૨. પશ્ચાદ્ ભૂમિકા
અઢારમી સદીમાં ગુજરાતના મહી કાંઠાના પ્રદેશમાં ઇડર મોટું રાજ્ય ગણાતું. તેના તાબામાં ઘણી નાની મોટી જાગીરો હતી. ઇડરથી પૂર્વમાં રાજસ્થાનની સરહદને અડીને ટોરડાની જાગીર હતી. હાલમાં ટોરડા સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાનું એક નાનકડું ગામ છે. એ બુઢેલી નદીના કાંઠે વસેલું છે. એની ચારેબાજુ આવેલી અરવલ્લીના ડુંગરોની હારમાળા ને ગાઢ વનરાજી અંતરને અનોખી શાતા આપે એવાં નયનરમ્ય દ્રશ્ય સર્જે છે. શામળાજી, ભવનાથ અને ટોરડા ત્રિકોણ આકારે ભિલોડા તાલુકામાં આવેલાં છે.
ટોરડાના મોતીરામ રાજેશ્વર ઠાકર માધ્યાનન્દિની શાખાના શુકલ યજુર્વેદી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. ગણપતિ એમના કુળદેવ અને ભદ્રા કુળદેવી હતાં. મોતી ઠાકરને ત્રણ ભાઈઓ હતા: કામદેવ, દત્તરામ અને પૂર્ણારામ.* મોતીરામ અને દત્તરામ બંને ભાઈઓ ત્રિપદામાતા ગાયત્રીના પરમ ઉપાસક હતા. ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરી બંને ભાઈઓ શામળાજી ગયા. ત્યાં નાગધરા ઉપર આવેલા વિશાળ શિવાલયમાં રહીને દત્તરામે અનુષ્ઠાન શરુ કર્યું. શિવાલય પાસે આવેલા રણછોડજીના મંદિરમાં મોતી ઠાકર દોઢ વરસ સુધી કેવળ કંદનો આહાર કરીને રહ્યા ને ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ કર્યું. ત્યાર બાદ બંને તપસ્વી બંધુઓ ટોરડા પાછા ફર્યા.
ટોરડા પાછા આવી દત્તરામે પહાડા, ટોરડા અને બુઢેલી એ ત્રણ ગામની યજમાનવૃત્તિ સ્વીકારી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, જ્યારે મોતીરામ અત્યંત વૈરાગ્યવાન હોવાથી પરણ્યા હોવા છતાં પોતાનાં ધર્મપત્ની જીવીબા સાથે બ્રહ્મચર્ય વ્રતના કડક પાલન સાથે અચલેશ્વર મહાદેવની જગ્યામાં એક પર્ણકૂટિ બંધાવીને તેમાં રહ્યા. ત્યાં રહી તેમણે ગાયત્રીદેવીના 24 લાખ ગાયત્રી મંત્રનું એક પુરશ્ચરણ કર્યું. પછી વિધિપૂર્વક દશાંશ હોમ કર્યો ને ત્યારબાદ એક વિષ્ણુયજ્ઞ કર્યો. આ તપશ્ચર્યામાં ૧૨ વર્ષ, ૫ માસ અને ૧૩ દિવસ વીતી ગયા. આ મહત્ કાર્યના અંતે એમના અંતરમાં સંન્યાસ લેવાની ઇચ્છા પ્રગટી. આગેવાન બ્રાહ્મણો પાસે તેમણે સંન્યાસ લેવાની આજ્ઞા માગી. બ્રાહ્મણોએ 'કાલે નિર્ણય કરીશું' એમ જણાવી વાતને મુલતવી રાખી. એ જ રાત્રે એક વિસ્મયકારક ઘટના બની.
રાત્રે સ્વપ્નમાં ગાયત્રીમાતાએ મુડેટીના યજ્ઞાચાર્ય, મોતી ઠાકર તથા તેમનાં ધર્મપત્ની જીવીબા એ ત્રણેયને દર્શન આપી આજ્ઞા કરી: "મોતી ઠાકરે સંન્યાસની દીક્ષા લેવી નહિ, હું તેમને ગૃહસ્થાશ્રમમાં પાછા ફરવાની આજ્ઞા કરું છું. કેમ કે એમને ત્યાં યોગેશ્વરનો પુનિત પ્રાદુર્ભાવ થવાનો છે."
ગાયત્રીમાતાની આજ્ઞા શિરોમાન્ય ધરી મોતી ઠાકરે સંન્યાસ લેવાનો વિચાર પડતો મૂક્યો ને ગૃહસ્થાશ્રમમાં પુનઃપ્રવેશ કર્યો.