૨૫. જૈન મુનિ નેમીવિજયજી
બોટાદના ભગા દોશી તથા તેમના પુત્ર શિવલાલ સ્વામીના અનન્ય શિષ્ય હતા. ભગા દોશી જન્મે જૈનધર્મી હતા, તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત સત્સંગી બન્યા પછી જૈન સમાજે એમના કુટુંબનો બહિષ્કાર કરેલો. જૈન મુનિઓ એમને સત્સંગ છોડી જૈન ધર્મમાં પાછા આવવા માટે વારંવાર સમજાવતા હતા. છતાંય એમણે જીવનપર્યન્ત માથા સાટે સત્સંગ જાળવ્યો હતો.
એકવાર કાઠિયાવાડમાં પોતાની વિદ્વત્તાથી ખ્યાતનામ થયેલા જૈન મુનિ નેમીવિજયજી બોટાદ આવ્યા હતા. એમણે ભગા દોશીને ઉપાશ્રયમાં બોલાવી ઠપકો આપતાં કહ્યું: "આપણાં શાસ્ત્રો પ્રમાણે આ પાંચમાં આરામાં ભગવાન આવે જ નહિ. તમને કોણે ભરમાવ્યા છે? સ્વામિનારાયણમાં તમે એવું તો શું જોયું કે બાપદાદાનો ધર્મ મૂકી દીધો? બોલાવો એમને અહીં, હું જોઈ લઈશ. તમને જૈન ધર્મમાં પાછા લાવું તો જ હું જૈન મુનિ સાચો!" આ સાંભળી ભગા દોશી મૂંઝાયા. એમણે તાત્કાલિક માણસ સાથે સાળંગપુર પત્ર મોકલીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને બોટાદ પધારવા પ્રાર્થના કરી. એ વખતે સ્વામીશ્રી સાળંગપુર હતા. સ્વામીશ્રી તત્કાળ ગાડી જોડાવી બોટાદ આવ્યા. સ્વામીની ગાડી બોટાદના બજારમાંથી પસાર થતી હતી ત્યારે બજારમાં આવેલા જૈન ઉપાશ્રયના દરવાજે બારણાની બારસાખ પકડીને ઊભેલા જૈન મુનિ નેમીવિજયને સ્વામીશ્રીએ જોયા. એટલે સ્વામીએ ગાડી ત્યાં જ ઊભી રખાવી અને નીચે ઊતરી પોતે ઉપાશ્રય પાસે ગયા. સ્વામીએ શાંતિથી પણ સત્તાવાહી સ્વરમાં જૈન મુનિને પૂછ્યું: "તમે અહીં સત્સંગ વિરુદ્ધ પ્રવૃત્તિ શા માટે કરો છો?" એક અલૌકિક પ્રતિભાવંત સાધુ તરફથી અચાનક સીધો પ્રશ્ન સાંભળી જૈન મુનિ તો અવાચક્ બની ગયા. સ્વામીને પહેલાં કદી એ મળ્યા નહોતા એટલે એમણે ઉત્સુક્તાથી પૂછ્યું: "તમે કોણ છો?"
"અમે આ જગતના જીવોના ભગવાન છીએ." સ્વામીએ જમણા હાથની તર્જનીને ચારે દિશામાં ગોળ ઘુમાવી પછી મૂઠ્ઠી વાળી હાથ હૃદય ઉપર મૂક્તાં કહ્યું:
"તો પછી સ્વામિનારાયણ કોણ છે?" જૈન મુનિ તાડૂક્યા.
"એ અમારા ભગવાન છે!" સ્વામીએ શાંતિથી જવાબ આપ્યો. આ સાંભળી જૈન મુનિ અત્યંત ઉશ્કેરાઈ ગયા. જૈનદર્શન પ્રમાણેનું એમનું સીમિત જ્ઞાન એમને આ બધું કેમ માનવા દે?
"તમે આવો દંભ કરો છો પણ તમારી આ કપોળકલ્પિત વાતોની મારા ઉપર કાંઈ અસર નથી થવાની..." એ બરાડ્યા. મુનિના આવા બેજવાબદાર શબ્દો સાંભળીને સ્વામીશ્રીએ પાસેના એક ઓટલા ઉપર આસન કર્યું ને પછી સ્થિર એકાગ્ર દ્રષ્ટિએ એમની સામે જોયું. ક્ષણ બે ક્ષણમાં તો નેમીવિજયજી દરવાજામાં જે મુદ્રામાં ઊભા હતા એ સ્થિતિમાં જ ત્યાં જડવત્ થઈ ગયા. એમની ખુલ્લી આંખો નિશ્ચેતન બની ગઈ. તમાસાને ક્યાં તેડું હોય છે? આ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી આવ્યાં. એકઠાં થયેલાં લોકોએ સ્વામીને પ્રાર્થના કરી કે, "મહારાજ, આ મુનિ મરી જશે તો જૈન સમાજ કાળો કેર કરશે. માટે કૃપા કરીને એમને માફ કરી દો ને જલ્દીથી હતા એવા સ્વસ્થ કરી દો." સ્વામીએ મધુર સ્મિત સાથે લોકોને સાંત્વન આપતાં કહ્યું: "મુનિ મરી નથી ગયા, એ તો સમાધિમાં મહાસુખ માણે છે. થોડીક વારમાં જ એ જાગૃત થશે માટે ધીરજ રાખો." થોડી વારમાં મુનિ ભાનમાં આવ્યા. દોડીને સ્વામી પાસે આવી વંદન કરતાં એ બોલ્યા: "આપ... ખરેખર.... કહો છો એવા જ સમર્થ છો. મને ક્ષમા કરો, આજથી હું આપના સંપ્રદાયની ક્યારેય ટીકા નહિ કરું." લોકોએ જ્યારે મુનિને સમાધિના અનુભવ વિષે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું: "સમાધિમાં મને ચોવીસ તીર્થંકરોનાં દર્શન થયાં, એમણે મને આ મહાપુરુષની મહત્તા સમજાવી. જો કે એમનો અપરાધ કરવા બદલ મારે યમપુરીની યાતના પણ સહન કરવી પડી." આ બનાવ પછી બોટાદમાં સત્સંગની પ્રતિષ્ઠા અનેકગણી વધી ગઈ.