૪. બોધવચનો
0:000:00
- શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પૂ. મામાએ ખૂબ જ પ્રરિશ્રમ લઈને ઊભી કરેલી સંસ્થા છે. તેને તમે ખૂબ વફાદાર રહેજો અને તન, મન, ધનથી નિષ્ઠાપૂર્વક તેનો સદાય ઉત્કર્ષ અને વિકાસ થતો રહે તેવા પ્રયત્નો કરજો. તે સંસ્થાનું ઘસાતું થાય તેવું વાણી, વર્તન ન થાય તેની તકેદારી રાખશો તો મહારાજ, બાપા અને મામા ખૂબ રાજી થશે.
- હરિભક્તોએ ટીકા, નિંદા, કૂથલી વગેરે દોષોનો ત્યાગ કરી નવરાશની પળોમાં ભગવાનની કથા-વાર્તા-કીર્તન-નામજપ-ધ્યાન વગેરે કરવું, પરંતુ વ્યર્થકાળ નિર્ગમવો નહિ.
- શ્રીજીમહારાજની પ્રસન્નતા માટે થાળ કરું છું તેવો દિવ્યભાવ રાખી ભગવાનની સ્મૃતિ સાથે શુદ્ધપણે થાળ તૈયાર કરી પ્રેમે સહિત ભગવાનને ધરાવવો.
- નિયમિત ધ્યાન કરવું, કીર્તન કરવું, હરતાં-ફરતાં ભગવાનની સ્મૃતિ કરવી.
- કોઈ પણ ધંધો કે વ્યાવહારિક કાર્ય કરતા પહેલાં બે-ત્રણ મિનિટ અંતવૃત્તિ કરી મહારાજની સ્મૃતિ કરવી.
- પોતાપણું લાવ્યા સિવાય શ્રીજીમહારાજને જ કર્તા માની પ્રામાણિકપણે નિર્ભય થઈને કાર્ય કરવું એટલે શ્રીજીમહારાજ ભેળા ભળીને પોતની દિવ્યશક્તિથી બધાં કાર્યો સફળ કરશે.
- ગૃહસ્થ હોય કે ત્યાગી હોય તેમણે પ્રભુની આજ્ઞા યથાર્થ પાળીને પ્રભુનું ધ્યાન-ભજન કરવું અને પ્રભુ પરાયણ પવિત્ર જીવન જીવવું. એમાં પણ ધ્યાન વિશેષપણે કરવું એ મારો સંદેશ છે.
- શ્રીજીમહારાજે કહ્યું છે કે મારી આજ્ઞા પૂરેપૂરી પાળજો તો એ પ્રમાણે શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ રહેજો. ધર્માદો પૂરેપૂરો કાઢજો. કોઈ ગરીબ હોય અને પરિસ્થિતિ સારી ન હોય તો ઓછું આપે, પણ ધર્માદો તો કાઢવો જ. ગરીબોને મદદ કરવી. આપણી પાસે ઓછું હોય તો ઓછું આપવું, પણ જેમ તેમ બોલીને તેમનું અપમાન કરી કોઈના નિઃસાસા ન લેવા. ઘણા પૈસાવાળા પોતે ઘણી વસ્તુ લે અને ગરીબોને ન આપે અને તેમનું અપમાન કરે એમાં મહારાજ રાજી ન થાય. મહારાજની આજ્ઞા જીવનના અંત સુધી પાળજો અને ભગવાન ભજી લેજો.