ઐશ્વર્યદર્શન : ૨
એક વખત કેટલાક સેવકો પૂ. માસીનાં દર્શને ગયેલા. દર્શન કરી માસી પાસે ઊભા હતા ત્યારે માસીએ બધાને પેંડા આપ્યા. સેવકોએ પૂછ્યું, ‘‘કેમ અચાનક પેંડા આપો છો ?’’ માસી હસતાં હસતાં બોલ્યાં, ‘‘આ વધામણીના પેંડા છે. મુંબઈમાં સેવકની દીકરીના ઘરે દીકરો આવવાનો છે તેની આ વધામણી છે.’’ સેવકો કહે, ‘‘માસી પુત્રીને હજી તો ડિલિવરી માટે હૉસ્પિટલ લઈ ગયા છે. ત્યાંથી હજી કાંઈ સમાચાર આવ્યા નથી.’’ સેવકો દર્શન કરી બહાર આવ્યા ને અર્ધી કલાકે જ ફોન આવ્યો કે દીકરીને ઘરે દીકરો જન્મ્યો છે. ત્યારે સેવકોને ખ્યાલ આવ્યો કે માસીએ અંતર્યામીપણે જાણી લઈ પેંડાની પ્રસાદી આપી હતી.
આવી જ રીતે એક હરિભક્ત બહેનને ડિલિવરી થવાની હજી ઘણા દિવસોની વાર હતી. સેવિકા પાંચ ડિસેમ્બરે માસીનાં દર્શને ગઈ ત્યારે માસીએ તેને કહ્યું, ‘‘તારી ભાણીને બે દીકરીઓ આવી ને ?’’ સેવિકાએ કહ્યું, ‘‘માસી હજી તો તેને વાર છે અને તેને બેબી છે કે બાબા તે કોઈને જાણ નથી.’’ માસીના તે કથનનો મર્મ સેવિકાને ત્યારે ન સમજાયો, પરંતુ તેરમી ડિસેમ્બરે જ્યારે ભાણીને બે દીકરીઓ અવતરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે દિવસે માસી પૂછતાં નહોતાં, પણ તેને જાણ કરતાં હતાં.
મુક્તને તો બધી જાણકારી હોવાથી સહજપણે વાત પૂછે કે કાંઈ કહે, પરંતુ જીવ એવો છે કે તે વખતે વાતનું હાર્દ સમજી ન શકે. તે વખતે તેની બુદ્ધિ તર્ક કરે. વાસ્તવિક ઘટના ઘટ્યા બાદ જ તેને મોટાની વાતનો સાચો અર્થ સમજાય છે. અને એ વખતે મોટાનો વિશેષ મહિમા સમજાય છે.