• મંદવાડની લીલા અને અંતિમ વિદાય (વિભાગ - ૨)
ધામમાં જવાના બે દિવસ પહેલાં સેવકોને બોલાવી છેલ્લી આજ્ઞાઓ આપી, પરંતુ એ વખતે કોઈને ખ્યાલ ન આવ્યો કે માસી અત્યારે આવું શા માટે બોલે છે ? એ આજ્ઞાઓ આ પ્રમાણે હતી :
‘‘શ્રીજીમહારાજે કહ્યું છે કે મારી આજ્ઞા પૂરેપૂરી પાળજો તો એ પ્રમાણે શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ રહેજો. ધર્માદો પૂરેપૂરો કાઢવો. કોઈ ગરીબ હોય અને પરિસ્થિતિ સારી ન હોય તો ઓછું આપે, પણ ધર્માદો તો કાઢવો જ. ગરીબોને મદદ કરવી. આપણી પાસે ઓછું હોય તો ઓછું આપવું, પણ જેમતેમ બોલીને તેમનું અપમાન કરી કોઈના નિઃસાસા ન લેવા. ઘણા પૈસાવાળા પોતે ઘણી વસ્તુ લે અને ગરીબોને ન આપે અને તેમનું અપમાન કરે એમાં મહારાજ રાજી ન થાય. મહારાજની આજ્ઞા ઠેઠ સુધી પાળજો અને ભગવાન ભજી લેજો. ધ્યાન કરવાનો અભ્યાસ કરજો, ધ્યાન કરી મૂર્તિ પાકી કરવાના પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરશો તો મહારાજ અને તમારા મામા ઘણા રાજી થશે.’’
પૂ. માસીનાં છેલ્લી અવસ્થામાં બોલાયેલાં આ આજ્ઞાવચનો જોતાં એમ જ જણાય છે કે આ વચનો સ્વયં શ્રીહરિજીએ તેમનામાં રહીને કહ્યાં હોય ! આ સાદાં જણાતાં વચનો પણ સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન કરવા ને ચૈતન્યની ઊર્ધ્વગતિ કરાવવા માટે સક્ષમ છે.
સેવિકાઓને બોલાવી તેમના ઉપર પાણી છાંટી છેલ્લા જન્મના આશીર્વાદ આપી તેઓને પણ ઉપર મુજબની આજ્ઞા પ્રમાણે વર્તવાનું જણાવ્યું. સેવિકાઓને પણ એ વખતે ખ્યાલ આવવા ન દીધો. બે-ત્રણ દિવસોથી સેવિકાઓને એટલું પૂછ્યા કરતાં કે, ‘‘પાંચમ ક્યારે છે ? આજે કઈ તિથિ થઈ ?’’ અને તા. ૨૬ નવેમ્બર, શુક્રવારે તો સવારથી જ શરીરમાં સ્ફુર્તિ બતાવવા માંડી. જાણે મંદવાડને રજા આપી દેવાના હોય એ રીતે વર્તવા લાગ્યાં. એક વર્ષથી ચાલતા લાંબા મંદવાડનાં લક્ષણો જાણે અદૃશ્ય થઈ ગયાં ! સવારે સ્નાન કરતી વખતે જ આગ્રહપૂર્વક માથું પણ ધોવરાવ્યું ! સેવિકાઓએ કહ્યું, ‘‘માથું બપોરે ધોઈશું, અત્યારે ફક્ત સ્નાન કરી લો. આવી અશક્તિમાં માથું ધોવાથી ઠંડી લાગશે.’’ તેમ છતાં સવારે જ માથું ધોવરાવ્યું અને ચહેરા ઉપર સ્ફુર્તિ જણાવી સેવિકાઓને પૂછ્યું, ‘‘આજે પાંચમ છે ને ?’’ સેવિકાઓએ હા પાડી એટલે આનંદમાં આવી ગયાં. જાણે પોતે ટાઇમટેબલ સેટ કરી રાખ્યું હોય તે પ્રમાણે દરેક ક્રિયાઓ કરવા લાગ્યાં. પહેલાં તો રોજ સેવક-સેવિકાઓ ખાવા માટે કે કોઈક કસરત કરવા માટે કે ડૉક્ટરના કહેવા મુજબ તડકામાં થોડી વાર બેસવા માટે કહેતા તો પોતે તેમાં જરા પણ રુચિ ન દેખાડતાં અને ના પણ પાડી દેતાં, પરંતુ તે દિવસે તો પોતે દરેક ક્રિયા કરવામાં અનેરો ઉત્સાહ બતાવ્યો. સામેથી જ કહેવા લાગ્યાં કે, ‘‘મને તડકામાં બેસાડો. લાવો, થોડો જ્યૂસ આપો.’’ એમ કહી પોતાના હાથમાં ગ્લાસ લઈ જ્યૂસ પીધો. પગની થોડી કસરતો પણ કોઈની મદદ લીધા વગર જાતે કરી બતાવી. બપોરે ઠાકોરજી જમાડવા પણ બેઠાં થયાં અને થાળ પણ પોતાની મેળે જ જમ્યાં. દરરોજ તો સેવિકાઓની મદદથી બધી ક્રિયા કરતાં, પણ એ દિવસે તો સ્વતંત્ર રીતે બધી ક્રિયાઓ કરવા લાગ્યાં. જાણે દર્શાવતાં હોય કે મંદવાડ તો દેખાવ માત્ર તમને બધાને સેવા કરવા ને પ્રારબ્ધ કાપવા રાખ્યો છે. સ્વતંત્રપણે મેં ગ્રહણ કરેલો છે. હું ધારું ત્યારે તેને રજા આપી શકું છું.
બપોરે લગભગ અઢી વાગ્યે સેવિકાને કહ્યું કે, ‘‘મિશનમાં જઈ ભગવાનને જગાડો.’’ સેવિકાએ કહ્યું કે, ‘‘માસી, હજી તો અઢી વાગ્યા છે ને ભગવાન પોઢ્યા છે.’’ તો કહે કે, ‘‘હું જાગું છું એટલે ભગવાન પણ જાગશે.’’ પછી કહે કે, ‘‘મને તૈયાર કરો. મારે મહારાજની આરતી કરવા જવું છે.’’ પ્રાર્થના હૉલમાં જઈ સાડાત્રણ વાગ્યે પોતે મહારાજની આરતી ઉતારી. સેવિકાઓને કહ્યું, ‘‘મારે આનંદનો દિન આજ રે... એ કીર્તન બોલો.’’ સેવિકાઓએ એ કીર્તન ગાયું ત્યારે માસીનો ચહેરો અનેરા આનંદથી પુલકિત થઈ ઊઠ્યો. આ વાત કોઈ સેવિકાથી અજાણ ન રહી. મનમાં જાણે કહેતાં હોય કે, ‘‘મહારાજ, તમારું સોંપેલું જીવન તમારી આજ્ઞા પ્રમાણે જીવી, જીવોને તમારા તરફ વાળી અને હવે તમારી પાસે આવવાનો સમય થઈ ગયો છે.’’ ત્યાર બાદ ‘તમારી મૂર્તિ વિના મારા નાથ’ એ કીર્તન ગવરાવ્યું. એ કીર્તન સાંભળતાં જ પોતે મહારાજની મૂર્તિ સાથે તદ્રુપ થઈ ગયાં ને મૂર્તિમાં ઊંડા ઊતરી ગયાં. એ કીર્તન માસીને એટલું બધું પ્રિય હતું કે તે લગભગ દરરોજ ગાતાં ને ગવરાવતાં. ત્યાર પછી ધૂન કરાવી ઘરે આવ્યાં.