૧૮. 'મહાભારત' ગ્રંથપ્રાપ્તિ

સં. ૧૮૬૩માં શ્રીજીમહારાજને વિદ્યાર્થી સંતો માટે મહાભારતના ગ્રંથની જરૂર પડી. એ જમાનામાં પ્રિન્ટીંગ પ્રેસો નહોતાં. પુસ્તકોની હસ્તપ્રતો જ બનતી. તેથી મોટા ગ્રંથોની પ્રતો દુર્લભ રહેતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાવનગરમાં કાશીરામ નામના એક બ્રાહ્મણ પાસે આ ગ્રંથની નકલ છે. મહારાજે લક્ષ્મીરામ દેરાશરીને એ પ્રત લઈ આવવા માટે ભાવનગર મોકલ્યા. પરંતુ કાશીરામે ગ્રંથ આપવાની સાફ ના પાડી. બીજીવાર લક્ષ્મીરામ સાથે પ્રાગજી દવેને મોકલ્યા. એ બન્ને પણ ખાલી હાથે પાછા આવ્યા.

એ દરમ્યાન ખુશાલ ભટ્ટ વડોદરાથી ભણીને ગઢપુર પરત આવ્યા. મહારાજે વડોદરાના કુશળ સમાચાર જાણ્યા બાદ તેમને પૂછ્યું: "તમે બધી વિદ્યા ભણી લીધી?"

"હા મહારાજ, ભણી લીધી." ખુશાલ ભટ્ટે બે હાથ જોડીને જવાબ આપ્યો. પછી મહારાજે તેમની પરીક્ષા કરવા કેટલાક પ્રશ્નો પૂછ્યા જેના ખુશાલ ભટ્ટે યથાર્થ ઉત્તર આપ્યા. મહારાજે તેમને વેદની ઋચાઓ અને શ્રુતિઓ બોલવાનું કહ્યું, ખુશાલભાઈએ એ પણ બોલી બતાવી. એ સાંભળી મહારાજ અત્યંત પ્રસન્ન થઈને ખુશાલ ભટ્ટને પ્રગાઢ આલિંગન આપતાં બોલ્યા: 'અમે તમારા ઉપર બહુ રાજી છીએ.' ખુશાલ ભટ્ટે મહારાજને ચરણસ્પર્શ કરી પૂછ્યું: "મહારાજ, હવે મારા માટે શી આજ્ઞા છે?" મહારાજ કહે, "ભાવનગરના કાશીરામ પાસે મહાભારતની પ્રત છે, પરંતુ એ નકલ કરવા થોડા દિવસ માટે પણ આપવાની ના પાડે છે. તમે લક્ષ્મીરામ સાથે ત્યાં જઈને એ લઈ આવો."

મહારાજની આજ્ઞા લઈ ખુશાલ ભટ્ટ લક્ષ્મીરામ સાથે ભાવનગર જઈ ઝીણાભાઈ શ્રીમાળીને ઘેર ઊતર્યા. બીજે દિવસે જ્યારે તેઓ કાશીરામને ત્યાં ગ્રંથ લેવા ગયા ત્યારે કાશીરામ લાલજીની પૂજા કરી રહ્યા હતા. ખુશાલ ભટ્ટ ને લક્ષ્મીરામ તો જઈને એકબાજુ બેઠા; ત્યાં તો લાલજી એકદમ ખુશાલભાઈ સન્મુખ ફરી ગયા. કાશીરામને કૌતુક તો લાગ્યું પણ એને વાતને ધ્યાન પર ન લેતાં લાલજીને ફરી પોતાની તરફ પધરાવ્યા. પણ આ શું? લાલજી ફરીથી ખુશાલ ભટ્ટ તરફ ફરી ગયા. આવું ત્રણ વાર થયું એટલે એ મિથ્યાભિમાની બ્રાહ્મણ કાશીરામે અત્યંત ક્રોધિત થઈ ખુશાલ ભટ્ટને ત્યાંથી તત્કાળ ચાલ્યા જવાનું કહ્યું. ભટ્ટજી અને લક્ષ્મીરામ શાંતિપૂર્વક ત્યાંથી નીકળી ઉતારે આવ્યા. એ જ રાત્રે કાશીરામને સ્વપ્નમાં બે વિકરાળ યમદૂત દેખાયા. યમદૂતોએ તેને ખૂબ માર મારી ખુશાલ ભટ્ટને ગ્રંથ આપવા માટે સંમત કર્યો. બીજે દિવસે એ બ્રાહ્મણે ખુશાલ ભટ્ટને સામેથી બોલાવી એક મહિના માટે 'મહાભારત'ની પ્રત આપી. પુસ્તકનો પોઠિયો કરી ભટ્ટજી ગઢપુર આવ્યા. એક માસમાં એની નકલ કરાવી મહારાજે અસલ પ્રત ભાવનગર પરત મોકલાવી દીધી.