ઐશ્વર્યદર્શન : ૨૨

0:000:00

મિશન સંસ્થામાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા સેવકના કાકા અમરેલી ગામમાં રહે. તેઓ ચુસ્તપણે વૈષ્ણવ સંપ્રદાયમાં માને. તેમનો દીકરો અમદાવાદમાં સેવક સાથે રહી ભણે. સેવક મિશનમાં સેવા આપે એટલે કાકાનો દીકરો પણ તેની સાથે મિશનમાં આવી મહારાજનાં દર્શન કરે ને માસીના આશીર્વાદ લે. એમ કરતાં તેને મહારાજ પ્રત્યે નિષ્ઠા થઈ અને માસીનો મહિમા થઈ ગયો.

એક વખત સેવકના કાકાને પેરેલિસિસનો એટેક આવ્યો. ઘરનાએ અમદાવાદ તેના દીકરાને ફોન કર્યો ત્યારે બપોરનો સમય હતો. સમાચાર સાંભળતાં જ દીકરો ઘણી ચિંતામાં આવી ગયો. બપોરના સમયે માસીને ખલેલ ન પહોંચાડવાના આશયથી મિશનમાં ઘનશ્યામ મહારાજનાં બહારથી દર્શન કરતાં કરતાં રડતો હતો. એ વખતે માસીના ઘરના બધા બારી-દરવાજા બંધ હોવા છતાં તેમને જાણ થઈ ગઈ. તેમણે છોકરાને અંદર બોલાવી લાવવા સેવિકાને કહ્યું. અંદર આવીને માસીને જોતાં તે વધુ રડવા લાગ્યો. માસીએ તેને પાણી પીવડાવ્યું, શાંત પાડ્યો ને વાત પૂછી. વાત જાણ્યા પછી કહ્યું, ‘‘તું જરા ય ચિંતા ન કર. તારી સાથે એક સેવક અમરેલી આવશે મહારાજ કરશે તો તમે જ્યારે સાંજે ત્યાં પહોંચશો, ત્યારે તારા પિતાજી ટેબલ પર બેસી નાસ્તો કરતા હશે. માટે ચિંતા કર્યા વગર ઘરે જા. જતા પહેલાં તું પણ અહીંથી નાસ્તો કરીને જા.’’ માસીએ તેને નાસ્તો કરાવી રજા આપી. સેવકની સાથે સાંજે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ખરેખર તેના પિતાજીની તબિયત સારી હતી અને તેઓ ટેબલ પર બેસી નાસ્તો જ કરી રહ્યા હતા. માસીના કહ્યા પ્રમાણેનું જ દૃશ્ય જોતાં સેવક અને દીકરો બંને ઘણા જ આશ્ચર્ય પામ્યા.

દીકરા પાસેથી માસીની વાત સાંભળ્યા પછી તેના પરિવારને પણ અત્યારે માસી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને દીકરાને તો જાણે જીવન પરિવર્તન થઈ ગયું હોય તેમ મહારાજ, મામા તથા માસીમાં હતા તેના કરતાં વિશેષ શ્રદ્ધા ને વિશ્વાસ થઈ ગયા છે.