૮. ખુશાલ ભટ્ટ
ગામડા ગામનો દીકરો કાશી જઈ વેદવેદાંત પારંગત બન્યો એટલે ગામલોકોને મન તો ખુશાલ એટલે શી વાત એવું થઈ ગયું. બધા હવે તેમને ખુશાલ ભટ્ટ તરીકે ઓળખવા લાગ્યા. મોતી ઠાકર એ વખતે વ્યવસાયે શિક્ષક હતા. ટોરડામાં તેઓ ૬૦ વિદ્યાર્થીઓની એક વિદ્યાશાળા ચલાવતા હતા. પુત્ર વિદ્વાન બનીને ઘેર આવી ગયો એટલે વૃદ્ધ પિતાએ નિવૃત્તિ સ્વીકારી શાળાની સઘળી જવાબદારી ખુશાલ ભટ્ટને સોંપી દીધી.
ખુશાલ ભટ્ટે ૨૪ વર્ષની યુવાન વયે શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ આ પ્રતાપી યુવાન ગામઠી શાળાનો કોઈ સામાન્ય શિક્ષક થોડો હતો? એ તો હતો અગમ્ય વિદ્યાનો પ્રકાંડ પ્રાધ્યાપક અને યોગશાસ્ત્રનો નિપૂણ માર્ગદર્શક! કુમળાં કુસુમ સમાં નિર્દોષ બાળકોને ખુશાલ ભટ્ટ કક્કો બારાખડી શીખવતાં પહેલાં ધ્યાન, ધારણા ને સમાધિ જેવા યોગના અંગભૂત પાઠો આત્મસાત્ કરાવતા. એમની વિદ્યાલયનો વર્ગ નારાયણના નામસ્મરણરૂપ હરિભજનથી જ આરંભાતો ને વ્યાકરણ, નામાં, લેખાં તથા હિસાબી જ્ઞાન જેવા વ્યવહારિક જ્ઞાન-પાઠ પછી અંતે ધ્યાન સમાધિના જીવંત અભ્યાસ સાથે એની સમાપ્તિ થતી.
એકવાર ખુશાલ ભટ્ટે ગૌરીશંકર વિષ્ણુદત્ત રાવળ નામના પોતાના એક બ્રાહ્મણ વિદ્યાર્થીને સમાધિ કરાવી ક્ષીરસાગરમાં શેષશાયી ભગવાન વિષ્ણુનાં દર્શન કરાવ્યાં હતાં. આવા દિવ્ય અનુભવો તો એ મહત્ભાગી અન્ય વિદ્યાર્થીઓને પણ અવારનવાર થતા હતા.
એકવાર ટોરડાના એક બ્રાહ્મણના ઘરમાં અચાનક આગ લાગી. ઘરનાં બધાં દોડતાં બહાર નીકળી ગયાં, પરંતુ કમનસીબે બ્રાહ્મણનો એક પંદર વર્ષનો છોકરો આગમાં સપડાઈ ગયો. એ છોકરો ખુશાલ ભટ્ટનો વિદ્યાર્થી હતો. ભટ્ટજી તો એ વખતે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં તલ્લીન હતા. આ બાજુ બળબળતા ઘરમાંથી બહાર નીકળવા પેલો છોકરો કારમી ચીસો પાડતો હતો, પરંતુ તેને આગમાંથી બચાવી બહાર લાવવા માટે પોતાના જાનનું જોખમ ખેડવા કોઈ તૈયાર નહોતું. અચાનક એની ચીસો સંભળાતી બંધ થઈ ગઈ. સૌએ જાણ્યું કે છોકરો આગમાં બળી મૂઓ લાગે છે. ત્યાં તો સૌના આશ્ચર્ય વચ્ચે છોકરો દૂરથી દોડતો દોડતો એના માબાપ પાસે આવીને બોલ્યો: "અમારા ગુરુજી ખુશાલભાઈએ નિશાળમાં બેઠા બેઠા પોતાનો હાથ લંબાવી મને બળતા ઘરમાંથી ઊંચકી લઈ શાળામાં મૂકી દીધો હતો, તેથી હું જરાય દાઝ્યો નથી.*
આ પ્રસંગ ઉપરથી એક વાત સહેજે સમજાય છે કે યોગયુક્ત અંતઃકરણ તથા સર્વત્ર સમદ્રષ્ટિવાળી વિરલ વિભૂતિ બધાં પ્રાણીઓમાં પોતાને તથા પોતામાં સર્વે પ્રાણીમાત્રને રહેલા જુએ છે- અનુભવે છે. આ તથ્યને સમ્યક્પણે સમજાવતા ઉદાહરણો હિન્દુ ધર્મના અનેક શાસ્ત્રો અને પૂરાણોમાં મોજુદ છે.