• મંદવાડની લીલા અને અંતિમ વિદાય (વિભાગ - ૩)

0:000:00

સાંજે છ વાગ્યે ફરી પાછા મહારાજની આરતી કરવા ગયાં. આટલી બધી સ્ફુર્તિ દાખવતા હોવાથી અને માસીના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયેલો જોઈ બધાને આનંદ આનંદ થઈ ગયો કે માસીએ હવે મંદવાડને ચોક્કસ રજા આપી દીધી છે. બધા ઉત્સાહમાં આવી ગયા, પરંતુ એ આનંદ-ઉત્સાહ ક્ષણજીવી સાબિત થયાં. તેઓને કોઈ કલ્પના પણ ન હતી કે માસી શું ધારીને બેઠાં છે. રાત્રે ૧૦.૨૨ વાગ્યે સેવિકાને કહે, ‘‘જો અક્ષરધામની મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળે છે.’’ આટલું છેલ્લું વાક્ય બોલી રહ્યાં અને ચહેરા પર આનંદની રેખા ઊપસી આવી ને તેમણે આંખો બંધ કરી દીધી. સેવિકાઓએ વિચાર્યું કે આજે આખો દિવસ માસીએ ઘણો શ્રમ લીધો છે એટલે થાકી ગયાં હશે, એટલે ભલે સૂતાં. પરંતુ સેવિકાને આશ્ચર્ય તો એ વાતનું થયું કે ઉપર્યુક્ત વાક્ય બોલી માસી તરત જ કઈ રીતે સૂઈ ગયાં ! પછી માસીને ખલેલ ન પડે એ રીતે ધીમેથી ચાદર ઓઢાડી, લાઇટ બંધ કરી રૂમની બહાર આવી ગયા. માસીએ પણ આ વખતે જાણે નક્કી કર્યું હોય કે બધા પ્રાર્થના કરી મને ધામમાં જતાં રોકશે અને મારે રહેવાની ઇચ્છા નથી, એટલે પોતે આટલું બોલી તરત જ દેહલીલા સંકેલી લીધી અને પોતે જે સુખમાં હતાં તે જ સુખમાં લીન થઈ ગયાં.

રૂમની બહાર આવ્યા પછી દવા આપવાનો સમય થયો હોવાથી સેવિકાને એમ થયું કે માસી પૂરા ઊંઘમાં આવે એ પહેલાં દવા આપી દઈએ તો પછી તેમને ખલેલ ન પડે ને શાંતિથી તેઓ સૂઈ શકે. આમ વિચારી દવા આપવા રૂમમાં જઈ લાઇટ ચાલુ કરી, પણ માસીએ તેનો પ્રતિભાવ ન આપ્યો. ચહેરા પર એ જ આનંદની ઉપસેલી રેખા અકબંધ હતી. આમ જોઈ સેવિકાના મનમાં ધ્રાસકો પડ્યો કે હું રૂમની બહાર ગઈ એટલી વારમાં માસીને શું થઈ ગયું ? તેણે બીજા રૂમમાં બેઠેલી અન્ય સેવિકાઓને બોલાવી. બધાંએ ‘માસી - માસી’ કહી બોલાવ્યા, પરંતુ માસીએ તો કોઈ ઉત્તર આપ્યો નહિ કે કોઈ હલનચલન કર્યું નહિ. બધા અવાચક થઈ ગયા કે આ શું બની ગયું ? કોઈ બની ગયેલી હકીકત માનવા તૈયાર ન હતા. બુદ્ધિ જે હકીકત રજૂ કરતી હતી, મન તે માનતું ન હતું. મનમાં કોઈક ચમત્કાર થવાની આશા હતી. દરેકને ખ્યાલ આવી ગયો હતો કે સૌનાં પ્યારાં પૂ. માસી હવે તેઓ વચ્ચે નથી રહ્યાં. છતાં ય મનમાં એક જૂઠી આશા હતી કે હમણાં માસી જાગશે ને કંઈક બોલશે, પરંતુ મહારાજની મરજી કંઈક જુદી જ હતી. પોતાના વહાલા મુક્તને તેમણે પોતાના સુખમાં ખેંચી લીધાં હતાં.

બધા પર તો જાણે આભ ફાટ્યું હતું. મનમાં એક જ વિચાર ઘૂંટાયા કરતો હતો કે માસી આમ અચાનક ચાલ્યાં ગયાં ? અત્યારે સેવિકાઓને માસીના સવારથી આનંદમાં રહેવાના રહસ્યની જાણ થઈ. પોતે નક્કી કર્યું હતું કે આજે પાંચમે મારે શ્રીજીના સુખમાં જતાં રહેવું છે અને માટે જ સવારથી ઉત્સાહમાં હતાં. મંદવાડને રજા આપી જાણે ક્યારેય મંદવાડ હતો જ નહિ. પોતાની દરેક ક્રિયા આનંદ અને ઉત્સાહથી કરી અને રાત્રે સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી સુખમાં ગરકાવ થઈ ગયાં. મહારાજ અને અ. મુ. પૂ. મામાએ એ વખતે સૌને ધીરજ પ્રેરી. થોડી કળ વળતાં સેવિકાઓએ મિશન પરિવારના અન્ય સભ્યોને જાણ કરી. બધા સભ્યો તરત જ હાજર થઈ ગયા. હવે શું કરવું તેની વિચારણા કરી સત્સંગ સમાજને જાણ કરી. આવા કપરા સમયમાં પણ સેવિકાઓએ સંયમ ને ધીરજ રાખી માસીને તૈયાર કર્યાં.

ઘણા લોકો તો રાત્રે જ દર્શન કરવા આવી ગયેલા. બીજે દિવસે સવારના નવ વાગ્યાથી સત્સંગી હરિભક્તો માટે પૂ. માસીનાં અંતિમ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમ જેમ સવાર પડતી ગઈ, તેમ તેમ દર્શનાર્થીઓનો ધસારો વધવા લાગ્યો. એટલા બધા લોકોનો સમૂહ એકઠો થયો હોવા છતાં વાતાવરણમાં એક પ્રકારની શાંતિ હતી. બધા ‘સ્વામિનારાયણ’ નામનો મંત્ર જપતા હતા અને શાંતિથી માસીનાં દર્શન કરતા હતા. આ વખતે સેવકો ને સેવિકાઓએ પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી કે જેથી આવનાર દરેક જણને સંતોષપૂર્વક માસીનાં દર્શન થઈ શકે. દરેક જણ શાંતિથી દર્શન કરતા જાય અને બહાર આવતા જાય. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આવીને જનમંગલ સ્તોત્રનો પાઠ કર્યો ત્યારે વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. માસીને પુષ્પાંજલિ અર્પ્યા બાદ એક વાગ્યે માસીની છેલ્લી આરતી ઉતારવામાં આવી. આરતી બાદ માસીને પાલખીમાં બેસાર્યાં ત્યારે સેવિકાઓએ ને સેવકોએ જે ધીરજના બંધ બાંધી રાખ્યા હતા તે છૂટી પડ્યા. બધાં સજળ નેત્રોએ માસીની અંતિમ વિદાય નિહાળી રહ્યાં. કોણ કોેને દિલાસો આપે ? બધા સરખી જ મનોવેદના અનુભવી રહ્યા હતા. મન માનતું ન હતું કે આ છેલ્લી વિદાય છે. હવે આ મૂર્તિના મનુષ્યરૂપે ફરી ક્યારેય દર્શન નહિ થાય એ વિચારે જ બહેનોનો સમૂહ પણ માસીની પાલખીની આજુબાજુ વીંટળાઈ ગયો. ભાઈઓએ દરેકને શાંતિ જાળવવા અનુરોધ કર્યો, પરંતુ એ વખતે તે શક્ય ન હતું. બધા વિલાપ કરતાં હતાં. તેમનાં વહાલાં માસીની વિદાય તેમનાથી સહેવાતી ન હતી.