૨૨. શ્રીહરિ દિગવિજય
સં. ૧૮૭૬માં વડોદરા રાજ્યના દીવાન વિઠ્ઠલરાવનું મૃત્યુ થયું. વિઠ્ઠલરાવનો પુત્ર ભાસ્કરરાવ દીવાનપદ માટે યોગ્ય ન હોવાથી સયાજીરાવે દીવાનપદે વિઠ્ઠલરાવના કાકા અને બાબાજીના નાના ભાઈ વિઠ્ઠલરાવ દેવાજીની નિમણૂંક કરી. વિઠ્ઠલરાવ દેવાજી એના ભત્રીજા કરતાં પણ ચડે એવો સત્સંગદ્વેષી ને કુટિલ હતો. તેણે દીવાનપદે આવતાં જ સ્વામિનારાયણ સંપ્રદાયને વડોદરા રાજ્યમાંથી નષ્ટપ્રાય કરવાના ઇરાદે જાહેર શાસ્ત્રાર્થ યોજવાનો પ્રબંધ કર્યો. શાસ્ત્રાર્થ માટે શ્રીજીમહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા. સં.૧૮૮૧ના મહા સુદ ૩ના દિવસે વડોદરામાં માંડવી દરવાજા પાસે આવેલા વિઠ્ઠલ મંદિરના વિશાળ સભાખંડમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી અને વડોદરાના વિદ્વાન શાસ્ત્રીઓ વચ્ચે જાહેર શાસ્ત્રાર્થ થયો.
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ એ શાસ્ત્રાર્થમાં મુક્તાનંદ સ્વામીએ વડોદરાના શાસ્ત્રીઓને હરાવી સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગવિજય કર્યો. ત્યારબાદ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડના ભાવભીના નિમંત્રણનો સ્વીકાર કરી શ્રીજીમહારાજ સમસ્ત સંત હરિભક્તો સહિત સંવત ૧૮૮૨ના કારતક વદ પાંચમના દિવસે વડોદરા પધાર્યા. વડોદરામાં ત્રણ દિવસ રહીને શ્રીજીમહારાજે શ્રીમંત સયાજીરાવના સર્વે મનોરથ પૂર્ણ કર્યા.
આમ મહાસમર્થ યોગેશ્વર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના વટવૃક્ષરૂપી બીજનું સિંચન કરી એને પોષણ આપી વિરાટ વડલામાં પરિવર્તિત કર્યું. વડોદરા ઉપરાંત સ્વામીશ્રીએ વડસર, કલાલી તથા ઉમરેઠમાં પણ સત્સંગનો ઘણો પ્રચાર કર્યો હતો. ઉમરેઠના ખેડાવાળ બ્રાહ્મણો એ જમાનામાં વિદ્વત્તામાં અત્યંત ખ્યાતનામ હતા. સ્વામીશ્રીના પ્રકાંડ પાંડિત્ય તથા અલૌકિક પ્રતાપથી પ્રભાવિત થઈને એ શાસ્ત્રજ્ઞ પંડિતો પણ શ્રીજી આશ્રિત બન્યા હતા.