૪૧. ધર્માચાર્ય

ધર્મ અને તત્ત્વજ્ઞાનના જગતમાં એમ માનવામાં આવે છે કે જે પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્યની રચના કરે એ ધર્માચાર્ય કહેવાય. પ્રસ્થાનત્રયી એટલે દશ મુખ્ય ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદગીતા એ બાર શાસ્ત્રોનો સમુચ્ચય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાનત્રયી ઉપર સંપ્રદાયના સિદ્ધાંતોને અનુલક્ષીને સરળ ભાષામાં સુંદર ભાષ્યોની રચના કરેલી છે. છતાં સ્વામીશ્રીએ ક્યારેય પાતાને ધર્માચાર્ય તરીકે ગણાવવાની ખેવના નથી કરી. આ સિવાય મુક્તાનંદ સ્વામી રચિત બ્રહ્મસૂત્રના ભાષ્ય 'બ્રહ્મમીમાંસા' પર સ્વામીશ્રીએ 'બ્રહ્મસૂત્રાર્થ પ્રદીપ' નામે અદભુત ટીકા કરી છે. આ ઉપરાંત સ્વામીશ્રીએ શ્રીમદ્ ભાગવતના દ્વિતીય, દશમ્ તથા એકાદશ સ્કંધની વિશદ્ તાત્પર્યદર્શક ટીકાઓ, શ્રીહરિસ્વરૂપનિર્ણય, વિવેકદીપ, હરિભક્ત નામાવલી, વેદસ્તુતિ પર ભાષ્ય, શ્રીભક્તિ સિદ્ધિ તથા વિષ્ણુયાગ પદ્ધતિ જેવા અનુપમ ગ્રંથોની સંસ્કૃતમાં રચના કરી છે. સ્વામીશ્રીએ આમ સંસ્કૃત ભાષામાં કુલ ૧૯ ગ્રંથો રચ્યા છે, તેમજ ગુજરાતીમાં પાંચ અને શિક્ષાપત્રીનું મરાઠી ભાષાન્તર એમ પ્રાકૃત ભાષામાં છ પુસ્તકો લખ્યાં છે. સ્વામીશ્રીની લેખનશૈલી અર્થગંભીર છતાં સરળ, સ્વતંત્ર અને તાત્પર્યને સ્પષ્ટપણે પ્રકાશિત કરનારી છે.

અદ્વૈતવેદાંતમાં જે સ્થાન સર્વેશ્વરાચાર્યનું છે તેમ જ રામાનુજ વેદાંતમાં જે સ્થાન દેશિકાચાર્યનું છે તે સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુનિવર સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું છે.