• ન્યાલકરણ બાપાશ્રી - વિભાગ ૨
1. આ અમારો મંદવાડ છે તે સર્વેને દર્શન દેવા નિમિત્તનો છે. અમે મંદવાડ ગ્રહણ કર્યો તેથી જેમ સમુદ્રમાં નદીઓ હડેડાટ આવે છે તેમ તમે સર્વે હડેડાટ આવીને ભેગા થઈ ગયા. કોઈને તેમાં સંશય થાય નહિ જે આ વારે વારે કેમ આવે છે, એટલા સારુ આ મંદવાડ નિમિત્તરૂપ છે. જે ન આવી શક્યા હોય તેને પણ એમ થાય જે, આપણે રહી ગયા તેમ જાણીને સર્વે દર્શને આવે છે. આ રીતે હેતરુચિવાળા સર્વેને દર્શન દેવા આ મંદવાડ છે. આ મંદવાડ દેખાવા માત્ર છે. અમે તો અનંત જીવનો મંદવાડ મટાડવા આવ્યા છીએ. 2/1/2
2. અમે તો બધાને ખેંચી ખેંચીને મૂર્તિમાં લઈ જવા જ આવ્યા છીએ પણ જીવ મહારાજને તથા અમને ઓળખતા નથી. તેથી સાધનનો ભાર રહે છે. ઓળખ્યા વિના શું થાય? ઓળખાય તો બધું ય થાય. 2/1/2
3. અમારો આરો કરજો એટલે આ ને આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજી લેજો. સર્વે મૂર્તિમાં આવે તો અમારો આરો આવે. અમારે તો મહારાજની મૂર્તિમાં જોડવા એ જ કામ છે. બીજું નથી. અમે તો આનંદઘન અને સુખરૂપ છીએ. 2/1/3
4. મહારાજ અમને પોતાનો મહિમા કહેવા સારુ મૂકે છે તેથી મહારાજનો મહિમા જેવો છે તેવો કહીએ છીએ પણ એ મહિમાની વાતો કેટલાક સમજી શકતા નથી તેથી સંશય કરે છે જે, તમે આમ કેમ કહો છો? તેઓ મહારાજનો મહિમા, ઐશ્વર્ય, પ્રતાપ જેવો છે તેવો જાણી શકતા નથી તેથી એમ બોલે છે. આગળ પણ જેને સંશય થતા તે માનતા નહિ. 2/3/5
5. સ્વામી ઈશ્વરચરણદાસજી બાપાશ્રી પ્રત્યે બોલ્યા જે, આપે પંચોતેરની સાલમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો ત્યારે અનંત જીવોનો સોથ વળી ગયો હતો. વળી આ મંદવાડ આપે ગ્રહણ કર્યો છે તે કોણ જાણે કેમ થશે. 2/5/22
6. એક વખત બાપાશ્રી ભારાસર પધાર્યા હતા. ત્યાંના હરિભક્ત ગાંગજી પટેલે બાપાશ્રીને કહ્યું જે, બાપાશ્રી! અમારા રંક ઉપર બહુ દયા કરીને પધાર્યા અને અમને બહુ સુખિયા કર્યા, બહુ કૃતાર્થ કર્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે પથારામાં અને ભટુમાં ઊંટની ગાડીમાં પછડાતા પછડાતા જીવોનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. નહિ તો વૃષપુરના મંદિરમાં ઢોલિયામાં સૂતા હોઈએ નહિ! કોણ અમારો નિયંતા છે જે અહીં લાવે? બ્રહ્મા નથી, વૈરાજ નથી, પ્રકૃતિપુરુષ નથી, મહાકાળ નથી, વાસુદેવબ્રહ્મ નથી, અક્ષર નથી, એક શ્રીજીમહારાજ જ નિયંતા છે. એવડા મોટા અમે છીએ અને એવડા લાંબા અમારા હાથ છે, એ અક્ષરધામમાંથી અમે આવ્યા છીએ. પછી બોલ્યા જે, આ મૂર્તિ ને આ સંત તે અનાદિ કરે એવા છે. આજ તો ખંપાળી નાખવા આવ્યા છીએ. તે જેમ લાંપડામાં ઝાકળ પડે તે ભીનું કરે, પછી ખંપાળી ફેરવે તે બધું તણાઈ આવે; તેમ આ સંત ભીના કરે છે. અમે ભેળા કરીએ છીએ. એટલે મહારાજની મૂર્તિમાં લઈ જઈને સુખિયા કરીએ છીએ. તેમાં વળી કોઈ તરણું હેઠે પડી જાય તો પડ્યું રહે; તેમ કોઈ ન માને તો પડ્યા રહે છે. 2/7/26
7. બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મુક્તની લીલા નટની માયા જેવી છે. આ લોક ભેળા વર્તીએ અને કુટાઈએ પણ દિવ્ય વાત તો અમારી ને તમારી જુદી છે. આપણી વાત અને અમે ને તમે જાણીએ. બીજા શું જાણી શકે? આ લોકમાં તો બધું ય ખપે. એક વાત ન રાખીએ, બે ય વાત જોઈએ. જો એમ ન રાખીએ તો લોકમાં સાનુકૂળ પડે નહિ, માટે એમ રાખીએ છીએ. 2/15/40
8. આ લોકમાં રાગ મેલવા. અમારાં છોકરાં કહે જે બાપા! તમારા સારુ ખાવા-પીવાનું આ કરીએ, તે કરીએ. ત્યારે હું કહું જે આ મને ગરમી કરે, આ ટાઢું પડે, આ વાયુ કરે, એમ કહીને ત્યાગ કરી દઈએ અને બાજરાનો રોટલો ને મઠની ખીચડી તે વિના ફરે જ નહિ. તે અમારે કોઠીમાં બાજરો ભરે તો પણ આનંદ, જુવાર ભરે તો પણ આનંદ, ઘી, ગોળ, ઘઉં ભરે તો પણ સરખો આનંદ. તેમ કોઠી જેવો દેહ કરી મેલવો. 2/43/135.
9. મહારાજનો ખરેખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે. એવા મોટા મુક્તને જે ઓળખે અને વળગે તેને તો અમે માયામાંથી બચાવી લઈએ અને મૂર્તિમા સુખમાં મૂકી દઈએ. અમારી નજર સદાય એવી જ છે. 2/50/163
10. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા અનાદિ મહામુક્તોએ શ્રીજીમહારાજની સંપ્રદાય બાંધી છે, માટે આપણે એ સંપ્રદાયની સેવા કરવી. અમારો તો સંકલ્પ એવો છે કે સર્વેનું મહારાજ સારું કરે. અમારે તો કોઈને મૂકવા નથી. ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. જગતના જીવ હાથ ઝાલે તે પણ મૂકતા નથી તો અમે કેમ મૂકીશું? 2/55/175
11. બાપાશ્રીએ કૃપા કરીને સભામાં વાત કરી જે, શ્રીજીમહારાજ સૌને સુખ આપે છે. તમે, અમે ને આ સતં સર્વે શ્રીજીમહારાજના સુખે સુખિયા છીએ. આ સહુ દોડ્યા આવે છે તે એમને બીજું કાંઈ ખપતું નથી, એક મહારાજ ખપે છે, તે અમે આપીએ છીએ, કેમ કે અમારે મૂર્તિનો જ વેપાર છે. જો અમને સાચો થઈને કોઈ મન સોંપે તેને તો અમે અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દઈએ. આ સમે કોઈને કેડે રહેવા દેવા નથી. 2/81/251
12. મહારાજનો ખપ બધાયને છે, પણ મોટા ઓળખવા જોઈએ. સ્વામી નિર્ગુણદાસજી જેવા અમારી પાસે આવતા. એવી રીતે આપણે પણ જોગ-સમાગમ કરી લેવો. મહારાજ તથા મોટાના સિદ્ધાંતની હારો કરવી. દેશકાળ, ક્રિયા, સંગ, રૂડા સેવવા. 2/90/281
13. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ હરિભક્તોને કહ્યું કે તમને તો જેમ મૂર્તિમાં રાખ્યા છે તેમ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવજો. મૂર્તિ ભેળા અનંત અનાદિમુક્ત રસબસભાવે એ સુખ લીધા જ કરે છે. વર્તમાનકાળે બાપાશ્રી એ દિવ્ય સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તે છે. ગામોગામ ફરી જે જે શરણે આવે છે તેને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનો જ એમનો ઠરાવ છે. 2/100/319
14. ગામ શ્રી કેરાના મંદિરમાં સભામાં મનજી હરજી પાંચાણી એમ બોલ્યા જે, બાપા! આપણે શું થઈએ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમને મનુષ્ય જેવા જાણો તો અમે કુટુંબી થઈએ, અને જેવા છીએ તેવા જાણો તો સર્વના સ્વામી શ્રી પુરુષોત્તમ ભગવાન તેમની મૂર્તિમાં જ રસબસ છીએ. અમે જીવોને એ મૂર્તિના સુખમાં રાખવા આવ્યા છીએ પણ અમે કોઈના બાપ, દીકરા કે સંબંધી નથી. અમે તો અનાદિમુક્ત જ છીએ. અમારી આ લોકમાં કોઈ જોડ નથી; એમ પોતાનો અલૌકિક દિવ્યભાવ જણાવ્યો. 2/115/364
15. ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા શ્રીવલ્લભદાસજીએ પૂછ્યું જે, બાપા! આપની અમોએ માંદાઈ સંભાળી હતી તે હવે આપને શરીરે કેમ છે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે માંદા નથી. માંદા તો દેહધારી હોય. અમે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદાય સુખ લઈએ છીએ. અમને જે ઓળખે તેને પણ એવા જ સુખિયા કરીએ છીએ. તમે સૌ અમારા જેવા સુખિયા રહેજો. કેટલાક અમારે વિષે મનુષ્યભાવ પરઠીને દુઃખિયા થાય છે તેવું કોઈ કરશો મા. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં રસબસ છીએ, તેના સ્વામિનારાયણ સાક્ષી છે અને જે અમારી સામે દૃષ્ટિ રાખશે તેને પણ મૂર્તિને સુખે સુખિયા કરીશું. 2/115/365
16. બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કરવા ધાર્યું હતું તે યજ્ઞનું પરિયાણ કરવા સારુ કણબીની નાતના ગામોગામના હરિભક્તોને તેડાવેલા. તે સર્વે પ્રત્યે બાપાશ્રીએ કહ્યું જે, આ અમારો છેલ્લો યજ્ઞ છે, માટે તમો સૌ ભાઈઓ મળીને અમારો યજ્ઞ સુધારી દો. અમે તમારી નાત નથી, જાત નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, કોઈના સગા-સંબંધી નથી. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. આ યજ્ઞમાં આવી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું. માટે જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તે જમવાની હા પાડો. પછી સર્વે બોલ્યા જે, બાપા! અમે સર્વે જમવા આવશું અને સેવા બતાવશો તે કરશું. તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, હવે અમને તમે ત્રણ મહિના સુધી દેખશો, પછી આ મુખ જોવાની આશા રાખશો નહિ. એમ કહીને વાડીએ પધાર્યા. ત્યાં પરદેશથી બે હરિભક્તો દર્શને આવ્યા હતા, તેમને પણ બાપાશ્રીએ એમ જ કહ્યું જે આ તો કરવરિયું વર્ષ થયું, તેમાં શું શોક કરો છો; કાળ તો હવે પડવાનો છે તે થોડા વખતમાં પડશે. 2/129/393,394
17. બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં પોતે હરિભક્તોની પંક્તિમાં સૌને સુખડી પીરસતા હતા. તે વખતે "સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર" એ ટૂંક બોલી અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, અમારે તો આમ સુખડી જમાડીને, શીરા જમાડીને, કથા-વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરીને સર્વેને મૂર્તિનું સુખ આપવું છે. આ સમે શ્રીજીમહારાજની અપાર દયા છે તેથી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો ગમે તે કામ કરીએ, વાતો કરીએ, કોઈને હેતે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ, જમીએ કે જમાડીએ; એવી અનેક ક્રિયા કરીએ, પણ મૂર્તિને ઘડી વાર મૂકીએ નહિ. આવી દિવ્યસભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય છે તે જે જાણતા હોય તેને આનંદ વર્તે. આ લોકમાં તે એકે કાંઈ કીધું ને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે. પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે તેને એ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું; એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહિ. આ સમે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે તેથી વાંક-ગુના સામું જોતા નથી. નજરે ચડ્યા તે ન્યાલ થાય છે. આ યજ્ઞમાં જે જે આવ્યા અને જે આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થયો જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામના છે, મૂર્તિમાં રહેનારા છે. મહારાજના અનાદિમુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે. અમે તો આજ સુધી આવાં જ કામ કર્યાં છે. અમને બીજું કાંઈ આવડતું નથી. 2/140/424
18. બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા. ત્યાં સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને મહારાજના મહિમાની વાતો થતી હતી. સભામાં બાપાશ્રી પણ બેઠેલા હતા. તેથી સભા મોટી થઈ હતી. ત્યાં અમદાવાદના શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આદિ હરિભક્તો આવીને સ્વામીને પગે લાગીને આગળ બેસતા જાય ને બાપાશ્રી પાછા ખસતા જાય. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, તમે પગે લાગી લાગીને નજીક બેસો છો અને આ અનાદિમુક્ત પાછા ખસતા જાય છે. તેમની તમે મર્યાદા સાચવતા નથી, પણ એ કેવા છે તો જેતલપુરમાં સ. ગુ. શ્રી ધ્રુવાનંદ સ્વામીને મહાપથારીમાંથી મહારાજને કહીને રખાવ્યા ને ચંદનની વૃષ્ટિ કરાવી એવા છે. શ્રીજીમહારાજ આ મુક્તનું માને છે, એવા મોટા છે. તેમને તમે ગણતા નથી ને આગળ આગળ આવીને બેસો છો પણ આ તો અનાદિ મહામુક્ત છે. તેમને શ્રીજીમહારાજે અનંત જીવોના મોક્ષને માટે મોકલ્યા છે. 2/510
19. સંવત્ 1944ની સાલમાં અનાદિ મુક્તરાજ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. ત્યાં બાપાશ્રી આવેલા. તે સ્વામી નિર્ગુણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, અહીં બેઠા થકા જીવને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા. ત્યાગીમાં તો મારી પાસે બેઠા છે તે અને ગૃહસ્થમાં તમારી પાસે બેઠા છે તે છે. એમ મર્મવચનથી દિવ્યભાવ જણાવ્યો. 2/511
20. સ્વામી નિર્ગુણદાસજીએ મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે બાપાશ્રી તેમને મળવા અમદાવાદ ગયા હતા. ત્યાં સભામાં ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા, તે સર્વે હરિભક્તોના સોંસરા પડીને સ્વામીશ્રીને પગે અડવા ગયા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, તમે આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેમની મર્યાદા રાખતા નથી. આ અબજીભાઈ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે તેમને તમારો પગ વાગ્યો. તેથી શ્રીજીમહારાજનો અપરાધ થયો. તે સાંભળીને ઈશ્વરલાલભાઈ તુરત બાપાશ્રીને દંડવત્ કરવા મંડી પડ્યા એટલે બાપાશ્રીએ ઊભા થઈને ઝાલી લીધા ને મળ્યા. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં જવા તૈયાર થયા ત્યારે સ્વામીશ્રી તથા સૌ સંતો-હરિભક્તો બાપાશ્રીને મળ્યા. તે વખતે સૌ સભાને સાંભળતા સ્વામીશ્રીએ વાત કરી જે, આ પુરુષની કોઈ જોડ નથી. શ્રીજીમહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે. તેથી સૌ આ પુરુષનો જોગ-સમાગમ કરજો પણ બીજે ક્યાંય ધોડા કરશો નહિ. સત્સંગમાં ક્યાંય આમના જેવા નથી. એમ બોલ્યા. 2/517
21. એક વાર ઉપરદળના રામજીભાઈ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને દર્શને અમદાવાદ આવ્યા. ત્યાં સ્વામીશ્રીએ શરીરે મંદવાડ જોઈને અતિ હેતને વિષે રોવા લાગ્યા ને બોલ્યા જે, બાપજી! તમે તો ધામમાં જવા તૈયાર થયા ને હું કોને આધારે જીવીશ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે? ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, અમારા વિયોગનું દુઃખ ટાળે એવા કચ્છ દેશમાં વૃષપુર ગામમાં શ્રી અબજીભાઈ અનાદિ સિદ્ધ મુક્ત છે તે શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે. તે તમને સુખિયા કરશે, માટે ત્યાં જજો પણ બીજે ક્યાંય જશો નહિ. એવાં સ્વામીશ્રીનાં વચન સાંભળીને રામજીભાઈ સંતોષ પામ્યા ને થોડા દિવસ રહી પોતાને ગામ ગયા. 2/518
22. સંવત્ 1984ના જેઠ માસમાં બાપાશ્રી માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. તે ગામના કલ્યાણ ભક્તને ઘેર બાપાશ્રી પધાર્યા. તે સમયે તેના ઘરમાં બાપાશ્રીની છબી જોઈને પોતે બોલ્યા જે, ઓ છબી લાવો. પછી તે ભક્તે આપી ત્યારે બાપાશ્રી તે છબી ઉપર ત્રણ વાર હાથ ફેરવીને બોલ્યા જે, હવે આનાં દર્શન કરજો, પણ આ મૂર્તિનાં નહિ થાય; એમ ત્રણ વાર બોલ્યા. એવી રીતે મર્મમાં અતિ પ્રેમી ભક્તોને કોઈ કોઈ વાર પોતાનું અંતર્ધાનપણું અગાઉથી સૂચવી દેતા. 2/576