૪૪. પરમ સાધર્મ્ય

ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત 'વચનામૃત' એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક અજોડ અધ્યાત્મશાસ્ત્ર છે, કારણ કે એના શબ્દેશબ્દમાં એના ઉદગાતા શ્રીજીમહારાજનું યથાર્થવાદી (વાસ્તવવાદી- Realistic) તત્ત્વદર્શન સોળે કળાએ ઝળકે છે. પોતાની પરાવાણીનું તાત્ત્વિક મૂલ્યાંકન શ્રીજી શ્રીમુખે આ પ્રમાણે કરે છે:

"આ વાર્તા જે અમે કરી છે તે વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનો સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે." (વચ. મ. ૨૮)

વચનામૃતનું જ્ઞાન એ સકલ શાસ્ત્રોનો સાર (Essence) માત્ર જ નથી, પરંતુ એથી ય ઘણું ઘણું વિશેષ છે, કારણ કે એમાં શ્રીજીમહારાજે શબ્દપ્રમાણ અને સ્વાનુભવ એ બન્ને નક્કર પ્રમાણો પર આધારિત પોતાનું આગવું મૌલિક તત્ત્વદર્શન આપ્યું છે. "આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. આ જે મેં તમને વાત કરી છે તે સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને વાત કરી છે અને જો પ્રત્યક્ષ જોઈને ન કરી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે." (વચ. મ. ૧૩)

પોતાના કથનની યથાર્થતા પુરવાર કરવા માટે મહારાજ જ્યારે પોતાના પ્રાણપ્યારા પરમહંસોના સમ ખાતા ત્યારે ગમે તેવા અશ્રદ્ધાળુ અને નાસ્તિક જેવા શ્રોતાઓના દિલમાં પણ આસ્થાનાં અમી ઊભરાતાં. આપણા માટે તો શ્રીજીમહારાજનાં વચનો એ જ સર્વશ્રેષ્ઠ 'શબ્દપ્રમાણ' છે અને શ્રીજીમહારાજનો સ્વાનુભવ એ જ સાચું 'સ્વત: પ્રામાણ્ય' છે.

પોતાનું મૌલિક તત્ત્વદર્શન સમ્યક્પણે સમજાવવા માટે મહારાજે વચનામૃતમાં પાંચ ભેદ અનાદિ કહ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ".....અને એ પુરુષોત્તમ ભગવાન ને અક્ષરબ્રહ્મ ને માયા ને ઈશ્વર ને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે." (વચ. ગ. પ્ર. ૭) શ્રીજીમહારાજના મતે આ ભેદ વાસ્તવિક છે. 'भेदो हि वास्तवो नूनम् जीवेश्वरब्रह्मणां हरे:।" (સ. જી. ૪/૨૧/૫૪) આ વાસ્તવિક ભેદોને વધુ વિસ્તારથી શ્રીજીમહારાજ આ પ્રમાણે સમજાવે છે: "વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે કે, જીવ, માયા, ઈશ્વર ને પરમેશ્વર એ સર્વે અનાદિ છે, અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, ને પૃથ્વીમાં રહ્યાં જે બીજ તેને ઠેકાણે જીવ છે, અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે તે પરમેશ્વરની ઇચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતાં જે બીજ તે સર્વે ઊગી આવે છે, તેમ માયામાંથી અનાદિ કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થાતા માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે. ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી; એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, ને ભગવાનનો પાર્ષદ થાય છે, એવી રીતે અમારો સિદ્ધાંત છે." (વચ. છે. ૧૦)

શિક્ષાપત્રીના શ્લોક: ૧૨૧માં શ્રીજીમહારાજ લખે છે: 'मतं विशिष्टाद्वैतं मे ।' વિશિષ્ટાદ્વૈત મતમાં ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાનનું નિરૂપણ હોવાથી શ્રીજીમહારાજે એ મતને પ્રિય ગણ્યો છે. પરંતુ શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અને સહજાનંદીય વિશિષ્ટાદ્વૈત મત વચ્ચે અતિ સૂક્ષ્મ ભેદરેખા છે.

પોતાના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં શ્રી રામાનુજાચાર્યે ત્રણ તત્ત્વો-- જીવ, માયા અને પુરુષોત્તમનું જ નિરૂપણ કર્યું છે, તેથી તેમનો જ્ઞાનમત તત્ત્વત્રયીવાદ તરીકે પણ ઓળખાય છે. જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ તત્ત્વોને અનાદિ (નિત્ય) માન્યાં છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા એ સર્વના શરીરી છે, જ્યારે બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ- એ સર્વે પરબ્રહ્મનું શરીર છે. આ શરીર-શરીરભાવ એે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું પ્રધાન લક્ષણ છે. શ્રી રામાનુજાચાર્ય તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ બન્નેએ પોતાનો જ્ઞાનમત સમજાવવા માટે શરીર-શરીરી ભાવનું અવલંબન કરેલું છે, પરંતુ બન્નેની 'શરીર' શબ્દની વ્યાખ્યા ભિન્ન ભિન્ન છે.

શ્રી રામાનુજાચાર્ય બ્રહ્મસૂત્રના न तु द्रष्टांतभावात् । (૨/૧-૯) એ સૂત્રના ભાષ્યમાં 'શરીર' શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: "જે પદાર્થને ચેતન આત્મા પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે સંપૂર્ણ કાબૂમાં રાખતો હોય, ધારણ કરતો હોય અને જે સંપૂર્ણ રીતે તેને આધીન સ્થિતિમાં વર્તતું હોય તે પદાર્થ, એ ચેતન આત્માનું 'શરીર' કહેવાય. આ અર્થમાં સર્વ ચિદચિદ્ પદાર્થો પરમાત્માનું 'શરીર' કહેવાય છે, કારણ કે પરમાત્મા પોતાનો કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા માટે એ સર્વને અંકુશમાં રાખે છે, ધારણ કરે છે અને આધીન વર્તાવે છે." આ વ્યાખ્યા ગ્રહણ કરવામાં આવે તો પરમાત્મા ઉપર મિથ્યા હેત્વારોપણ જેવું થાય છે, તેથી ભારતના મહાન તત્ત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણન તથા ડૉ. દાસગુપ્તા જેવા તટસ્થ વિદ્વાનોએ શ્રી રામાનુજાચાર્યની આ વ્યાખ્યાની ટીકા કરી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉપરોક્ત દોષ ન આવે એ રીતે વચનામૃત ગ. પ્ર. ૬૪માં 'શરીર' શબ્દની વ્યાખ્યા બહુ જ બુદ્ધિગમ્ય અને તર્કસંગત રીતે સમજાવી છે. "આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું છે તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે; ને એ બે ય તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે- પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે." અહીં 'શરીર' શબ્દ શ્રીજીમહારાજના મતે પરાવલંબન, પરમાત્માધીનપણું તથા વ્યાપ્યપણું સૂચવે છે, જેથી પરબ્રહ્મ પરમાત્માનું પરપણું, સ્વતંત્રપણું, સર્વાત્માપણું, વ્યાપકપણું, નિયામકપણું, સર્વાધારપણું અને સર્વાન્તર્યામીપણું વધુ બુદ્ધિગમ્ય, તર્કસંગત અને ગ્રાહ્ય બને છે.

શ્રી રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયેલો જીવાત્મા મુક્તદશામાં ચૈતન્ય સત્તામાત્ર એટલે કે નિરાકાર રહે છે; પણ જ્યારે એને દેહ ધારણ કરવો હોય ત્યારે એ સ્વેચ્છાનુસાર દેહ ધારણ કરે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના મત મુજબ દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયેલો મુક્તાત્મા ભગવાનની ઇચ્છાથી ભગવતી તનુ ધારણ કરીને ભગવાનની સેવામાં રહે છે, અર્થાત્ જીવાત્માને ભગવાનનું સાધર્મ્ય સિદ્ધ થતાં એ ભગવાનના જેવું જ દિવ્ય સાકાર સ્વરૂપ પ્રાપ્ત કરી ભગવાનની મૂર્તિમાં સ્વામી-સેવક ભાવે સંલગ્ન થઈને રહે છે.

મુક્તિની પ્રારંભિક વ્યાખ્યા શિક્ષાપત્રીના શ્લોક ૧૨૧માં શ્રીજીમહારાજે આ પ્રમાણે કરી છે: "तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।' અર્થાત્ 'તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે.' પોતાની આ વ્યાખ્યાને વધુ વિશદપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં અનેક સ્થળે આ પ્રમાણે સ્પષ્ટ કરે છે: "બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમનારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવક ભાવે ઉપાસના કરવી.' (ગ. મ. ૩) આ પ્રકારની ઉપાસના જ આત્યંતિક મુક્તિનું સાચું સ્વરૂપ છે અને જે આ પ્રકારે પુરુષોત્તમનારાયણની ઉપાસના કરે છે તેને શ્રીજીમહારાજ 'ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો' કહે છે. (વચ. લો. ૧૨) "અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ." આવા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને મોક્ષધર્મમાં પરમ એકાંતિક મુક્ત કહેવામાં આવે છે. આવા મુક્ત જ શ્રીજીમહારાજની પરમ અહૈતુકી કૃપાનું ભાજન (પાત્ર) બને છે.

જીવાત્માની આ મુક્તિરૂપ ઉત્ક્રાંતિને સ્પષ્ટતાથી સમજાવતાં અનાદિમુક્ત અબજીબાપાશ્રી કહે છે: "સાધનકાળમાં બ્રહ્મનું મનન કરતાં કરતાં જીવાત્મામાં બ્રહ્મના દિવ્ય ગુણો આવે છે. પછી ગુણાતીત થઈને એ ભક્ત ભગવાનના સાકાર સ્વરૂપમાં નિષ્કામભાવે પ્રીતિ કરે છે ત્યારે એ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમનારાયણના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તેના સાધર્મ્યપણાને પામે છે. જીવાત્મા આ સ્થિતિમાં અક્ષરરૂપ થાય છે જેને આત્મસત્તા પણ કહે છે. આ સાધનકાળનું સાધર્મ્યપણું છે. આવી સ્થિતિવાળા ભક્તને શ્રીજીમહારાજે 'ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો' કહ્યો છે. આવા નિશ્ચયવાળા પરમ એકાંતિક મુક્તો જ પુરુષોત્તમ નારાયણની પરમ કૃપાને પાત્ર ગણાય છે. આવા મુક્તો શ્રીજીમહારાજની કૃપા થતાં ભગવાનના પરમ સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થાય છે. આ સિદ્ધકાળનું સાધર્મ્યપણું છે. આ સ્થિતિમાં મુક્તો પુરુષોત્તમ નારાયણ જેવું જ સાકાર દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પુરુષોત્તમ નારાયણના દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપમાં રસબસ ભાવે લીન થઇને રહે છે. પરમ સાધર્મ્યપણે રહેલા મુક્તોને અનાદિમુક્ત કે કૈવલ્ય મુક્ત કહે છે.

ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્ત ઉપર શ્રીજીમહારાજની આવી અહૈતુકી કૃપા ક્યારેય થતી નથી, તેથી તેઓ સાધનના બળે કરીને છેલ્લાં છેલ્લી મૂળ અક્ષરની પદવીને પામે છે. પરંતુ તેઓ શ્રીજીમહારાજનું સાર્ધમ્યપણું ક્યારેય પામી શકતા નથી." (રહસ્યાર્થટીકા- ગ. મ. ૬૭/પ્ર. ૪)

અનાદિમુક્તની સ્થિતિ એ દાસભાવની આત્યંતિક સ્થિતિ છે. આ સ્થિતિમાં ભક્ત ભગવાનના પ્રગાઢ સાયુજ્યમાં પણ ભગવાનને અપાર અનુભવે છે. પુરુષોત્તમ નારાયણ જેવું દિવ્ય સાકાર સ્વરૂપ ધારણ કરીને પુરુષોત્તમ નારાયણનાં અંગોઅંગમાં રસબસ ભાવે રહેવા છતાં પણ ભક્ત અને ભગવાન વચ્ચે ('સેવક-સ્વામી', 'ઉપાસક-ઉપાસ્ય' અને 'દાસ-પરમેશ્વર' સંબંધ નિત્ય નિરંતર રહે છે.) સ્વામી-સેવક ભાવની આ ભેદરેખાને સ્પષ્ટ સમજાવતાં શ્રીજીમહારાજ વચ. ગ. મ. ૬૭માં કહે છે: "ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખસ્વરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે, મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થાતો નથી. શા માટે, જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતાં નથી, અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે, અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તોપણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તોપણ ઓછું થતું નથી. શા માટે જે, તે સમુદ્ર તો અગાધ છે, તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે તેવો નથી. તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે તોપણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તોપણ સ્વામી-સેવકપણું રહે છે."

ભગવાનનું સાધર્મ્ય અથવા તુલ્યપણું એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર શ્રીજીમહારાજ વચ. સા. ૧૧માં આ પ્રમાણે આપે છે: ‘निरंजन: परमं साम्यमुपैति’ એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ-અશુભ કર્મે કરીને બંધાય નહિ અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખાં રહ્યાં થકાં ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે.... અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે."

આત્મા સ્વરૂપ-સ્વભાવે નિરાકાર સચ્ચિદાનંદરૂપ છે, પરંતુ સદા દિવ્ય સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને કૃપાથી એ પણ દિવ્ય સાકાર સ્વરૂપ થાય છે. જેમ જળ નિરાકાર છે, પરંતુ હિમના સંબંધે કરીને નિરાકાર જળ સાકાર હિમરૂપ બની જાય છે તેમ શ્રીહરિની કૃપાથી આત્મા મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં જ સાકાર પુરુષોત્તમરૂપ બને છે. ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા પછી પણ મુક્ત ભગવાનના દાસ જ રહે છે અને ભગવન સર્વના સ્વામી! આ અંગે શ્રીજીમહારાજ (છે. ૩૭) વચનામૃતમાં કહે છે: "ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી, અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે, તોપણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી."

અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ છે પણ સ્વયં પુરુષોત્તમ નથી એ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા માટે શ્રીજીમહારાજ વચનામૃત ગ. પ્ર. ૨૧માં કહે છે: ".....અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે ને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે." અનાદિમુક્ત અંગેની સમજણને વધુ સ્પષ્ટ કરતાં શ્રીજીમહારાજ વચનામૃત ગ. પ્ર. ૬૩માં કહે છે: "અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે."

અક્ષરધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય તેજોમય વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્તો જેમ વૃક્ષમાં રસ વ્યાપીને રહે છે તેમ રસબસ ભાવે રહે છે અને ભગવાનની મૂર્તિનું અપાર સુખ નિરંતર અનુભવે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં મુક્તની આ સ્થિતિનું વર્ણન ખૂબ જ માર્મિક રીતે આ પ્રમાણે કર્યું છે:

"રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી."

ભગવાન અને મુક્ત વચ્ચેનો આ 'રસબસ ભાવ' એ સુખના આદાનપ્રદાનનો દિવ્ય ભાવ છે. ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપનું સુખ અપાર છે, અનુપમ છે, નિત્ય નવીન છે. મૂર્તિના રોમેરોમમાંથી અક્ષરાતીત આનંદના ઓઘ ઊતરે છે. અનાદિમુક્તો એ અગમ્ય આનંદની રસધારા અવિતરપણે ઝીલતાં મૂર્તિમાં મગ્ન રહે છે. ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપમાં સંલગ્ન થઈને એ સ્વરૂપમાંથી આવિષ્કાર પામતા અગોચર આનંદને અખંડ અનુભવવો એ જ ભગવાનની મોટામાં મોટી સેવા છે, એ જ પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ઠા છે અને એ જ આત્યંતિક મુક્તિ છે!

સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પરમાત્માના પરમ સાધર્મ્યે રહેલા મુક્તોની સ્થિતિ આ પ્રમાણે વર્ણવે છે: "જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તોપણ જળમાં જ છે તેમ કૈવલ્યમુક્ત (અનાદિમુક્ત) તો સદાય પરમેશ્વરમાં જ વર્તે છે.... ભગવાનને જેમ પોતાની મૂર્તિનું સુખ પોતાને આવે છે તેવું ભગવાનનું સુખ એ મુક્તને આવે છે." (વાર્તા ૭૩ અને ૭૦)

પરમાત્માના પરમ સાધર્મ્યને પામેલા અનાદિમુક્તોની ગૌરવગાથા ઘણી વાર ભરી સભામાં શ્રીજીમહારાજ પણ ગાતા. આવા મુક્તો વિષે 'સત્સંગિજીવન' પ્ર. ૨, અ. ૨માં શ્રીજીમહારાજ કહે છે: "મારા પરમ સાધર્મ્યને પામેલા જે મોટા પુરુષો છે એ તો અખંડ પોતાની સ્થિતિમાં રહે છે, ભૂતલમાં એવા મુક્તનો જન્મ સર્વ જીવોના મોક્ષને અર્થે છે. એવા મુક્તો પોતાની ઇચ્છાથી જ આ લોકમાં પ્રગટ થાય છે અને પોતાની ઇચ્છાથી જ સ્વતંત્રપણે આ લોકમાંથી અંતર્ધાન થાય છે."

'હરિવાક્ય સુધાસિંધુ'ના તરંગ ૮૯માં લખ્યું છે: "શ્રીજીમહારાજ જે ભક્ત ઉપર કૃપા કરે છે તે ભક્ત શ્રીજીમહારાજના પરમ સાધર્મ્યપણાને પામે છે. એ સ્થિતિમાં ભગવાન એ મુક્તોના સ્વામી, સુખદાતા અને નિયંતા તો રહે જ છે, પરંતુ એ સિવાય રૂપ, ગુણ, લાવણ્યતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય ઇત્યાદિક બાબતમાં એ મુક્તો ભગવાનના તુલ્યપણાને-સાધર્મ્યપણાને પામીને ભગવાન જેવા જ થાય છે." શ્રીજીમહારાજે (ગ. પ્ર. ૪૦) વચનામૃતમાં કેવળ ભગવાનની મૂર્તિમાં નિમગ્ન રહેતા મુક્તને નિર્વિકલ્પ સમાધિવાળો કહ્યો છે.

અનાદિમુક્ત અબજીબાપાશ્રી ઘણી વાર કહેતા: "જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ કરે અને મન, કર્મ, વચને બહારથી અને અંદરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહિ ને જેવા મુક્ત પોતે શ્રીજીમહારાજના સુખે સુખિયા છે એવો જ સુખિયો તે જીવને પણ કરે છે. (વાર્તા, ૧)

સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન અને એમના અનાદિમુક્ત વચ્ચેના ઐક્યને એમના એક કીર્તનમાં આ પ્રમાણે અભિવ્યક્ત કર્યું છે:

"તેજ-અગ્નિ નહિ ભીન તદા,

જળ-તરંગ નહિ ભીન તદા,

તેમ હરિ-હરિજન એક સદા."

પરમાત્માના પરમ સાધર્મ્યે રહેલા આવા અનાદિમુક્તોની પ્રત્યેક ચેષ્ટા દ્વારા સર્વદા સર્વથા પરમાત્મા જ પૂર્ણપણે અભિવ્યક્તિ પામે છે, કારણ કે આવા મુક્તોમાં શ્રીજીમહારાજ સાક્ષાત્ રહ્યા છે. ભગવાનનો યથાર્થ મહિમા સ્વયં ભગવાન અથવા ભગવાનના મુક્તો દ્વારા જ જાણી શકાય છે. હીરાથી જ હીરો વીંધાય છે એ દ્રષ્ટાંત દ્વારા શ્રીજીમહારાજ વચનામૃત ગ. પ્ર. ૫૧માં આત્યંતિક કલ્યાણના ગહન રહસ્યને બહુ જ સહજતાથી આ પ્રમાણે સમજાવે છે: "....એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એની ઇંદ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે." આ જ વાતને શ્રીજીમહારાજ (કા. ૧) વચનામૃતમાં ઇયળ-ભમરીના દ્રષ્ટાંતે સમજાવતાં કહે છે: "ભગવાનના ભક્ત હોય તેનાં જે દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે તેનાં ઇંદ્રિયો, અંતઃકરણ દેહ તેને આકારે એ ભક્તનાં દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે: જેમ ભમરી ઇયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે તેણે કરીને ઇયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઇયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે."

જેમ શ્રીફળને સમુદ્રમાં પધરાવવું હોય અને સમુદ્ર દૂર હોય ત્યારે એ સમુદ્રને મળતી કોઈ નદીમાં એ શ્રીફળ પધરાવતાં તે સમુદ્રમાં જ પહોંચે છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન રહેલા મુક્ત સાથે આત્મબુદ્ધિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા કરે તો તે મુક્ત દ્વારે પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા થાય છે. આ અંગે અનાદિ મુક્તરાજ શ્રીઅબજીબાપાશ્રી કહે છે: "શ્રીજી થકી અથવા એમના મુક્ત થકી શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈને શ્રીજીમહારાજના મુખમાં મુખ, હસ્તમાં હસ્ત, ચરણમાં ચરણ, નેત્રમાં નેત્ર, મસ્તકે મસ્તક એવી રીતે એકતા કરીને શ્રીજીમહારાજને નેત્રે કરીને શ્રીજીમહારાજને જુએ તે ભગવાન વતે જ ભગવાનનું દર્શન કહેવાય ને ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય કહેવાય. આ ધ્યાનની લટક શ્રીજીમહારાજ કાં એમના અનાદિમુક્ત થકી જ પમાય છે." (રહસ્યાર્થપ્રદીપિકા ગ. પ્ર. ૫૧/ પ્રશ્ન ૪)

અનાદિમુક્તમાં આત્મબુદ્ધિ કેવી રીતે કરવી તેની સુંદર વિક્તિ શ્રીજીમહારાજે (જે. ૧) વચનામૃતમાં આપી છે: ".....પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત તેને વિષે આત્મનિષ્ઠા રાખવી ને તે જ પોતાનું સ્વરૂપ માનવું, ત્યારે કોઈક આશંકા કરે જે ત્યારે સ્વામીસેવકપણું કેમ રહે? ત્યાં દ્રષ્ટાંત છે જે ગાલવ રાજા હતો તેને યજ્ઞ કરવો હતો ત્યારે તેને શ્યામકરણ ઘોડા લાવવા હતા તે શ્યામકરણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહિ ત્યારે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા, ત્યારે ગરુડજી આવ્યા; પછી તે ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઈને આવ્યા ત્યારે શું ગરુડજીને વિષેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું. તેમ બ્રહ્મવેત્તાને વિષે આપોપું માનવું, તે શા સારુ જે એને આવરણ ભેદ્યાની ગતિ છે. તે સારુ એને વિષે આત્મબુદ્ધિ રાખવી."

શ્રીજીમહારાજના મુક્તને વિષે પોતાના આત્માની એકતા કરી તે મુક્ત તે હું છું એમ પોતાને મુક્તરૂપ માનવું અને જેમ મુક્ત મૂર્તિમાં જોડાયા છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું એ જ આત્યંતિક કલ્યાણની ચાવી છે, કારણ કે અનાદિમુક્તમાં આત્મબુદ્ધિ થતાં મુમુક્ષુ સહજ સ્વભાવે પરમાત્માના પરમ સાધર્મ્યપણાને પામે છે! આત્યંતિક મુક્તિનું આથી સરળ અને સહજ સાધન બીજું કયું હોઈ શકે?