૮. મુક્તોના ભેદ-લક્ષણ : તેમનો મહિમા-સમાગમ - વિભાગ ૧

0:000:00

મોટા મુક્તની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે.

1. આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનેક મુમુક્ષુઓ મુક્ત થઈને ધામમાં જાય છે. જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ મહારાજને લઈને તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને મન, કર્મ, વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહિ. ને જેવા મુક્ત પોતે શ્રીજીમહારાજના સુખે સુખિયા છે એવો જ સુખિયો તે જીવને પણ કરે. 1/1/1

2. શ્રીજીમહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનાં લક્ષણ કેવાં હોય?

બાપાશ્રી બોલ્યા જે એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહિ; અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવાં કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય, એવી સામર્થીવાળા હોય તેને એવા મુક્ત જાણવા. 1/1/2

3. અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો?

બાપાશ્રી બોલ્યા જે, જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે તેમ જ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવા, પણ એવું થવું અતિ કઠણ છે, કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પત્તરમાં કોઈ અન્ન પણ નહિ આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બૂડી મરું ને આ મુક્ત ઊગરે તો ઠીક, એમ થાય; ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે અને પાંચ-સાત દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટા અનાદિમુક્ત જે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણો જીવ જોડીએ તો આપણને પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. 1/1/2

4. મોટા અનાદિમુક્ત કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમરોમનાં સુખ લે છે ને નવીન નવીન ઇચ્છે છે તે મહારાજ આપે છે. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ બહાર નીકળતા જ નથી અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજીમહારાજના તેજમાં શ્રીજીમહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે. 1/1/3

5. મોટાના સમાગમે કરીને જેને પુરુષોત્તમનો મહિમા જણાય છે એને સર્વત્ર પુરુષોત્તમ ભાસે છે પણ માયા કે બ્રહ્માંડ કે કાંઈ જણાતું નથી, તેને માયા ટળી ગઈ જાણવી. 1/4/10

6. સિદ્ધદશાવાળા અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં રહે છે તે જેમ દેહમાં જીવ રહે છે તેમ જ રહેતા હશે કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે, હા, એમ જ રહે છે અને જે એમનો સમાગમ કરે તેમને પણ એવી જ સ્થિતિવાળા ને એવા જ સ્વતંત્ર મુક્ત કરે છે. 1/4/11

7. શ્રીજીમહારાજે કૃપા કરીને મોટા મુક્ત દ્વારા જીવમાં પોતાનું સુખ રાખી મૂક્યું છે તે સંગ કરનારને ખબર કેમ નહિ પડતી હોય?

બાપાશ્રી બોલ્યા જે, જેમ બાળક ઉપર બાપને હેત હોય તે છોકરાના ખિસ્સામાં સારી વસ્તુ છાની રાખી મૂકે તે છોકરું જાણે નહિ, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે હાથમાં આવે ને જમે, તેમ જીવમાં એ સુખ મોટાએ મૂક્યું છે પણ જીવને ખબર નથી. તે જ્યારે પાત્ર થઈને ધ્યાને કરીને જોશે ત્યારે દેખાશે અથવા અંત સમયે મોટા દેખાડશે ત્યારે ખબર પડશે. 1/4/11

8. સાધનદશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે?

બાપાશ્રી બોલ્યા જે, સાધનદશાવાળાને મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે, અને સિદ્ધદશાવાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે અને જેવાં ઇચ્છે તેવાં સુખ મહારાજ તેને આપે છે. સાધનદશાવાળો જે મુક્તના પ્રતાપે સુખ પામે છે તે મુક્તને વિષે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠનો ગુમાસ્તો શેઠના જેવો સમૃદ્ધિવાન થાય તો પણ એમ જાણે જે આ શેઠના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું. એમ તેનો ગુણ રાખે છે અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠનું સન્માન-વિનય કરે છે. એમ મોટાને વિષે રહે છે, જે આમને પ્રતાપે સુખ મળ્યું છે. એવું ગુરુપણું રહે છે અને મુખ્યપણે મહારાજ રહે છે. 1/5/12

9. મોટા મુક્ત જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે. માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ, મોટા આગળ છેડો ધરવો જોઈએ, ગરજવાન થવું જોઈએ અને પાત્ર થઈને વિશ્વાસ કરવો જોઈએ તો મોટા પોતાના જેવા કરે છે. આજ સત્સંગમાં કાર્ય અને કારણ બે ય છે. તે કાર્ય નવા આદરવાળાને અર્થે છે, કેમ જે એને સમાસ કરે છે. એકાંતિકને તો કારણ જે મુક્ત તેના જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો. એ જાણે-અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. જેમ અધર્મે કરીને આવરદા ઓછી થાય છે તેમ મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય છે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય, તેમ મોટાને જોગે બ્રહ્મવિદ્યા ભણાય છે. તે જો ખબરદાર થઈને મોટાના વચન અદ્ધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્તદશા વહેલી પ્રાપ્ત થાય અને ત્યારે મોટા તેને મહાપ્રભુજીના સુખમાં મૂકી દે છે. 1/6/13

10. કદાપિ કોઈનાં વચન વર્તમાન લોપાવે એવાં હોય તો તેને વિષયી ને દંભી જાણીને તેનો ત્યાગ કરી દેવો. જો એવાનો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય માટે એવાનો ત્યાગ કરવો. મુક્ત તો સદા સ્વતંત્ર હોય અને શ્રીજીમહારાજનાં વચન યથાર્થ પાળતા હોય અને સંગ કરનારને યથાર્થ વચન પળાવતા હોય. એવા મુક્ત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા દયા કરીને કહે તે સર્વે સત્ય માનવો અને આપણું નક્કી પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો. કેમ કે પોતે શ્રીજીમહારાજ મુક્ત દ્વારે બોલે છે એવો ભાવ મુક્તને વિષે રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે. 1/6/14

11. સત્સંગમાં આવ્યા કેડે પણ કાંઈક આડું-અવળું વરતાણું હોય ને તે જો મોટાને શરણે આવે ને તેમના ખોળામાં માથું મેલીને દીનતાએ સહિત ગદગદ કંઠ થઈને ને ગરજવાન થઈને સ્તુતિ-વિનય કરે તો સર્વે પાપ પ્રાયશ્ચિત્ત વિના પણ ટળી જાય છે. મોટા આગળ નિષ્કપટ થાવું તો બહુ કામ થાય છે. શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે. ધ્યાન કરવાની લટક પણ મોટાના શીખવ્યા વિના આવડતી નથી. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુબ્ધ થઈને સૂએ તો જાગૃતમાં, સ્વપ્નમાં ને સુષુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે પણ ભૂલાય નહિ. એવો મોટાનો પ્રતાપ છે પણ મોટાની આગળ નિર્માની થાય તો. 1/7/20

12. વીજળીના અગ્નિ જેવા તથા વડવાનળ અગ્નિ જેવા મુક્તનાં લક્ષણ શા હશે?

બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મકોટીના અને મૂળ અક્ષરકોટીના સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહિ તે વીજળીના અગ્નિ જેવા ઉચ્ચ સાધનદશાવાળા એકાંતિક મુક્ત જાણવા. શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દેખાતા હોય તે સિદ્ધદશાવાળા પરમ એકાંતિક તથા મૂર્તિમાં રસબસ રહ્યા જે અનાદિમુક્ત તે વડવાનળ અગ્નિ જેવા જાણવા. તે મુક્ત અતિ કુપાત્ર જીવ હોય તેનો પણ સંકલ્પ માત્રમાં ઉદ્ધાર કરે અને મૂર્તિને સમીપે લઈ જઈને મૂર્તિના સુખે સુખિયા કરે. એવું કામ વીજળી જેવા મુક્તથી થઈ શકે નહિ. તેમાં જે અનાદિમુક્ત છે તે મહારાજની મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે. જે એમનો આશરો કરે તેને પોતા જેવા અનાદિ કરીને મૂર્તિમાં રાખે છે અને મૂર્તિનું રોમ રોમનું સુખ ભોગવે એવા સમર્થ કરે છે. વીજળી જેવા એકાંતિક મુક્તને માથે પણ કાળ, કર્મ, માયા આદિક કોઈનો હુકમ નથી. જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી તેમ. એવા વીજળી જેવા એકાંતિકને મુખે પણ શ્રીજીમહારાજ બોલે છે ને સર્વે ઇન્દ્રિયો દ્વારે શ્રીજીમહારાજ ક્રિયા કરે છે માટે તેમાં જે કાંઈ અંતર્યામીપણું આવે કે ત્રિકાળનું સૂઝે એ આદિક જે કાંઈ ઐશ્વર્ય જણાય તેમાં એ ભક્ત પોતાપણું લાવતા નથી. સર્વ મહારાજનું કર્યું થાય છે એમ માને છે પણ પોતાનું કર્યું થાય છે એમ નથી માનતા. 1/7/21

13. શુદ્ધ સત્ત્વગુણી થઈને એટલે બ્રહ્મરૂપ થઈને મોટાની વાત સાંભળે તો તેનું ફળ થાય ને જીવમાં વાત પેસે ત્યારે જીવ વૃદ્ધિ પામે ને અપાર સુખ મળે. પરમ એકાંતિક થોડું બોલે પણ શ્રીજીમહારાજની મૂર્તિની સન્મુખ રહીને બોલે છે ને જીવને બ્રહ્મરૂપ કરી મૂકે છે. સાધનિક ઘણું બોલે તો પણ તેના શબ્દથી શાંતિ ન થાય. મોટા મુક્તના શબ્દ જીવમાં (ઉતારે) તો સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે. 1/7/22

14. પર્વતભાઈએ શ્રીજીમહારાજ આગળ વાત કરી હતી જે હે મહારાજ! મને લોકો કહે છે જે, તમને સાઠ વર્ષ થયા પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ જોડાઈ રહ્યો છું. બીજું કાંઈ દેખતો નથી. એમ મુક્ત અકર્તા છે. આવી સામર્થી છતાં પણ અલ્પ જીવનું માન-અપમાન સહન કરે છે. તે સમર્થ થકા જરણા કરે છે, અને કોઈક ઉપાધિ કરે તેને ભક્તિ માને છે. ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે ને ઉપાધિ કરનારને પાપ લાગે છે. જેમ એક જણ બે ધોકા મારીને સોનામહોરો મૂકી જાય ને સાંબેલું લઈ જાય તેવું થાય, તેથી ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. જે ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય છે. ક્રોધ કરનારનું પુણ્ય ક્ષમાવાળાને જાય છે. 1/8/24

15. મોટા મુક્તની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. મોટાનો સમાગમ કરવા માંદા આવે ને સાજા આવે તેમાં માંદાને ફળ વધારે મળે છે, કેમ જે એમાં સત્તા (તાકાત) નથી તો પણ આવે છે, માટે મોટા બહુ રાજી થાય છે. ત્યાં દૃષ્ટાંત : જેમ કરોડપતિ હજાર રૂપિયા આપે ને ગરીબ એક રૂપિયો આપે તે સરખું કહેવાય તેમ. 1/13/33

16. ગઢડા છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામી અક્ષરધામમાં સભા છે તેથી પર કહ્યા છે. મહાપ્રભુજીની (મહારાજની) મૂર્તિમાં રસબસ થયા હોય તેવા સાધુને ખોળી કાઢીને આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થઈ જવું. તે વિના તો સુખ ક્યારેય ન આવે. એ સુખ મહારાજના અનાદિમુક્ત દ્વારા સત્સંગમાં પ્રવર્તે છે. જેમ મેઘ વૃષ્ટિ કરીને ચાર ખાણના જીવોને સુખિયા કરે છે તેમ. પાકશાળાના (શ્રીહરિજીના દિવ્ય સુખના) પીરસનારા અનાદિમુક્ત અને પરમ એકાંતિક મુક્ત છે તે શ્રીજીમહારાજનું સુખ જીવોને આપે છે. કેવી રીતે? તો વાણીએ કરીને આપે છે, વાતચીતે કરીને આપે છે, સંકલ્પે કરીને આપે છે, પ્રસાદીએ કરીને આપે છે, મળવે કરીને આપે છે, એમ જીવોને સુખિયા કરે છે. 1/15/37, 38

17. જે અખંડ મૂર્તિ દેખે તે સિદ્ધદશાવાળો કહેવાય. સિદ્ધદશાવાળો જંગમ તીર્થનું કામ કરે, એટલે જ્ઞાન આપીને મોક્ષ કરે પણ બીજો દેહ ધારવાનું બાકી ના રાખે; માટે એવાનો જોગ કરવો. ઉપશમ દશાવાળો તો અખંડ મૂર્તિમાં રહે ને એને આ લોકની સ્મૃતિ કે આ લોકમાં પ્રીતિ ન રહે ને નિઃસ્પૃહ હોય તેથી સર્વે એમ જાણે જે અહો! આ તો ભગવાન વિના બીજું સંભારતા જ નથી. અખંડ મૂર્તિમાં જોડાઈ રહે છે. આપણે પણ એ જ કરવાનું છે. એમ જાણીને ઘણાક જીવ મોક્ષને માર્ગે ચાલે માટે તે સ્થાવર તીર્થ જેટલું કામ કર્યું કહેવાય. ઉપશમ દશાવાળાનો ઉદ્ઘોષ ઉપરથી બહુ જણાય અને જે સિદ્ધદશાવાળા હોય તેનો ઉદ્ઘોષ જણાય નહિ. જેમ કૂવો ખોદાતો હોય ત્યારે માણસ, પશુ તથા બીજો સામાન કૂવા ઉપર ઘણો હોય પણ તેનું પાણી પીવાના કામમાં આવે નહિ. જે કૂવામાં અલંચ પાણી હોય તેના ઉપર કાંઈ સામાન હોય નહિ, પણ તેનું પાણી પીવાય ને તૃષાની નિવૃત્તિ પમાડે તેમ સિદ્ધદશાવાળા મોક્ષ કરે. એવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપે તો ખરા પણ એ સુખ ઝીલનાર શુદ્ધ પાત્ર ન હોય તો પાછું મૂર્તિમાં જતું રહે. 1/16/38

18. મુક્ત મળ્યા વિના મૂર્તિની પ્રાપ્તિ થતી નથી તેથી લૂખો રહે છે. જ્યારે અનાદિમુક્ત મળે ત્યારે કાર્ય-કારણ ઓળખાય અને સત્સંગ બધો દિવ્ય જણાય ત્યારે મૂર્તિની પ્રાપ્તિ થાય. 1/20/45

19. શ્રીજીમહારાજના સુખની અવધિ નથી. સિદ્ધ મુક્તને પણ એ સુખમાંથી પૂર્ણ થવાતું નથી. સુખમાં વિભાગ ઘણો છે. જ્યારે અનુભવ જ્ઞાન થાય ત્યારે જે સુખની વાતો કરીએ છીએ તે સુખની પ્રાપ્તિ થાય ને તેને ભોગવે એટલે જાણ્યામાં આવે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટળી જાય. આ સ્થૂળ દેહમાં રહ્યાં હોય તો પણ આ લોકની ખબર રહે નહિ અને કોઈ પણ વર્ણન કરી શકે નહિ, કેમ જે મહારાજ એની સ્મૃતિને રોકી રાખે છે. તે અનુભવી, ઉપશમ અવસ્થાવાળો ને કર્તા-અકર્તા કહેવાય. એની ક્રિયા મહારાજને આધીન હોય પણ અનાદિમુક્તના જેવો સ્વતંત્ર ન હોય. અનાદિમુક્તમાં સ્વતંત્રપણું છે, તે અનુભવીમાં નથી. માટે અનાદિમુક્ત છે તે અનુભવી કરતાં શ્રેષ્ઠ છે. 1/20/46

20. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી, માટે સર્વે ક્રિયામાં સત્પુરુષનો જોગ કરવાનો અને મૂર્તિ ધારવાનો ખટકો રાખવો. શ્રોતા અને વક્તા ખરેખરા હોય તો જીવ વીંધાઈ જાય, જેમ અન્નમાં પારો પ્રવેશ કરી જાય છે તેમ. જીવ મટીને મુક્તરૂપ થઈ જાય ને સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે એટલે શ્રી પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામે. ખરા વક્તાના જોગનો એવો મહિમા છે. એ જોગ આજ તમને મળ્યો છે. જેમ પારસથી પારસ થાય તેમ અનાદિના જોગથી અનાદિ થવાય. એવા મુક્તનો જોગ મળ્યો હોય તો પણ સાધન પડ્યાં મૂકવાં નહિ પણ એનો ભાર મૂકી દેવો. સાચી રુચિવાળાને શ્રીજીમહારાજ આવો જોગ જરૂર મેળવે. 1/25/43

21. જેમ ઝાડ ઉપર વરસાદ વરસે ને તેમનાં પાંદડામાં પાણી ભરાઈ જાય ત્યારે ઝાડની અને પાણીની બે યની હવાઓ આવે તેમ. મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરમાં બે પ્રકારે જોગ કરવો તો દોષ ટળી જાય તે પાછા ફેર ઉદય ન થાય. જો એકલો ઉપરથી જોગ કરે તો સમીપમાં હોય ત્યાં સુધી દોષ દબાઈ રહે ને છેટે જાય ત્યારે ઉદય થાય. જેમ આકાશમાં મોદ બાંધી હોય તેની તળે રહે ત્યાં સુધી તાપ ન લાગે ને બહાર નીકળે એટલે તડકો લાગે તેમ અંતરમાં જોગ કરવાથી તો જેમ આકાશમાં બધે વાદળાં ભરાઈ જાય તે સૂર્ય દેખાય જ નહિ તેમ થાય, માટે બંને પ્રકારે જોગ કરવો. 1/28/56

22. જેમ પાકશાળામાં બેઠો હોય તેને ભૂખ ન રહે અને ઉપવાસીને અન્નની ત્વરા બહુ રહે તેમ સદા ભેળો રહેતો હોય તેને મહિમા ન જણાય અને કોઈક દિવસ દર્શન થાય તેને ત્વરા ને મહિમા બહુ જણાય.

જેમ મોલમાં પાણી બહુ આવે તો રેચાઈને પીળો થઈ જાય તેમ સત્સંગના સમૂહમાં સદા રહે તેને મહિમા ન જણાય પણ વર્ષે બે વર્ષે દર્શન થાય તો સાક્ષાત્ શ્રીજીમહારાજનાં દર્શન જેટલો લાભ ને પ્રેમ થાય. જો આ સંત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે એમ વિચારે તો નિત્ય નિત્ય નવું હેત થાતું જાય ને ભેળા રહ્યા થકા મહિમા સમજાય તો કામ પૂરું થઈ જાય. 1/28/57

23. મોટાના જોગવાળાને મહારાજનું અને મુક્તનું સુખ બહુ આવે છે. એને તો ઝાઝા મનુષ્યોમાં સુખ ન આવે, કેમ જે સાધનવાળાને ઉદ્ઘોષમાં શાંતિ ન થાય; તેને તો એકાંતમાં બેસીને ભજન કરવામાં શાંતિ રહે. અનાદિમુક્તને તો કાંઈ વિક્ષેપ છે જ નહિ. એમને તો અષ્ટાવધાનીની પેઠે સર્વે ક્રિયા સ્વતંત્ર રીતે થાય ને મૂર્તિ મુકાય નહિ. થોડા સંત હોય અને તે જો અંતર્વૃત્તિવાળા હોય તો તેના ભેળા મહારાજ ને અનંત મુક્ત હોય, એ મોટો જોગ છે તે સદા રાખવો. જેમ મંદવાડમાં ઊંડો ઊતરી ગયો હોય તેને બોલાવે તો બોલે નહિ તેમ. 1/28/57

24. મોટાનો વિશ્વાસ તો હોય પણ વ્યતિરેક મૂર્તિનો મહિમા જાણી શકે નહિ, તેને મોટા શ્રીજીમહારાજની મૂર્તિને સમીપે લઈ જાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મશુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે. 1/32/63

25. મુક્તને જોગે કરીને મુક્ત થયેલાનો જે જોગ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે જેવું અનાદિમુક્તના જોગવાળાનું કલ્યાણ થાય છે તેવું જ તેના જોગવાળાનું કલ્યાણ થાય છે. 1/32/63

26. આ સત્સંગમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તે બધાયને દિવ્ય જાણવા પણ સમાગમ તો શ્રીહરિજીના પરમ એકાંતિક તથા અનાદિમુક્તનો કરવો. બીજાને દિવ્ય જાણીને સેવા કરવી. જે પંચ વર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે, કેમ જે એને મહાપ્રભુજીનો સંબંધ નથી. માટે એ સેવા શ્રીજીમહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે તો શ્રીજીમહારાજ તેમાં રહીને અંગીકાર કરે છે. જે અનાદિમુક્ત છે તથા પરમ એકાંતિક છે તેમની ને શ્રીજીમહારાજની સેવા તો એક જ છે પણ જુદી નથી. 1/34/65

27. પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઉત્પત્તિકાળે અક્ષરાદિક રૂપે થઈએ છીએ અને જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે થઈએ છીએ એમ આવ્યું.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે:- એ નારદ સનકાદિક કોને સમજવા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના અનાદિમુક્તોને આ ઠેકાણે નારદ સનકાદિક નામે કહ્યા છે. તે અનાદિમુક્તો સદાય મૂર્તિમાં રહ્યા થકા આ લોકને વિષે જીવોને દર્શન આપીને મોક્ષ કરે છે એટલે પોતા જેવા મુક્ત કરે છે પણ બીજું ઐશ્વર્યાર્થીનું જે કામ જે જગતની ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવાં તે કરતા નથી, કેમ કે એને તુચ્છ ગણે છે. એ કામ તો મૂળઅક્ષરાદિકને સોંપી મૂકેલાં છે તે કરાવે છે. મુક્ત તો કેવળ મોક્ષ જ કરે છે. જીવોના ગુણ-અવગુણ સામું જોતા નથી અને પામર જેવો જીવ હોય તેનો પણ મોક્ષ કરે છે તેવા દયાળુ છે અને એમને ગુણ, અવગુણ, નિંદા, સ્તુતિ, કાંઈ છે જ નહિ. ત્યાં દૃષ્ટાંત જે: એક સત્સંગી ઢેડ હતો. તેને રાજા કેદમાં પૂરીને પોતાને હાથે નિત્ય સાત ખાસડાં મારતો. તે અપરાધે એ રાજાને યમ લેવા આવ્યા. તેમને દેખીને ઢેડે શ્રીજીમહારાજને વિનંતી કરી જે, હે મહારાજ! આ રાજાને મારાં દર્શન થયા છે અને એણે મારી પૂજા કરી છે માટે એ બિચારાને યમના મારથી છોડાવો ને આપણા ધામમાં લઈ જાઓ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હે ભક્તરાજ! એ તો તમારો અપરાધી છે, તેથી યમને લઈ જવા દો. મારો અપરાધ કરે તેને હું છોડી મૂકું છું, પણ મારા ભક્તના અપરાધીને હું છોડતો નથી. ત્યારે ઢેડે કહ્યું જે હે મહારાજ! તમારે ને તમારા ભક્તને દર્શને કરીને તો અનંત બ્રહ્મહત્યાઓ બળી જાય અને સર્વે પાપ બળી જાય અને મોક્ષ થાય. માટે યમના મારથી મુકાવીને એ બિચારાનો મોક્ષ કરો. તમારા ભક્તને તો ચંદન, પુષ્પની ને ખાસડાની પૂજા સરખી છે. માટે એ અજ્ઞાનીનો અપરાધ ન ગણીને આપનાં દર્શનનું ફળ આપો. ત્યારે યમને કાઢી મૂકીને શ્રીજીમહારાજ એ રાજાને તેડી ગયા અને પોતાના ભક્ત ઉપર બહુ રાજી થયા. મોટાની તો આવી સમજણ છે. તે સમજણ સાધનદશાવાળો ગ્રહણ કરે તો મોટાના જેવા ગુણ આવે. "નાખે અદાવત દીએ ગાળુ, તેને ભક્ત સમજે દયાળુ". એ ચોપાઈ બોલીને પછી બોલ્યા જે આવી સમજણ ગ્રહણ કરે તો બહુ સુખિયો થાય. 1/36/70

28. વૃષપુરના મંદિરમાં બાગને સાધુ પાણી પાતા હતા તે દૃષ્ટાંતે બાપાશ્રીએ કૃપા કરી વાત કરી જે, જેમ આંબા, લીંબુ, દાડમ આદિકની કૂંપળોને પાણી મળતું જાય છે તેમ તેમ નવી નવી કૂંપળો ફૂટતી જાય છે અને ફળ બેસતાં જાય છે ને પહેલાં બેઠેલાં ફળોમાં પાણી ભરાઈને રસદાર થાતાં જાય છે અને બીજાં નવાં નવાં બેસતાં જાય છે. તેમ જીવ જેમ જેમ મોટાનો જોગ કરતો જાય છે તેમ તેમ વૃદ્ધિ પામતો જાય છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ આગળનાં ભોગવેલાં સુખ રહે છે અને બીજાં નવાં નવાં સુખ આવતાં જાય છે. જેમ કૂંપળો પાણી મળવાથી વધે છે અને લૂક લાગે તો બળી જાય છે તેમ જીવ મોટાને જોગે વધતો જાય છે અને કોઈ ભગવાનના ભક્તનો અવગુણ આવે તો તે લૂક લાગી તે જીવનો નાશ થઈ જાય છે. 1/38/77

29. મોટાનો જોગ કરવા આવે અને પોતાનું ડહાપણ જણાવે તો મોટાનો રાજીપો થાય નહિ ને વાત પણ કરે નહિ એટલે એનું તો કામ ન થાય પણ બીજા ભેળા હોય તેનું પણ કામ થવા દે નહિ. 1/39/81

30. પરીક્ષિતનો સાત દિવસમાં શુકજીએ મોક્ષ કર્યો તો આજ તો આત્યંતિક મોક્ષ કરનારા મળ્યા છે. લાખ વર્ષ સુધી શાસ્ત્ર વાંચે ને સાંભળે પણ તેમાં કાંઈ કામ ન થાય. જો વક્તા સર્વોપરી મળે તો ક્ષણવારમાં કામ કરે. જે મોક્ષ કરે તે શુકજી જાણવા. આવો મહિમા મોટાનો સમજાય તો મોટા જે સ્થાનમાં ને જે સ્થિતિમાં ને જે સુખમાં રહ્યા છે તે સ્થાનમાં ને તે સ્થિતિમાં ને તે સુખમાં રાખે છે. 1/46/89

31. શ્રીજીમહારાજને વિષે ને તેમના મુક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તો સમાધિ કરતા પણ ઘણી શાંતિ થાય. આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું?

બાપાશ્રી બોલ્યા જે, આ લોકમાંથી મોટા ચાલી નીકળે એટલે અદૃશ્ય થાય તો એમ વિચારવું જે આવા પુરુષ ઠરવાનું ઠામ હતા તે ચાલી નીકળ્યા તે મહારાજની મરજી એમ હશે. મોટા તો દેહ ધરતા નથી અને મૂકતા પણ નથી. ક્યાંય જતા-આવતા નથી. એ તો સત્સંગમાં છે, છે ને છે જ. કેમ કે એ તો શ્રીહરિજી સાથે સર્વત્ર રહેલા છે. ક્યાંયે ન હોય તેમ નથી. એમ સંતોષ વાળવો અને એમની કરેલી વાતો સંભારીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. હૃદયમાં મહાપ્રભુજીના ભેળા ધારવા ને આનંદમાં રહેવું. 1/48/92

32. (સ્વસિદ્ધ) મુક્ત અનાદિ છે પણ ભજીને (સાધન કરીને) થયેલા નથી, જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજીમહારાજ એકલા હોવા જોઈએ પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઇચ્છાથી અહીં મનુષ્યરૂપે દેખાય છે તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. અહીં આવતા-જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે ને જીવને ઉપદેશ પણ મુક્તદ્વારે મહારાજ કરે છે. જે મુક્તદ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને એ મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે. 1/50/95

33. મોટાનાં કરેલાં શાસ્ત્રમાં અથવા મોટાની કરેલી વાતોમાં તર્ક થાય તો પાપ લાગે. એક તો મહારાજના સ્વરૂપમાં રહેતા હોય તેણે કરીને મોટા હોય અને એક તો શાસ્ત્ર ભણવે કરીને મોટા હોય. શાસ્ત્ર ભણેલાના શબ્દ શાસ્ત્ર પ્રમાણે બરાબર હોય ને લોકને મળતા હોય અને મુક્તના શબ્દ કોઈ વાર લોકમાં કે શાસ્ત્રમાં મળતા ન આવે એવું લાગે પણ એ શબ્દ મુદ્દાના (વાસ્તવિક) હોય ને બરાબર હોય, માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ કે શ્રીજીમહારાજ એમાં રહીને પોતે બોલે છે, માટે એ શબ્દ અમૂલ્ય છે. મોટાના શબ્દમાં શંકા કરીને એ શબ્દને ફેરવે તો મોટો બાધ આવે અને મોટાના શબ્દનો મહિમા જાણે તો બહુ કામ થાય. જેને મોટાના વચનનો વિશ્વાસ નહિ તેને કાંઈ લાભ થાય નહિ. 1/51/97

34. જેમ મણ પાણીમાં પાશેર દૂધ હોય તેને હંસ જુદું પાડી આપે તેમ શાસ્ત્રમાંથી સાર કાઢતાં મોટા મુક્તને આવડે. વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય તો થાય. શાસ્ત્રમાં બ્રહ્મ તથા સંત તથા અવતાર એવા શબ્દ આવે ત્યારે બ્રહ્મ તે ધામ સમજવું અને સંત તે મુક્ત સમજવા અને અવતાર તે મહારાજ સમજવા. 1/51/97

35. જ્યારે મોટાને જોગે કરીને અવયવ ન ફરે અને મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો? માટે મોટાનો જોગ કરીએ ને મોટાના જેવા ગુણ ન આવે ને મન, ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. જો પારસમણિના જોગે પારસ ન થાય તો જેમ બાવના ચંદનના વૃક્ષમાં નાગ વિંટાઈ રહે છે પણ ફણા અધર રાખે છે તેથી ઝેર રહે છે તે બીજાના પ્રાણ લે છે તેમ થાય. માટે એવો જોગ ન કરવો. 1/52/100

36. જેમ શરદ્ઋતુમાં શ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય છે તેને છીપ સમુદ્રમાં અધરથી ઝીલે છે તેનાં મોતી લાખ લાખ રૂપિયાનાં થાય છે ને પડી પડી ઝીલે તો એક પૈસાનાં મૂઠ્ઠી ભરાય એવાં ફટકિયાં મોતી થાય છે. તેમ આપણે સંવત્ 1837થી મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી શરદ્ઋતુ બેઠી છે. માટે શ્રીજીમહારાજનાં વચન અધરથી ઝીલવાં અને અમારો-સંત-મુક્તનો સમાગમ બાર મહિનામાં એક વાર ન થાય તો કાળ પડ્યા જેવું જાણવું. જેમ ચોમાસામાં વરસાદ ન થાય તો અન્ન પાકે નહિ ને દુઃખી થવાય, તેમ સમાગમ વિના જ્ઞાન મળે નહિ ને મૂર્તિથી ઓરું રહેવાય. માટે સમાગમ કરી લેવો. તે સમાગમનું સુખ જેવું થોડા મનુષ્યોમાં આવે એવું ઝાઝા મનુષ્યોમાં ન આવે. જે એક રુચિના હોય તે થોડા જાણવા અને રુચિ ન મળે તે ઝાઝા જાણવા. 1/65/122

37. સમાગમ કરીએ ને વાત તો સમજાય નહિ ને યાદ પણ રહે નહિ તેને સમાસ થાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે ખેતરમાં ખૂબ વરસાદ વરસે ને તેને ખૂબ ખેડીને પછી તેમાં માળવણ જાર વાવે ને પછી વરસાદ ન થાય તો પણ મોટાં મોટાં કણસલાં કાઢે ને જાર પાકે; તેમ વાતો ન સમજાય તો પણ જીવમાં રહે છે ને અંત વખતે જણાઈ આવે છે. વળી બીજું દૃષ્ટાંત જે, જેમ ભાલ દેશમાં ઘઉં પીલતી વખતે બળદ આખા ઘઉં ખાઈ જાય છે તે છાણ ભેળા નીકળી જાય છે પણ તેનો કસ રહે છે; તેમ આ વાતો સમજાય નહિ તો પણ બહુ સમાસ કરે ને સાંભળનારને દેશકાળ લાગવા દે નહિ. 1/65/122

38. જેમ બાળકને માતા જેવું કોઈ સુખદાયી નથી. તેમ જે આત્યંતિક કલ્યાણ ઇચ્છે તેને મુક્ત જેવું કોઈ સુખદાયી નથી. આ વાત ચૂકે તેને ઘણો વાંધો રહે છે. જેમ શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે ઘણાક ભક્તોને પસ્તાવો થયો જે મહારાજ જતા રહ્યા અને કાંઈ સેવા પણ થઈ નહિ અને જેવા હતા તેવા જાણ્યા નહિ. તેમ આજ પણ મહારાજના અનાદિમુક્ત પ્રગટ થયા હોય તેમનો જો મહિમા જાણીને સમાગમ ન કરે તેને સમય ગયા કેડે પસ્તાવો ઘણો જ થાય અને જે મહિમા જાણીને સમાગમ કરે તેને પાછળથી સુખ અને આનંદ ઘણો રહે, માટે નવરાશ લાવીને સમાગમ કરી લેવો. મોટા મુક્તનો સમાગમ અનંત જન્મના ફેરા મટાડે એવો બળવાન છે ને તે ફેર મળવો પણ ઘણો દુર્લભ છે, માટે કોઈ અંતરાયના રોક્યા રોકાવું નહિ ને મોટાનો જોગ કરી લેવો. 1/65/123

39. સુષુપ્તિમાં જીવ જાય છે ત્યારે ઘણાં પ્રકારનાં દુઃખ હોય તે સર્વે નિવૃત્તિ પામી જાય છે ને સુખિયો થઈ જાય છે. એવું સુખ તો સુષુપ્તિમાં રહ્યું છે તો મહારાજના સુખનો તો પાર જ ક્યાંથી પમાય? એ સુખ મોટા મોટા મુક્તો મૂર્તિમાં ભેળા રહીને લીધા જ કરે છે અને જેને મોટાનો તથા સર્વ સત્સંગનો જ્યારે મહિમા જણાય ત્યારે મોટા તેને એ સુખ આપે છે. 1/72/134

40. પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત વંચાતું હતું. તેમાં બીજા પ્રશ્નમાં ભક્તિનું રૂપ આવ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે નવધા ભક્તિમાં શ્રવણ શક્તિ શ્રેષ્ઠ છે, કેમ જે શ્રવણ ભક્તિથી જે કરવાનું છે તે સમજાય છે, તેથી પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે કેમ જે તેથી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે છે અને તે કરતાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે કેમ જે, તેથી આત્યંતિક મોક્ષ થાય છે. આત્યંતિક મોક્ષવાળો તે અનુભવી જાણવો. તે અનુભવી કર્તા, અકર્તા, ઉપશમ, અવસ્થાવાળો ને નિર્લેપ છે. અનાદિમુક્ત તો સ્વતંત્ર છે ને અનુભવીથી અતિશય શ્રેષ્ઠ અને અતિશય સમર્થ છે. જેમ શ્રીજીમહારાજ સત્તાવાન છે તેમ તેમના અનાદિમુક્ત પણ શ્રીજીમહારાજના જેવા જ સત્તાવાન છે. એવા અનાદિમુક્તથી સુખ પામ્યા હોય તેને આ લોકમાં અનાદિમુક્તનો વિયોગ થાય એટલે કે મુક્ત અદૃશ્ય થાય ત્યારે શોક થવો જોઈએ. જો શોક ન કરે તો કૃતઘ્ની કહેવાય ને રઘુનાથદાસની હારમાં ગણાય. 1/73/135

41. સારંગપુરનું 16મું વચનામૃત વંચાતું હતું. તેમાં નરનારાયણ ઋષિ ભરતખંડના સર્વે મનુષ્યોના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપ કરે છે એમ આવ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રી નરનારાયણ તપરૂપી ફળ આપે અને શ્રીજીમહારાજ તથા તેમના લાડીલા અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિના રસરૂપી સુખ લઈને મુમુક્ષુઓને આપે છે. શ્રીજીમહારાજે માંગરોળમાં વાવ ગળાવી તે જ્ઞાનરૂપી વાવ જાણવી. તેમાંથી અમૃતરૂપી જળે કરીને અનંત જીવોને સુખિયા કર્યા. તે કરોડો જીવોને તથા ઈશ્વરોને તથા અનંત બ્રહ્મની કોટીઓને તથા અક્ષરોને પણ સુખ આપે છે, પણ મહારાજ તથા મુક્ત પ્રત્યક્ષ મળ્યા વિના કૂદકો લઈને સુખ લેવાય એવું નહિ. 1/74/137

42. છેલ્લા પ્રકરણનું 4થું વચનામૃત વંચાતું હતું. તેમાં 1લા પ્રકરણમાં બાધિતાનુવૃત્તિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બાધિતાનુવૃત્તિનો મર્મ જાણવો એ ઘાંટી જબરી છે, કેમ જે ગોરધનભાઈની સ્થિતિ જેના જાણ્યામાં નહોતી આવી તે અવગુણ લેતા. ઉપશમવાળો જ્યાં સુધી ઉપશમમાં રહે ત્યાં સુધી મહારાજનું સુખ રહે ને જાગે ત્યારે આ લોકની ક્રિયા કરે અને જેને ત્રણે અવસ્થામાં સદાય મૂર્તિ હોય એ સ્વરૂપનિષ્ઠાવાળા અનાદિમુક્ત કહેવાય. એમના જોગથી માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે કાકવિષ્ટા તુલ્ય સમજાય અને કેવળ સમાધિવાળાને રવજીભાઈની પેઠે ધક્કો લાગે. અનાદિમુક્તને જે સમાધિ થાય તે તો બીજા જીવના સમાસને માટે છે પણ પોતાને માટે નથી. એમને તો જેમ કાચબો ચાલે છે તો ય એમ છે ને સંકોચાઈને અંગ તાણી લે છે તો ય એમ છે. તેમ અનાદિમુક્તને તો સદાય સરખું છે. સાધનિક એમ જાણે જે સમાધિમાં ગયા તે બહુ સુખિયા થયા પણ એ તો સદા મૂર્તિમાં સુખિયા જ છે. એવા મુક્ત કદાપિ મહાપ્રભુજીની મરજીથી બીજા જીવના સમાસને માટે સમાધિ કરતા હોય અને ક્યારેક ન કરતા હોય તેને કોઈક કહે જે સમાધિનું સુખ જાતું રહ્યું તો તેને બહુ પાપ લાગે, કેમ જે એ તો સ્વતંત્ર છે. 1/81/147

43. આ ગામમાં રત્નો ભક્ત હતા તે મુક્ત હતા અને દહીંસરામાં કચરો ભક્ત હતા તે પણ મુક્ત હતા. તે બે ય દેહ મૂકીને ધામમાં ગયા. તેમની વાત ઉડાડી જે બે ય ભૂત થયા છે ત્યારે અમે કહ્યું જે એ બે જ્યારે ભૂત થયા ત્યારે ધામમાં એટલે મૂર્તિમાં કોણ જાશે? માટે એવું ખોટું બોલનારને બહુ પાપ લાગે. કદાપિ ધામમાં ગયા કેડે કોઈકને દર્શન આપે તો દિવ્યરૂપે દર્શન આપ્યાં એમ જાણવું. જ્યારે કોઈકને વળગીને ધૂણે ત્યારે ભૂત થયા એમ જાણવું. મોટા તો અલૌકિક ક્રિયાવાળા હોય, કેમ જે એ તો સ્વતંત્ર છે. માટે ક્યારેક સ્વતંત્રપણે જાગ્રતમાં દર્શન આપે ને ક્યારેક તો સ્વપ્નમાં દર્શન આપે અને ક્યારેક તો અંતર્વૃત્તિએ દર્શન આપે અને ક્યારેક ઉપશમમાં દર્શન આપે, તેમને વિષે વાસના ઠરાવવી નહિ એવો સંકલ્પ પણ કેમ કરાય? 1/81/148

44. આજ તો રોકડું કલ્યાણ છે તે દેહ છતાં જ કલ્યાણ. લાખ જન્મ તપ કરે તો પણ કલ્યાણ ન થાય, તે આજ પંચવર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે ને દેહના ઘસારાને પણ ગણે નહિ ને માન-અપમાનને પણ ગણે નહિ, અને ધ્યાન-સેવામાં તત્પર થઈ જાય. જેમ પરદેશમાં ઘણા રૂપિયા મળે તો દુઃખ વેઠે છે તેમ. આ સમય અને આ જોગ સારો છે, તેમાં પૂરું કરી લેવું. આ જોગ ન હોય ત્યારે જેમ આજ કથા-વાર્તા-જોગ કરો છો એ લાભ ક્યાંથી રહે? માટે જોગ કરી લેવો. 1/83/149

45. કોઈકને એમ થાય જે મોટાના જોગનું શું કામ છે? આપણે શાસ્ત્રમાંથી મહિમા જાણીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરીશું, તો એને કારણ મૂર્તિની પ્રાપ્તિ થાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, અંતઃકરણમાં મનુષ્યભાવે મૂર્તિ દેખે પણ આત્મામાં કારણ મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય, કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે. જેમ પૃથ્વીમાં સો ગજ ઊંડો હીરો દાટેલો હોય તેને જે જાણતા હોય તે બતાવે, પણ બીજાને હાથ ન આવે તેમ. કેમ જે, જેને મૂર્તિની લટક હોય તે જ મૂર્તિ બતાવે પણ બીજાથી ન બતાવાય. આ જીવને ધ્યાનમાં અંતરાય કરનારા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પ્રકૃતિ ને સંગદોષ એ સર્વે છે, તેને ઘસારો દઈને આ કામ કરી લેવું. મુક્તનો જોગ કરી લેવો અને સંગદોષ તો મૂર્તિમાંથી બહાર કાઢી નાખે એવો છે. માટે મોટા પાસેથી લટક શીખીને ધ્યાન કરે તો અંતરાય કરનારા સર્વે દોષને મોટા નાશ કરે અને તત્કાળ ધ્યાન સિદ્ધ કરાવીને કારણ મૂર્તિ પધરાવી દે એટલે વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે. "જેમ જળ જળ કમળ ન નીપજે, વન વન અગર ન હોય", તેમ ઘેર ઘેર મુક્ત ન હોય. માટે ચેતી લેવું. મુક્તનો જોગ ગયા પછી સાધનિકનો જોગ કરે તો જેમ "રાંડીને ઘેર માંડી ગઈ, તે આવ બાઈ હું જેવી તું થા", એવું થાય. જેમ ચિંતામણિ પાસેથી જે ચિંતવે તે મળે તેમ મોટા છે તે મહાપ્રભુજીની મૂર્તિ આપી દે. 1/83/150

46. મોટા મુક્તનો હેતે સહિત ને મહિમાએ સહિત એક દિવસ જોગ કર્યો હોય તે સદાય કામમાં આવે. જેમ રાતઅંધો હોય તે બશેર ઘી ખાય તો બાર મહિના સુધી આંખમાં તેજ રહે છે; તેમ મોટાના જોગનો કેફ રહે છે. જે એમ જાણે જે મહારાજ ને મુક્ત મારા ભેળા જ છે તો એને મહારાજનું અને મોટાનું સુખ સદાય રહે છે; પણ જીવને નબળાનો જોગ થાય તો તેને સંગદોષ લાગે. જો ખરેખરો થઈને મંડે અને હું જે જે ઘાટ સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ અને મોટા જાણે છે. એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મોટા મહાસુખિયો કરી મૂકે. જ્યાં મહારાજ અને મુક્ત વિરાજમાન હોય તે સ્થાનમાં ધ્યાન કરે તો મૂર્તિ સાક્ષાત્કાર દેખાય અને મહારાજે અને મુક્તે જ્યાં વિચરીને ઘણી લીલા કરી હોય તે સ્થાનમાં પણ મૂર્તિનો સાક્ષાત્કાર થાય. 1/83/151

47. મહારાજનો ને અમારો સિદ્ધાંત એવો છે જે જેને વિશ્વાસ આવે તે સર્વેને ભેળા લઈ જવા છે. જેને અંત અવસ્થા વર્તે તેને તો આ ટાણે છતા દેહે અક્ષરધામના જેવું સુખ આવે, માટે મુક્તનો વિશ્વાસ રાખવો. જે અક્ષરધામમાં મુક્ત છે તે જ આ પોતે છે, ને જેવું દેખે છે તેવું કહે છે, એવો વિશ્વાસ આવે તેનું કાર્ય થઈ જ રહ્યું છે, અને એ સાચાં ઘરેણાં પહેરવા જેવું છે. જેને મોટાની વાતોમાં સંશય થાય ને પોતાને પહેલાંની જે વાત સમજાયેલી હોય તે મૂકે નહિ તો તે પિત્તળનાં ઘરેણાં પહેરવા જેવું છે. આ જોગમાં આવેલા કદાપિ જીવરૂપ હશે તો તે પણ અનાદિ થઈ જશે. આ જોગવાળાને કદાપિ ઇન્દ્રિયોના ભાવ દેખાઈ આવે તો પણ મોક્ષ બગડે નહિ. જેમ મરેલો સર્પ દેખીને બીક લાગે પણ તેનાથી ડંસીને જીવ લેવાય નહિ તેમ; માટે અપૂર્ણપણું માનવું નહિ. 1/85/154

48. અનાદિ સાથે હેત થયું તે છેડો હાથ આવ્યો. મોટા સાથે જોડાય તો મહારાજની અને જીવની વચ્ચે પડદા છે તે મોટા મુક્ત તોડી નાખે. મોટા મળ્યા પછી દેહના ભાવ જણાતા હોય તો તે મરેલા જાણવા. પણ પોતાના જીવને પાપી ન માનવો. શ્રીજીમહારાજનો આશ્રિત થાય ને મોટા સાથે જીવ જોડે ને નિયમ-ધર્મરૂપી બખ્તર પહેરે એટલે નિયમ-ધર્મ પાળે તો પંચ-વિષયમાંથી હેત ટળી જાય ને મોટા મુક્ત તે જીવને માયામાંથી મહારાજની મૂર્તિમાં ખેંચી લે. મહારાજ ને મુક્ત રાજી છે તો તરત ફેંસલો થઈ જશે, ને નક્કી મૂર્તિના સુખમાં પહોંચાડશે એવો વિશ્વાસ રાખવો. શ્રીજીમહારાજનું સુખ છે તે તમારું જ છે, અણું જેટલું પણ છેટું નથી. આગળ જેનાં જેનાં કલ્યાણ થયાં છે તે આત્યંતિક નથી થયાં અને આજ તો અવતારી જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવનાં આત્યંતિક કલ્યાણ કરે છે. માટે આગળ થઈ ગયેલા અવતારોથી આજના મુક્ત ઘણા મોટા છે. આ મુક્ત શ્રીજીમહારાજના અવતાર છે, તે અનંત જીવોના કલ્યાણ સારુ મનુષ્યરૂપે દેખાય છે, તેમનો યથાર્થ મહિમા સમજીને તેમને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. 1/87/159

49. પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત વંચાતું હતું. તેમાં દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે આ જોગ બહુ સારો છે માટે કરી લેવો. આ જોગ સદા ન રહે. ઓચિંતાનો દેહ પડી જાય કે ઓચિંતાનો જોગ મટી જાય માટે ઝટ કરી લેવો. આ તો વીજળીના ઝબકારે મોટી પરોવી લેવા જેવું છે. જેમ વરસાદ વરસે ત્યારે સર્વત્ર જળ હોય ને પછી કાંઈ ન મળે તેમ. આ જોગ સદા ન હોય. આ જોગ ગયા કેડે આવો જોગ મળવો ઘણો દુર્લભ છે. બીજા મળે તો સંગદોષ પણ લાગી જાય અને મોટા તો સંગદોષ પણ લાગવા દે નહિ ને મોક્ષ કરે. જેમ સમુદ્રને સુખે કરોડો મગર-મચ્છાદિક જળજંતુ સુખી રહે છે તેમ આ પુરુષને જોગે કરોડો જીવ સુખી છે; એવા જોગમાં તમે આવી પહોંચ્યા છો. 1/91/167

50. શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તે કેવી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, એ ભેદ સાધનદશાવાળા મુક્તની સ્થિતિના છે. જે શ્રીજીમહારાજની મૂર્તિને જ દેખે અને પોતાની પણ સ્મૃતિ ન રહે તે ઉત્તમ ભેદ છે અને જે પોતાની સ્મૃતિએ સહિત મૂર્તિ દેખે તે બીજો ભેદ છે અને જે મહારાજને, પોતાને ને અક્ષરધામને દેખે તે ત્રીજો ભેદ છે અને મહારાજને, પોતાને, ધામને અને અનંતમુક્તને ન દેખે તે ચોથો ભેદ છે. એમ સાધનદશાવાળાની સ્થિતિ કહી છે. 1/93/169