૩૦. આત્મનિષ્ઠા
સ્વામીશ્રીની ઉપદેશ આપવાની રીત અનોખી હતી. એકવાર તેઓ પોતાના સંતમંડળ સાથે ફરતા ફરતા સારંગપુર પાસેના જંગલમાં આવી એક ઝાડ નીચે બેસી ભગવદ્ચર્ચા કરતા હતા, ત્યારે એક સંતે પૂછ્યું: "સ્વામી, આત્મનિષ્ઠાનું શું રૂપ હશે?" સ્વામી કહે, "ઘડીક ખમો, બતાવીએ છીએ." એટલામાં તો સત્સંગના દ્વેષી વૈરાગી બાવાઓનું એક ઝુંડ ત્યાં આવી ચડી સંતોને મારવા લાગ્યું. બધા સંતો જીવ બચાવવા પાસેની ઘાટી બાવળીમાં પેસી ગયા. થોડીવારે બાવાઓ ગયા પછી સંતો એ કાંટાળી બાવળીમાંથી બહાર નીકળ્યા. ઝાડીમાં બાવળના તીક્ષ્ણ કાંટાઓ આખા શરીરમાં ઘૂસી જવાથી પારાવાર પીડાથી ઊંહકારા બોલાવતા સંતો સ્વામીશ્રીને કહેવા લાગ્યા: "ગુરુ...અમારાથી તો નથી બેસાતું કે નથી ચલાતું. કાંઈક ઉપાય કરો." સ્વામીશ્રીએ ગામમાંથી ચીપિયા મંગાવી સર્વેના કાંટા કાઢી ઘા ઉપર રાખ ભભરાવી રૂ દબાવ્યું અને પછી સર્વેને ધીરે ધીરે ગઢપુર લાવ્યા. અક્ષરઓરડીમાં સંતોએ જ્યારે મહારાજને સર્વે વૃત્તાંત કહ્યો ત્યારે મહારાજ બોલ્યા: "ગોપાળાનંદ સ્વામીએ તમારા સર્વેના કાંટા કાઢ્યા, પરંતુ કોઈએ સ્વામીના શરીરમાંથી કાંટા કાઢ્યા કે નહિ?" આ સાંભળી સર્વે સંતોના મોંઢા વિલાઈ ગયાં. "અરેરે.... મહારાજ, અમે અમારી પીડામાં સ્વામીના કાંટા કાઢવાનું તો સાવ ભૂલી જ ગયા...." પછી મહારાજે જાતે ચીપિયાથી સ્વામીશ્રીના શરીરમાંથી કાંટા કાઢી રૂ દબાવ્યું અને એ કાંટાઓનું વજન કર્યું તો એટલું બધું થયું કે જો સામાન્ય માણસને એટલાકાંટા શરીરમાં પેસી ગયા હોય તો તેનો દેહ રહે નહિ. આટલા બધા કાંટા સાથે સ્વામીશ્રી સારંગપુરથી ગઢપુર ગયા પણ પીડાનો એક ઊંહકાર સરખો ન કર્યો એનું જ નામ આત્મનિષ્ઠા! આત્મનિષ્ઠા અંગેનું આનાથી જ્વલંત ઉદાહરણ બીજું કયું હોઈ શકે?