• શ્રીહરિની સર્વોપરિતા - વિભાગ ૨

0:000:00

1. બાપાશ્રીએ અતિ પ્રસન્ન થકા પોતે છત્રીએ પધરાવેલા ભીડભંજન હનુમાનજીની પ્રશંસા કરીને કહ્યું જે, આ હનુમાનજી બહુ ચમત્કારી છે. કોઈને ભૂત-પ્રેતાદિકનું દુઃખ હશે તો આ હનુમાનજી શ્રીજીમહારાજની ઇચ્છાથી નાશ કરશે; પણ એમ સમજજો કે આ સર્વે ચમત્કાર શ્રીજીમહારાજના પ્રતાપથી છે. આ તો ચમત્કારી સ્થાન, ચમત્કારી સભા, એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે. એ સર્વે પ્રતાપ શ્રીજીમહારાજનો છે એમ જાણવું. 2/4/20

2. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અમે અમદાવાદ સંઘ લઈને ગયા હતા. ત્યાં એક વિદ્વાન સાધુએ વાત કરી તે મહારાજને પ્રકૃતિપુરુષ જેવા કહ્યા. પછી અમે કહ્યું જે તમે વિદ્વાન તો મહારાજને માયા સુધી વર્ણવો છો, તેથી પર તો સમજતા જ નથી, માટે અમે વિદ્વાનથી તો બીએ છીએ; વિદ્વાનને મહારાજ હાથ આવવા ઘણા દુર્લભ છે. આપણે તો મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તેમાં રસબસ થઈ રહેવું. પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે. તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય. જે પ્રકૃતિ આદિકમાંથી અને મૂળઅક્ષરમાંથી નીકળીને મૂર્તિમાં જોડાઈ જાય તેને બીજું કાંઈ ભાસે કે સાંભરે નહિ. 2/18/47

3. સભામાં પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું. તેમાં અમારી મૂર્તિ વિના અક્ષર પર્યંત સર્વે વિસારી દેવું એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે આ વચનામૃતમાં તો શ્રીજીમહારાજના આશ્રિતને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી. તો પણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે, તે આવા વચનો સમજી શકતા નથી. હમણાં અહીં એક સાધુ આવ્યા હતા. તે વિદ્વાન કહેવાતા હતા પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહિ તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે જે મહારાજ ને બીજા અવતાર ક્યાં જુદા છે? તેને અમે કહ્યું જે તમે અમદાવાદનું 7મું વચનામૃત વાંચો. ત્યારે તે કહે એ તો પાછળથી વચનામૃત થયાં છે. અમારા દેશની પ્રતમાં એ નથી. પછી અમે કહ્યું જે પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વાંચો. એ તો તમારા દેશની પ્રતમાં છે ને? ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી; એકરસ ચૈતન્ય ભાસે છે. તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે; બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે એમ આવ્યું તેથી કાંઈ બોલ્યા નહિ. પછી અમે કહ્યું જે મધ્યનું 62મું વચનામૃત છે તેમાં જેને દાસત્વ ભક્તિ હોય તેને પોતાના ઈષ્ટદેવનું દર્શન, તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે. તે આપણા ઈષ્ટદેવ કયા? ત્યારે તે કહે , 'મહારાજ.' બીજું શું બોલે! પછી અમને પૂછ્યું જે મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા? ત્યારે અમે કહ્યું જે એ તો શ્રીજીમહારાજે પોતે જે લોજ, માંગરોળ આદિકમાં અવતાર રૂપે દર્શન આપ્યાં હતાં તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે, તો પણ તેનું ધ્યાન થાય નહિ. ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય, કેમ જે એ કારણ મૂર્તિ છે. તે લોયાના 11મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે જે અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું. તેમાં અવતાર-અવતારીની વિક્તિ સમજાવી છે. તેમ જ છેલ્લાના 16મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તને જેવા રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંઘાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે. તેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંઘાથે પણ પ્રીતિ થાય નહિ. એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાસ બેસે તો પતિવ્રતાપણું જાય એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે તો ય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો! પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા જે બાપા! મારે તો પંચતીર્થી લેખે લાગી. 2/21/54

4. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગોળ-ખોળ એક કરે તેને બીજું શું કહેવું! અ. મુ. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રગટ થવાના છ હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવાપણું લખ્યું. તે જો અવતાર-અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે. શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહિ હોય! અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દ દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા પણ તે મનાય નહિ. તેથી આવી વાતો ન સમજાય. સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ, રાજા ને રૈયતમાં ભેદ, ચંદ્રમા ને તારામાં ભેદ તેમ અવતાર-અવતારીમાં ભેદ; એવાં વચન ન સમજાય તેને શું કહેવું? અમારા ગુરુ સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે જે આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થાય છે. વળી મહારાજ અમદાવાદના 7મા વચનામૃતમાં લખે છે કે મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહિ. આમ શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મિષ લઈને સમજાવે તો ય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે! આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારે વિષે હેત બહુ થઈ ગયું. પછી વારે વારે એમ બોલે જે બાપા! હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે. આમ મોટાનાં વચન મનાય તો કામ સરે. અ. મુ. સ. ગુ. ગોપાળાનંદસ્વામીએ લખ્યું છે જે મને મહારાજે એમ કહ્યું જે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ, તથા અ. મુ. સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે અમને તો સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે, તેથી મહારાજને જેવા છે તેવા કહીશું. વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે "ધન્ય ધન્ય આ અવતારને રે જોવા રાખી નહિ જોડ" તથા "અષાડી મેઘે આવી કર્યાં રે ઝાઝાં બીજાં ઝાકળ." આગળ મોટા મોટા સંતો જાણતા પણ જીવ પાત્ર નહિ તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દૃષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે હેત થાય ને મહિમા જણાય તેવાં લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાના બુદ્ધિબળે સમજવા જાય તેથી ગોળ-ખોળ એક હારે ગણે. મહારાજે પંચાળાના 1લા વચનામૃતમાં એમ વાત કરી છે જે જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજાં સુખ ઊતરતાંથી ઊતરતાં થઈ જાય છે. માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર, એ જેવા એક છે. એના આશ્રિત થઈને હવે બીજાં દૃષ્ટાંત ને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે? એ તો કણ મૂકીને કુશ્કા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઊલટા પાછા વળે છે ને કહે છે કે મહારાજ રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્ત ને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો. તેમને આવી વાતો ક્યાંથી હાથ આવે? 2/21/56

5. "કેટલાક શાસ્ત્રના ભણેલા હોય તે કહે છે કે જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. તે સ. ગુ. શુકાનંદ સ્વામીએ હરિવાક્યસુધાસિંધુના અર્થમાં પૂર્વ અવતારનાં સ્થાન મથુરા, દ્વારકા આદિક લખ્યાં છે, તેથી એમ સમજે કે એ સ્થાનની ને એ અવતારની લીલા સંભારવી પણ પરભાવમાં તો મહારાજ ને મહારાજના મુક્ત- તે અવતારી સમજવાના છે. શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં લખે છે જે, હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજ્યો હોય તે મહારાજનું ભગવાનપણું ક્યાંથી હાથ આવે! વચનામૃતમાંથી પણ સમજતાં ન આવડે ને બુદ્ધિબળે વાંચી વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે. જુઓને! એક ઠેકાણે અમે નરનારાયણ છીએ એમ કહ્યું; બીજે ઠેકાણે નરનારાયણને અને અમારે સુધો મન મેળાપ છે એમ લખ્યું- એવી રીતે હું ભગવાનના ભક્તનો ભક્ત છું- તમે મને ભગવાન જાણો છો- તમારો આચાર્ય, ઉપદેષ્ટા ગુરુ, ઈષ્ટદેવ એવો જે હું, તથા નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે- અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યાં છે- નરનારાયણ ભરતખંડના રાજા છે- આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે- અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે. અમારે શ્રીકૃષ્ણને વિષે કોટિગણું હેત છે- તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ. એવાં વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે જે વધુ સમજીશ તો અપરાધ થઈ જશે. એમ કહી પરોક્ષ અવતાર ને મહારાજનું એકમેક વર્ણન કરે તેને બીજું શું કહેવું! 2/22/58

6. બાપાશ્રીએ વાત કરી જે સત્સંગમાં મહારાજને સર્વોપરી જાણવા અને જણાવવા એ કામ બહુ જબરું છે. શ્રીજીમહારાજ પોતે પ્રત્યક્ષ દર્શન દેતા તો પણ જ્યારે આ મૂર્તિ સૌથી નોખી છે, આ મૂર્તિને સુખે અનંત મુક્તો સુખિયા છે, મોટા મોટા અક્ષરાદિક અવતારો ને તેમના મુક્તો આ મૂર્તિનું ધ્યાન કરે છે; એમ વાત થતી ત્યારે કેટલાક મૂંઝાતા. અ. મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ મુક્તને ખુણિયા જ્ઞાનવાળા કહેતા, પણ એવા જીવને ખબર ન પડે કે આ ભગવાન કેવડા મોટા છે. એમના મુક્ત કેવા સમર્થ છે. જુઓને! નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે "આ મૂર્તિ સૌથી નોખી, આચરજકારી છે; કહું છું ચોક્કસ વાત ચોખ્ખી આચરજકારી છે." એવી રીતે મોટા મુક્તોએ મહિમા કહ્યો છે. મહારાજને તથા મોટા મુક્તને જીવો ઉપર અપાર દયા છે. તેથી જેમ મહિમા સમજાય તેમ સમજાવે છે. અ. મુ. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિક મુક્તોએ એ જ કામ કર્યાં છે. તો પણ અનાદિ કાળનું અજ્ઞાન જીવને વળગ્યું છે, તેથી આવી વાતો ઝટ સમજી શકતા નથી. તે મહારાજની દયાથી ધીરે ધીરે સમજશે. આપણે તો સૌ ઉપર દયા રાખવી. દયા તે શું? તો મહારાજ સર્વોપરી છે એ વાત સમજાવવી. 2/26/69

7. સભામાં છેલ્લા પ્રકરણનું 39મું વચનામૃત વંચાતું હતું. તેમાં કીડામાંથી કીડો, માણસમાંથી માણસ અને પશુમાંથી પશુ થાય છે તે સર્વેના કર્તા એક જ ભગવાન છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે હવે બ્રહ્માનું કર્તવ્ય (કર્તાપણું) ક્યાં રહ્યું? સર્વ કર્તાહર્તા એક શ્રીજીમહારાજ જ રહ્યા, પણ બીજો કોઈ કર્તા નથી. 2/28/75

8. બીજા અવતાર ધામ બાંધીને બેઠા છે, માટે નોખા છે ને અતિશે ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું માહાત્મ્ય સમજાણું હોય તેને પ્રકૃતિપુરુષથી લઈને અક્ષરપર્યંત સર્વે તુચ્છ થઈ જાય. મહારાજ તો અણુ અણુ પ્રત્યે અંતર્યામી શક્તિએ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત્ રહ્યા છે, પણ જીવને એવું જણાતું નથી, કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે, એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી; એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટ્યપ માયિક દૃષ્ટાંતે કરીને કહેવી પડે છે તે તો કેવું છે તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે. 2/37/106

9. આ લોકમાં ચક્રવર્તી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી અને મહારાજ તો પોતાનું બધું ય સુખ આપી દે છે- એવા દયાળુ છે; માટે સર્વકર્તા એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિક કોઈને કર્તા ન જાણવા. મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી. "મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય" એમ મહારાજે કહ્યું છે. 2/41/123

10. શ્રીજીમહારાજના આશ્રિતને વચનામૃત, ભક્તચિંતામણિ જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવાં. એ વિના શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકે કામ ન આવે. સીતાજીને વચને રામાયણ થયું અને દ્રૌપદીને વચને ભારત થયું. તેવાં પરોક્ષ શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહિ. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે, આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષનાં છે. વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે. તે વૈરાજ દ્વારે પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વેદ વર્ણવે છે. બીજાં શાસ્ત્ર તો પ્રકૃતિપુરુષ સુધી પહોંચે પણ મહારાજ સુધી કોઈ એ શાસ્ત્ર પહોંચે નહિ. 2/41/125

11. માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું જે: બાપા! પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજીમહારાજને જાણતા કે ઓળખતા ન હોય તેથી પ્રતીતિ પણ ન આવે. તેનો મોક્ષ થાય કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહિ. તેમને તો શ્રીજીમહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવી અક્ષરધામમાં લઈ જાય. તે સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે "બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ; પુરુષોત્તમ પ્રગટી રે." આમ શ્રીજીમહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે. 2/68/211

12. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે જીવનાં કલ્યાણ કરવા અતિ દયા કરી મોટા મુક્તોએ સત્શાસ્ત્ર લખ્યાં તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું; મોટા મુક્તોનો મહિમા તથા અવતાર-અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ! ક્યાં મુક્ત! ને ક્યાં અવતાર! તો ય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહામુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા તેથી ઉપાધિઓ બહુ થાતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોનાં પુસ્તક ખભે ઊંચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાનાં દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. 2/70/221

13. શ્રીજીમહારાજ તો અચળ સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે તે કોઈથી ઢંકાય (દબાય) નહિ, પણ બીજા તેમનાથી ઢંકાઈ જાય; એવી સામર્થીએ યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે, છે ને છે જ. 2/75/233

14. તુલસીદાસભાઈએ પૂછ્યું જે: અક્ષરને મહારાજનું દર્શન ને સુખ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મહારાજનું સુખ ને દર્શન અક્ષરને હોય તો અક્ષર જુદા શું કરવા રહે? મુક્ત ભેગા બેસી ન જાય. માટે અક્ષરની સભા જુદી છે અને એનો દરજ્જો પણ જુદો છે, કારણ કે અક્ષરને તેજનો પડદો રહ્યો છે. જેમ આપણને સૂર્યની મૂર્તિ દેખાતી નથી અને વાલખિલ્ય ઋષિને પ્રકાશનો પડદો નથી તેમ શ્રીજીમહારાજના જે હજૂરી મુક્ત છે તેને શ્રીજીમહારાજના તેજનો પડદો નથી. તે તો સદાય મહારાજનું સુખ ભોગવે છે. બીજા સૌને પોતપોતાને સ્થાનકે રાખવા ને મહારાજને સર્વોપરી જાણવા. મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે, માટે એક મૂર્તિ જ રાખવી. 2/75/234

15. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે આપણે તો શ્રી પુરુષોત્તમનારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે. તે નાનામાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની સામર્થી છે તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય પણ અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણ છે. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે "સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન" એમ કારણમાં અલૌકિકપણું છે. 2/83/257

16. બીજા અવતાર છે તે સર્વે મહારાજના સાર્મથ્યને લઈને છે. આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે. એમની દયા બહુ જબરી છે. તે જુઓ તો ખરા! એવડા મોટા ભગવાન તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા? 2/85/266

17. બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મોટા મુક્ત સદાય સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. વર્તમાનકાળે સુખ ઘણું પ્રર્વત્યું છે. આપણને જે વસ્તુ જોઈએ તે અહીંયા છે; બીજે કોઈ ધામમાં નથી. બીજે પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના નથી, તેથી તે ધામ ન્યૂન છે, ત્યાં પાર પડતું નથી. એમ જાણી ઉપાસના દૃઢ કરવી. જેને ઉપાસના ન હોય તે માથા વિનાનું મનુષ્ય કહેવાય. 2/90/285

18. બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. સર્વના કારણ છે, સર્વના કર્તાહર્તા છે, સર્વના નિયંતા છે, સર્વોપરી છે, અકળ મૂર્તિ છે. કાળ, કર્મ, માયા એ કોઈ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. સર્વ કર્તા શ્રીજીમહારાજને જાણવા. આવો મહિમા જાણે તેનો પાયો સત્સંગમાં અચળ છે, તે કોઈનો ડગાવ્યો મોક્ષના માર્ગમાંથી ડગે નહિ. 2/105, 106/334, 336

19. પુરાણી કેશવપ્રિયદાસજીએ અમદાવાદનું 7મું વચનામૃત વાંચ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં તો મહારાજ કહે છે કે, "સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા હું જ છું. તથા અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે, અને મારે પગને અંગૂઠે કરીને પૃથ્વી ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે તથા સૂર્ય, ચંદ્ર, તારા આદિ મારે તેજે તેજાયમાન છે તથા અનંતકોટિ બ્રહ્માંડનો આધાર ને સર્વનો કારણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહિ. એવો સર્વોપરી હું તે મારે વિષે આમ સમજીને નિશ્ચય કરે તો તે નિશ્ચય ડગે નહિ." આમાં તો શ્રીજીમહારાજ સર્વના કારણ થયા. તો પણ જેને આવો મહિમા સમજાતો નથી તે બીજા અવતારનું તથા સર્વોપરી પુરુષોત્તમનારાયણનું ભેળું ને ભેળું વર્ણન કરે છે, પણ ક્યાં મહારાજ ને ક્યાં અવતાર! શ્રીજીમહારાજની કોઈ જોડ નથી. એમના જેવા તો એ એક જ છે. "આ મૂર્તિ સૌથી આચરજકારી છે" તથા "જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી" એવી એ કારણ મૂર્તિ છે. મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય. એટલા માટે શ્રીજીમહારાજ કહે છે કે શ્વેતદ્વીપ તથા ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમ આદિ ધામોની સભા કરતાં આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે. આવી રીતે મહારાજે સમ ખાધા છે. તો ય કેટલાક નવા આદરવાળા અવતાર-અવતારીની વાત સમજી શકતા નથી અને મોટા મુક્ત દયા કરીને સમજાવે છે તે સમજતા નથી. 2/113/360

20. બાપાશ્રીએ વાત કરી જે, કેટલાક સત્સંગમાં જૂના કહેવાતા હોય પણ સમજવામાં કાંઈ ન આવ્યું હોય તેથી મહારાજનું તથા બીજા અવતારોનું એકમેક વર્ણન કરે, જે બધા ય ભગવાનના અવતાર સરખા. તેમ આ વાત ન સમજ્યા હોય તે પણ એમ કહે જે, રામ, કૃષ્ણ આદિ જે અવતાર થયા તે જ મહારાજ. એ ટાણે થોડી સામર્થી જણાવી હતી ને આ ટાણે ઘણી જણાવી છે. વળી એમ પણ કહે છે કે ભગવાન તો એક છે. તે એના એ ભગવાન, તેમાં વળી નાના-મોટા કેમ કહેવાય! એવી સમજણ પોતાને તો હોય, પણ તેનો જે વિશ્વાસ કરે તેના જીવમાં પણ એવી સમજણ નાખે તેથી તેના ઉપર મહારાજનો ને મોટાનો રાજીપો ક્યાંથી થાય! મોટા મુક્તોએ સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી તો ય સર્વોપરીપણાની, અવતાર-અવતારીની વાત જીવમાં ઊતરે નહિ. તેને મહારાજનું સુખ ક્યાંથી આવે! અનંતકોટિ રામ ને અનંતકોટિ કૃષ્ણ અને અનંતકોટિ મુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઈ રહ્યું. આ તો અનંત ભગવાનના ભગવાન છે તે આપણે ઘેર આવીને બેઠા છે, એમ અ. મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, તથા અ. મુ. ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજનો સર્વોપરી મહિમા બહુ જ કહ્યો છે. જો મોટા અનાદિમુક્તનો વિશ્વાસ હોય તો એ વાત સમજાય, પણ પોતાના બુદ્ધિબળે સમજાય એવું નથી. કેટલાક ભણેલા-ગણેલા કહેવાતા હોય પણ પરોક્ષ શાસ્ત્રમાં આ વાત ખોળે તે ક્યાંથી જડે! શ્રીજીમહારાજ તો એમ કહે છે જે "આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, તે તો વિચારોને મનમાંથી રે." તેથી એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત વિના શ્રીજીમહારાજનો મહિમા કોણ સમજાવે! જ્યારે શ્રીજીમહારાજ અ. મુ. રામાનંદ સ્વામીને મળ્યા ત્યારથી સ્વામીશ્રી તો એમ જ કહેતા જે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે; પણ આવા શબ્દ જીવમાં ઉતારે નહિ ને મોટા કહે તે મનાય નહિ, તેને મહારાજનું સુખ કેમ આવે? માટે સૌ મહારાજને જેવા છે તેવા જાણજો. 2/126/388

21. જીવને પરોક્ષનો મહિમા પણ પ્રત્યક્ષનો નહિ. મથુરા, ગોકુળ જાય તો ત્યાંની તલાવડીની માટી તિલક કરવા માટે લઈ આવે એવું માહાત્મ્ય. પણ ભૂજના હમીરસર તળાવની માટી કોઈ લઈ જાય નહિ. નહિ તો જુઓને! તેમાં મહારાજ નાહ્યા છે, સંતદાસજી નાહ્યા છે, મોટા મોટા મુક્ત નાહ્યા છે, પણ એવું સમજાતું નથી. 2/35/99

22. કારિયાણીનું 11મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગોપીઓના પ્રેમની વાત આવી. ત્યારે બાપાશ્રી દયા કરીને બોલ્યા જે, સંતો! ગોપીઓ કોણ? મથુરા ને ગોકુળ કયે ઠેકાણે આવ્યું? તે કહો. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામ. ત્યાં ગોકુળ ને ગોપીઓ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા, બરાબર. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં ગોકુળ ને મથુરા છે અને જે શ્રીકૃષ્ણ તે શ્રીજીમહારાજ પોતે છે, પણ જે શ્રીકૃષ્ણ પરોક્ષ થઈ ગયા એ નહિ. એ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે , "ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય". તે પ્રેમાનંદ સ્વામી એ ગોપીઓને ક્યાં જોવા ગયા હતા? એમણે તો આ સંતોને ગોપીઓ કહેલ છે. તેમને એ જોતા હતા. માટે આ સંત તે ગોપીઓ અને જ્યાં મહારાજ ત્યાં ગોકુળ, મથુરા. આ મર્મ સમજવો તે જબરી ઘાંટી છે. એ ઘાંટી ઉલ્લંઘાય તો બધું ય સમજ્યા. આમ ન સમજાય તો રખડવું પડે. 2/2/4

23. પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે: બાપા! શ્રીજીમહારાજ સાથે આવેલા મુક્તો તો મહાપ્રતાપી હતા. તે તો જેવા શ્રીજીમહારાજ સર્વોપરી છે તેવા જ વર્ણન કરતા, એવા મોટાના જોગવાળા સર્વોપરી મહિમા કહેવામાં અટકે નહિ તો ય તેમને સંશય કેમ રહેતો હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વખતે પણ બધાયને મહિમા એક સરખો ન કહેવાય. શ્રીજીમહારાજ પોતાની સાથે જે મુક્તોને લાવે છે તે તો એ મૂર્તિના સુખભોક્તા હોય તેથી તેમનું કાંઈ પણ અજાણ્યું હોય નહિ પણ કેટલાક બીજા ધામમાંથી આવેલા હોય તે જેવો છે તેવો મહિમા જાણવામાં અટકે ખરા. જ્યારે મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા હોય, પોતાના પ્રતાપને ઢાંકીને વર્તતા હોય ત્યારે તેમની રીત જુદી જ દેખાય. જુઓને! 'સત્સંગિજીવન' ગ્રંથ લખાતો હતો ત્યારે સાત દિવસ સુધી સ. ગુ. નિત્યાનંદ સ્વામીએ સૌથી જુદા પડી મહારાજને જેવા છે તેવા લખાવવા તે ગ્રંથ અટકાવ્યો હતો. તે સમયે મહારાજે સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીની ખૂબ પરીક્ષા લીધી હતી, પણ સ્વામી લેશ માત્ર ડગ્યા નહિ. તેથી પરીક્ષાને અંતે શ્રીજીમહારાજ સ્વામીશ્રીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા અને પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા જે સંતો! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા પણ આ એક સ્વામી ફર્યા નહિ. 2/3/5

24. નારદ, શુક, સનકાદિક તથા ગોપીઓ આદિકની પ્રાપ્તિ તો આ સુખની આગળ કાંઈ ગણતરીમાં નથી, આ ખંડનની વાત નથી પણ મોટપની વાત છે. સંતના પાત્રમાંથી મોટા દેવાદિક પ્રસાદી લઈ ગયા. એ બધા દેવ દિવ્ય થવા આવ્યા હતા. 2/59/188

25. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્શાસ્ત્ર ક્યારે જાણ્યાં કહેવાય? તો જે શાસ્ત્રને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ અને તેમનાં લીલા-ચરિત્ર વર્ણવ્યાં હોય તે ઉપર જ પ્રીતિ અને પ્રતીતિ થાય ત્યારે સત્શાસ્ત્ર જાણ્યા કહેવાય. તેમ સત્પુરુષ પણ શ્રીજીમહારાજના ઉપાસક અને તેમને વિષે જ પ્રીતિવાળા તેમનો સંગ ગમે, બીજા મતના ગમે તેવા મોટા કહેવાતા હોય પણ તેને વિષે પ્રીતિ નહિ અને પ્રતીતિ નહિ, એવી સમજણ હોય તો સત્પુરુષને જાણ્યા કહેવાય. તેમ જ આત્મા સત્ય તે પણ પોતાના સંપ્રદાયમાં જેવી રીતે આત્મસ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય, તેવી રીતે સત્ય સમજીને દૃઢ કરે પણ પરોક્ષ શાસ્ત્રમાં કે પરોક્ષવાળા જે આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે તેને વિષે પ્રીતિ કે પ્રતીતિ નહિ ત્યારે આત્મા સત્ય જાણ્યો કહેવાય. તેમ જ પરમાત્મા પણ સત્ય ક્યારે જાણ્યા કહેવાય? તો જે પોતાના સંપ્રદાયમાં મોટા અનાદિમુક્ત અવતાર-અવતારી ભેદ સમજાવે અને શ્રીજીમહારાજનું સર્વોપરીપણું કહે, તેને નિઃસંશય થકો માને અને પોતાના સંપ્રદાયના ગ્રંથમાંથી અને સત્પુરુષ થકી શ્રવણ કરીને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું ઘટે તેમ સમજે. તેને વિષે જ પ્રીતિ અને પ્રતીતિ; પણ પરોક્ષ શાસ્ત્રમાંથી સમજવામાં તેવી પ્રીતિ નહિ, તે પરમાત્મા સત્ય જાણ્યા કહેવાય. 2/70/221