૩૪. કાંટા વગરની બોરડી

મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમના આગ્રહભર્યા આમંત્રણને માન આપીને શ્રીજીમહારાજ આ. સં. ૧૮૮૬ના ફાગણ મહિનામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દાદાખાચર ઇત્યાદિ સંત હરિભક્તો સાથે રાજકોટ પધાર્યા હતા.

રાજકોટમાં કોઠારિયા દરવાજા પાસે આવેલી ફૂલવાડીમાં એક બોરડીના ઝાડ પાસે બાંધેલા વિશાળ જરિયાન તંબુમાં શ્રીજીમહારાજનો ઉતારો હતો. ફાગણ સુદ પાંચમના રવિવારે શ્રીજીમહારાજ અને સર જ્હોન માલ્કમ વચ્ચે જગપ્રસિદ્ધ યાદગાર મુલાકાત યોજાઈ. રાજકોટથી ગઢપુર પાછા ફરતી વેળાએ ગોપાળાનંદ સ્વામીની પાઘ બોરડીના કાંટામાં ભરાતાં તેનો એક છેડો નીકળી ગયો. સ્વામીએ બોરડી સામે જોઈ હસતાં હસતાં કહ્યું: "તારી છાયા નીચે સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ ઊતર્યા છતાં હજુ પણ તેં તારો કાંટાળો સ્વભાવ મૂક્યો નથી?" ગોપાળાનંદ સ્વામીના આ વચને બોરડીના બધા જ કાંટા નીચે ખરી પડ્યા.

આ કોઈ દંતકથા નથી, પરંતુ નક્કર વાસ્તવિક હકીકત છે. આ કાંટા વગરની બોરડી આજે પણ રાજકોટના સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં સત્પુરુષના વચનમાં કેટલી શક્તિ છે તેની સાક્ષી પૂરતી ઊભી છે!