૨૨. ન્યાલકરણ બાપાશ્રી - વિભાગ ૧
આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વ કાર્ય કરે છે.
1. એક વખત બાપાશ્રી કેરેથી વૃષપુર આવતાં કેરાની નદીમાં ધરામાં પોતે નહાવા પધાર્યા. ત્યાંથી મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી તથા બીજા એક સંતને મોકલીને વૃષપુરના મંદિરમાંથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિક સંતો તથા હરિભક્તોને તેડાવીને પ્રસાદીના ધરામાં બેસારીને સર્વેને માથે ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને મસ્તકે ને બરડે હાથ ફેરવ્યા અને ખોબા ધરાવરાવીને ખોબામાં પાણી રેડીને સર્વેના ઘાટ બંધ થઈ જશે એ વર દીધો ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો જે તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થાશે. પછી જે કોઈ હેત રુચિવાળા નહોતા આવી શક્યા તેમની વતીના પણ લોટા ભરી ભરીને રેડ્યા. પછી સર્વે સંતોને વર આપ્યો જે, તમારું તથા તમે જેના નામ લઈને અમને નવરાવ્યા તે સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાશે. 1/3/8
2. લખાઈ વાડીમાં બાજરા પાસે સંતોને લઈ જઈને બાપાશ્રીએ કહ્યું જે, આ બાજરો તમે આવ્યા ત્યારે નાનો હતો અને આજ કેવડો મોટો થયો છે તેમ તમો સર્વે અહીં આવ્યા પછી આ બાજરાની પેઠે વધ્યા છો. જેમ પાણીના જોગે મોલ વધે તેમ તમો અમારી વાતોરૂપી જળે કરીને વધ્યા છો. 1/27/56
3. સ્વામી ભગવત્સ્વરૂપદાસજીએ સ્વામી હરિનારાયણ- દાસજીને પૂછ્યું જે, સ્વામી! આ અબજીબાપાશ્રીની વાંસે માણસ બહુ તણાય છે ને મોટા મોટા સદગુરુઓથી પણ એમનો ભાર વધારે જણાય છે તે કેવા મોટા હશે?
સ્વામી બોલ્યા જે, આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વ કાર્ય કરે છે. એ તો અતિ મોટા છે પણ એ વાત કોઈને ખમાય નહિ માટે કરવી નહિ. 1/43/86
4. બહારથી મુક્તનો જોગ હોય ત્યારે મનુષ્યપણાના ભાવ કાંઈક રહે ખરા, કારણ તે હસે, રમે, બોલાવે એમ દેહભાવ જણાવે. જેમ મોટું માણસ છોકરું રમાડે તે છોકરાના જેવું બોલે તેમ આ મનુષ્યભાવ જણાવીએ છીએ. જો પરભાવ રાખીને પરભાવની બોલી કરીએ તો તમને સમજાય નહિ. વાતમાં પણ આ લોકનું દૃષ્ટાંત લાવીએ ત્યારે સમજાય પણ પરભાવની બોલી કરીએ તો જીવ સમજી શકે નહિ. એટલા માટે દૃષ્ટાંત આપીએ છીએ જે રસમાં રસ ઘી ને ગળ્યામાં ગળી સાકર, તેજમાં તેજ અગ્નિ ને ધોળામાં ધોળું દૂધ. એવાં દૃષ્ટાંત દીધાં તે મહારાજને કે મુક્તને લાગુ ન પડે, તો પણ સમજાવવા સારુ દેવાં પડે છે. પરભાવની વાતો સમજાય નહિ ને તુંબડીમાં કોડીઓ નાખીને ખખડાવ્યા જેવું થાય, માટે મનુષ્યની પેઠે વર્તીએ છીએ ને મનુષ્યના જેવું બોલીએ છીએ. તે જીવને હેત થાવા માટે છે. પ્રકૃતિપુરુષના કાર્યમાં મહારાજને કે મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહિ. 1/48/93
5. એક વખત એક સંતે આવીને બાપાશ્રીને બે હાથ જોડી આગ્રહ કરીને કહ્યું જે, મને વર્તમાન ધરાવો ને હવે કસર માત્ર ન રહે એવી દયા કરો. પછી બાપાશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યાં. પછી તેમણે અંતર્વૃત્તિ કરી ત્યાં તો પોતાના આત્માને પ્રકાશમાન દીઠો ને તેમાં મહારાજની મૂર્તિ તેજોમય દેખી અને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવી તેથી બહુ આનંદ પામ્યા. ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, સ્વામી! તમે કેમ હર્ષાયમાન જણાઓ છો? ત્યારે તેમણે ઉપરની વાત કરી. તે પછી સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, આ તો બહુ મોટા છે ને એમને શી કસર રહી ગઈ હશે જે આપને વિનંતી કરી. પછી બાપાશ્રી બોલ્યા જે પૂર્વે એમણે શ્રીજીમહારાજના પાળાને હથિયાર ઉગામ્યાં હતાં, એ અપરાધ હતો તે અપરાધથી મુક્ત કર્યા એટલે મહારાજનાં દર્શન થયાં. આ સંત સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ બહુ કરતા અને તેમણે અમારી ઓળખાણ પડાવી હતી. 1/65/124
6. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે, કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય એવા આ મુક્ત છે. જ્યારે માંડવીના રામકૃષ્ણભાઈને આ મુક્ત ઓળખાણા ત્યારે માગ્યું જે, મારે કાંઈ પણ બાકી રહે નહિ ને કદાપિ બાકી રહે ને જન્મ ધરાવો તો તમારી નાતમાં જન્મ ધરાવજો પણ બ્રાહ્મણની નાતમાં ધરાવશો નહિ એ મારી અરજ છે. 1/79/145
7. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહિમામાં જ સુખ છે માટે પંચવર્તમાને યુક્ત એવા ને શ્રીજીમહારાજના યથાર્થ નિશ્ચયવાળા સંત-હરિજનનો મહિમા સમજવો. આજ અમે જીવોના ઉપર દયા કરીને શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન આપી છીએ તે મહિમા ન કહીએ તો જીવના જાણ્યામાં શું આવે? અને શી રીતે જીવ ભગવાનને અને મુક્તને વળગે? માટે જીવના ઉપર દયા કરીને મહિમાની વાતો કરીએ છીએ પણ અમારી સારપ વધારવા સારુ અમારો મહિમા નથી કહેતાં. અમે તો સદા મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ ને મૂર્તિના સુખમાં જ કલ્પેકલ્પ વીતી જાય છે, માટે અમારે આ લોકની મોટપ કે પ્રસિદ્ધિ સારુ વાત નથી કરવી. અમારે તો સદા મૂર્તિનું સુખ છે પણ દેહ નથી. આ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી દેહ દેખાય છે ને શ્રીજીનો સંકલ્પ છે તેથી વાતો કરીએ છીએ; કેમ જે તમને સર્વેને અમારા જેવા કરવા છે. તે જ્યારે માયાનો પડદો તાણી લઈશું ત્યારે માયા ગોતી પણ જડશે નહિ ને બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ પણ ક્યાંય મહાપ્રભુજીના તેજની કિરણોમાં લીન થઈ જશે. એક મહારાજની મૂર્તિ ને મુક્ત એ બે જ રહેશે. માટે કેડ બાંધીને ધ્યાન કરવા મંડી જવું. ધ્યાન કરવામાં દાખડો કરવાનો આગ્રહ હોય તેને મોંઘી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે મળે છે. 1/80/146
8. બાપાશ્રીએ વાત કરી જે, આવો એકાંતિક માર્ગ હાથ આવવો ઘણો કઠણ છે. તરત હાથ આવે એવો નથી, તે તમને મળ્યો છે. પૂર્વના ઘણા સુકૃત છે તો આવો મોટાનો જોગ મળ્યો છે, તેથી કૃતાર્થ થઈ ગયા છો. આ માર્ગ જેને હાથ નથી આવ્યો ને તે સત્સંગમાં છે તો પણ સુખિયા નથી. તે પોતાને મને કરીને સુખ માને છે પણ લેશમાત્ર સુખ નથી. જ્યારે પરભાવને પામે ત્યારે આ સુખ મળે છે. આવી શાંતિ જેમની વાતે કરીને થાય છે ત્યારે એમના અંતરમાં મહારાજનું સુખ છે, એમ જાણવું. જેમ વરસાદમાંથી વાયુ ટાઢો આવે છે અને લૂકમાંથી ઊનો આવે છે તેમ જેના અંતરમાં મૂર્તિ ન હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક અનંત ગુણ હોય તો પણ તેની વાત લૂખી આવે, તે કોઈને શાંતિ કરે નહિ. જેમ મોગરા, જૂઈ, જાઈ, કસ્તુરી આદિકની સુગંધી આવે છે, તેમ જેના ભેળા મહારાજ હોય તેની વાતમાં શાંતિ, સુખ અને આનંદના ફુવારા આવે છે ને સુખિયા કરી મૂકે છે. 1/80/147
9. એક સમયે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં પધાર્યા હતા. તેમણે કહ્યું જે, આ કચ્છ દેશમાં જ્યાં જ્યાં મહારાજ વિચર્યા છે, તે બધે ઠેકાણે મારે દર્શન કરવા જાવું છે. ત્યારે અમે કહ્યું કે સ્વામી! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ માટે અહીં બેઠા દર્શન કરો. એટલામાં તો જ્યાં જ્યાં મહારાજ વિચરેલા તે સર્વે ચૈતન્ય ભૂમિકાઓ સ્વામીએ ભાળી; પછી સ્વામી બોલ્યા જે બધે ય દર્શન થઈ ગયાં. તે જ્યાં જ્યાં મહારાજ સાત વર્ષ સુધી વિચર્યા હતા તે સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાણાં. 1/83/151
10. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આજ તો શ્રીજીમહારાજે ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યાં છે. તે મનુષ્યની પેઠે ખાવું-પીવું સર્વે વ્યવહાર મનુષ્યના જેવો હોય તે કેમ ઓળખાય? આજ આ મોટા પુરુષ પૃથ્વી ઉપર બિરાજે છે. તેમને સમાગમે કરીને એકાંતિક માર્ગ ઓળખાય છે. એવા મોટા પુરુષ પૃથ્વીમાંથી ચાલી નીકળે ત્યારે બહુ જ પસ્તાવો થાય માટે સમાગમ કરી લેવો. 1/120/211
11. અનાદિમુક્ત આ વાતો કરે છે તે આ એક જ છે કે સત્સંગમાં બીજે ઠેકાણે પણ હશે?
બાપાશ્રી બોલ્યા જે, આ એક જ છે તે તમને મળ્યા છે. આવા બીજા સત્સંગમાં નથી. 1/120/211
12. તમે કોઈને વાતો કરો છો ને કોઈને પ્રસાદી આપો છો, કોઈ આવતા હોય તેના સામા જાઓ છો ને કોઈને વળાવવા જાઓ છો અને કોઈને કોઈ વસ્તુ જોઈતી હોય તે લાવી આપો છો, એમ સેવા કરો છો, તેનું શું કારણ હશે?
બાપાશ્રી બોલ્યા જે, એવી સેવાએ કરીને શ્રીજીમહારાજ રાજી થાય છે ને ઇનામ આપે છે એટલા માટે કરીએ છીએ અને બીજું સાધનીકને શીખવવા માટે કરીએ છીએ. 1/120/211
13. સંવત્ 1971ની સાલમાં બાપાશ્રીએ કાળી તલાવડી ઉપર શ્રીજીમહારાજે તેમના માતુશ્રીને દર્શન આપીને વર આપ્યો હતો તે ઠેકાણે છત્રી કરીને ચરણારવિંદ પધારવવાનો તથા સત્સંગિજીવનનું પારાયણ બેસાડવાનું નક્કી કર્યું. તે સર્વ ઠેકાણે કંકોત્રીઓ લખાવી મોકલી જે, "સંવત્ 1971ના ફાગણ વદ 11ને રોજ સત્સંગિજીવનનું પારાયણ બેસશે ને તેની સમાપ્તિ ચૈત્ર સુદ 3ને રોજ થશે, ને તે દિવસે છત્રીએ ચરણારવિંદ પધારાવશે." તે યજ્ઞમાં અમદાવાદથી બસો સંત તથા ભૂજ, મૂળી, ગઢડા, જૂનાગઢ, વડતાલ વગેરેનાં સંત-બ્રહ્મચારી મળી ચારસો હતા અને હરિજનો દેશાંતરના ત્રીસ હજાર હતા ને મહા મોટો યજ્ઞ કર્યો હતો. છત્રી કરી છે તે ઠેકાણે પથ્થરની ધાર શ્રીજીમહારાજની પ્રસાદી હતી, તેમાં ઘણાં ભૂત રહેતાં; ત્યાં કોઈથી જવાતું નહિ. તે ભૂતોને છત્રીના ખાતમુહૂર્ત વખતે અધમણ સાકરની પ્રસાદી વહેંચીને તેમનો મોક્ષ કર્યો. ચૈત્ર સુદ 3ને રોજ કથાની સમાપ્તિ કરી. પછી છત્રીએ ચરણારવિંદ પધરાવવા સર્વે આવ્યા. તે ચરણારવિંદ પધરાવતી વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ વખતે સર્વેને વર આપો. પછી બાપાશ્રી બોલ્યા જે, આ યજ્ઞમાં આવેલા સંત-હરિજનાદિક સર્વે મનુષ્યો તથા ઉપયોગમાં આવેલાં સર્વે પશુઓ તથા આકાશમાં વિમાને બેસીને દર્શન કરવા આવેલાં અધિકારી દેવો તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું. આ છત્રી તથા આ સ્થાનમાં જે દેવ તથા મનુષ્યો દર્શન કરશે અને ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો અમે આત્યંતિક મોક્ષ કરીશું. અને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું; એવો વર દીધો. 1/138/240
14. અશ્લાલીનાં કંકુબાએ જેતલપુરમાં સત્સંગિજીવનના દ્વિતીય પ્રકરણનું પારાયણ સાત દિવસનું કરાવ્યું હતું. ત્યાં બાપાશ્રી પધાર્યા હતા. તે છેલ્લે દિવસે કથાની સમાપ્તિ કરીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં. ત્યાં બાપાશ્રીએ વર આપ્યો જે, "આ છત્રીએ જે દર્શન કરશે તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જઈશું અને ઉપરથી ઊડીને પક્ષી જશે તેનો પણ મોક્ષ થશે." 1/165/302
15. આજ આ મુક્ત સખાભાવે વર્તે છે તો તમે બોલવા-ચાલવામાં, બેસવા-ઊઠવામાં, પ્રશ્ન-ઉત્તરમાં સુખ લો છો, એવું સુખ જો સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના જેવી આકરી પ્રકૃતિ રાખી હોય તો ના આવે અને પ્રશ્ન પૂછવો પણ કઠણ થઈ પડે. આજ તો તમને સુખ આપવા સારુ સખાભાવે વર્તીએ છીએ. 1/167/310
16. આ સભા બેઠી છે તે સ્થળ પણ પવિત્ર છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું તે પછી પણ આ સ્થાનમાં દર્શન કરશે તેને આ સભા સાંભરી આવશે, ને ઘાટ-સંકલ્પ ટળી જાશે, ને ધ્યાન કરશે તેને મૂર્તિનું સુખ આવશે, ને કામ, ક્રોધ, માન આદિ સર્વે અદૃશ્ય થઈ જશે, અને જ્યાં જુઓ ત્યાં મૂર્તિ દેખાશે. એવો આ સ્થાનનો મહિમા છે. 1/168/310
17. બાપાશ્રીને તાવ આવ્યો હતો તે પડખાભર સૂતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એ રોગ મને આપો ને આપ વાતો કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો સકામ થવાય માટે ન અપાય. અમે તો સ્વતંત્ર છીએ ને દિવ્ય મૂર્તિ છીએ, ને અમારી ઇચ્છાથી ક્યારેક માંદા દેખાઈએ, ક્યારેક સાજા દેખાઈએ, ક્યારેક અદૃશ્ય થઈએ, ને ક્યારેક પ્રગટ થઈએ એવા સમર્થ છીએ. જેમ રાજા હોય તે તમારા જેવા લૂગડાં પહેરીને તમારા ભેળો બેઠો હોય તેને કોઈ ઓળખી શકે નહિ, તેમ આ મુક્ત તમારા ભેળા મનુષ્યરૂપે થઈને બેઠા છે. તે ઓળખી શકાય નહિ. અમારે દર્શને, સ્પર્શે ને સંકલ્પે કરીને અનંત જીવનો ઉદ્ધાર થાય છે. 1/176/331
18. મૂળીના પુરાણી સ્વામી ત્યાગવલ્લભદાસજીને કોઠારી વલ્લભજીભાઈએ પૂછ્યું જે, તમે બાપાશ્રી સાથે હેત કર્યું છે તે સમજીને કર્યું છે કે સૌનું દેખાદેખી કર્યું છે? ત્યારે તેમણે કહ્યું જે, મેં તો પ્રતાપ જાણીને હેત બાંધ્યું છે કેમ કે હું બાપાશ્રી પાસે ગયો ત્યારે મારા તમામ ઘાટ માત્ર બંધ થઈ ગયા. તેથી મેં તેમની મોટપ જાણી લીધી જે આ જેવા તો આ એક જ છે, કેમ કે બીજે ઘણે ઠેકાણે તપાસ કર્યો તો કોઈથી મારા ઘાટ-સંકલ્પ ટળ્યા નહિ, ને ત્યાં ગયો કે તરત જ ટળી ગયા અને ધ્યાન વખતે પણ કાંઈ વિક્ષેપ આવતો નથી ને મૂર્તિનું સુખ આવે છે. ત્યારે સંતોએ કહ્યું જે બાપા! અમે પણ બધે જોઈને પછી આપની પાસે આવ્યા છીએ ને આપના જોગથી સુખ આવે છે, એવું બીજેથી આવ્યું નહિ. પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વાત કરી જે, બાસઠ (1962)ની સાલમાં વલ્લભજીભાઈએ મને કહ્યું હતું કે, જ્યારે હું સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો હતો ત્યારે જેવું સુખ અને શાંતિ આવતી એવું જ સુખ અને શાંતિ મને અહીં આવે છે. પછી બાપાશ્રી બોલ્યા જે, આમ ને આમ હેત ને એકતા રાખજો ને આત્મબુદ્ધિ રાખજો તો શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન કરીશું ને સુખિયા કરીશું. કોઈ આઘાપાછા થાશો નહિ એટલે અણવિશ્વાસ લાવશો નહિ. આ તો સ્વામિનારાયણની સાખે કહીએ છીએ. 1/185/347
19. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અમને કેવા કર્યા છે?
બાપાશ્રી બોલ્યા જે, તમને અનાદિમુક્ત કરી મેલ્યા છે ને બીજા જીવોનો ઉદ્ધાર કરો એવા કર્યા છે, એમાં અમે ખોટું કહેતા હોઈએ તો તેનો જોખો એટલે ગુનો અમને છે. આ ફેરે તો પાત્ર-કુપાત્ર જેને જેને આ જોગ થયો છે તે સર્વેને લઈ જવા છે. આ ચૌદ ઇન્દ્રિયરૂપી ચૌદ લોકમાંથી જુદા થાવું તે તમારે કરવાનું છે ને પછી કલ્યાણ કરવું તે અમે કરીશું. 1/185/347
20. સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, મહારાજ વિના બીજેથી પ્રીતિ પણ તોડાવો ને મૂર્તિનું સુખ પણ આપો એવી અમારી પ્રાર્થના છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ તો જીવને નિર્વાસનિક કરીને દેહ છતાં મૂર્તિનું દર્શન પોતાને આત્માને વિષે કરાવીએ છીએ અને દેહ મુકાવીને મૂર્તિમાં લઈ જઈએ છીએ, એવો દૃઢ વિશ્વાસ રાખશો તો જેવા મહારાજ ને અનાદિમુક્ત છે તેવા અંતર્યામી ને સુખિયા કરીશું. 1/185/348
21. બાપાશ્રી બોલ્યા જે, આ કાળી તલાવડી ઉપર છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં તે અમારું જન્મસ્થાન કર્યું છે. ત્યારે બાલુભાઈએ પૂછ્યું જે, આપ તો ગામમાં જન્મ્યા હશો અને તળાવ ઉપર જન્મસ્થાન કેમ કહો છો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારા માતુશ્રી દેવબાઈ નામે હતાં, તે તળાવમાં નાહીને તળાવમાંથી બહાર નીકળ્યાં અને જ્યાં છત્રી છે ત્યાં આવ્યાં, તે ઠેકાણે ડુંગરી હતી, તેના ઉપર શ્રીજીમહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, બાઈ, તમારા ઉપર અમે પ્રસન્ન થયા છીએ તે જે માગો તે આપીએ. ત્યારે અમારાં માતુશ્રી મહારાજને બહુ રૂપાળા જોઈને એમ બોલ્યાં જે, મહારાજ! તમ જેવ પુત્ર મને આપો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારા જેવા તો અમે એક જ છીએ અને અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય તે અનાદિમુક્ત તમારે ત્યાં પ્રગટ થશે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે અને અબ પ્રગટ થશે માટે અબજી એવું નામ ધારજ્યો. એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થયા. પછી અમારાં માતુશ્રી ઘેર ચાલ્યાં, ત્યારે એમને વિશ્વાસ લાવવાને માટે માર્ગમાં ચાલતાં બે બાજુએ મુક્તની પંક્તિ દેખાઈ. તે સર્વે મુક્ત એમ બોલ્યા જે, બાઈ, તમારે પુત્ર થાશે, પુત્ર થાશે. આ વાત અમારાં માતુશ્રીએ ઘેર આવીને અમારા પિતાશ્રીને કહી. જ્યાં શ્રીજીમહારાજે વર આપ્યો તે જ ઠેકાણે અમારું જન્મસ્થાન છે. 1/185/348
22. એક વખત વીજળીઓ બહુ થતી હતી. ત્યારે સંતોએ કહ્યું જે, બાપા! આ વીજળીને અજવાળે તમારાં દર્શન થાય છે તે એને પુણ્ય થશે કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બિચારી વીજળી શું તમને દર્શન કરાવશે? તમમાં એટલો ય પ્રકાશ નથી? તમમાં તો બહુ જ પ્રકાશ છે. તમે તો તેજમાં મૂર્તિ છે, તે મૂર્તિમાં રહ્યા થકા સુખ લો છો ને કેટલાયનો મોક્ષ કરો છો. સાચું મનાય છે કે નહિ?
ત્યારે તે બોલ્યા જે, હા બાપા! તમારા પ્રતાપે એવા થયા છીએ. પછી બાપાશ્રી બોલ્યા જે, તમારા પ્રતાપની, તેજની ને સુખની ખબર તમને નથી પડતી, કેમ કે સમાસ અર્થે શ્રીજીમહારાજે રોકી રાખી છે, પણ તમારો પ્રકાશ તો અક્ષરકોટીથી પણ ઘણો વધુ છે. તમે કામ કરો તે અક્ષરકોટીથી પણ થાય નહિ એવો તમારો મહિમા છે, માટે તમે કાંઈ અધૂરું માનશો નહિ. પૂર્ણકામ માનજો અને આપણને જે મૂર્તિ મળી છે તેથી બીજી તેજોમય મૂર્તિ ધામમાં છે તે દેખાશે ત્યારે પૂરું કલ્યાણ થાશે એમ ન માનશો. પછી સંતો બોલ્યા જે, બીજી જોવાની ઇચ્છા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તો તો પૂરું થયું જ છે ને તમારા સંકલ્પ તો જીવોને તેડવા મૂર્તિમાન થઈને જાય છે. એવી તમારી સામર્થી છે, ત્યારે વળી સંતોએ કહ્યું જે, શ્રીજીમહારાજ અમારે વિષે રહીને સદા બોલે, જમે, હાલે, ચાલે ને સર્વે ક્રિયા કરે એવી કૃપા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું, મહારાજ જુદા નહિ રહે. 1/187/353
23. આ સમાગમ કરવા સમુદ્ર ઉલ્લંઘીને આવો છો ને દેહને દુઃખ પડે છે તે ગણતા નથી. તેનું ફળ જે આ સમાગમે કરીને સંપૂર્ણ મહિમા સમજાય છે, ને સુખ લેવાની સામર્થી સંપૂર્ણ આવે છે; એવી સામર્થી જેને અનાદિનો જોગ ન હોય તેને આવતી નથી. 1/189/356
24. સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, બાપા! મારી એક અરજ છે જે, મને ભૌતિક દેહમાંથી જુદો પાડીને મૂર્તિમાં લઈ જાઓ. તમારા વિના બીજો મારે આધાર નથી ને હું દુઃખીથાઉં છું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બાવો (સ્વામી ઈશ્વરચરણદાસજી) તથા તમે બીજા જે જે શરણે આવેલા સદ્રુચિવાળા છો, તે સર્વેનું અમારે પૂરું કરવાનું છે. એમને કોઈને માથે ગુનો નથી. બધાયનું પૂરું અમે કરીશું. ત્યારે તેમણે કહ્યું જે બાપા! મેં સાધન કર્યા નથી ને થાય તેમ પણ નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારે નચિંત રહેવું. તમને આ માયિક દેહમાં રહીને શું માગતા આવડે? મુક્તનું ને મહારાજનું સુખ ને મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી, માટે જે સુખ અમારે છે તે સુખ સર્વેને આપવું છે, તે દિવ્યભાવે યુક્ત થાશો ત્યારે સમજાશે. દિવ્ય સુખ તો માયિક દેહથી ને માયિક બુદ્ધિથી માગી લેવાય એવું નથી. એ તો અમે પોતે આપી દઈશું. 1/193/366
25. નાનાં-મોટાં વચન શ્રીજીમહારાજનાં યથાર્થ પાળવાં પણ તેમાં ફેર પડવા દેવો નહિ. જો ફેર પડવા દે તો તેને બીજો જન્મ ધરીને પણ પાળ્યા વિના છૂટકો નથી. જે જડ-ચૈતન્ય માયાનો ત્યાગ યથાર્થ નહિ કરે તે તો બળેલો કોયલો છે ને તે અમારો નથી ને એના ધણી મહારાજ થતા નથી. અમારે અહીં જે ધર્મમાં કુશળ ન હોય તેના કાગળો આવે તે અમે વાંચતા કે વંચાવતા નથી ને જવાબ પણ લખતા નથી. એવો તમારે ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ છે. એમ વાત કરીને બોલ્યા જે, જુઓને! આપણે રામપરામાં સં.1964ની સાલમાં કથા સાંભળવા ગયા હતા, ત્યારે એક હરિજન બહુ સારો હતો, પણ તેને નાનપણમાં બ્રહ્મચર્યવ્રતમાં ફેર પડ્યો હતો, તેનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. તેને પ્રાયશ્ચિત્ત કર્યા પહેલાં પાણી પણ ભરવા દીધું નહિ, ને એની કાંઈ પણ સેવા દેહે કરીને અમે કરવા દીધી નહિ. એવી ચોખવટ અમે રાખીએ છીએ. તમે પણ જે અમારા જોગવાળા છો તે સર્વે એવી રીતે ધર્મ વિનાનો હોય તેની સેવા અંગીકાર કરશો નહિ ને શિષ્ય હોય તો જુદો કરજો ને ગુરુ હોય તો પડતો મૂકજો, એ અમારી આજ્ઞા છે તે શિર ચઢાવજો તો અમે બહુ રાજી થઈશું ને તમને ઘણાક અધમ જીવોનો ઉદ્ધાર કરો એવા સમર્થ કરીશું ને જેવા અમે છીએ એવા જ કરીશું અને આપણ સર્વે મૂર્તિમાં ભેળા રહીને મૂર્તિનાં સુખ ભોગવશું. 1/197/376
26. સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, આ સભાનું પૂરું થયું હશે કે કેમ?
બાપાશ્રી બોલ્યા જે, જે પૂરું થઈ રહ્યું એમ કહીએ તો ચિંતા રહે નહિ ને ખાય, ખેલે ને ઝગઝગાટ ફેંટા બાંધે ને પોતાનું પૂરું માને ને કાંઈ સાધન કરે નહિ. માટે સૌ ધ્યાનમાં લઈ આજ્ઞા પ્રમાણે રહેશો તો અમે તમારા કલ્યાણમાં વાંધો નહિ આવવા દઈએ. અમારા વચન પ્રમાણે નહિ વર્તે તો તેનું તે જાણે, માટે આવો જોગ મળ્યો તો બીજો જન્મ ધરવો પડે નહિ એમ વર્તવું. 1/201/391
27. પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત વંચાતું હતું. તેમાં કોઈને દીકરો દેવો કે ધન દેવું કે રાજ્ય દેવું કે કોઈ મૂઆને જીવતો કરવો તે અમને આવડતું નથી એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને અમે કલ્યાણ કરવાનું કામ આપ્યું છે તે કલ્યાણ કરવામાં અમે તમારા ભેગા છીએ પણ આ લોકની માયિક વસ્તુ આપવામાં અમે ભળતા નથી. અહીં ધનબાઈ ડોસીએ અમને વાત કરી જે, હું જે જે વચન આપું છું તે સત્ય થાય છે. કોઈકને દીકરો કે દ્રવ્ય કે જે જે માગે તે આપું છું, પણ મારું વચન એકેય ખાલી ગયું નથી, પછી અમે કહ્યું જે એ તો બ્રહ્માનું કામ કરો છો, તેમાં શું કરો છો? પછી તે સમજી ગયાં જે બાપાશ્રીની મરજી તો એક કલ્યાણ કરવું એવી છે. માટે અમારી દૃષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મ-મરણથી રહિત કરવા ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે. અને તમારે પણ કલ્યાણ કરવું. તેમાં અમે તમારા ભેગા છીએ, પણ જો માયિક વસ્તુ કોઈક માગે તો કહેવું જે કલ્યાણ ખપતું હોય તો અમારી પાસે છે, બાકી માયિક વસ્તુ જે કાળી વસ્તુ તે અમારી ઝોળીમાં નથી; તમારું પ્રારબ્ધ હશે તેમ થશે. 1/204/399
28. અમે તો આખા ગામમાં કોઈ માંદું-સાજું હોય તેને ઘરોઘર જઈને દર્શન ને પ્રસાદી આપીએ છીએ. ગયે વર્ષે રોગ હતો તે આખા ગામમાં પ્રસાદી લઈને અગિયાર વાગ્યા સુધી ફરતા. અમે નહિ હોઈએ તો પછી હાથ ઘસવા પડશે. જેમ પર્વતભાઈના સેવકોને કંકોત્રી આવી ત્યાં મૂર્તિ પધરાવવા ગયા પણ સાત્ત્વિક યજ્ઞમાં રહ્યા નહિ ને પર્વતભાઈ દેહોત્સવ કરી ગયા તે વખતે મનુષ્ય, પશુ, પક્ષી સર્વેને દર્શન આપીને વર આપ્યો જે, અમે આ સર્વેને તેડી જાશું; એ વાત જાણીને જે મૂર્તિ પધરાવવા ગયા હતા તેમને પસ્તાવો થયો તેમ. અમે પણ સર્વેને તેડી જાશું, માટે અમે ત્યાગી-ગૃહી સર્વે એવો મહિમા સમજીને મોટાની અનુવૃત્તિમાં વર્તજો. જેની સર્વે ઇન્દ્રિયોને વિષે શ્રીજીમહારાજ રહ્યા હોય એવા ગુરુની આજ્ઞા તે શ્રીજીમહારાજની જાણવી. એવા ગુરુ કહે જે આ કામ કરવા જાઓ તો શરીરને કારસો આવે એવું વચન હોય તો પણ તે પ્રમાણે વર્તવું. 1/204/401
29. જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે; એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય. અમે એટલા સારુ સમાધિ કરતા પણ અમે તો સદાય મૂર્તિમાં ઝીલીએ છીએ, તે કેટલાકના જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્ચર્ય થાય જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં ઝીલીએ તેમાં આશ્ચર્ય ન થાય, કેમ જે એ કોઈના દેખ્યામાં ન આવે; માટે સમાધિ કરીને પ્રખ્યાતી કરી અને હવે વાર્તા કરીને, જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ. અમે તો જન્મ્યા ય નથી અને આ લોકમાં છીએ પણ નહિ; સદા મૂર્તિમાં જ છીએ. તે શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં કહ્યું છે જે "માતાના ઉદરમાં મૂર્તિ દેખતા" તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહિ. 1/210/419
30. અમે માંડવી ગયા હતા ત્યાં રામકૃષ્ણભાઈએ કહ્યું કે આ કણબી કેમ ફરતા હશે! ત્યારે અમે કહ્યું કે કણબી તે બીવાળા છે. તે બી તે મહારાજની મૂર્તિ તેમાં રસબસ રહેલા છે. તમારું બી બળી ગયું. તમે આવાં પુસ્તકો વાંચો છો, તે શાસ્ત્ર તો વૈરાજનારાયણની વાતો કરે છે. તે તમે વૈરાજનારાયણને ત્યાં જશો કે અક્ષરધામમાં જશો? પછી તો વાત સમજાણી એટલે મુખમાં તરણું લઈને રોયા ને બોલ્યા જે મારો મોક્ષ કરજો અને જો જન્મ ધરાવો તો કણબીના કુળમાં જન્મ આપશો, પણ બ્રાહ્મણના કુળમાં ન આપશો. આપણે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે. 1/222/450