૫. શામળાજીના સખા
ખુશાલભાઈ હવે ત્રણ વર્ષના થયા. એક દિવસ જીવીબાને ઘરમાં કચરો વાળતાં સોનાનાં પગનાં ઝાંઝર ને કાનનાં કુંડળ મળ્યાં. વળી નવેણીમાંથી રૂપાની ગેડી (લાકડી) મળી. મોતી ઠાકરની પાડોશમાં ખાતરો સોની રહેતો હતો. બાએ સોનીને એ દાગીના બતાવ્યા. સોની કહે, "બા, આ ઘરેણાં તો શામળાજી ભગવાનના છે. એ અહીં ક્યાંથી આવ્યાં?" જીવીબાએ એ દાગીના અંગે ખુશાલને પૂછ્યું ત્યારે એ કહે, "બા, એ દાગીના તો મારા મિત્રના છે, એ કાલે અહીં ભૂલી ગયો લાગે છે." અને ખરેખર એમ જ બન્યું હતું! શામળાજીના મંદિરમાં ઠાકોરજીના પગમાં ઝાંઝર ને કાનમાં કુંડળ નહોતાં. મંદિરમાં બૂમાબૂમ થઈ ગઈ. પૂજારી ઉપર ચોરીનો આરોપ આવ્યો, ત્યાં તો મંદિરના ગર્ભગૃહમાંથી ગેબી અવાજ આવ્યો: "ટોરડાના મોતી ઠાકરના પુત્ર ખુશાલ મારા પરમ મિત્ર છે, તેને ત્યાં હું દરરોજ રમવા જાઉં છું. કાલે પૂજારીએ મંગળા આરતી સમયે શંખ અને ઘંટ વગાડીને તરત કમાડ ખોલ્યાં એટલે મારે ટોરડાથી તત્કાળ પાછા આવવું પડ્યું. ઉતાવળમાં મારાં ઘરેણાં હું ખુશાલને ત્યાં ભૂલી આવ્યો છું. એ સિવાય મારી ઉપરણી તથા શાલ ભાગલી નાળમાં ઝાડની ડાળે ભરાઈ ગયાં છે. નાળની વાટે મેશ્વોના નાગધરામાં મારી એક ચાખડી પણ પડી ગઈ છે. એ બધું ત્યાં જઈને લઈ આવો." મંદિરના પૂજારી અને બારોટ તાબડતોબ ટોરડા આવ્યા ને બધી વસ્તુઓ લઈને શામળાજી પાછા ફર્યા. આ પ્રસંગ તે સમયના શામળાજીના પૂજારીના ચોપડામાં નોંધાયેલો છે. ભગવાન શામળાજી જેની સાથે રમણ કરવા માટે સામે ચાલીને ટોરડા જતા હતા એ ખુશાલની વૈયક્તિક પ્રતિભા કેવી હશે એનો સહેજે ખ્યાલ આ પ્રસંગ ઉપરથી આવી શકે છે.