખ આવશે. અક્ષરધામની, મૂર્તિના સુખની ને મોટાની ગતિની આપણને શું ખબર પડે? માગતાં માગતાં અધૂરું મંગાઈ જાય. માટે હાથ જોડીને વિનંતી કરવી ને પાત્ર થાવું પણ માગવું તો નહિ જ. મહારાજ કેમ પ્રસન્ન થાય તે તપાસી પ્રસન્નતાનાં સાધન કરવાં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું તો મહારાજ જાણે જે આ બિચારો મંડ્યો છે ને ઝળેળાટ દર્શન આપે. પણ માગે ત્યારે તો સભા હસે કે મહારાજ નહિ જાણતા હોય! 1/232/466