૨૩. બાપાશ્રીનો દિવ્ય પ્રભાવ - વિભાગ ૧

0:000:00

બાપાશ્રીએ ઇંદ્રને કહ્યું જે, આ ગામની અંદર ન વરસીશ ને આ ગામ ફરતો બીજે બધે વરસજે.

1. સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, ધ્યાન બરાબર થાતું નથી ને મૂર્તિ ધરાતી નથી. માટે કૃપા કરો તો ધરાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઊંડા ઊતરો તો ધરાય. પછી તે વખતે ધ્યાન કરવા મંડ્યા ને ઊંડા ઊતરી જવાણું ને તેજ દેખાણું પણ મૂર્તિ દેખાણી નહિ. પછી બહાર આવીને બાપાશ્રીને વિનંતી કરી જે, મૂર્તિ દેખાતી નથી. ત્યારે બાપાશ્રી કહે જે, ધ્યાન કરો, દેખાશે. પછી ધ્યાન કર્યું તો મૂર્તિ દેખીને બહુ આનંદ પામ્યા. 1/50/96

2. સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના સાધુ મુક્તજીવનદાસજી માંદા હતા તેથી બાપાશ્રી પાસે રોકાયા. બીજે દિવસે સવારે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને રોકવા હતા તેથી આ સાધુને રાખ્યા છે. નહિ તો કંકોત્રીઓ લખ્યા પછી સિનોગરામાં મિસ્ત્રી દેવજીભાઈની પારાયણ સાંભળવા ગયા ને આ સાધુ ત્યાં માંદા પડ્યા હતા, ત્યાં ને ત્યાં દેહ મૂકવાના હતા. જો દેહ મૂક્યો હોત તો તમને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો અહીં રહેવા દેત નહિ. અમદાવાદ લઈ જાત, પણ આ સાધુને માંદા જોઈને કોઈ બોલ્યા નહિ, એમ વાત કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, દેવથળના ડાહ્યાભાઈ આપની પારાયણમાં આવ્યા હતા તે નાડી જોઈને એમ કહેતા હતા જે આ સાધુને કફ સુકાઈ ગયો છે, તો પણ દેહ રહ્યો છે તેનું કારણ કાંઈ સમજાતું નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, તમને રોકવા સારુ જ અમે એમને રાખ્યા છે. 1/138/241

3. સંતો માંદા સાધુને નવરાવવા સારુ ગયા અને બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા વરતાલથી બ્રહ્મચારી આવ્યા હતા તે સર્વે ઓસરીમાં બેઠા હતા. સાધુ મુક્તજીવનદાસજી ખાડે જતા હતા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું કે આ સાધુને ક્યારે લઈ જશો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને ખપતા નથી? ત્યારે તેમણે કહ્યું જે સાજા કરો તો ખપે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એમને માટે ગઈ કાલે લાકડાં તૈયાર કરી રાખ્યાં છે અને આજ લઈ જવા છે. એટલામાં તે માંદા સાધુ ખાડેથી આવ્યા અને કૂવા ઉપર જઈને દાતણ કર્યું એટલે સાધુ મુક્તવલ્લભદાસજી આદિક નવરાવવા લાગ્યા, એટલામાં તો એ માંદા સાધુ નમી પડ્યા ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, સાધુની પાસે જાઓ, અમે લઈ જઈએ છીએ. પછી બાપાશ્રી આદિક સર્વે તે સાધુ આવ્યા ને વસ્ત્ર પહેરાવીને ઓરડીમાં લઈ જઈને સુવાર્યા કે તરત જ તે દેહ મૂકી ગયા. પછી તેમને દેન દઈ આવ્યા ને શ્રી ઠાકોરજીને થાળ કરીને જમાડ્યા. 1/142/247

4. બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે કાલે ચાલો, નહિ તો કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે. પછી સ્વામી બોલ્યા જે, પંદર દિવસ રહીએ તો ધર્માદો હાથ ન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તો તો કાલે જ નીકળો. તેથી સર્વે સંત બારશને દિવસે સવારે નીકળ્યા તે ભૂજ ગયા ને ત્યાં રાત રહ્યા. તે રાત્રે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને તાવ બહુ આવ્યો તેથી તેરશને દિવસે તેમણે કાંઈ ખાધું નહિ. પછી ખારીરોલ આવ્યા ત્યાં તેમને કાંઈ ભાન રહ્યું નહિ. જ્યારે વહાણમાં બેઠા અને દરિયામાં તોફાન બહુ થયું ત્યારે પાટડીનું મંદિર કરવા કાનજીભાઈ, હરજીભાઈ તથા હીરજીભાઈ એ ત્રણે ભેળા આવતા હતા તે બીન્યા ને કહ્યું જે બૂડશે કે શું? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મને કહ્યું હતું જે તમે ક્યે રસ્તે જશો? ત્યારે મેં કહ્યું જે ખારીરોલ તરફ જવા વિચાર છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઠીક ખારીરોલ જાઓ; પછી જાણશો. પછી મેં કહ્યું જે, કેમ વહાણ તો નહિ બૂડે ને? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બૂડશે તો નહિ પણ બૂડ્યા જેવું થશે. એમ બોલ્યા હતા માટે બૂડશે તો નહિ. પછી એમને હિંમત આવી ને નવલખીએ ઊતરીને મોરબી આવ્યા. પછી ગોવિંદભાઈએ ઠાકોર સાહેબનો બંગલો ઉઘાડ્યો ને તેમાં ઊતર્યા. પછી નાહી-ધોઈને પૂજા કરતા હતા તે વખતે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને ખાટલામાં સુવાર્યા હતા, તેમને શરીરનું ભાન આવ્યું ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી બેઠા થઈને સર્વેને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, આ બાપાશ્રી ઊભા છે તેમને પગે લાગો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બાપાશ્રી શું કહે છે? ત્યારે તે બોલ્યા જે, એમ કહે છે કે દરિયામાં તમને ટાઢ વાય, ભૂખ લાગે, તરસ લાગે ને તમે કાંઈક માગો તે ક્યાંથી લાવી આપે? એટલા સારુ દેહની વિસ્મૃતિ કરાવી હતી એમ કહે છે. પછી બોલ્યા કે બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા, આપણે ક્યાં છીએ? સ્વામીએ કહ્યું જે, મોરબી આવ્યા છીએ. પછી ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડ્યા. પછી ત્યાંથી રેલે બેઠા તે દેવપરે આવ્યા. ત્યાં ચૈત્ર વદ 11ને રોજ બપોરે તે સાધુએ દેહ મૂક્યો. બાપાશ્રી તે વખતે ચમત્કાર જણાવીને તે સાધુને તેડી ગયા. ત્યારે સૌને ખબર પડી જે બાપાશ્રી કહેતા હતા જે કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે તે આ સાધુએ બરાબર પંદર દિવસે દેહ મેલ્યો. 1/146/255

5. ફાગણ વદ 12ને રોજ સવારે પાટડી જઈને મૂર્તિ પધરાવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મંદિરમાંથી હવે બીક ગઈ માટે કોઈ બીશો નહિ. પછી સંતહરિજનોની પંક્તિ જમવા બેઠી ત્યાં પહેલી પંક્તિમાં જ લાડુ ઘણા વરી ગયા ને થોડા જ રહ્યા. તેથી ખૂટવાની બીકે કાળીદાસભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, આ ગામમાં લોટ પણ તૈયાર નહિ મળે અને લાડુ તો થઈ રહેવા આવ્યા અને લાજ જશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે ફિકર રાખશો નહિ; લાડુ વધી પડશે. સ્વામિનારાયણ ભગવાન ખૂટવા નહિ દે. પછી સૌ જમ્યા અને લાડુ તો ઘણા વધ્યા. 1/165/302

6. ચૈત્ર સુદ 13 ને રોજ બાપાશ્રી અમદાવાદથી નવસો માણસોનો સંઘ લઈ છપૈયે ગયા. ત્યાં ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈએ ચૈત્ર વદ 4ને રોજ સત્સંગિજીવનનું પારાયણ બેસાડ્યું હતું. ત્યાં કોલેરાનો રોગ હતો. તેથી વ્યાર ગામના હરિભક્તે દેહ મેલ્યો. તેને બાપાશ્રીએ દર્શન આપી અક્ષરધામમાં મૂકી દીધો. પછી સર્વે સંતોએ તથા ઘણાક દેશાંતરના હરિજનો આવ્યા હતા. તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ ત્યાં સુધી આ રોગ બંધ રહે. એવી કૃપા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હવે કોઈ નહિ મરે. તે પછી રોગ બંધ થઈ ગયો હતો. 1/165/302

7. એક દિવસ સંધ્યા આરતી વખતે બાપાશ્રીએ ખીમજીભાઈને કહ્યું જે, નહાવું છે માટે ચાલો. પછી ખીમજીભાઈ દોરી-લોટો લઈને ચાલ્યા તે માંહીલે કૂવે જઈને લોટો ભરી આપ્યો, તે લઈને બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવ્યા ને હાથ ધોયા. પછી લોટો ઊડકીને નવરાવવા માંડ્યા. એટલામાં આરતીનો ડંકો થયો, ત્યાં તો આકાશમાં તેજોમય વિમાન ને તેમાં તેજોમય મૂર્તિઓ એવું દેખવામાં આવ્યું. ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, બાપા! આ શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, તેમને દર્શને આ બધા મુક્ત આવ્યા છે. ત્યારે ખીમજીભાઈ કહે જે, આમ નિત્ય આવતા હશે ને આવાં દર્શન થતાં હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આવે તો નિત્ય, પણ આજ મહારાજની ને મોટાની ઇચ્છાથી દર્શન થાય. આ દર્શન ભૂલી ન જતા. 1/165/303

8. ચૈત્ર વદ 11 ને રોજ છપૈયાથી નીકળ્યા ને મૂળીઆવ્યા. સંઘમાંના પચાસ માણસોને છપૈયામાં કોલેરા થયેલો હતો. તેમને સદગુરુ શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ મૂળીમાં બાર મણ દહીં ને આઠ મણ ખાંડ પીવરાવીને બધાંયને ઠંડા કર્યા. તેમને ઊલટીઓ ને ફેરા બંધ થઈ ગયા ને સાજા થઈ ગયા. વળી બે ગાડાં તડબૂચ અને આઠ મણ દાડમ મંગાવીને સર્વેને જમાડ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, કાનજીભાઈ અમદાવાદમાં છત્રી કરવા સારુ મહેસાણાથી જુદા પડીને ત્યાં ગયા. તેમને કોલેરા થયો ને ત્યાં દેહ પડી ગયો. પણ એમને એકને પણ કોઈ સાચવી શક્યા નહિ, કેમ કોઈ પાસે પણ ગયા નહિ. જો છત્રી કરવા તે ન ગયા હોત ને અમારા ભેળા રહ્યા હોત તો એમને પણ આ પચાસના ભેળા રાખત, પણ મરવા દેત નહિ એમ બોલ્યા. 1/165/304

9. ખીમજીભાઈ દહીંસરે ગયા, ત્યાં તેમના પિતાશ્રી મુક્તરાજ કેસરાભાઈએ તેમને કહ્યું જે દીકરા, તમે છપૈયે જઈ આવ્યા તે કિયે કિયે સ્થળે દર્શન કર્યાં તે સર્વે વાત કરો. પછી ખીમજીભાઈએ વિસ્તારીને વાત કરી. તેમાં જે જે વાત ભૂલે તે કેસરાભાઈ સંભારી આપે. ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, બાપા! તમે ભેળા તો હતા નહિ ને વાત ક્યાંથી જાણો છો? પછી કેસરાભાઈ બોલ્યા જે, છપ્પનની સાલમાં બાપાશ્રી અને તમે છપૈયે ગયા ત્યારે મારે ભેળું આવવું હતું. ત્યારે બાપાશ્રીએ મને કહ્યું જે, તમારો દેહ ખમશે નહિ માટે તમે અહીં રહો. તેથી હું ઉદાસ થઈ ગયો. પછી બાપાશ્રીએ કહ્યું જે, તમે અહીં બેઠે અમે જ્યાં જ્યાં જઈશું ને દર્શન કરીશું ને લીલા કરીશું તે સર્વે દેખશો. ત્યારથી મારે આવરણ ટળી ગયાં છે. માટે હું દેખું છું. 1/165/305

10. કુંભારિયે કથા હતી ત્યાં કથાની ગોમટી બહાર વાડામાં જોઈને બાપાશ્રીએ ભૂજના સંત તથા કુંભારિયાના હરિજનોને કહ્યું જે, ઇંદ્ર અતિશે ઘેલો થયો છે, માટે માંડવામાં ગોમટી કરી છે તે મંદિરમાં લાવો; એમ બે-ત્રણ વાર બોલ્યા. પણ સંત-હરિજનોએ મંદિરમાં સાંકડ પડે એમ જાણીને ત્યાં જ કથા કરવાનું રાખ્યું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા! ઇંદ્રને ના પાડો જે આવે નહિ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સાધુ ને સત્સંગી માનતા નથી ને ઇંદ્ર કેમ માને? ત્યારે સ્વામીએ કહ્યું જે, બાપા! આ સંત-હરિજનો તો આપનાં છોકરાં છે તે છોકરાં તો કદાપિ ન માને, પણ ઇંદ્ર તો બિચારો ચાકર છે. તે ચાકરને તો જેમ આજ્ઞા કરો તેમ કરવું પડે. પછી બાપાશ્રી બોલ્યા જે, ત્યારે હવે તો ઇંદ્રને જ કહેશું; નહિ તો અમારી લાજ જાય જે આવા મોટા કહેવાય છે ને વરસાદે વિઘ્ન કર્યું તે ટાળી શક્યા નહિ. પછી કથા બેઠી તે જ દિવસે વરસાદ આવ્યો ને ગોમટી ઉપર ટાટપટીઓ બાંધી તો પણ ઘણો આવવા મંડ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે બાપા! ઇંદ્રને હવે કાંઈક કહો. પછી બાપાશ્રીએ ઇંદ્રને કહ્યું જે, આ ગામની અંદર ન વરસીશ ને આ ગામના ફરતે બીજે બધે વરસજે. પછી વરસાદ ગામ ફરતો થાય ને બીજે બધે થાય ને નદીએ પૂર આવ્યું પણ ગામમાં ન આવ્યો. પછી બારશને દિવસે સાંજની કથામાં વરસાદ બહુ ચઢી આવ્યો, ત્યારે જયરામભાઈએ કહ્યું જે બાપાશ્રીનું આસન નેવાં તળે છે તે ટાટપટી તળે લાવો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે બાપાશ્રીનું આસન નેવાં તળેથી ટાટપટી તળે લાવશો તો વરસાદ વરસશે માટે ત્યાં ને ત્યાં રહેવા દો. તો પણ હરિભક્તો આસન ઉપાડવા ગયા પણ બાપાશ્રીએ આસન ઉપાડવા દીધું નહિ. પછી વરસાદ રહી ગયો અને ફરતાં ગામડાંમાં વરસાદ બહુ થયો ને તળાવોમાં છ-છ મહિનાનાં પાણી થયાં ને નદીઓમાં પૂર પણ ઘણાં આવ્યાં. વાગડ દેશમાં તો રાજાનું ખડ હતું તેમાં વીજળી પડી તે ચાર લાખ મણ ખડ બળી ગયું, એવું દેશાંતરમાં વરસાદનું તોફાન ઘણું થયું પણ કુંભારિયામાં ન વરસ્યો. 1/177/333

11. ભારાસરના માવજી તથા ગાંગજી પટેલ તથા તેજો ભક્ત તથા કેસરો ભક્ત આદિ હરિભક્તો બાપાશ્રી પાસે આવ્યા. તેમણે વાત કરી જે, જાદવો ધામમાં ગયો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બાવાને અમે રાત્રીના બે વાગે વાત કરી હતી જે, અમે એને ધામમાં મૂકી આવ્યા. કેમ બાવા! તમને કહ્યું હતું કે નહિ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે; હા, કહ્યું હતું. પછી બાપાશ્રી બોલ્યા જે, વળી એટલું એંધાણ આપીએ છીએ જે, એ છોકરા પાસે કોઈ હતું નહિ ને ખાટલામાં દેહ મૂકી ગયો. 1/180/338

12. વૈશાખ વદ અમાસને રોજ કુંભારિયાના મંદિરના દરવાજાના મેડા ઉપર સિનોગરાના મિસ્ત્રી ડાહ્યાભાઈને બાપાશ્રીએ કહ્યું જે, ડાહ્યાભાઈ તૈયાર છો કે નહિ? ધામમાં તેડી જવા છે. ત્યારે ડાહ્યાભાઈ બોલ્યા જે, બાપા, મારે ત્રણ વર્ષ રહેવાની ઇચ્છા છે તે રાખો તો બહુ સારું. પછી બાપાશ્રી બોલ્યા જે, ત્રણ વર્ષે પરવારી રહેજો, પછી કહેશો તો નહિ રાખીએ. આજથી ત્રણ વર્ષે તમને તેડી જાશું. જો પરવાર્યા હોત તો તો હમણાં જ તેડી જાત, પણ તમે પરવાર્યા નથી. એટલે માયામાંથી આસક્તિ તોડી નથી, તેથી તમને ત્રણ વર્ષની અવધિએ રાખીએ છીએ, પણ જો ત્રણ વર્ષે વાસના નહિ ટાળો તો અમે તમને પછી રહેવા દઈશું નહિ. ત્યારે તે બોલ્યા જે, ત્રણ વર્ષે આવીશ, પછી ભલે તેડી જાજો. એમ આયુષ્ય વિના ત્રણ વર્ષ રાખીને બાપાશ્રી એમને તેડી ગયા. 1/181/339

13. જેઠ વદ 1ને રોજ રાત્રીએ નવ વાગ્યા વખતે વરસાદ બહુ ચઢીને ઘૂઘવાતો આવ્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આયેશ (ગામધણી) બાજરી ભરવા આવ્યો નહિ ને હવે પલળી જાશે, એમ કહીને છોકરાંઓને કહ્યું જે, ખળામાં જઈને હઈયા (તુરત) બાજરી ઢાંકી વળો ને ફરતી અટાર (રેતી)ની પાળ બાંધી વાળો તો પાણી નહિ પેસે, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે બાપા, એટલી બધી મહેનત કરાવો છો ત્યારે વરસાદ બંધ કરો ને! ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘૂઘવતો આવે છે પણ આથમણો જાશે. એમ કહ્યું એટલે વરસાદ ગયો. બીજે દિવસે એટલે બીજને રોજ બપોરના બાર ઉપર બે વાગે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, સંતો નાહવા ચાલો, નહિ તો વરસાદ આવશે ને પલાળશે, પણ સંતોએ ચાલતાં વાર લગાડી ને ત્રણ વાગે નાહવા ચાલ્યા. તે નાહી રહ્યા પછી ઓચિંતો વરસાદ આવ્યો ને પલાળ્યા. પછી મંદિરમાં આવતાં માર્ગમાં બાપાશ્રી બોલ્યા જે, અમે કહેતા હતા જે, નાહી આવો પણ તમે ચાલ્યા નહિ. અમે કહ્યું જે ઝાલાવાડમાં વરસાદ થાય છે તે હમણાં અહીં આવશે. ગઈ કાલે બંધ રાખ્યો હતો, તે આજ છૂટી આપી છે, માટે તરત નાહી આવો તો પણ તમે ચાલ્યા નહિ તો પલાળ્યા. એમ વાત કરતા કરતા મંદિરમાં પધાર્યા. 1/187/353

14. બાપાશ્રી કૃપા કરીને વાત કરતા હતા. એવામાં કેરાનો એક હરિભક્ત હતો, તેનો છોકરો, રમતો હતો તેને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરાનો દેહ પડી ગયો. પછી તેના બાપે તે છોકરાને સ્વામી ઈશ્વરચરણદાસજીના ખોળામાં નાખ્યો. ત્યારે બાપાશ્રી કહે જે, એ છોકરાને પાણી પાઓ, પછી પાણી પાયું ને તે છોકરો જીવતો થયો. પછી બાપાશ્રી બોલ્યા જે, આ નૈમિષારણ્ય ક્ષેત્ર હતું તે આ છોકરો બચી ગયો. એનું પણ કામ થઈ ગયું. જુઓને આ સ્વામિનારાયણના પરચા. આ છોકરો મરી ગયો હતો પણ જીવ્યો. આવા પરચા દેખે તો પણ જેને પ્રતીતિ આવતી નથી તેને એટલી નિશ્ચયમાં કસર છે. 1/228/459