૨. શ્રીહરિની સર્વોપરિતા - વિભાગ ૧

0:000:00

શ્રીજીમહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય.

1. શ્રીજીમહારાજ (શ્રી સ્વામિનારાયણ ભગવાન) પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારુ પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજીમહારાજની આજ્ઞાથી શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની ઘણીક વાતો કરી; પણ કેટલાક જીવ સમજી શક્યા નહિ ત્યારે મુક્તોએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી જે હે મહારાજ! કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મૂકશે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું. 1/1/1

2. જીવકોટીને કર્મફળ આપવા તથા ઈશ્વરકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ સર્વેને ઐશ્વર્ય આપવા તે કાર્ય શ્રીજીમહારાજ પોતાના તેજ દ્વારે કરે છે. ઉત્પત્યાદિક ક્રિયા તે મૂળઅક્ષરો દ્વારે કરાવે છે. તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવબ્રહ્મ પાસે કરાવે છે અને ઉત્પત્તિરૂપ ક્રિયા તે મૂળપુરુષ દ્વારે કરાવે છે અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે. 1/13/32

3. સાધુ નારાયણદાસજીએ પૂછ્યું જે, અમને અનાદિ મહામુક્તરાજ સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મૂળ અક્ષરથી પર શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરધામ નોખું છે એમ વાત કેમ નહિ કરી હોય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી તો મૂર્તિમાં રહેતા હતા અને જ્યારે અમે ભેગા થતા ત્યારે એવી જ વાત કહેતા. અમે ને સ્વામીશ્રી તો મૂર્તિમાં ભેગા છીએ અને મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપીએ છીએ. એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા. તે શ્રીકૃષ્ણથી પણ મહારાજને પર ન કહેવા દેતા તો તેથી પર મહાકાળ અને તેથી પર નરનારાયણ અને તેથી પર વાસુદેવ બ્રહ્મ અને તેથી પર મૂળ અક્ષરોના મુક્તો અને તેથી પર મૂળ અક્ષરો અને તેથી પર શ્રીજીમહારાજના એકાંતિક ને તેથી પર પરમ એકાંતિક ને તેથી પર અનાદિ ને તેથી પર શ્રીજીમહારાજ છે. એટલું બધું એકદમ શી રીતે કહેવાય? તેમાં તો ઉપાધિ બહુ જ થાય એટલા માટે કહેતા નહોતા, પણ અમને કહેતા જે "બાવો મોટા ને મઢી નાની. તે મઢીમાં બાવો શી રીતે સમાય? તેમ જીવ નાના ને મહારાજનો મહિમા બહુ જ મોટો. તે જીવને શી રીતે જીરવાય? માટે કોની આગળ કહીએ? મનમાં સમજી રહીએ છીએ, પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી. શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જે મૂળપુરુષ તેથી પર કહીએ છીએ એટલામાં પણ ઉપાધિ થાય છે." સ્વામીને વાતો ન કરવા દેવી ને જો શ્રીકૃષ્ણથી મહારાજને પર કહે તો કાઢી મૂકવાનો પણ ઠરાવ કર્યો હતો પણ શ્રીજીમહારાજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને રાત્રીએ સાક્ષાત્ દર્શન આપીને કહ્યું જે, તેમને તો અમોએ જીવના ઉદ્ધારને અર્થે ને અમારો મહિમા તથા ઉપાસના સમજાવવા માટે મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે અને અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા સમર્થ છે. માટે એમને આ દેશમાંથી જવા દેશો નહિ; જો જવા દેશો તો એ તમારે ઘરેણારૂપ છે તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. શ્રી ગોપાળાનંદ સ્વામીને આ દેશમાં આવવાની અમે આજ્ઞા કરી હતી તેમને પણ આવવાની તમે ના પાડી તેથી એ પણ આવતા નહોતા અને વળી આ પણ જશે તો અમારી ઉપાસના કોણ પ્રવર્તાવશે? માટે એમને આ દેશમાં રાખો. એ જે વાતો કરે તે સત્ય માનજો ને એમનું અપમાન કરવા દેશો નહિ. એ અમારી આજ્ઞા પાળશો તો અમો પ્રસન્ન થઈશું. એ તો અમારી ઇચ્છાથી દર્શન આપે છે. નહિ તો સ્વતંત્ર મુક્ત છે, અદૃશ્ય થઈ જશે તો અમારી ઉપાસના પ્રવર્તશે નહિ. માટે તેમને જવા દેશો નહિ. એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. સવારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સ્વામીશ્રીને બોલાવીને કહ્યું જે તમે જશો નહિ. તમને કોઈ ઉપાધિ કરતા હશે તે અમે નહિ કરવા દઈએ. શ્રીજીમહારાજના મહિમાની વાતો સુખેથી કરો. પછી સ્વામીશ્રી ગયા નહિ. તેથી મોટા સંતોએ આચાર્યજી મહારાજને કહ્યું જે તમે કેમ ના પાડી? એમ સંવાદ થયો. તે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી ને ચોકમાં ચંદની તળે પંક્તિ થવાની હતી તે રંગોળી પૂરી હતી પણ મહારાજશ્રી પીરસવા ઊઠ્યા નહિ ને કહ્યું જે નિર્ગુણદાસજી સ્વામીને રાખવાની હા પાડો તો જ પીરસવા ઊઠીએ. પછી સર્વે સંતોએ હા પાડી. મહારાજશ્રીએ કહ્યું જે અમને શ્રીજીમહારાજે દર્શન આપીને કહ્યું જે, "એમને જવા દેશો નહિ; એમને અમે મોકલ્યા છે. માટે અપમાન કરવા દેશો નહિ ને તે જે વાતો કહે તે સાચી માનજો" એમ મહારાજશ્રીએ વાત કરી ત્યારે સર્વેએ કહ્યું જે બહુ સારું, મહારાજ. પછી મહારાજ પીરસવા પધાર્યા. એવી ઉપાધિઓ વારંવાર થતી તેથી જેમ છે તેમ કહેતા નહિ, પણ જાણતા નહોતા એમ ન જાણવું. સ્વામીશ્રી તો બધું ય જાણતા પણ ઉપાધિ થાતી એટલા સારુ કહેતા નહિ. 1/19/42

4. શ્રી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે, "પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી" તે ત્રિલોકી કેવી રીતે સમજવી? 1/21/47

બાપાશ્રી બોલ્યા જે પ્રકૃતિપુરુષ સુધી તો બધું નાશવંત છે. તેને તો બ્રહ્માનંદ સ્વામીએ ગણ્યું જ નથી ને તેથી પર પહેલી મૂળપુરુષરૂપ ઈશ્વરકોટી, બીજી બ્રહ્મકોટી અને ત્રીજી અક્ષરકોટી એમ ત્રિલોકી કહી છે, તેથી શ્રીજીમહારાજની પાઘડી ન્યારી છે. આ કાર્ય-ત્રિલોકી છે. મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના એકાંતિક ને તેથી પર પરમ એકાંતિક અને તેથી પર અનાદિ એ કારણ-ત્રિલોકી છે. તેથી પણ મહારાજની પાઘડી ન્યારી છે એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે.

5. આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે. તે પધરાવવાનું શું કારણ હશે? 1/22/48

બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજ માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઈષ્ટદેવરૂપે પોતે દેખાયા હતા, તે પોતાનાં સ્વરૂપ પોતાનાં મંદિરોમાં પધરાવ્યાં છે પણ બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યાં છે તેમની કોઈની પ્રતિષ્ઠા કરી નથી. માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન સમજવું. આપણા મંદિરમાં તો શ્રીજીમહારાજ પોતે છે. તે ઘણા જીવોના સમાસ અર્થે વેષાન્તર કરીને દર્શન આપે છે.

6. વચનામૃતમાં ચતુષ્ક કહ્યાં છે તેમાં પહેલા ચતુષ્કમાં નારાયણ, નર, હરિ અને કૃષ્ણ એ ચારનું એક ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજવું? અને બીજું વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ચારનું ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે નારાયણ તે શ્રીજીમહારાજને કહ્યા છે. અનાદિમુક્તોને કૃષ્ણ કહ્યા છે. તે શાથી કહ્યા છે તો જીવોને શ્રીજીમહારાજની મૂર્તિમાં આકર્ષણ કરે છે એટલે મૂર્તિમાં ખેંચી લે છે માટે અનાદિમુક્તને કૃષ્ણ નામે કહ્યા છે. પરમ એકાંતિક જે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે તેમને નર નામે કહ્યા છે. એકાંતિકને હરિ નામે કહ્યા છે. શાથી જે જીવોને માયામાંથી લઈને સત્સંગી કરે છે, એમ માયામાંથી હરિ લે છે માટે એકાંતિકને હરિ એવે નામે કહ્યા છે. માટે નારાયણ તે શ્રીજીમહારાજ જાણવા, કૃષ્ણ તે અનાદિમુક્ત જાણવા, નર તે પરમ એકાંતિક જાણવા અને હરિ તે એકાંતિક જાણવા; એ એક ચતુષ્ક છે. બીજું ચતુષ્ક એ છે જે, શ્રીજીમહારાજના તેજને વાસુદેવ કહ્યા છે. મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે, શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે અને મહાકાળને સંકર્ષણ કહ્યા છે. તેમના લક્ષણની વિગત જે: શ્રીજીમહારાજનું તેજ અક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વાસ કરી ઐશ્વર્ય, સાર્મથ્ય આપે છે તેથી વાસુદેવ કહ્યા છે. ઉત્પત્તિ કરનાર મૂળઅક્ષર છે તે અનિરુદ્ધ નામે કહેવાય છે. વાસુદેવબ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે માટે તેમને પ્રદ્યુમ્ન કહ્યા છે. મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળપુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેનાં કાર્યનો નાશ કરે છે માટે તેને સંકર્ષણ નામે કહ્યા છે. આ શ્રીજીમહારાજનું તેજ જે વાસુદેવ, મૂળઅક્ષરકોટી જે અનિરુદ્ધ, વાસુદેવબ્રહ્મ એ પ્રદ્યુમ્ન અને મહાકાળ તે સંકર્ષણ એ બીજું ચતુષ્ક જાણવું. 1/23/50

7. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના 2જા વચનામૃતની 2જી બાબતમાં બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ મળ્યો છે એમ કહ્યું છે. તેમાં બ્રહ્મા તો મૂળઅક્ષરને કહ્યા છે. કેમ જે સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. મૂળ સૃષ્ટિ કર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે. તેને પણ આ જોગ દુર્લભ છે. આ તો છેલ્લો જોગ છે. 1/34/65

8. મધ્ય પ્રકરણના 64મા વચનામૃતમાં ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કોટી યોજન પૃથ્વી તે પ્રલયને વિષે પરમાણુરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે માયાનો શો અર્થ સમજવો?

બાપાશ્રી બોલ્યા જે યોગ માયા તે ભગવાનની સમૃદ્ધિને જાણવી. શ્રીજીમહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજીમહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે અને મૂળપુરુષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે એમ જાણવું; પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિરૂપ માયા છે તે તો મૂળપુરુષની સમૃદ્ધિ છે. 1/94/170

9. ઊંચા-નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ-કનિષ્ઠ જાણવો પણ તળે ઉપર ન જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચું છે તે એમ સમજવું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે. પણ ઊંચું એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું; કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે, અને શ્રીજીમહારાજ પણ સર્વત્ર છે. ઊંચા-નીચાનો અર્થ તે શ્રેષ્ઠ-કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે. તેમ જ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા (ઓછાવત્તાપણું) છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું, તેથી મૂળઅક્ષરોની કોટીઓનું સુખ ઓછું, તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું, તેથી બ્રહ્મની કોટીઓનું સુખ ઓછું ને તેથી મૂળપુરુષરૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે; એમ તારતમ્યતા છે. 1/94/170

10. સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે: શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જે "વામેયસ્ય" તેમાં શ્રીજીમહારાજે હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું એમ કહ્યું છે. એટલે એમાં તો શ્રીજીમહારાજ ભક્ત ઠર્યા અને શ્લોક 209માં કહ્યું છે જે "મદ્રૂપમિતિ મદ્વાણી" તેમાં તો મારી મૂર્તિઓની જેમ પૂજા કરો છો તેમ જ મારી વાણી જે શિક્ષાપત્રી તે પણ મારું સ્વરૂપ છે, તેની પૂજા કરવી, એમ આજ્ઞા કરી છે. એમાં તો પોતાનું ભગવાનપણું સૂચવ્યું છે. માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કૃપા કરીને યથાર્થ સમજાવો.

બાપાશ્રી બોલ્યા જે શાસ્ત્રના શબ્દ દ્વિઅર્થી હોય, તેનો અનાદિમુક્તરાજ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ સર્વેને ઠીક લાગે એવો સાર્વજનિક અર્થ કર્યો છે. તેમાં "વામ" શબ્દની લક્ષણા (વ્યાખ્યા) કરીને ડાબું પડખું લીધું છે અને શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની "અર્થદીપિકા" ટીકા કરી છે. તેમાં "વામ" શબ્દની લક્ષણા કરીને "વામ" હસ્ત લીધો છે; જે વામ કહેતા ડાબા હસ્તને વિષે રાધા કહેતાં ભક્તજન, જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. શ્રીજીમહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે કહેતા ડાબા હાથે અભયદાન આપે છે; તેને ડાબે પડખે રાધા રહ્યાં છે એમ કહ્યું છે અને વક્ષઃસ્થળમાં લક્ષ્મીજી રહ્યાં છે એમ કહ્યું છે. તેનો અર્થ શોભાવાચક (શોભા આપે એવું) કર્યો છે. તે અનંત મુક્તકોટી, અનંત અક્ષરકોટી, અનંત બ્રહ્મની કોટીઓ અને અનંત ઈશ્વરોની કોટીઓ તે સર્વેને શોભા આપવાપણું શ્રીજીમહારાજને વિષે રહ્યું છે, એમ કહ્યું છે અને વૃંદાવનમાં વિહાર કરનારા કહ્યા છે. તે વૃંદ તે સંતનો સમૂહ કહ્યો છે. તે સંતના વૃંદનું "અવન" કહેતાં રક્ષણ કરવું, તે નિમિત્તે છે વિચરણ જેમનું; એવું શ્રીકૃષ્ણવાચક મારું સ્વરૂપ કહેતાં "શ્રી" જે શોભા તેણે યુક્ત કહેતાં ભક્તના આધાર સતાં (છતાં; તો પણ) ભક્તનાં દુઃખને નિવૃત્ત કરનારા એવા જે અમે તે અમારા સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ; એમ શ્રીજીમહારાજે પોતાનું ધ્યાન કહ્યું છે. આવો અવાંતર (અંદરનો: અંદર સમાયેલો) અર્થ શતાનંદ મુનિએ ટીકામાં કર્યો છે તે વાસ્તવિક છે. માટે આવી રીતે અર્થ સમજવો. 1/99/179

11. શિક્ષાપત્રીના 107મા શ્લોકમાં "हदये जीववत् जीवे'' એમ કહ્યું છે તેમાં જીવ જેમ હૃદયરૂપી એક દેશમાં રહ્યો થકો પોતાની સત્તાથી નખશિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપી રહ્યો છે; તેમ શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વ જીવને વિષે રહ્યા છે; પણ જીવ જેમ નિરાકાર છે તેમ શ્રીજીમહારાજ નિરાકાર નથી. શ્રીજીમહારાજ તો સદા સાકાર મૂર્તિમાન છે ને સ્વતંત્ર છે ને ઈશ કહેતાં જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી અને મુક્તકોટી તે સર્વેના નિયંતા છે અને સર્વેને કર્મફળના આપનારા છે.

અને 108મા શ્લોકમાં "स श्रीकृष्ण'' કહેતાં અક્ષરધામમાં સાકાર દિવ્ય મૂર્તિમાન જે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ તે જ આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતાર માત્રના કારણ છે પણ પરોક્ષ દેવકીનંદન શ્રીકૃષ્ણને આપણા ઈષ્ટદેવ કહેલ નથી. 1/99/180

12. પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે: 115મા શ્લોકમાં "कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमाडपिच'' એમ કહ્યું છે તેમાં શ્રીકૃષ્ણના નામથી શ્રીજીમહારાજને કહ્યા છે, પણ અવતાર, જીવ, નર, દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા?

બાપાશ્રી બોલ્યા જે છેલ્લા પ્રકરણના 10મા વચનામૃતમાં મૂળ માયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાનપુરુષ અને તેમાંથી થયા જે મહતત્ત્વ, અહંકાર, વૈરાજ અને તેમાંથી થયા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ, ઋષિ, દેવ, દૈત્ય, મનુષ્ય, ઝાડ, પહાડ, સ્થાવર, જંગમ તે સર્વે જીવ જાણવા અને મૂળપુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળઅક્ષરો તે સર્વે દેવ જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર પોતાના આત્માને વિષે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા અને શ્રીજીમહારાજના પરમ એકાંતિક મુક્તને નર જાણવા. તે કોઈનું ધ્યાન શ્રીજીમહારાજના ભક્તોએ ન કરવું અને જેમ શ્રીજીમહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામીરૂપે દર્શન આપ્યાં હતાં તેમ મુક્તરૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજીમહારાજના અવતાર કહેવાય તેનું ધ્યાન થાય. તે જો શ્રીજીમહારાજે પોતે દર્શન આપ્યા ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજીમહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય. 1/99/180

13. સભામાં શ્રી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે: ભક્તચિંતામણિના પરચામાં 'ઝીણાભાઈને શ્વેતદ્વીપમાં દીઠા' એમ લખ્યું છે એનું શું કારણ હશે?

બાપાશ્રી બોલ્યા જે શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠાં એમ ન જાણવું. વેદ તે પણ આવા મુક્તનાં વચન જાણવાં. આ મુક્ત શ્રીજીમહારાજના વેદ છે. તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ અવરભાવના છે; એમાં મૂળપુરુષથી પરની ઉપાસના નથી કહી. આ શ્રીજીમહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજીમહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજીમહારાજની પ્રાપ્તિ કરાવે છે; તેમ જ કર્મ ને જ્ઞાન તે પણ શ્રીજીમહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના વેદ છે. 1/102/184

14. કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તો પણ વૈરાજ કે પ્રધાનપુરુષ કે પ્રકૃતિપુરુષથી બહાર નીકળતા નથી. એમાં ને એમાં ઘુંચાઈ રહે છે. પરા, પશ્યંતિ, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે માયામાં છે; માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહિ. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજીમહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના 11મા વચનામૃતમાં કહ્યાં જે પાંચ સાધન (વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા) તે સિદ્ધ થાય ને શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય. 1/102/184

15. નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ ભુલાવે છે. ઇંદ્ર-બ્રહ્માથી લઈને અક્ષરકોટી સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે. આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે તો સર્વેથી પર છે. બહિર્વૃત્તિએ કરીને કાર્ય જોવાય છે અને અંતર્વૃત્તિએ કરીને કારણ જોવાય છે. બહિર્વૃત્તિ કારણને આવરી લે છે. શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા લીલા કરે છે તે બહિર્દૃષ્ટિવાળાને મનુષ્યના જેવી દેખાય છે પણ અંર્તદૃષ્ટિવાળાને મનુષ્યભાવ ટળીને દિવ્યદેખાય છે. 1/147/258

16. સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું પણ માયા, કર્મ, સ્વભાવ, કાળ, બ્રહ્મ, અક્ષર એ કોઈનું કર્તાપણું ન સમજવું. જો વિપરીત દેશકાળ, સંગાદિક તથા રાજાનો ઉપદ્રવ થાય અથવા કોઈ મરે ત્યારે કાળે કર્યું એમ જાણે તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય અને માયાએ કરીને કે કર્મે કરીને કે સ્વાભાવિક થાય છે એમ જાણે તેણે માયા જેવા, કર્મ જેવા ને સ્વભાવ જેવા ભગવાનને જાણ્યા કહેવાય. વરસાદ, વાયરો, ટાઢ, તડકો વધુ-ઓછો થાય, ત્યારે ગાળો દે તેણે ભગવાનને કર્તા ન જાણ્યા કહેવાય. આપણે તો સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું. પણ બીજા અક્ષરાદિક કોઈનું કર્તાપણું ન સમજવું. 1/150/264

17. સારંગપુરનું છઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં વેદની ઉત્પત્તિની વાત આવી; ત્યારે બાપાશ્રી બોલ્યા જે વેદ, વૈરાજમાંથી થયા છે ને તેમાં એક બ્રહ્માંડની વાત છે પણ ઝાઝી નથી, માટે સૌ-સૌના સ્થાનમાં એમને મૂકી દઈને શ્રીજીમહારાજની સમીપમાં આપણે જવું. એ કોઈનું આપણે કામ નથી. એમને બાઝી રહીએ તો તે આવરણ કરે. તે કોઈને વીંટાઈ રહેવું નહિ. હનુમાનજી આદિ કોઈ દેવને પણ વીંટાવું નહિ. એક મૂર્તિ ને મુક્ત તેમને બાઝવું. શ્રીજીના ભક્ત તો રાજાની રાણીને ઠેકાણે છે. જેમ ગૃહસ્થની પંક્તિમાં સાધુથી બેસાય નહિ અને સાધુની પંક્તિમાં ગૃહસ્થથી બેસાય નહિ તેમ શ્રીજીના એકાંતિક ભક્તમાં અને મૂળઅક્ષરાદિક અવતારોમાં ભેદ છે. મહારાજ અને મુક્ત વિના બીજે વૃત્તિ ન રાખવી. 1/152/267

18. આવા સંત ને હરિજન કોઈ બ્રહ્માંડમાં નથી માટે સુરત રાખવી. મહાપ્રભુજી વિના ને તેમના મુક્ત વિના બીજાને રખવાળા ન રાખવા. શ્રીજી અથવા મુક્ત સાથે હોય તો અક્ષરકોટી સુધી કોઈ લૂંટી શકે નહિ. જેમ સોળે થયા હોય તેને ચીંથરાનો દોરો અડી જાય તો બોળે થઈ જાય; તેમ ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ, અન્ય દેવ તે આ સભામાંથી ઉઠાડીને લઈ જાય એવા છે. જેમ અયોધ્યાના વાંદરા જે વસ્તુ હાથ આવે તે લઈ જાય તેમ. 1/152/268

19. શ્રીજીના ને મુક્તના મહિમાનો પાર પામવો તે રમત વાત નથી. સાત સમુદ્રની શાહી કરે, પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષ માત્રની કલમો કરે ને કલ્પની આયુષ્ય કરે ને લખે તો પણ પાર આવે તેમ નથી. મોટા મોટા ઈશ્વરકોટી ને બ્રહ્મકોટી ને તેથી પર મૂળઅક્ષરકોટી તે જેને જાણી શકતા નથી અને સદા સમીપે રહેનાર એવા પરમ એકાંતિક સિદ્ધ મુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી તેમ જ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શકતા નથી તો આપણી શી બુદ્ધિ જે પાર પામીએ? શ્રીજીમહારાજે પોતે પણ કહ્યું છે જે અમારા મહિમાનો અમે પાર પામતા નથી તો બીજો કોણ પાર પામે? 1/158/281

20. મૂળઅક્ષર ને અક્ષર તે એક છે કે જુદા?

બાપાશ્રી બોલ્યા જે, મૂળઅક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટીઓ છે અને અક્ષરધામની કિરણોમાં એમની અનંત કોટીઓ રહી છે. અક્ષરધામ તો એ કોટીઓનું આધાર, અંતર્યામી, પ્રેરક ને નિયંતા છે; અને તે અક્ષરધામ તે શ્રીજીમહારાજનું તેજ છે. 1/171/319

21. શ્રીજીમહારાજે પોતાનો મહિમા પરોક્ષ નામે કહ્યો છે. તે પામર ને વિષયી જીવને લઈ જવા છે તે માટે કહ્યો છે. માટે આપણે રામકૃષ્ણ ગોવિંદ ગાઈએ છીએ, તે શ્રીજીમહારાજને જ કહીએ છીએ; પણ પરોક્ષ નામથી કહીએ છીએ, તેથી એમના ઉપાસકોને સમાસ થાય છે તે સારુ એમ કહીએ છીએ. અક્ષરધામમાં બાગ-બગીચા કહ્યા છે તે અવરભાવના કહ્યા છે પણ દિવ્ય ભાવમાં નથી, માટે પરભાવ ને અવરભાવ એ બે શબ્દ મહારાજે મેલ્યા છે તે સમજવા જોઈએ. 1/171/320

22. સ્વામિનારાયણની સાખે કહીએ છીએ. ખોટું કહેતા નથી. જેવું છે તેવું દેખીને કહીએ છીએ. બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ તથા અક્ષરકોટીને રહેવાની અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે અને શ્રીજીને રહેવાનું અક્ષરધામ જે પોતાનો પ્રકાશ અને અનાદિમુક્ત તથા શ્રીજીમહારાજ તે સર્વે અહીં છે. માટે બીજે લેવા ન જાવું. શ્રીજીમહારાજે બદરિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં જાવું પડશે એમ કહ્યું છે તે બધું અહીં જ છે. તે જે તપ કરાવે તેના ભેળા રહીને તપ કરે તે બદરિકાશ્રમ જાણવું અને જે અંતર્વૃત્તિ કરાવીને ધ્યાન કરાવે તેના ભેળા રહીને ધ્યાન કરે તે શ્વેતદ્વીપ જાણવું અને જે મૂળઅક્ષરનો મહિમા વર્ણન કરે ને ભેળો મહારાજનો મહિમા પણ કહે અને અક્ષરનો ભાર રહે તે અક્ષરકોટીના ભક્ત જાણવા અને તે અક્ષરોથી પર જે અક્ષરધામ તેમાં પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તેમનો જોગ અહીં કરે તો તે શ્રીજીમહારાજની મૂર્તિ સન્મુખ રહેવાની વાત કરે ને મૂર્તિના સમીપમાં લઈ જાય અને અનાદિમુક્ત મળે તો મૂર્તિમાં રહેવાનું કહે ને મૂર્તિમાં રાખે. આ બધી સભાઓ આ સત્સંગમાં છે. માટે બધાં ધામ આ સત્સંગમાં જાણવાં ને તે તે લક્ષણે કરીને તે સર્વેને જાણીને પછી અનાદિમુક્તનો જોગ કરવો. 1/182/340

23. વાસુદેવબ્રહ્મના મુક્તોને જુદી સભા હશે કે નહિ હોય?

બાપાશ્રી બોલ્યા જે વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે. અને વાસુદેવ તથા નરનારાયણ તે બે ય જીવનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવબ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેતદ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સમીપે લઈ જાય છે અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદ્રિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવબ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે પણ પોતાના શિષ્ય નથી કરતા. અને મહાકાળ છે તેમને વાસુદેવબ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે. તે વાસુદેવબ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે; તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી અને મૂળપુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોંપ્યું છે, તે સૃષ્ટિ સમયને વિષે માયા સાથે જોડાય છે, ત્યારે ગોલોક ધામ રચે છે ને ત્યાં રહે છે. તેમને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળપુરુષો બ્રહ્મપુરમાં વાસુદેવબ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે, તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળપુરુષ તેને દેખે છે પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહિ. મૂળઅક્ષરોના મુક્તોને માથે કાંઈ પણ ક્રિયા નથી ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે. અને એ મુક્ત નિષ્કામ છે અને ઉત્પત્ત્યાદિક ક્રિયા કરવી તથા કર્મફળ આપવાં તે શ્રીજીમહારાજે પોતાના તેજદ્વારે મૂળઅક્ષરોને પ્રેરણા કરી છે, તે સર્વે ક્રિયા મૂળઅક્ષરોએ વાસુદેવબ્રહ્મને સોંપી છે, પણ અક્ષરોના ને શ્રીજીમહારાજના મુક્તોને માથે કાંઈ ક્રિયા નથી; ફક્ત મોક્ષ કરવાની ક્રિયા છે. તે અક્ષરો તથા તેમના મુક્તો અક્ષર પાસે લઈ જાય છે અને શ્રીજીમહારાજને ને તેમના મુક્તો શ્રીજીમહારાજ પાસે લઈ જાય છે. માટે આજ બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ બે યને મૂકી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાનો વખત આવ્યો છે. તે જો ચૌદ લોકના સુખથી લૂખા થવાય તો મૂર્તિનું સુખ મળે. 1/182/341

24. સભામાં મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત વંચાતું હતું તેના અનુસંધાનમાં સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે:

શુષ્ક વેદાંત શાસ્ત્રના શ્રવણથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે. પછી ભગવાનની ઉપાસના ટળીને અન્ય દેવની ઉપાસના શી રીતે થાતી હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે: જો શુષ્ક વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરે તો તેને સર્વ દેવને વિષે સમભાવ થઈ જાય ને બધા ય અવતારો એક જ છે એમ સમજે, એટલે જેને ભજીશું તે બધા ય એક જ છે, એમ જાણીને અન્ય દેવની ઉપાસના પણ કરે. તેને જ્યારે કાંઈક સંકટ આવે ત્યારે પોતાની રક્ષાને માટે કોઈ દેવની ઉપાસના પણ કરે, એમ અન્ય દેવની ઉપાસના આપત્કાળે કરે. માટે તેનું શ્રવણ ન કરવું. 1/184/345

25. (કૃપા કરી બાપાશ્રી બોલ્યા જે) વચનામૃતમાં નારદ સનકાદિક તથા રામકૃષ્ણાદિક અવતાર કહ્યા હોય તે મહારાજના મુક્તને કહ્યા હોય છે એમ જાણવું, કેમ કે બીજા રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે તો અન્વય સ્વરૂપના અવતાર છે; તેમનાથી શ્રીજીમહારાજના જેવું આત્યંતિક કલ્યાણ થાય નહિ અને તેમાંના કેટલાક તો માયામાંથી આવ્યા (થયા) છે અને વ્યતિરેક મૂર્તિના અવતાર જે મુક્ત તે તો આત્યંતિક કલ્યાણ કરે છે. માટે તે શ્રીજીમહારાજના અવતાર છે. 1/193/368

26. સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે એ તો જગતની ઉત્પત્ત્યાદિકના કર્તા જે મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા અક્ષરો (તેમને કહ્યું છે, જે) -Дએ સર્વે અમારી મરજીથી ઉત્પત્ત્યાદિક કરે છે; અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહિ. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાનાં કર્મ તથા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે. તેમને તો શાસ્ત્ર ને સત્પુરુષ કહે છે જે આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો. આપણે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવું. અને મૂળ અક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી. એ તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે કરે છે; પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે. 1/194/370

27. ગંગામાને એક દિવસ શ્રીજીમહારાજે કહ્યું જે તમે અમને કેવા જાણો છો? ત્યારે તેમણે કહ્યું જે તમે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રીકૃષ્ણ ભગવાન હતા તેના તે તમો છો, પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રીકૃષ્ણ ને તમે જુદા નથી; એક જ છો. ત્યારે મહારાજ બોલ્યા જે, મેર મૂંડી અમારા માટે માથે સગડી ઉપાડી ને માથાની ટાલ તો બાળી મૂકી, તો પણ અમને ઓળખ્યા નહિ. અમે તો શ્રીકૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવબ્રહ્મ, એથી પર મૂળઅક્ષરના મુક્ત ને એથી પર મૂળઅક્ષર અને તેથી પર તો શ્રી રામાનંદ સ્વામી જે અમારા મુક્ત હતા, અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ ને શ્રી પુરુષોત્તમનારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી, એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું. 1/211/424

28. અનુભવ જ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે વિઘ્ન ન થાય. બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. તમને તો બહુ મોટી પ્રાપ્તિ મળી છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ એ ત્રણે મળીને એક ગામડાનું કામ ચલાવે છે, એના ઉપરી વૈરાજ છે, તે બ્રહ્માંડરૂપી ગામડાના અધિપતિ છે. એના ઉપરી અહંકાર છે. એના ઉપરી મહત્તત્ત્વ છે, એના ઉપરી પ્રધાનપુરુષ છે અને એવા અનંત પ્રધાનપુરુષોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર જે શ્રીકૃષ્ણ તે છે, એવા અનંત શ્રીકૃષ્ણના ઉપરી વાસુદેવબ્રહ્મ છે. એવા અનંત વાસુદેવોના ઉપરી અક્ષર છે જેને મૂળઅક્ષર કહે છે તે એવા અનંત કોટી મૂળઅક્ષરોરૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ શ્રીજીમહારાજ છે. 1/220/446

29. ઉપાસના પરિપક્વ ન થઈ હોય તો તેની શી ગતિ થાય?

બાપાશ્રી બોલ્યા જે, જેને ભગવાનની ઉપાસના પરિપક્વ ન થઈ હોય તેને જે બ્રહ્માંડમાં ભગવાન પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવીને ઉપાસના પરિપક્વ કરાવીને ધામમાં લઈ જાય છે. 1/223/452

30. મહાકાળ જ્યારે મહાપ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે?

બાપાશ્રી બોલ્યા જે, સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે અને માયા, મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તેને વિષે લીન થઈ જાય છે અને એ પુરુષ વાસુદેવબ્રહ્મની સભામાં રહે છે. જ્યારે સૃષ્ટિ સૃજવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. 1/229/462

31. મધ્ય પ્રકરણનું 4થું વચનામૃત વંચાતું હતું તેમાં વાત આવી જે, ભગવાન પ્રકૃતિપુરુષમાં આવે તો પણ જેવા છે તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે. પછી બાપાશ્રી બોલ્યા જે ભગવાનને આવવું જવું પડતું નથી. એ તો મહા તેજમાં રહ્યા થકા જ દેખાય છે પણ આ લોકની દૃષ્ટિએ અવરભાવવાળાને મતે આવ્યા-ગયા છે.

પછી બોલ્યા જે ઉદ્ધવ, નારદ, સનકાદિક અહીં સત્સંગમાં છે. ગોપીઓ તે અહીં છે પણ બહાર લેવા ન જાવું. આ બધા સંત તે ગોપીઓ છે ને આ સત્સંગી ઉદ્ધવાદિક છે એમ જાણવું. 1/240/484