૩. ગૃહસ્થાશ્રમ
નારાયણભાઈનું ભણવાનું પૂરું થયું અને તેઓ નોકરીએ લાગ્યા. ત્યાર બાદ લગભગ ચાર વર્ષે તેમણે લીલાવતીને કાયમ માટે પોતાની પાસે રહેવા બોલાવી લીધાં. એમ કહી શકાય કે જાણે લીલાવતીનો વધુ એક આકરી કસોટીના કાળનો આરંભ થયો. સંઘર્ષ જ જીવનમાં આત્મિક શક્તિઓને જાગૃત કરી પ્રગતિ સાધવા માટેનું અદ્ભુત બળ પ્રેરે છે. એ ન્યાયે લીલાવતી દરેક કપરી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ હતાં.
લીલાવતીને નારાયણભાઈની સાથે સાથે તેમનાં મોટાભાઈ-ભાભી સાથે સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઘરમાં દરેકે દરેક કામ જાતે કરવાનાં હતાં. આથી લીલાવતી આવતાં તેમનાં જેઠાણીએ રસોઈ કરવા સિવાયનાં બધાં જ કામની જવાબદારી લીલાવતી ઉપર નાખી દીધી. લીલાવતીએ પિયરમાં કોઈ કામ કરેલું ન હોવાની તેમને જાણ હોવા છતાં કોઈ પણ કામ તેઓ લીલાવતીને શીખવતાં નહિ. લીલાવતી પોતાની કુનેહથી જ ઘરનાં દરેક કામ શીખી ગયાં. તેમાં કચરા-પોતું, વાસણ-કપડાં, બહારથી પાણી ભરી લાવવું વગેરે બધું જ આવી જતું. વાસણ સાફ કરતાં તો તેમના હાથ વળી જઈ ઠરડાઈ જતા અને તેમાં ઘણો દુઃખાવો થતો. એ વખતે તેમની આંખોમાંથી અશ્રુઓ વહી જતાં, છતાં કોઈ જાતની રાવ-ફરિયાદ કર્યા વગર આનંદથી તેઓ કામ કરતાં. પ્રથમ વખત જ્યારે કપડાં ધોવા બેઠાં ત્યારે શું કરવું, કઈ રીતે કપડાં ધોવાય તેની તેમને જાણ જ ન હતી. આથી મૂંઝાઈ જઈ રડી પડ્યાં. એ જ વખતે નારાયણભાઈ ત્યાંથી પસાર થયા ને લીલાવતીને રડતાં જોઈ પૂછ્યું, ‘‘શું થયું ? કેમ રડો છો ?’’ લીલાવતીએ કપડાં ધોતાં નથી આવડતું તેમ જણાવતાં નારાયણભાઈ કહે, ‘‘ઓ હો ! એમાં શું રડવાનું ? લાવો, હું શીખવાડું.’’ એમ કહી કપડાં કઈ રીતે ચોળવા-ઘસવા, સાબુ કાઢી પાણીમાં તારવી કઈ રીતે નીચોવવા વગેરે બધું શીખવાડ્યું. લીલાવતીમાં એ ખાસિયત હતી કે કોઈ પણ કાર્ય એક જ વખત બતાવતાં તે શીખી જતાં. આમ થોડા વખતમાં તો તેઓ ઘરના દરેક કામમાં પ્રવીણ થઈ ગયાં. લીલાવતી દરેક કાર્ય ઉત્સાહ સાથે કંટાળ્યા વગર આનંદથી કરતાં.
આખો દિવસ ચોકસાઈપૂર્વક કામ કરતાં હોવા છતાં લીલાવતીનાં જેઠાણી તેમને કામ બાબત મહેણાં માર્યાં કરતાં ને પૂરું ખાવા પણ આપતાં નહિ. ટાઢી રોટલી અને ઉકાળો. ઉકાળામાં દૂધ નામ માત્રનું નાખતાં. એકાદ વખત લીલાવતીએ કહેવાનો પ્રયત્ન કરી જોયો કે, ‘‘સાવ આવું પાણી જેવું નથી ભાવતું. થોડું દૂધ નાખી આપો. દૂધ ન હોય તો મારે ઉકાળો જ નથી પીવો. આપ મને થોડું શાક આપશો તો પણ ચાલશે. થોડી છાશ આપશો તો પણ ચાલશે.’’ આવી માગણી જેઠાણીથી સહ્ય ન બનતાં તેણે લીલાવતીને મહેણું મારતાં કહ્યું, ‘‘આપણે ત્યાં ગરીબાઈ છે અને ગરીબાઈમાં આવું જ ખાવાનું હોય, ભાતભાતનાં ભોજન ન હોય. શાક તો નહિ મળે. તારે સ્વાદ જોઈતો હોય તો મીઠા-મરચાંની ભૂકીમાં પાણી નાખી તેની સાથે રોટલી ખા.’’ જેઠાણીના મોઢે આવી વાત સાંભળ્યા બાદ લીલાવતીએ તેમને કાંઈ કહેવાનું જ છોડી દીધું. ત્યાર બાદ લીલાવતીએ તેમની પાસે ક્યારેય કોઈ વસ્તુ માગી નહિ. જેઠાણી લીલાવતીને પૂરતું ખાવા આપતાં નહિ, પરંતુ પોતે તો દાળ-ભાત-શાક-રોટલી એમ વ્યવસ્થિત ભોજન જમતાં. લીલાવતીના ભાગે તો ટાઢી રોટલી ને ઉકાળો અથવા મીઠું એ જ રહેતું. એવું ખાવાનું તો લીલાવતીએ મહિનાઓ સુધી ખાધું, છતાં તેમણે નારાયણભાઈ પાસે આ બાબત હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહિ. તેઓ એમ વિચારતાં કે તેમને જો ખબર પડશે અને કાંઈક કહેવા જશે ને જેઠાણીનો સ્વભાવ આકરો અને ઝઘડાળુ. જો પોતાના સ્વભાવ પ્રમાણે મોટેથી બોલી ઝઘડે અને પાડોશમાં ખબર પડે તો કેવું ખરાબ લાગે ! આથી દુઃખ સહન કરી ભૂખ્યા પેટે કામ કર્યા કર્યું.
મહિનાઓ સુધી આવું ચાલ્યા બાદ એક વખત કામ હોવાથી નારાયણભાઈ રિસેસમાં ઘરે આવ્યા ત્યારે લીલાવતીને આવું ખાતાં જોઈ ગયા. નારાયણભાઈનું મર્યાદાનું અંગ હોવાથી તેઓ લીલાવતી સાથે દિવસે વાત કરતા નહિ. રાત્રે લીલાવતીને કહ્યું, ‘‘કેમ સાવ આવું ખાઓ છો ? હવેથી આવું ખાતા નહિ.’’ લીલાવતી તો કાંઈ જ બોલ્યાં નહિ. તેમને ખ્યાલ હતો, મારે તો એ જ ખાવાનું છે. જેઠાણી બીજું કાંઈ આપવાના હતાં નહિ. બીજે દિવસે પણ લીલાવતી આવું ટાઢું-સૂકું ખાતાં હતાં ને નારાયણભાઈ આવીને જોઈ ગયા ત્યારે લીલાવતીને એટલું જ કહ્યું, ‘‘કેમ આજે એવું જ ખાઓ છો ?’’ લીલાવતીએ ટૂંકમાં ઉત્તર આપ્યો, ‘‘ભાભી બીજું આપતાં નથી.’’ આ સાંભળી નારાયણભાઈએ મોટાભાઈને વાત કરી અને કહ્યું, ‘‘તેઓ આખો દિવસ ઘરનું બધું કામ કરે છે, આટલા મોટા ઘરમાંથી આવ્યાં હોવા છતાં કાંઈ બોલતાં નથી અને ઘરમાં આપના કરતા વધારે પૈસા હું આપું છું તો પછી અમને બંનેને ભરપેટ ખાવા તો મળવું જ જોઈએ.’’ આમ મહિનાઓ સુધી કષ્ટ ભોગવ્યા બાદ એ વાતનો નિવેડો આવ્યો.
આ છે આદર્શ પત્ની, આદર્શ ગૃહિણી. પોતાને ભરપેટ ખાવા ન મળે તે ચલાવી લે, ગમે તેવું કષ્ટ પડે તે પણ સહન કરે, પરંતુ પતિને ક્યારેય ફરિયાદ ન કરે અને એ પરિસ્થિતિ પ્રત્યે કોઈ ગ્લાનિ પણ ન અનુભવે ! મુક્તો જ્યારે જીવોના કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થાય છે, ત્યારે પોતાના જીવન દ્વારા એક આદર્શ પ્રસ્થાપિત કરે છે કે જેથી લોકો એ આદર્શને જીવન સમક્ષ રાખી પૂરેપૂરું તે પ્રમાણે જ નહિ તો અલ્પાંશે પણ જીવનમાં ઉતારે તો વ્યવહારજગતમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ જાય. આવો આદર્શ પ્રસ્થાપિત કરવા મુક્તો પોતે અનેક પ્રકારનાં કષ્ટો પણ સહન કરે છે.
એક વખત લીલાવતી સૂતાં હતાં. એ વખતે તેમનાં જેઠાણી ખુલ્લા વાળ રાખી એક હાથમાં દીવો અને એક હાથમાં અડદના દાણા રાખી, લીલાવતીની આજુબાજુ પ્રદક્ષિણા ફરતાં ફરતાં કાંઈક મંત્ર બોલી દરેક ખૂણે અડદ મૂકતાં જાય. આવું કરતાં હતાં તે જ વખતે લીલાવતીની આંખ ખૂલી ગઈ. જોયું તો તેમનાં જેઠાણી તેમના ઉપર કંઈક કામણ-ટૂમણ કરતાં હતાં. લીલાવતી તો કાંઈ બોલ્યાં નહિ અને જરા ય ગભરાયાં પણ નહિ. પાછી આંખો બંધ કરી ભગવાનને સંભારવા લાગ્યાં. થોડીવાર લીલાવતીની ફરતે ફરી, ચારે ખૂણામાં અડદ મૂકીને તેઓ જતાં રહ્યાં. લીલાવતીએ આ વાત નારાયણભાઈને કરી. નારાયણભાઈએ કહ્યું, ‘‘તમે જરા ય ગભરાતાં નહિ. ભલે એ ગમે તેટલા મંત્રેલા અડદ નાખે. તમને કાંઈ થવાનું નથી.’’ લીલાવતી કહે, ‘‘મને તો જરા ય ગભરાટ થતો નથી. આપ મારી સાથે છો અને શ્રીજીમહારાજ મારા હૃદયમાં અખંડ બિરાજે છે, પછી મને કોનો ડર હોય ?’’ લીલાવતીનાં આવાં હિંમતભર્યાં વચનોથી નારાયણભાઈ ઘણા જ રાજી થયા. જેઠાણીની આવી કનડગતોથી લીલાવતીને ક્યારેય કોઈ નુકસાન થયું ન હતું. તેમનાં જેઠાણી દ્વારા લીલાવતીને આવી કનડગતો કરીને હેરાન કરવાનું કારણ એ હતું કે તેમને લીલાવતી ગમતાં નહિ, કારણ કે તેમની ઇચ્છા પોતાની બહેન સાથે નારાયણભાઈનો સંબંધ થાય તેવી હતી. અનેક પ્રકારની હેરાનગતિ કરાતી હોવા છતાં લીલાવતીએ એ બધાં કષ્ટ કોઈ પણ જાતની રાવ-ફરિયાદ કર્યા વગર સહન કર્યાં અને ભગવાનનું ભજન કર્યા કર્યું.
આ જ જેઠાણીની પાછલી જિંદગીમાં જ્યારે જેઠ રહ્યા નહિ અને કોઈ સાર-સંભાળ રાખનાર ન રહ્યું, ત્યારે નારાયણભાઈ અને લીલાવતીએ જ તેમનું ધ્યાન રાખ્યું હતું. તેમને દર મહિને પૈસા મોકલાવવા ઉપરાંત કપડાં, અનાજ વગેરે આપી દરેક પ્રકારે સંભાળ રાખતા કે જેથી તેમને કોઈ તકલીફ ન પડે. ભૂતકાળમાં પોતાને કેટલું બધું કષ્ટ આપ્યું હતું તે યાદ ન રાખ્યું, પરંતુ તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી તકલીફ ન પડે તેની કાળજી લીધી ને તેમના પ્રત્યે કેવળ દયાભાવ રાખ્યો. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે કે કોઈ મારે અથવા ગાળ દે તો તેને સામું મારવું નહિ ને ગાળ ન દેવી, પણ તેનું હિત થાય તેમ કરવું. તેનું આ તાદૃશ્ય દૃષ્ટાંત છે. મુક્તો જ આવા જીવો પર દયાભાવ રાખી માફ કરી શકે છે. મનમાં કોઈ પણ જાતના દ્વેષભાવ વગર તેના કૃત્ય સામું ન જોતાં તેને ક્ષમા આપે છે.
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નારાયણભાઈ એવા ઘરમાં રહેવાનું પસંદ કરતા, જ્યાં ભૂતોનો વાસ હોય. આવાં ઘર સસ્તા ભાડામાં મળી જાય અને મુક્તોના આવા ઘરમાં રહેવાથી એ અવગતે ગયેલા જીવોની સદ્ગતિ પણ થાય. આમ એક સાથે બે કામ સરતાં. લીલાવતી પણ સુખેથી આવાં ઘરોમાં રહેતાં. ક્યારેય ગભરાતાં નહિ. સુખે પ્રભુભજન કરતાં. એક વખત તેઓ ખુરશીમાં બેઠા બેઠા પ્રભુસ્મરણમાં લીન હતાં એ વખતે એક ભૂતે તેમના પગમાં દોરડું માર્યું હતું. આવું કરી ભૂત તેની હાજરીનો અહેસાસ કરાવતું હતું, પરંતુ આવી ઘટનાઓથી લીલાવતી ક્યારેય ગભરાયા નહિ. તેઓ એવા નીડર હતાં.