૪. ભગવાનના પ્રતિમા-સ્વરૂપમાં પ્રત્યક્ષભાવ - વિભાગ ૧
શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે જો ખરેખરો દિવ્યભાવ આવે તો પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવા થાય. પ્રતિમા તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે.
1. લોયાનું 7મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે, ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે : જ્યારે મહારાજ હતા ત્યારે તો ઇન્દ્રિયે દેખાયા પણ આજ મહારાજને પ્રત્યક્ષ ઇન્દ્રિયોએ કરીને શી રીતે દેખવા?
બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજે "અમને મનુષ્યરૂપે દેખો" એમ સંકલ્પ કર્યો ત્યારે મનુષ્યરૂપે દેખાયા તેમ જ બીજો સંકલ્પ કર્યો કે "અમને પ્રતિમારૂપે દેખો." માટે આજ પ્રતિમારૂપે પ્રત્યક્ષ છે. તેમનાં દર્શન ઇન્દ્રિયોએ કરીને કરવાં અને તે પ્રતિમાનો મહિમા મુક્ત થકી અંતઃકરણમાં જાણવો અને એ પ્રતિમાને પોતાના ચૈતન્યને વિષે ધ્યાનમાં જોવી. તે જોતાં જોતાં જ્યારે આત્માને વિષે દેખાય ત્યારે મોક્ષ થાય. કદાપિ આત્માને વિષે દર્શન ન થાય તો પણ શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો મોક્ષ થાય. 1/37/73
2. પ્રતિમા ને ધામની મૂર્તિ તે એક જ છે. તેને સરખી ન જાણે તેની સમજણ ખોટી છે અને તે નાસ્તિક છે અને તેની વાત ન સાંભળવી. પ્રતિમા બોલતી નથી. તે પોતાના ભક્તોને જાળવે છે, કેમ જે કોઈકને બોલાવે ને કોઈકને ન બોલાવે તો હર્ષ-શોક થઈ આવે. માટે પાત્ર થયો હોય તેને તથા પાત્ર ન થયો હોય તે સર્વેને સરખાં દર્શન આપે છે. માટે બોલતા નથી પણ પ્રત્યક્ષ છે. 1/54/103
3. સાધનદશાવાળાને જોગ કરવામાં પ્રતિમા કરતાં મુક્ત અધિક છે. તે વાત વડતાલના 10મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહી છે; પણ પ્રતિમાથી મુક્ત વિશેષ ન જાણવા, ફક્ત જ્ઞાન લેવામાં વિશેષ જાણવા. પ્રતિમા છે તે ઇષ્ટદેવ છે અને મુક્ત તો ભક્ત છે. કેટલાક આધુનિક પ્રતિમા કરતાં મુક્તને અધિક જાણીને તેમનું ધ્યાન કરે છે તે અજ્ઞાની છે. એમને કોઈ મોટા મળ્યા નથી અને શ્રીજીમહારાજનો તથા મોટા મુક્તનો સિદ્ધાંત એમને હાથ આવ્યો નથી. તે તો જ્યારે શ્રીજીમહારાજના અનાદિ અથવા પરમ એકાંતિક મુક્ત મળે ને તેમના થકી જ્ઞાન પામે ત્યારે અન્વય-વ્યતિરેક સ્વરૂપ સમજાય ને શ્રીજીનો સિદ્ધાંત હાથ આવે. કોઈ દિવસ મુક્તનું ધ્યાન તો થાય નહિ. જે મુક્ત હોય તે પોતાનું ધ્યાન કરાવે જ નહિ અને શ્રીજીમહારાજની આજ્ઞામાં ફેર પડવા દે જ નહિ. એ તો પ્રતિમાને વિષે જ જોડે પણ પ્રતિમાથી લૂખા થાવા દે નહિ. 1/54/103
4. જ્યારે શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે દાદાખાચર બહુ દિલગીર થઈને ચ્હેમાં પડવા ગયા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે શ્રીજીમહારાજ સદાય સત્સંગમાં છે. આપણને મૂકીને જતા રહ્યા નથી. જ્યાં મહારાજ અને આપણે બેસતા તે બેઠકે જાઓ. તમને દર્શન આપશે. પછી ત્યાં ગયા અને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે "અમે તો મરીએ એવા નથી. અમે તો એક રૂપે હતા તે ચાર રૂપે થયા છીએ અને સત્સંગમાં સદાય પ્રગટપણે વિરાજમાન છીએ; માટે જતા રહ્યા એમ ન જાણશો." એમ કહીને પોતે પહેરેલો હાર હતો તે દાદાખાચરને પહેરાવીને બોલ્યા જે "તમારા આત્માને વિષે અમને ધારો." પછી દાદાખાચરે પોતાના ચૈતન્યને વિષે મહારાજનું ધ્યાન કર્યું તો તેજોમય દિવ્ય સ્વરૂપે પોતાના આત્માને વિષે મહારાજને દેખ્યા. પછી ધ્યાનમાંથી જાગ્યા અને મહારાજને પૂછ્યું જે હે મહારાજ! આપનાં ચાર સ્વરૂપ કહ્યાં તે કિયાં સમજવાં? ને ધ્યાન કયા સ્વરૂપનું કરવું? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે એક તો મૂર્તિઓ રૂપે ને બીજું સંતરૂપે ને ત્રીજું આચાર્યરૂપે ને ચોથું શિક્ષાપત્રી, વચનામૃત આદિ શાસ્ત્રરૂપે; એ ચાર રૂપે થયા છીએ. તેમાં પ્રતિમારૂપે થયા છીએ તે પ્રતિમાનું ધ્યાન કરવું; અને સંતથકી જ્ઞાન ઉપદેશ ગ્રહણ કરીને અમારો મહિમા સમજવો ને તેમની અન્ન-વસ્ત્રે કરીને સેવા કરવી અને આચાર્ય થકી દીક્ષામંત્ર લેવા ને તેમની અન્ન-દ્રવ્યે કરીને સેવા કરવી અને શાસ્ત્રમાં જે અમારાં વચન છે એ પ્રમાણે વર્તવું. એમ વાત કરીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી દાદાખાચરે સ્વામીશ્રી પાસે આવીને સર્વ વાત કરી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે જો ખરેખરો દિવ્યભાવ પ્રતિમાને વિષે આવે ને એ મૂર્તિમાં લગની થાય અને બીજું બધું વિસરી જાય તો પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવા થાય અને તેમની સાથે બોલે, વાતો કરે, જમે, ઇત્યાદિક સર્વે મનોરથ પરિપૂર્ણ કરે, માટે પ્રતિમાને વિષે દિવ્યભાવ લાવીને તેનું ધ્યાન-ભજન કરવું, પણ આધુનિકને સંગે કરીને અવળે રસ્તે ચઢી જવું નહિ. 1/54/104
5. અદૃશ્ય થયેલી મહારાજની મૂર્તિ અને અદૃશ્ય થયેલા સંતને જેવા જાણે છે તેવા આજના સંતને તથા પ્રતિમાને જાણે તો પોતે દિવ્ય થઈ જાય. 1/63/121
6. આજ ભગવાન ક્યાં હશે?
બાપાશ્રી બોલ્યા જે : આ સભામાં પ્રત્યક્ષ શ્રીજીમહારાજ અને મુક્ત છે. તેમાં ખોટું કહેતાં હોઈએ તો સમ છે. મૃત્યુ આડી એક ઘડી રહી હોય ને જો આ પ્રતિમા તે જ સાક્ષાત્ ભગવાન છે પણ ધાતુ-પાષાણ નથી ને આ સભા દિવ્ય છે એવું સમજાય તો શ્રીજીમહારાજ હડેડાટ તેડી જાય છે. માટે પ્રતિમાને વિષે ને મુક્તને વિષે દિવ્યભાવ લાવવો. તો મોક્ષ કરે પણ એકલા સાધને કરીને મોક્ષ ઇચ્છે તે થવો કઠણ છે. જેમ એક કણબીને ગાડું ખૂંત્યું તે બધાયને કાઢી મૂકીને ગાડું કાઢવા ગયો તો કાંઈ નીકળે? તેમ મુક્તને વિષે કોઈક કાંઈક દોષ પરઠે તો તે એકલો રહ્યો તે એકલો શું કરે? માટે સર્વેને દિવ્ય જાણવા તો મોક્ષ થાય. 1/125/219
7. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્યરૂપે ને પ્રતિમારૂપે દર્શન આપે છે, એમ સમજાય તો કામ નીકળી જાય. મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી ભાવ સારો આવ્યો છે કે નથી આવ્યો, એમ ભાવ જોવો નહિ, કેમ જે અક્ષરધામમાં મૂર્તિ છે તે જ પ્રતિમા છે, પણ એક રોમનો ફેર નથી; જો ફેર જાણે તો મોટી ખોટ આવે ને મૂર્તિના સુખની પ્રાપ્તિ ન થાય. 1/171/320
8. આપણાં મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તેને કેટલાક એમ કહે છે જે, સત્પુરુષના લાવ્યા ભગવાન આવે છે તો તો ભગવાન કરતાં સત્પુરુષ વધે, માટે તે કેમ સમજવું?
બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સત્પુરુષને વશ થઈને પોતે સાક્ષાત્ વિરાજમાન થાય છે પણ મુક્ત તો સેવક છે ને મૂર્તિઓ તો સ્વામી છે. જે મુક્ત હોય તે મૂર્તિઓને પોતાના સ્વામી માને છે અને જે આધુનિક સાધનદશાવાળા છે તે તો મૂર્તિથી સત્પુરુષને વિશેષ જાણે છે પણ તેની સમજણ ખોટી છે. 1/176/332
9. મૂર્તિ પધરાવનાર એમ જાણે જે હું મૂર્તિથી વિશેષ છું, તેનું શું થાય?
બાપાશ્રી બોલ્યા જે, જેને વિશે માયિક ત્રણ ગુણ હોય તે મૂર્તિથી પોતાને વિશેષ માને ને બીજા આગળ એમ બોલે, પણ તે નાસ્તિક છે અને તેનું તથા તેની વાત સાંભળીને તેવી રીતે સમજનારનું કલ્યાણ થાય નહિ. 1/176/332
10. કેટલાક પ્રતિમાથી સંતને અધિક કહે છે તે કેમ સમજવું?
બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજનો સિદ્ધાંત એના જાણ્યામાં આવ્યો નથી કેમ જે એને સિદ્ધ મુક્ત મળ્યા નથી. માટે તેની માયિક બુદ્ધિથી જેવું સમજાણું હોય તેવું કહે, પણ પ્રતિમા તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે. 1/190/357
11. પ્રતિમાને દિવ્ય ન જાણે ને મૂર્તિ સારુ વલખાં મારે તેમાં શું વળે? માટે તેમાં દિવ્યભાવ સમજીને ધ્યાન કરીને મૂર્તિમાં જોડાવું. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા. દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એકતાર જોડાવું. વૈભવ એકે ય મેલાય નહિ અને મૂર્તિ ખપે તે કેમ મળે? ઝેરનું ઝાડ રોપો તો પાંદડાં, ડાળાં, પાંખડી સર્વે ઝેર હોય તે ઝેરનું ઝાડ મેલીને એક સ્વામિનારાયણની મૂર્તિમાં તેલધારા અખંડ વૃત્તિ રાખવી. તેમ શ્રીજીમહારાજનું સુખ આપનારા સંતને ઓળખીને તેમનો સંગ કરે તો જે સુખ ઇચ્છે તે મળે. જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય માટે પુરુષપ્રયત્ન કરવો. 1/250/505
12. લોયાનું 7મું વચનામૃત વંચાતું હતું તેમાં ધામમાં મૂર્તિ અને મનુષ્યરૂપ અને પ્રતિમા તે એક જ સમજવાનું આવ્યું. પછી સંતે પૂછ્યું જે: મનુષ્યરૂપે ઓળખ્યા વિના દર્શન થાય તેનું જન્માંતરે કલ્યાણ થાય તેવું પ્રતિમાનાં દર્શને થાય કે નહિ?
બાપાશ્રી બોલ્યા જે પ્રતિમાનાં દર્શને પણ એવું જ કલ્યાણ થાય. જો પ્રતિમાનો મહિમા જાણીને દર્શન કરે તો આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાય. 1/251/506