૧૦. પાખંડ વિચ્છેદ

એકવાર ટોરડામાં ગોપાલદાસ નામનો એક રામાનુજી સાધુ આવ્યો. ગામમાં દરેક જણને ત્યાં જમવાના તેને નોતરાં મળ્યાં. એ સાધુ જેના ઘેર જમવા જતો ત્યાં પોતાની સાથે ઠાકોરજીનું સિંહાસન પણ લઈ જતો ને જમ્યા પછી એ સિંહાસન ત્યાં જ મૂકીને પોતાના ઉતારે પાછો ફરતો. રાત્રે સિંહાસન અગમ્ય રીતે સાધુની પાસે પાછું આવી જતું. લોકોને આમાં કૌતુક લાગતું.

મોતી ઠાકર તરફથી નિમંત્રણ મળતાં સાધુ તેમને ત્યાં જમવા ગયો. સાંજે પોતાનું સિંહાસન ત્યાં જ છોડીને એ ઉતારે પાછો ગયો. રાત્રે સાધુએ પોતાના સાધેલા ભૂતને સિંહાસન પાછું લેવા મોકલ્યું પણ ભૂત મોતી ઠાકરના ઘર સુધી પણ જઈ ન શક્યું. એ અડધે રસ્તેથી જ પાછું ફર્યું. સાધુ નિરાશ થઈને એ જ રાત્રે ગામ છોડી ભાગી ગયો. મલિન શક્તિનો પ્રયોગ કરીને લોકોને પ્રભાવિત કરતા પાખંડી ધૂર્તો પ્રત્યે ખુશાલ ભટ્ટ હંમેશાં બહુ કડક વલણ દાખવતા ને એમનો આડંબર ઉઘાડો પાડી લોકોને અંધશ્રદ્ધાથી ચમત્કારો પાછળ ન દોડવાની સલાહ આપતા.