૧૭. વિદ્યાભ્યાસના મિષે
મોતી ઠાકર પોતાના એકના એક પુત્ર ખુશાલ ભટ્ટને ઘરથી દૂર લાંબા સમય માટે નહોતા રહેવા દેતા. પિતાના દિલને સાંત્વન રહે તે માટે ખુશાલ ભટ્ટ મુક્તાનંદ સ્વામી પાસે ગીતાભાષ્ય ભણવાના બહાને ગઢપુરમાં રહ્યા. એ દરમ્યાન મુક્ત મુનિએ તેમને રામાનુજ ગીતા પણ ભણાવી દીધી. ત્યારબાદ શ્રીજીમહારાજે તેમને વિદ્યાભ્યાસના મિષે ફરી વડોદરા મોકલ્યા. વડોદરામાં તેઓ શોભારામ શાસ્ત્રી પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા. શાસ્ત્રી સાથે દિલ મળી જતાં ભટ્ટજીએ સત્સંગની વાતો કરવા માંડી. એક મહિનો ખુશાલ ભટ્ટની વાતો સાંભળવાથી શોભારામ શાસ્ત્રીને તત્કાળ સત્સંગનો રંગ લાગી ગયો. શાસ્ત્રીના ખાસ મિત્ર લક્ષ્મીરામ વૈદ્ય પણ ખુશાલ ભટ્ટના પરિચયમાં આવ્યા બાદ સત્સંગી થયા. વિદ્યાભ્યાસના મિષે વડોદરામાં રહી ખુશાલ ભટ્ટે વિદ્વાન શાસ્ત્રીઓના અંતરમાં સત્સંગનાં બીજ રોપી દીધાં.*