• પ્રકીર્ણ આધ્યાત્મિક વાતો - વિભાગ ૨

0:000:00

1. પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા! ગરીબ કેને કહેવાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા ને વચન ઉપર નિષ્ઠા હોય અને અજ્ઞાની જીવના ઉપદ્રવને સહન કરનારા ભગવાનના ભક્ત કે સાધુ હોય, તેને ગરીબ જાણવા. 2/9/31

2. એક વખત સ્વામી વૃંદાવનદાસજી પાસે બેસી શિક્ષાપત્રીનો પાઠ કરવા માંડ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે સ્વામી! વાંચો, ત્યારે સ્વામીશ્રી એક શ્લોક બોલીને અર્થ કરવા લાગ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, આ શિક્ષાપત્રી તે અમારું પકડ છે, આ પકડથી તમને પકડાય. આમાંની કઈ આજ્ઞા પળાય છે તે ખબર પડે. કોઈ શાસ્ત્રી આવ્યો હોય તો તેને કહીએ કે આ તમે પાળો છો કે નહિ? એમ પકડીએ છીએ. 2/13/37

3. એક વખત બાપાશ્રીએ સભામાં એમ કહ્યું જે, તમે સર્વે શ્રીજીમહારાજના સંકલ્પ છો ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએે કહ્યું જે બધાય મહારાજના સંકલ્પ હોય તો માંડવીમાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીથી કેમ ન થયા ને શ્રીજીમહારાજે કેમ કર્યા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે એ તો મહારાજની ઇચ્છા પ્રમાણે જે સંકલ્પ દ્વારે જેટલું જણાવવું હોય તેટલું જણાવે છે. 2/28/75

4. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય. તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે, તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે; માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજીમહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને ત્રણ દીકરા હોય તેમાં એક ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે, તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. 2/37/108

5. ઉપાસનાની વાત સર્વેથી જબરી છે. ઉપાસના દૃઢ હોય તો ધણીના ખોળામાં બેઠા અને તેમાં કાચું હોય તો કાળ, કર્મ તથા બીજા અદેવમાં વળગે. જો પાકી ઉપાસના હોય તો સેવા-ભક્તિ, મંદિર આદિ કરવામાં અટકે નહિ; અધિકારી કરશે એમ વાટ ન જુએ. 2/39/116

6. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, "મીન સ્નેહી નીર, ચંદ્ર સ્નેહી ચકોર." એમ હેતે કરી ભગવાનમાં સર્વે ઇન્દ્રિયો તણાય ત્યારે ભગવાનના ભક્તમાં મોટા ગુણ આવે છે. એક હરિભક્તે નિરાવરણ દૃષ્ટિનું પૂછ્યું ત્યારે કહ્યું જે, ભગવાનની મૂર્તિ વિના બીજું જે કાંઈ માયિક પદાર્થ તથા દેશાંતર આદિક દેખાય અને ભીંત ને પાણી સોંસરુ ચાલ્યા જવું એવી નિરાવરણ દૃષ્ટિમાં નવાણું ટકાનું જોખમ છે. કેમ કે આગળ પણ એવી નિરાવરણ દૃષ્ટિવાળાને વિઘ્ન આવ્યાં છે. મોટા તો કેને નિરાવરણ દૃષ્ટિ કહે છે? તો એક ભગવાન તથા મુક્ત વિના માયિક પદાર્થની વિસ્મૃતિ તેને ઉપશમ અવશ્થા તથા ખરેખરી નિરાવરણ દૃષ્ટિ કહે છે. 2/52/167

7. જેને જેટલી સ્થિતિ થઈ હોય, મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય, અનાદિમુક્તની ઓળખાણ થઈ હોય એટલા સુધીની જ બીજાને વાત કરવી તો તેટલી સ્થિતિ બીજાને પમાય પણ સ્થિતિ વિના વાત કરે તેનાથી બીજા જીવને સમાસ થાય જ નહિ. મોટાની પ્રાપ્તિનું પણ એમ જ સમજવું અને કેટલાક તો પોતે પોતાની સ્થિતિની ઉપર વાત કરે તે પોતાનેય સમજાય નહિ અને બીજાને લોચા વળાવે તેથી સમાસ થાય નહિ. માટે પોતાની સ્થિતિ સુધીની બીજાને વાત કરવી. 2/60/192

8. ભૂત-પ્રેત વાસનાએ કરીને અને મોટાનો અપરાધ કરવે કરીને થાય છે. પ્રેત એટલે વાસનાવાળું, પ્રેતને લાજ હોય અને ભૂત એટલે વધારે પાપવાળું, જેણે મોટા મુક્તનો દ્રોહ કર્યો હોય, ભગવદીનો દ્રોહ કર્યો હોય તે ભૂત થાય. તેને લાજ પણ હોય નહિ. વળી તેનો આહાર મલિન એટલે ખાવા-પીવાની નકારી વસ્તુ, જેથી કરીને દિવસે દિવસે વધારે મલિન થતો જાય. 2/62/194

9. મહારાજે કહ્યું છે જે શાસ્ત્ર સત્પુરુષના મુખથી સાંભળવાં પણ પોતાની બુદ્ધિ બળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય. શ્રીજીમહારાજ પોતાનો દિવ્ય સાજ લઈને પધાર્યા છે. તેથી અક્ષરધામની ને અહીંની એકતા છે માટે ધામમાં સ્ત્રી-પુરુષોનો ભાવ નથી. લક્ષ્મીજી બહાર સેવામાં રહે છે તથા ચિહ્નરૂપે હૃદયમાં રહ્યાં છે તે બધાં વર્તમાન કાળના ભાવ છે. ધામમાં ગોખ, જરૂખા, મેડીઓ, ફુવારા છે તે બધા ભાવ અહીં (અવરભાવમાં) ઘટાડવાના છે. ભૂજ, મૂળી કે ગુજરાતના સંત તેડવા આવ્યા, રથ પાલખીઓ આવી એ બધું ય અહીં સમાસ અર્થે છે એમ ઘટાડવું. બધું ય દિવ્ય છે પણ માયિક દૃષ્ટિથી ન નિહાળવું. આ સર્વે સંતો તથા હરિભક્ત તેજોમય બ્રહ્મની મૂર્તિઓ છે એમ સમજે તેને માયિકભાવ ન આવે. 2/65/203

10. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણો તો અહિંસા ધર્મ છે. અહિંસા ધર્મ એટલે કોઈને મન, કર્મ, વચને દુભાવવો નહિ. અધિકારવાળાએ કોઈને કહેવું પડે તેથી બીજા દુઃખાય અને ન કહે તો સરખું ચાલે નહિ. તે વખતે બરાબર સત્સંગની લટક (વિનય-વિવેક જાળવી, કહેવા-સમજાવવાની કળા) શીખી રાખી હોય અને મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ હોય તો ઠીક રહે. મહારાજે કહ્યું છે કે ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણાય હોય પણ જે મૂર્તિ પાસે રાખે તેને વાંધો નહિ. વ્યવહાર તો બીજા પણ કરી લે. એ કાંઈ અટકે નહિ. મોટા મોટા સંતો, હરિભક્તો અધિકારવાળા હતા પણ તેમની પાસે સત્સંગની લટક હતી તેથી શોભ્યા. 2/65/203

11. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ પૃથ્વી ઉપર ભગવાન રાજારૂપે અને રાજાધિરાજરૂપે તથા સદગુરુ રૂપે અને સાધુ રૂપે વર્તતા હોય તે રીત જાણવી. તે જ્યારે રાજારૂપે ભગવાન વર્તે ત્યારે કોઈ સાધારણ મનુષ્યને જોગ કરવો હોય તેને કઠણ પડે, અને રાજાધિરાજરૂપે ભગવાન વર્તતા હોય ત્યારે અતિ મોટા પુરુષને પરાણે પરાણે જોગ થાય અને સદગુરુરૂપે ભગવાન વર્તતા હોય ત્યારે પણ મોટા મોટા હરિભક્તોની સભા બેઠી ને બેઠી હોય તે કોઈને કાંઈક પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછતાં પૂછતાં કેટલોક વખત વીતી જાય પણ પૂછવાનો મેળ મળે નહિ. તો બીજું તો ક્યાંથી પૂછાય? તેથી જોગ કરવો ઘણો કઠણ થઈ પડે અને જ્યારે સાધુરૂપે ભગવન વર્તતા હોય ત્યારે તો તેમને ગમે તેમ પૂછો. ગમે તે આવો, ગમે તેમ બોલો, ચાલો, વાતો કરો, તેમાં જરા પણ કોઈને કઠણ પડે જ નહિ ને સર્વેને જેવું જોઈએ તેવું સુખ આવે ને કોઈ રીતે આમન્યા નડે નહિ. નાના-મોટા સૌને જોગ કરવાનો સમય મળે અને સૌને સખાભાવ રહે. તેથી આ સમયે શ્રીજીમહારાજ સૌ જીવને સુખિયા કરવા માટે સાધુરૂપે ર્વત્યા. 2/96/302

12. આપણે તો પ્રેમમગ્ન થઈ માનસી પૂજા કરવી, સેવાભક્તિ કરવી. તે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય? તો અતિ હેતે કરીને મૂર્તિમાં જોડાય તો અંગોઅંગને વિષે પ્રેમ પ્રગટ થાય અને જો શ્રવણ, મનન, નિદિધ્યાસથી આવી વાતો જીવમાં ઊતરી જાય તો જીવમાં સાક્ષાત્કાર થાય. 2/97/305

13. ભગવાનના ભક્તને પોતાના સ્વરૂપનો તપાસ કરવો. શ્રીજીમહારાજે ઢેઢના છોકરાને સો વાર આત્મા કહેવરાવ્યું પણ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું જે, બાપજી! હું તો ઢેઢ છું; એમ ન કરવું. ઢેઢ મટી જાવું. 2/98/310

14. બાપાશ્રી બોલ્યા જે, સાંખ્ય ને યોગ તે શું? તો શ્રીજીમહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય અને મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું તે યોગ. 2/117/369

15. બાપાશ્રી સભામાં વાત કરતા હતા તે વખતે નારાયણપુરવાળા ખીમજીભાઈ ચંદન તથા હાર લઈને આવ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સોઢીનું શણગારમાં ગયું તે સોઢી હતી તે શણગારમાં રહી ત્યાં તો જાન જતી રહી. તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા, ત્યાં કથા-વાર્તા જતી રહી એવું થયું. અત્યારે સંત-હરિભક્તની સભામાં બ્રહ્મયજ્ઞ થાય છે. ગામોગામના હરિભક્ત આવ્યા છે અને હજી સંઘ આવ્યા કરે છે. સભામાં કાંઈની કાંઈ વાતો થાય છે, મૂર્તિના સુખના અમૃત ધન વરસે છે. માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો. એમ ખીમજીભાઈ નિમિત્તે સૌ સંત-હરિભક્તોને મહિમા સમજવાની વાત કરી. 2/130/399

16. સભામાં પુરાણી કેશવપ્રિયદાસજી સંતના મહિમાની વાત કરતા હતા. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, પ્રથમ તો આસુરી જીવો સંતોને બહુ દુઃખ દેતા, તે જ્યાં જાય ત્યાં કોઈ મારે, કોઈ કાઢી મૂકે, કોઈ તિરસ્કાર કરે, ગામમાં મંદિર નહિ. તેથી જ્યાં ત્યાં ઉતરવાનું હોય. વળી તે વખતે ત્રણ વર્ણની તૈયાર ભિક્ષા લેવાની આજ્ઞા હતી. તેથી જ્યાંથી મળે ત્યાંથી મહારાજને સંભારી જમી લેતા પણ અત્યારે છે એવું સાનુકૂળ નહોતું. એક વખત કોઈ હરિભક્તે સાધુઓને જમાડવા બાજરાની ઘેશ કરાવી. તે સાધુ જમવા બેઠા તેની કુસંગીને ખબર પડી એટલે ત્યાં આવીને પથરા મારવા માંડ્યા તેથી સાધુઓ જમતાં જમતાં ઊઠીને જતા રહ્યા. એવાં દુઃખ હતાં. રાજ્યમાં પણ કોઈ વાત સાંભળે નહિ. આજ તો મોટા મોટા મંદિરમાં રહેવાનું, નાહવાનું, જમવાનું સરખું, હરિભક્તો પણ બહુ બળિયા અને રાજ્ય પણ એવું જે કોઈ આંગળી ચીંધી ન શકે. અત્યારે તો એકલા છપૈયે ચાલ્યા જાઓ તો પણ કોઈ વાટમાં પૂછે નહિ. પ્રથમ તો એક ગામથી બીજે ગામ જવામાં વિચાર થતો. સાધુનાં મંડળ દેશમાં ફરીને ધર્મપ્રચાર કરી પાછા આવતાં ત્યારે અજ્ઞાની જીવોએ આપેલાં દુઃખની વાતો સાંભળીને મહારાજનાં નેત્રમાંથી આંસુ આવતાં. 2/120/ 373