૯. કુશળ સંચાલક
૨૦મી સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ મામા મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. આ આઘાત માસી માટે જીરવવો અતિ અસહ્ય થઈ પડ્યો હતો, છતાં શ્રીજીમહારાજે પ્રેરેલી ધીરજથી માસી સ્વસ્થ રહી શક્યાં. એમની ધીરજ જોઈને સત્સંગ સમુદાયને ધીરજ બંધાઈ હતી, પરંતુ ત્યાર બાદ મામાની સ્મૃતિ થતાં જ તેઓ દ્રવી જતાં. તેઓ એમ જ કહ્યાં કરતાં કે એમના વગર હવે જીવનમાં મને કોઈ રસ રહ્યો નથી. મામાનું કાર્ય સંભાળવાની જવાબદારી હવે પોતાની છે, એમ વિચારી મામાની ગેરહાજરી તેમને ખૂબ જ સાલતી હોવા છતાં તેમણે મિશનના સંચાલનની સંપૂર્ણ જવાબદારી પોતાને માથે લઈ છેવટ સુધી માર્ગદર્શન આપી કુશળતાપૂર્વક મિશનનું સંચાલન સંભાળ્યું. મામાના અંતર્ધાન થયા પછી મિશનને સત્સંગમાં આગવું વિશિષ્ટ સ્થાન અપાવ્યું. સ્વામિનારાયણ ડિવાઇન મિશનનો સ્થાપના દિન દશેરા, શ્રીહરિ જયંતી, બાપાશ્રીનો પ્રાગટ્ય દિન, મામાશ્રીનો પ્રાગટ્ય દિન, મામાશ્રીની અંતર્ધાન તિથિ, બેસતું વર્ષ, ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, શરદપૂનમ વગેરે પર્વોએ બધાંએ ભેગાં થઈ સત્સંગ કરવાનું તેમણે સૂચન કર્યું અને એ પ્રમાણે એ પર્વોએ બ્રહ્મયજ્ઞ ઉજવવાનો પ્રારંભ કરાવ્યો. તેઓ કહેતાં કે, ‘‘હું ન હોઉં ત્યારે પણ આમ વારંવાર બધા ભેગા થઈ મહારાજ અને મુક્તોને સંભારે તો સત્સંગમાં સંપ, એકતા ને નિષ્ઠા જળવાઈ રહે, નહિ તો ધીમે ધીમે સત્સંગ ઘસાતો જાય. એટલે હું છું ત્યારથી મારી હાજરીમાં જ આ પ્રથા પાડી દઉં તો પાછળથી બધા ભેગા થઈ સત્સંગ કરે.’’ પૂ. માસી મિશનની દરેક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ તેના ઉત્કર્ષ માટે વિવિધ આયોજનો કરતાં ને બધા પ્રસંગોએ હાજરી આપતાં. આ રીતે મામાના અંતર્ધાન બાદ તેમનું કાર્ય હવેથી પોતાનું જ કાર્ય છે એવી રીતે એક કુશળ સંચાલક તરીકેની જવાબદારી તેઓએ સુપેરે નિભાવી.
મામાના દેહોત્સર્ગ પછી એક પણ દિવસ એવો નહિ વીત્યો હોય કે તેમણે મામાને ન સંભાર્યા હોય. મામાના અંતર્ધાન થયા પછી મામાએ દિવ્યરૂપે માસીને દર્શન આપી પાણી માગ્યું અને માસીએ પાણી લાવી મામાને આપ્યું એવા દર્શન આપી માસીને પ્રતીતિ કરાવી કે તેઓ જતા રહ્યા નથી, પણ સત્સંગમાં શ્રીજીમહારાજ સાથે સદાય પ્રગટ જ છે. આમ તો શ્રીજીમહારાજની સાથે તેમને મામાની સ્મૃતિ રહેતી જ, પરંતુ કામમાંથી નવરાશ મળે કે તરત જ તેઓ સેવક-સેવિકાઓ પાસે મામાની સાથેના પોતાના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને વાગોળતાં અને તેનું વર્ણન એવી અસરકારક રીતે કરતાં કે એ પ્રસંગ જાણે એ વખતે જ બની રહ્યો ન હોય ! આમ કરી તેઓ મામાના અખંડ સાંનિધ્યમાં રહેવા માગતાં હોય એ રીતે વર્તતાં. મામા મનુષ્યરૂપે પ્રગટ હતા ત્યારે તેમની સેવા કરી અનુસંધાન રાખતાં અને હવે તેમની દિવ્યસ્મૃતિ સાથે જીવનપ્રસંગો વર્ણવી અનુસંધાન રાખતાં. આમ, તેમનું જીવન મામામય જ બની ગયું હતું. મામાએ તેમને જીવન જીવવાની જે રીત શીખવી, એ પ્રમાણે જ તેઓ જીવનનિર્ગમન કરતાં રહ્યાં.
શ્રીજીમહારાજની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કરવું, આજ્ઞાપાલન ને ધર્મપાલનમાં ક્યારેય બાંધછોડ કરતાં નહિ. મામાને જેવી ચોખ્ખાઈ ને ચોકસાઈ ગમતી, તેવી જ ચોખ્ખાઈ ને ચોકસાઈ તેઓ પોતે પણ રાખતાં. સેવામાં આવનાર સેવક-સેવિકાઓને પણ ચોખ્ખાઈ, ચોકસાઈ, સુઘડતા, સાદગી, નિયમિતતા, આજ્ઞાપાલન, કરકસર, શિસ્તપાલન, સત્યાચરણ વગેરે સદ્ગુણો જીવનમાં ઉતારવાનું શીખવતાં. રૂમાલની ઘડી કરવા જેવી નાની બાબત પણ પોતે કરીને શીખવતાં. રૂમાલના છેડાને વ્યવસ્થિત વાળી, ભાર દઈને, હાથ ઘસીને જાણે ઇસ્ત્રી કરી હોય એમ વ્યવસ્થિત ઘડી કરીને દેખાડતાં. ભગવાનની પ્રતિમાઓને લૂછવી હોય ત્યારે ફ્રેમને જે કપડાથી લૂછી હોય તે કપડું મૂર્તિ લૂછવા માટે ન વાપરવું, પણ બીજું સ્વચ્છ - મુલાયમ કપડું લઈ ભગવાન પ્રત્યક્ષ છે એવા દિવ્યભાવ સાથે મૂર્તિ લૂછવી, એમ શીખામણ આપતાં. પોતે એમ કહેતાં કે ઉતાવળથી કોઈ કામ કરવું નહિ. ત્રણ કામ કરતાં હો તો બે કરો, પણ કામમાં પૂરતી ચીવટ ને જાગૃતિ રાખી કરો. આ રીતે સેવક-સેવિકાઓનું ઉત્તમ પ્રકારે જીવન ઘડતર કરતાં, જેથી ભાવિ પેઢી મામાના આદર્શોને લક્ષમાં રાખી ઉત્કૃષ્ટ પ્રકારનું ચારિત્ર્ય નિર્માણ કરી શકે.