૭. વિદ્યાભ્યાસ
યજ્ઞોપવિત સંસ્કાર પત્યા પછી શુકલ ભોળાનાથે મોતી ઠાકરને વિનંતી કરી: "ખુશાલને મારી સાથે મુડેટી મોકલો, હું તેને સર્વ વિદ્યામાં પારંગત કરીશ." મોતી ઠાકરે અનુમતી આપી એટલે ખુશાલ શુકલજી સાથે મુડેટી આવ્યા. ૧૨ વર્ષ ગુરુગૃહે રહીને ખુશાલે વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, વેદાંત તથા તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મુડેટીથી ખુશાલ મહા સુદ વસંત પંચમીની બપોરે ટોરડા પાછા આવ્યા, એ વખતે તેઓ ૧૭ વર્ષના હતા.
એ જમાનામાં સંસ્કૃતનો શાસ્ત્રાભ્યાસ કર્યા પછી એની પરીક્ષા આપવા માટે કાશી જવું પડતું. મુડેટીથી પાછા આવ્યા બાદ, ફક્ત દોઢ મહિનો જ ટોરડામાં રોકાઈ ખુશાલ પિતાશ્રીની આજ્ઞા લઈ ફાગણ વદ ૭ના દિવસે કાશી જવા નીકળ્યા. ત્યારે પ્રવાસ માટે રેલવે કે બસની સગવડ નહોતી, સામાન્ય માણસે તો જ્યાં જવું હોય ત્યાં પગપાળા જ જવું પડતું. ટોરડાથી પગપાળા કાશી જતાં ઓછામાં ઓછા અઢી મહિના થતા. પરંતુ આશ્ચર્યની વાત તો એ બની કે ખુશાલ ફક્ત ચાર જ દિવસમાં કાશી પહોંચી ગયા. કાશી પહોંચી તેમણે ફાગણ વદ ૧૧ના દિવસે ટોરડા પિતાશ્રીને પહોંચ્યાનો જે પત્ર લખ્યો તે પત્ર છેક વૈશાખ વદ ૧૪ને દિવસે ટોરડા મોતી ઠાકરને મળ્યો. આમ પત્રને કાશીથી ખેપિયા દ્વારા ટોરડા પહોંચતાં બે મહિના ને ત્રણ દિવસ થયા. ખુશાલ કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર ૨૦ મહિના જેટલો સમય રોકાયા. કાશીમાં વેદ-વેદાંતની પરીક્ષા ઉત્તિર્ણ કરી ખુશાલ 'વેદવેદાંત પારંગત' અને 'વ્યાકરણ -કેશરી'ની પદવીથી વિભૂષિત થયા. કાશીથી તેઓ તીર્થાટન કરવા માટે જગન્નાથપુરી, પન્ના નરસિંહજી, સાક્ષી ગોપાળ, પક્ષી તીર્થ, શિવ કાંચી, વિષ્ણુ કાંચી, હરદ્વાર તથા બદ્રિનારાયણ ગયા. ત્યાંથી ઘર ભણી પ્રયાણ કર્યું. માગસર સુદ ૨ ને દિવસે તેઓ સાત વર્ષે ટોરડા પાછા ફર્યા.