૩૯. 'સંત નૃપ'
સદગુરુ ગોપાળાનંદ સ્વામી કેવા મોટા સંત હતા? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનું શું સ્થાન હતું? ઇત્યાદિ અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના સમ્યક્ સમાધાનરૂપે કવિ કૃષ્ણાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રીનો યથાર્થ પરિચય આ પ્રમાણે આપે છે:
"ધ્યાન કરાવે ભક્તને, તેને થાય સમાધિ તે વાર;
ગોલોકાદિક લોકમાં, પહોંચાડે કરીને પ્યાર.
સ્વતંત્ર યોગી સિદ્ધ તે, કહે જનના મનની વાત;
એવા ચમત્કાર સિદ્ધમાં, મહા મોટા મુનિ વિખ્યાત.
મહિમા જાણે મહારાજનો, સર્વોપરી સુખકંદ;
અપાર ગુણે ઓપતા, જેનું નામ ગોપાળાનંદ.
અવતાર સમ અવતારીના, છે 'સંત નૃપ' સુખકંદ;
તારા છુપાયે સૂર્યથી, કવિ કહે છે કૃષ્ણાનંદ." ૩
કવિ કૃષ્ણાનંદજી મહામુનિ ગોપાળાનંદ સ્વામીનો અપાર મહિમા વર્ણવતા એમને અવતારી મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર સમાન ગણાવી અંતમાં સ્વામીશ્રીને 'સંત નૃપ' અર્થાત્ સંતશિરોમણીનું યથાર્થ બિરુદ આપી એમનું પ્રગલ્ભપણે અભિવાદન કરે છે.