• આમ વર્તે તે સાધુ પુરુષ - વિભાગ ૨
1. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સ્વામી વૃંદાવનદાસજીને ભારાસરમાં મંદવાડ આવ્યો હતો; તે જ્યારે નારાયણપુર જવા નીકળ્યા ત્યારે મટી ગયો. ત્યારે કરસન હરજીએ પૂછ્યું જે: બાપા! સ્વામીને શું મંદવાડ હતો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા એવી છે કે ત્યાગી હોય તેને પોતાની જન્મભૂમિમાં ન જાવું, તેથી સ્વામી ભારાસરમાં જતા નહિ, પણ હરિભક્તોએ અમને બહુ પ્રાર્થના કરી જે દયા કરીને સ્વામી સહુને દર્શન દેવા પધારે તો ઠીક. ત્યારે અમે આજ્ઞા કરીને ભેગા લીધા. અમારા વચને આવ્યા તો ખરા પણ રુચિ નહિ, જેથી શરીરમાં મંદવાડ હોય એમ જણાવ્યું. તે જ્યારે ભારાસરથી ચાલ્યા અને નારાયણપુર આવ્યા ત્યારે સાજા થયા હોય એમ લાગ્યું. આમ મોટા સંત રુચિ જણાવે, તે તો બીજાના સમાસને અર્થે હોય. 2/13/36
2. સભામાં છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાતું હતું. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, કેવા હોય તે સાધુ કહેવાય? ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, સાધન કરીને એકાંતિકભાવને પામ્યો હોય, અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિ રહેતી હોય, મહારાજ વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય પણ જે દેહે કરીને સાધન કર્યાં હોય તે દેહે સહિત હોય તેને સાધુ કહેવાય તથા છેલ્લા પ્રકરણના 8મા વચનામૃતમાં મોટા સંત કહ્યા છે તેવા લક્ષણવાળા હોય અને દેહની ક્રિયા પણ આ લોકમાં જોઈએ તે પ્રમાણે જમવું આદિક થતી હોય તેને સાધુ કહ્યા છે. 2/30/77
3. સત્સંગમાં સિદ્ધિઓ હાજર છે. તે આવો, જમો, બેસો, ભાતાં, પોતાં એ બધી સિદ્ધિ જાણવી. સ્વામી નિર્ગુણદાસજી પાસે વસ્તુ આવતી તે કોઠારમાં નાખે, કાં તો સંતને વહેંચી દે; પોતાના સાધુને તો અવશ્યનું જ આપે. મોટેરા સાધુ હોય તેને તો ગાડાં ભરાય એટલું આવે અને નાના હોય તેને ન આવે, તો પણ મોટેરાને એ સિદ્ધિઓ ન ભોગવવી. ભૂજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા ત્યારે એક સાધુની ઝોળીમાંથી કાંઈક વસ્તુ નીકળી તેથી તે સાધુને સ્વામીશ્રીએ ઉપવાસ કરાવ્યો. માટે સંગ્રહ ન કરવો એમાં સુખી રહેવાય. જડ માયાનો સંગ્રહ કરનારા આ બ્રહ્માંડમાં ભટક્યા કરે છે, તેનો મોક્ષ થતો નથી. આ સત્સંગમાં રહી એવું પાપ રાખે તે પાપની કેમ ગણતરી થાય! જડ માયા એટલે દ્રવ્ય. એ દ્રવ્ય કાળા નાગ જેવું છે. તે નાગ માંહી પેસી જાય તો ચસકા કરાવે. ત્યાગીને માંહી બહાર સરખું રહેવું. શ્રીજીમહારાજને આગળ રાખી બરાબર વર્તવું ને વર્તાવવું. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે-વર્તાવે તો વાંધો નહિ. પણ એ વિના અધિકાર છે તેમાં તો નુકસાન છે. તેથી પરલોક બગડે. કર્યા વિનાનું ન ચાલે પણ વિચાર જોઈએ. 2/40/119
4. સત્યુગમાં આત્મનિષ્ઠા કેવી હતી તો કાનમાં ઊના સીસા રેડે તથા લોઢાના ગજ આંખમાં ઘાલે અને દાંત સાણસીથી કાઢી નાખે તો પણ ગણતા નહિ. ધૂળ નાખે, કચરો નાખે, તો ય સાધુએ તો સમભાવ રાખવો." નાખે અદાવત દીએ ગાળ્યું, તેને ભક્ત સમજે દયાળુ". એમ ગુણ લે પણ તપે નહિ. એ આત્મનિષ્ઠા જાણવી. કોઈ આંગળી ચીંધી ન શકે એવો શાંત અને સરલ સ્વભાવ રાખવો. પ્રકૃતિનાં કાર્યથી બહાર રહીએ તો દુઃખ ન લાગે. જો દુઃખ લાગે તો પ્રકૃતિના કાર્યમાં રહ્યા કહેવાઈએ. વચનામૃતમાં નિત્ય પાંચ ખાસડાં મારવાનું કહ્યું છે, તે જો જરામાં શોકવાન થઈ જાય તો એ ખાસડાં કેમ ખમાય! જો શ્રીજીમહારાજને રાજી કરવા તત્પર થાય તો એનાથી બધું ય થાય. 2/40/121
5. મલિન અંતઃકરણ હોય તે ભૂત, પ્રેત, વાઘરાં બધાંય નડે, સ્વામિનારાયણ પધરાવી દીધા હોય તો એ કોઈ આવે જ નહિ; પંચભૂતનો જે દેહ તે બ્રહ્મરાક્ષસ છે. તે કાંઈ ને કાંઈ માગ્યા જ કરે છે. મરચાં માગે, ગોળ માગે, ધાણાજીરૂ માગે એવા સ્વાદ માગે પણ તેને આપણે નવરો મેલવો નહિ. જો ભગવાનમાં જોડી દઈએ તો એ કામ કરી આપે માટે તે ભૂતને વશ કરવું. જેમ મહાવત હાથીને કબજામાં રાખે છે તેમ આ દેહ રૂપ ભૂતને કબજામાં રાખવું અને માળામાં જેમ દોરો સળંગ છે તેમ માન, અપમાન, જાગ્રત, સ્વપ્ન વગેરેમાં મૂર્તિ મુખ્ય રાખવી. 2/57/182,183
6. બાપાશ્રી બોલ્યા જે, ત્યાગીને તો મહારાજે ગામમાં વન કરી દીધાં છે. તો પણ કથા-વાર્તામાં રુચિ ન હોય તેમાં રૂડા ગુણ આવે નહિ એમ જાણવું. આપણે શ્રીજીમહારાજને પામવાનો નિર્ધાર કરીને બેઠા છીએ તે રાતમાં ઊઠી ઊઠીને ધ્યાન કરવું. 2/88/277
7. મૂર્તિથી જુદા પડવું નહિ. મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરવી, તે પણ પ્રસન્નતા માટે કરવી. તેથી કચરો ને કંચન સમાન થાય છે; એવી રીતે વર્તે તે જ સાધુ કહ્યા છે. 2/99/315
8. બાપાશ્રી સભામાં સંતો પ્રત્યે એમ બોલ્યા જે, તમે મહારાજના સંત છો તે મહારાજ વિના બીજું કાંઈ ઇચ્છશો નહિ. તમને શ્રીજીમહારાજે વ્યવહાર માર્ગમાં અમાંગળિક ગણ્યા છે માટે તમારે એક મહારાજ વહાલા રાખવા. ત્યાગીની રીત ભૂલીને ગૃહસ્થને માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. માટે કોઈ સંત મૂર્તિ વિસારીને અમાંગળિક થશો નહિ. અમાંગળિક તે શું? તો દ્રવ્ય, ખેતર આદિ રાખવું તે. તેવું કંઈ ન હોય ને એક શ્રીજીમહારાજની મૂર્તિ હોય તે ખરા માંગળિક. તમારે તો મહારાજની મૂર્તિ વિના બધું ય મૂકી દીધા જેવું છે. અમે આમ વાતો કરીએ છીએ પણ મૂર્તિને ભૂલીએ નહિ અને સંત-હરિભક્ત અહીં આવે છે તેમને એક મૂર્તિ આપવાનો જ અમારો ઠરાવ છે. આ અમારો અહિંસામય યજ્ઞ છે. તેમાં કોઈનું મન દુઃખાય નહિ, એવો ખટકો રાખીએ છીએ, કેમ જે આપણો અહિંસા ધર્મ છે. સાધુને બીજે ગામ જવા ટાણે ગાડાં જોડાવવાં તેમાં આવો વિચાર કરવો ખપે. અમારો ઠરાવ એવો જે ક્યાંઈક જવું હોય ને કોઈ ગાડું જોડે પણ બળદ ઘરડા-દુબળા હોય તો અમે કાંઈક બા'નું કાઢીને જઈએ નહિ. એવા અબોલ જીવને દુઃખ થાય તે કરતાં પગે ચાલીને જવું એ ઠીક ને એમાં મહારાજ રાજી થાય. મોટા સંતો પ્રથમ એમ કરતા. એવી રીતે બીજા કામમાં પણ કોઈનું મન ન દુઃખાય એવો ખટકો રાખીએ છીએ. અમે આ યજ્ઞમાં સૌને કહ્યું છે જે કોઈનો બળદ માંદો હોય અથવા ઘરડો કે દુબળો હોય તેને ગાડે જોડવો નહિ. કોઈ એવાને જોડે તેથી તેને પરાણે ચાલવું પડે એટલે એ નિઃસાસા નાખે તેનું પાપ અમને લાગે. અમે કોઈને દુઃખ દઈએ એવા નથી અને ધર્મ પળાવવામાં તો મન દુઃખાય તો ય કહ્યા વિના ચાલે નહિ, કેમ જે ધર્મ લોપનારને આગળ દુઃખ બહુ વેઠવું પડે તે કરતાં તેને ઠપકો આપીને કે પ્રાયશ્ચિત્ત કરાવીને પણ ઠેકાણે પાડીએ તો તેનું સારું થાય. હમણાં એક ગામથી એક જણનો કાગળ આવ્યો હતો જે, મારે યજ્ઞમાં આવવું છે તે તમો લખો તો આવું; પણ તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નથી એટલે અમે તેને હા પાડીએ જ નહિ. કોઈકને ભૂલચૂક થઈ હોય અને પ્રાયશ્ચિત્ત કરે તો તેને સત્સંગમાં લઈએ. તે જો ન કરે તો તેને પડ્યો મૂકીએ. અને કોઈકને પ્રાયશ્ચિત્ત કરાવવું. તેમાં પણ ઝાઝા મનુષ્યને સંભળાવવું નહિ. ઝાઝાને જણાવવું તે પૂંઠ દેખાડવા જેવું છે, માટે પાંચ મનુષ્ય જાણતા હોય તે જ જાણે. તે રીતે જેમ બને તેમ છાનું કરાવી ચોખ્ખો કરવો. 2/130/397,398
9. શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ તે કહો? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી. પછી બાપાશ્રી બોલ્યા જે, ભક્તિમાંથી વૈરાગ્ય આવે. પછી સંતો સામું જોઈને એમ કહ્યું જે, ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે. કેમ વૈરાગ્યને ઓળખો છો? પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહિ. સ્વામી અક્ષરજીવનદાસજી સંતની પંક્તિમાં પીરસે તે વખતે જુએ, ત્યારે કેટલાક દાળ પીને પૂર્ણ રહે; કેટલાક કહે લાવો બે, ત્રણ, ચાર, પાંચ લાડુ અને સ્વામી તો અડધો લાડુ કાં અડધી રોટલી અને ઉપર દાળ નાખીને પીએ. જ્યારે ડોલું આવે ત્યારે લોઢાની આર ઢીંચણમાં ટચકાવે, લોહી નીકળે. અને સમૈયો આવે ત્યારે સંતો દર્શન કરવા ગયા હોય પણ તેમાંથી જેને મહારાજના વચનમાં ફેર પડ્યો હોય તેને પાછળથી લખે કે તમે અહીં આવશો નહિ. એમ આજ્ઞા વિરુદ્ધ વર્તનારાને બારોબાર રજા આપી દેતા પણ તેવાને એટલે ધર્મામૃત, શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તતા હોય તેને મંદિરમાં રહેવા દે નહિ. જ્યારે મંડળ ફરીને આવે ત્યારે ઝોળીઓ તપાસે. તે ચપ્પુ કે કાગળ જે હોય તે કાઢી લે અને કાગળ તો મંડળધારી જ લખે. સાધુ વિશ્વજીવનદાસજી નાનાં છોકરાં રાખતા તેથી તેમને ભૂજમાંથી કાઢી મૂક્યા. પછી તે અમારી પાસે આવ્યા અને એમ કહ્યું જે, સ્વામીને મને રજા આપી છે. ત્યારે અમે કહ્યું જે, જેમ સંતની રીતિ હશે તેમ સ્વામી કરતા હશે, એનું નામ વૈરાગ્ય. અમને ભૂખ હોય તો પણ કોઈ દિવસ જમીએ છીએ? કહો સંતો! મઠની ખીચડી અને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી કે ઘી, ગોળ, સાકર, ખાંડ દેખો છો? કોઈક પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. માટે નિઃસ્વાદી રહેવું, સ્વાદે જાવું નહિ. એ વાતનો ખટકો ન રાખે તો એમાંથી સ્વામિનારાયણ રાજી ન થાય માટે વૈરાગ્ય ને ભક્તિ અવશ્ય રાખવાં. ખટકો ન રાખીએ તો વૈરાગ્ય શાનો ? "જ્ઞાન સમ વસ્ત્ર નહિ, ધીરજ સમ નહિ ઢાલ, શિયળ સમ સિંહાસન નહિ" એવું કરી રાખવું. આ લોકમાંથી લૂખા થાવું. તમારે તો દૂધપાક, માલપૂઆ વગેરેના નિત્ય થાળ થાય. એક દિવસ શિખંડ ને એક દિવસ જલેબી એવી રસોઈઓ કરો તે વિચારતા રહેજો. વિચાર ન હોય તો એ તો આંતરડાં કાઢે. કામાદિક શત્રુ છે તેનો ઓછાયો પણ ન લેવો. વૈરાગ્યવાળા ન હોય તો એ માથું ઉડાડી દે. રસનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે એ જાણી રાખવું. સ્થૂળ ઇન્દ્રિયો જિતાય ત્યારે કારણ શરીર બળે. એ કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે તે છે. તે તો આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલયના ઉપશમે કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે. 2/142 31,432,433