ઐશ્વર્યદર્શન : ૧૬
ધામમાંથી પધારેલા મુક્તોને શ્રીજીમહારાજ સાથે અખંડ અનુસંધાન હોવાથી શ્રીજીમહારાજની દરેક ક્રિયાનાં તેમને દર્શન થાય છે અને શ્રીજીમહારાજના પ્રતાપને લઈને મુક્તોમાં અંતર્યામીપણું પણ આવેલું હોય છે. તેથી મહારાજ જીવોને પોતાના ધામમાં તેડી જવાના હોય તે વાતની તેઓને અગાઉથી જાણ થઈ જતી હોય છે.
મિશનમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા એક સેવકના પિતાશ્રીની છેલ્લી અવસ્થાએ એક રાત્રે તેઓ ખૂબ serious (ગંભીર પરિસ્થિતિ) થઈ ગયેલા. સેવક તેમના પિતાશ્રીને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ દવાખાને પિતાશ્રીને લઈ જતા પૂર્વે માસીને પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા બીજા એક સેવકને સૂચના આપી. સેવક રાત્રે અગિયાર વાગ્યે માસી પાસે ગયા ને માસીને હકીકતથી વાકેફ કરી પ્રાર્થના કરી. માસીએ સેવકને જણાવ્યું, ‘‘તમે તેમને સંદેશો પહોંચાડો કે હવે તેમને કોઈ દવાખાનામાં કે કોઈ ડૉક્ટર પાસે લઈ જવાની આવશ્યકતા રહી નથી. મહારાજ તેમને ધામમાં તેડી જવાના છે.’’ સેવકે સંદેશો પહોંચાડ્યો. આથી પિતાશ્રીને ઘરે જ રાખ્યા. ઘરના સર્વે મહારાજ સંભારતા તેમની પાસે બેસી રહ્યા ને રાત્રે સાડા ત્રણ વાગ્યે સેવકના પિતાશ્રીને મહારાજ દર્શન દઈ ધામમાં તેડી ગયા.
આમ સેવકને અગાઉથી જાણ થઈ જતાં તેમણે પિતાશ્રીને દવાખાને લઈ જવાની દોડાદોડી ન કરી ને પિતાશ્રી શાંતિથી ધામમાં પધાર્યા.