• ગૂઢાર્થવાળાં જોડકણાં અને પંક્તિઓની આધ્યાત્મિક સમજુતી - વિભાગ ૨
1. "નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ"
પુરુષાકાર શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે અને સંત જે મુક્ત તેમને મૂર્તિમાં રાખી સુખ આપનારા એવા મહારાજ છે. (નરનારાયણને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા.) 2/38/112
2. "મુજ વિના જાણજો રે બીજા માયિક સૌ આકાર"
ભગવાન જે શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજા માયિક આકાર છે, એટલે પુરુષોત્તમ ભગવાન અને તેમના મુક્ત એ બે વિના સર્વે માયિક આકાર છે. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. જીવ માયિક પદાર્થમાં ઝાવાં નાખે અને ઐશ્વર્ય આદિકમાં ઝાવાં નાખે, એ નિશ્ચયમાં કસર છે. કીર્તનની પંક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જો પરિપક્વ નિશ્ચય થયો હોય તો કોઈની ખાડમાં ન પડે, મૂર્તિમાં ખેંચાઈ જાય.
3. "પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો"
એટલે શ્રીજીમહારાજની જેટલી આજ્ઞા છે તેટલી પાળે તો પતિવ્રતા કહેવાય. વર્તમાન ધારી શ્રીહરિ સાથે સગપણ કર્યું. હવે આજ્ઞા યથાર્થ પળે તો હરિ સાથે હથેવાળો કીધો કહેવાય, પણ ગમે તેમ વરતે તો ક્યાં પતિવ્રતાપણું રહ્યું? યથાર્થ વર્તમાનધારીના પ્રારબ્ધ શ્રીજીમહારાજ છે. જેમ છોકરાનું પ્રારબ્ધ તેનાં મા-બાપ, તેમ શ્રીજીમહારાજ આપણા પ્રારબ્ધ છે. છોકરાને અગ્નિ જળાદિકથી તેનાં માબાપ જાળવે છે તેમ શ્રીજીમહારાજ કાળ, કર્મ, માયાથી જાળવે છે. દંડ દેવો હોય તો શ્રીજીમહારાજ પોતે દે. માટે એ જ આપણું પ્રારબ્ધ છે. આપણે શા સારુ બીજું પ્રારબ્ધ કહીએ?