• નિષ્કામીપણાની દ્રઢતા - વિભાગ ૨
1. (ખરા ઉપાસક કોને કહેવાય?) મહારાજના ખરા ઉપાસકને તો કોઈ દેવની માનતા ન થાય અને આસ્તા પણ ન રખાય. કદાચ સકામ ભક્ત હોય તો તેને પણ શ્રીજીમહારાજ પાસે જ માગવું ઘટે અને જે નિષ્કામ ભક્ત હોય તે તો શ્રીજીમહારાજ પાસે પણ કાંઈ માગે નહિ. 2/4/21
2. સભામાં પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત વંચાતું હતું. તેમાં વૈરાગ્યની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું એટલે સર્વોપરી ભગવાન આગળ તેને પણ અતિ ગૌણ સમજે તે જ ખરો વૈરાગ્ય. 2/9/29
3. આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું. પંચભૂતનો દેહ તો હાડકાની મેડી છે, તેને માંસનું લીંપણ કર્યું છે, ચર્મનો કળીચૂનો દીધો છે, માંહી પરુ, પાચ, રુધિર, વિષ્ટા આદિ મળ ભર્યાં છે અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, રસાસ્વાદ, ઈર્ષ્યા, અહંકાર આદિક દોષરૂપી જાળું છે. જીવ તેવા દેહને મોહે કરીને સારો માને છે પણ તેમાં સારું શું છે? સારું કાંઈ નથી. તે દેહને રાજીને કરવા સારુ જીવ નાના પ્રકારની તૃષ્ણા કરે છે, તે તૃષ્ણાનો પાર આવે તેમ નથી. સંતને પેટી, આસન, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેળવી; નહિ તો લાજ ખોવરાવે. માટે મનને પાછું વાળી મૂર્તિમાં-ભગવાનના સ્વરૂપમાં જોડવું. 2/43/134
4. એક સમયે વાંટવદરવાળા ત્રિભુવનભાઈ ને તેમનો નાનો દીકરો રાઘવજી દર્શને આવ્યા, દંડવત્ કરી જય સ્વામિનારાયણ કહ્યા, તેના પર બાપાશ્રીએ હાથ મૂકીને રમૂજ કરી કે છોકરા! રૂપિયા ખપે? ત્યારે તે કહે હા બાપા. પછી કહ્યું જે કેટલા? ત્યારે તે રાઘવજી કહે બે-ચાર. ત્યારે પોતે એમ બોલ્યા જે, જુઓ તો ખરા! એક-બે નહિ ને પાધરા બે-ચાર; આવું કામ છે. આ સમયમાં કળિયુગ એવો છે જે નાનપણથી જ વાસના ઉદય થઈ જાય છે. 2/54/173
5. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પોતાના શિષ્ય શ્રીકૃષ્ણદાસજીને કહ્યું જે, તમારે કોઈ ઐશ્વર્યની અભિલાષા રહેતી હોય તો પ્રાપ્ત કરાવીએ. ત્યારે શ્રીકૃષ્ણદાસજી બોલ્યા જે ના, સ્વામી! એમાં તો અવળું પડે તો મારું ઠેકાણે રહે નહિ એમ કહ્યું. ત્યારે સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. માટે મોટા રાજી થઈને ઐશ્વર્ય આપે તો પણ એમ માગવું જે અંત સમયે ભગવાનના ધામમાં લઈ જજો અને તમારી જોડે મહારાજની સેવામાં રખાવજો એમ માગવું. 2/65/205
6. કરાંચી મંદિરના મેડા ઉપર બાપાશ્રીના આસને છેલ્લા પ્રકરણનું 24મું વચનામૃત વંચાતું હતું. તેમાં બાઈઓએ હરિભક્તનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ, તેમ હરિભકતોએ બાઈઓનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ પણ સમપણે સમજવું. જો એમ ન સમજે તો એમાં મોટું વિઘ્ન થાય એ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્ત-પુરુષો ને બાઈઓ તેમણે પરસ્પર પ્રસંગ બહુધા રાખવો નહિ તથા તેમની પાસેથી જ્ઞાન-વાર્તા સાંભળવી નહિ. પોતાને વિકાર ન ઊપજતો હોય ને દેહભાવ ન હોય અને કદાપિ કોઈ વાત સંભળાય, તો પણ પોતાના મનનો તપાસ કરવો કેમ કે એ રસિક માર્ગ છે. 2/68/212
7. જેને અંર્તદૃષ્ટિ હોય તે તો મહારાજની મૂર્તિને વિષે દિવ્યભાવે જોડાઈ જાય; તે નિષ્કામ કહેવાય. તેને મૂર્તિ વિના બીજું કાંઈ ખપે જ નહિ અને બહારદૃષ્ટિવાળો સકામ કહવાય, તેને મહારાજ તેડવા આવશે કે રથ વિમાન લાવશે એમ વાટ જોવી પડે. 2/81/253
8. ભગવાન અને મોટા મુક્તના રાજીપા વિના વાસના ટળતી નથી. તે ઉપર એક કણબીની વાત કરી જે, તેને અંત સમે રાબ ખાવાની વાસના થઈ. પછી રાબ કરતાં જરા વાર લાગી ત્યાં તો તેનો દેહ પડી ગયો. પણ રાબમાં વૃત્તિ રહેલ તેથી મરીને તે ભૂત થયો. માટે મહારાજની મૂર્તિ વિના ક્યાંય વાસના રાખવી નહિ. 2/84/265
9. બાપાશ્રી બોલ્યા જે, ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહિ. શ્રીજીમહારાજ કહે છે કે અમને વન, પર્વત, જંગલ બહુ ગમે છે. બીજા લોકમાં વૈભવ છે તે નથી ગમતા, તે વૈભવ દેખાય તો જાણવું જે એ તો દેખાડ્યા સારુ કર્યા છે, પણ જીવને મોહ થઈ જાય છે તે વિચાર રહે નહિ. 2/91/287
10. બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, મહારાજે કહ્યું છે કે નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દેવો નહિ. કોઈ ફેર પાડે તો જેમ વાંઝિયાને ઘેર દીકરો આવીને મરે તેવું અમને વસમું લાગે છે. કળિયુગમાં કામનું જોર વધારે છે. મોટા મોટાની તથા બ્રહ્મા જેવાની પણ લાજો લીધી છે. આ વખત એથીયે જબરો છે, પણ આ ટાણે સાવચેત થાય તો આજ એને (કામને) મારનારા ખરેખરા મોટા મુક્ત મળ્યા છે. 2/94/297
11. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા અનાદિની પાસે આ લોકનું કાંઈ માગવું નહિ. એ ઉપર વાત કરી જે, જેમ હીરા, માણેક, મોતી, ઝવેરાત, રત્ન, ચિંતામણિના વેપારીને કોઈક વેપારી તેની નબળી ચીજનો કોથળો ભરેલો જાળવવાને આપે તો તે મોટા ઝવેરાતના વેપારીને સારું ન લાગે, પણ તે મોટા વેપારી પોતાની મોટાઈ સામું જોઈને મહોબતે કરીને રાખે. તેમ શ્રીજીમહારાજના લાડીલા અનાદિ મહામુક્તને પોતાના દેહની રક્ષા કરવા તથા સકામપણામાં માયિક પદાર્થની ઇચ્છા પૂરી કરવા ભલામણ કરવી તે આ દૃષ્ટાંત દીધા બરોબર છે. 2/97/304