૧૪. મધુ મિલન

એકવાર ખુશાલ ભટ્ટ નભોઈ ગયા હતા; ત્યાં તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગુરુ સર્વેશ્વરાનંદ સ્વામીનો મેળાપ થયો.* સર્વેશ્વરાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય અંગે વિશદ્ માહિતી મેળવી ખુશાલ ભટ્ટ એ પવિત્ર સંત પાસે પંચ વર્તમાન ધારણ કરી સત્સંગી થયા ને પછી એ સંતમંડળ સાથે ડભાણ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા. મહારાજનાં દર્શન થતાં જ અનાદિની ઓળખાણ તાજી થઈ! આ દેહ ધારણ કર્યો એ પહેલાં પણ ખુશાલ ભટ્ટને જે દિવ્ય સ્વરૂપનું અખંડ અનુસંધાન હતું ને આ દેહ ધારણ કર્યા બાદ પણ જન્મથી માંડીને અદ્યાપિપર્યન્ત પોતે જે સ્વરૂપને અખંડ ધારી રહ્યા હતા; એ મનુષ્ય દેહધારી પ્રગટ પુરુષોત્તમનારાયણનું આ લોકમાં સદેહે પ્રથમ પ્રત્યક્ષ મિલન એ ખુશાલ ભટ્ટના જીવનની અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. ખુશાલ ભટ્ટે શ્રીજીમહારાજનાં ચરણોમાં માથું મૂકી પોતાને ત્યાગીની દીક્ષા આપવા માટે પ્રાર્થના કરી ત્યારે મહારાજે કહ્યું: "ખુશાલ ભટ્ટ, હમણાં તમે ઘેર પાછા જાઓ; સમય આવ્યે અમે તમને બોલાવી લઈશું." ભટ્ટજી ટોરડા પાછા ફર્યા, પરંતુ એમનું અંતર તો હંમેશાં ઝંખ્યા જ કરતું કે ક્યારે મને મહારાજ પોતાની પાસે બોલાવી લે!